વાડ જ્યારે ચીભડાં ગળે

14 March, 2020 11:57 AM IST  |  Mumbai | Ruchita Shah

વાડ જ્યારે ચીભડાં ગળે

યસ બેન્ક

સંકટ સમયે કામ લાગશે એમ વિચારીને સૌથી સુરક્ષિત ગણાતી જગ્યા એટલે કે બૅન્કમાં પૈસા મૂક્યા હોય અને એ પૈસા પણ જો ડૂબી જાય તો માણસ ક્યાં જાય? મહેનતની કમાણીનો એક પણ રૂપિયો વેડફાય તો એ સહ્ય નથી હોતું જ્યારે અહીં તો લોકોની જીવનભરની મૂડી દાવ પર મુકાઈ હોય ત્યારે વ્યક્તિની કેવી હાલત થાય એની કલ્પના તમે કરી શકો છો. આજે વાત કરીએ એવા લોકો સાથે જેઓ બૅન્કના ગોટાળાનો ભોગ બન્યા છે અને વગર વાંકે તકલીફોનો પહાડ જેમના માથે આવી પડ્યો છે.

ઘરમાં પૈસા સેફ નથી, બૅન્કમાં છે અને એટલે જ નજીવા વ્યાજ માટે પણ બૅન્કમાં પૈસા જમા કરાવવાની બાબત મોટા ભાગના લોકોની દિનચર્યામાં હોય છે. જોકે હવે બૅન્ક પણ સેફ નથી એવું એક પછી એક બૅન્કના ગોટાળા અને અનિશ્ચિતતાઓને કારણે લોકોને લાગી રહ્યું છે. માહોલ ડરનો છે અને વાતાવરણ આર્થિક સંકડામણનું છે. શૅરબજારથી લઈને તમામ ધંધાઓમાં મંદીનાં વાદળોએ સામા‌‌જિક ફ્રન્ટ પર લોકોમાં હતાશા ભરવાનું કામ કર્યું છે. બૅન્ક જ હવે જ્યારે કરજમાં ડૂબી હોય અને બૅન્કમાં પડેલા લોકોના પૈસા બ્લૉક થઈ ગયા હોય ત્યારે લોકો કેવી-કેવી તકલીફો સહન કરતા હોય છે એ વિશે અમે કેટલાક લોકો સાથે વાત કરી એ વિશે વાંચો આગળ.

અત્યારે તો નક્કી કર્યું છે કે હવે ક્યારેય બૅન્કમાં પૈસા નહીં મૂકું : સાગર પ્રજાપતિ

દહિસરમાં રહેતા ફોટોગ્રાફર સાગર પ્રજાપતિના લગભગ દસ લાખ રૂપિયા પીએમસી બૅન્કમાં હતા જે હવે ક્યારે મળશે એની તેને ખબર નથી. સાગર કહે છે, ‘મારા જીવનની તમામ મૂડી અત્યારે નાદારી ભોગવી રહેલી બૅન્ક સાથે ફના થઈ ગઈ છે એમ કહેશો ચાલશે. પહેલાં ૨૧ તારીખે પૈસા કઢાવવાનો હતો પણ પછી નક્કી કર્યું કે ત્રણ તારીખે કઢાવીને સીઝન આવી રહી હતી એટલે નવો કૅમેરો લઈશ. જોકે ૨૩ તારીખે બૅન્કમાંથી પૈસા નહીં નીકળે એવું જાહેર થઈ ગયું. જે દિવસે સમાચાર આવ્યા એ દિવસે ખિસ્સામાં માત્ર ૧૧૧ રૂપિયા હતા. હું મોટા ભાગનું પેમેન્ટ કૅશલેસ કરતો હતો. આપણે ડિજિટલ ઇન્ડિયાને વધુ ગંભીરતાથી લઈ લીધું અને એનું પરિણામ પણ ભોગવ્યું. મિત્રો અને રિલેટિવ્સે અત્યારે ઘરખર્ચમાં તો હેલ્પ કરી લીધી. અત્યારે મને રોજ-રોજ બૅન્કમાં પૈસા જમા કરાવવાની મારી આદત પર ગુસ્સો આવે છે. આ અનુભવ પછી કદાચ જીવનમાં ક્યારેય બૅન્કમાં પૈસા નહીં મૂકું. ભરોસો જ નથી રહ્યો મને. અત્યારે ઈએમઆઈ, મારી પૉલિસીનાં પ્રીમિયમ બધું જ હોલ્ડ પર છે. મને નથી ખબર કે મારે કયા ગુનાની સજા ભોગવવાની છે. બૅન્ક પર ભરોસો મૂક્યો એ જ મારો ગુનો ગણાયને? આ લૉસને બેર કર્યા વિના છૂટકો પણ નથી. આપઘાત તો નથી કરી શકવાનો કંઈ. મારી બે દીકરીઓ છે નાની-નાની.’

સાગરનું એક અકાઉન્ટ બૅન્ક ઑફ બરોડામાં પણ છે. જોકે પીએમસી બૅન્ક ઘરની નજીક હોવાથી બધો વહેવાર એ જ બૅન્કમાં ચાલતો હતો. છ મહિનામાં પૈસા મળશે એવું બૅન્ક તરફથી કહેવામાં આવ્યું હતું. હવે એ મુદત પૂરી થવા આવી છે. તે કહે છે, ‘સાલું તમે ક્યાંય કોઈના પર ભરોસો મૂકી શકો એવી સ્થિતિ રહી નથી અને મરો તો હંમેશાં નાના માણસનો થવાનો છે. રોજબરોજના ખર્ચા કાઢો અને એમાં ખરી મહેનત પછી જે ચાર પૈસા તમે ભેગા કર્યા હોય એ પણ આ બૅન્કમાં ડૂબી જાય ત્યારે ક્યાંય જવાનો આરો રહેતો નથી.’

નવું બુટિક શરૂ કરું એ પહેલાં બધા પૈસા અટકી પડ્યા : કવિતા સંઘવી

ભાંડુપમાં રહેતી ફૅશન-ડિઝાઇનરનું પોતાનું બુટિક શરૂ કરવાનું સપનું પૂરું થયું પણ એનો આનંદ તે મનાવી ન શકી, કારણ કે પીએમસી બૅન્કમાં મૂકેલા તેના લાખો રૂપિયા અટકી ગયા. કવિતા કહે છે, ‘બુટિકના ઇનોગ્યુરેશનમાં બુક કરેલા કેટરર, ઇન્ટીરિયર ડિઝાઇનર, ફૅબ્રિક અને માણસોના પગાર એમ બધા માટે ફન્ડ બૅન્કમાં રાખ્યું હતું. અમાઉન્ટ મોટો હતો અને મારા હસબન્ડે કહ્યું પણ હતું કે અહીં ન રાખ, પણ મને એમ કે બુટિકની નજીકની બૅન્ક છે અને થોડાક દિવસમાં તો ઉપાડી જ લેવાના છે એટલે રહેવા દીધા. બુટિકના ઇનોગ્યુરેશનને ગણતરીના દિવસો બાકી હતા ત્યારે બૅન્ક ઊઠી ગઈ. પૈસા નહીં મળે. ખરેખ‌ર કહું તો એ સમયે મને જ નહોતું સમજાતું કે આ શું થઈ ગયું. કેવી રીતે બધાના પૈસા ચૂકવીશ? શું કરીશ? કેટરર કે ઇન્ટીરિયર ડિઝાઇનર થોડા સમજવાના છે કે પૈસા બૅન્કમાં અટવાઈ ગયા. મારા ઇન્ડિપેન્ડન્ટ કામ કરવાના વેન્ચરમાં શરૂઆતમાં જ આ બ્રેક લાગી એનો આઘાત હતો, પણ હસબન્ડે સપોર્ટ કર્યો. છતે પૈસે મારે સપોર્ટ લેવો પડ્યો. અત્યારે સ્થિતિ એ છે સેવિંગ્સનો વિચાર જ ભૂલી જાઓ. ભવિષ્ય જેવું કંઈ છે જ નહીં, કારણ કે તમે ક્યાંય પણ પૈસા રાખશો તો એની સેફ્ટીની કોઈ ગૅરન્ટી રહી નથી. ઘરમાં રાખશો તો ચોરી થવાનો ડર, બૅન્કમાં રાખશો તો બૅન્કની આ અવદશા, ઇન્વેસ્ટ કરશો તો ખબર નહીં ક્યારે એ પડી ભાંગે. મારી એક ફ્રેન્ડના ફાધરને અટૅક આવી ગયો, કારણ કે તેમની પણ જીવનભરની મૂડી આ બૅન્કમાં જમા કરવામાં આવી હતી. શું કામ સરકારને આની ગંભીરતા નહીં સમજાતી હોય? મોટા પૈસા લેનારા ભાગી જાય છે અને હેરાન તો સીધાસાદા મિડલ ક્લાસ લોકોએ જ થવાનું છે. સતત ડર લાગે છે કે કોણ જાણે ક્યારે શું ઊઠી જશે.’

છેલ્લા દસ દિવસથી બિઝનેસને મોટી અસર થઈ છે : મનજિત કાપડિયા

કેમિકલ સપ્લાયનો બિઝનેસ કરતા મ‌નજિત કાપડિયાના લગભગ વીસ કરોડ રૂપિયા યસ બૅન્કમાં અટવાયેલા છે. તેમનો ડે ટુ ડે બિઝનેસ આ બૅન્કના કરન્ટ અકાઉન્ટથી થતો હતો. ઍડ્વાન્સ પેમેન્ટ પછી માલ સપ્લાય કરવાની તેમની સિસ્ટમ અત્યારે ખોરંભે ચડી છે. બૅન્કમાંથી પૈસા નહીં નીકળે એવી જાહેરાતના આગલા દિવસે જ તેમના કર્મચારીઓના પગાર થયા હતા. મોટા ભાગના તેમના એમ્પ્લૉઈની લાખોની ફિક્સ ડિપોઝિટ આ બૅન્કમાં છે. તેઓ કહે છે, ‘યસ બૅન્ક રિવાઇવ થશે એવું કહેવાય છે. કદાચ સમય લાગશે, પરંતુ એ પછીયે અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ એ શું અમે ડિઝર્વ કરીએ છીએ? તમે જ કહો કે અમને કઈ વાતની સજા મળી રહી છે? સમયસર સરકારને ટૅક્સ ચૂકવીએ છીએ એની? સંપૂર્ણ કાયદાકીય રીતે કામ કરતા હો છતાં તમે તકલીફમાં આવી શકો છો એમ જ આ પ્રકારની ઘટનાઓ કહે છે. શું કામ બૅન્કની ઇનએફિશિયન્સીની સજા નિર્દોષ કસ્ટમરને મળવી જોઈએ? આજે ધંધાના ગ્રોથને બદલે ધંધો કેવી રીતે અકબંધ રાખવો, પૉલ‌િસીઓ બદલીને ક્રેડિટ પર કસ્ટમર સાથે ડીલ શરૂ કરી છે પણ એ ક્યાં સુધી ચાલશે? અંગત રીતે કદાચ અન્ય વ્યવસ્થાને કારણે હું હજી થોડોક સચવાયેલો છું, પણ મેં લોકો જોયા છે જેમને માટે અત્યારે આભ ફાટી પડ્યું છે. યસ બૅન્કમાં જ એક પરિચિતે અહીંતહીંથી ભેગા કરીને સાત કરોડ રૂપિયા જમા કર્યા અને પાંચ કરોડની ક્રેડિટ તેને બૅન્ક પાસેથી મળવાની હતી. બાર કરોડની એક ડીલ તેણે ફાઇનલ કરી અને બાર કરોડ રૂપિયા ભરવાના હતા એની પહેલાં જ આ ઘટના ઘટી. પાંચ કરોડ તો સાઇડમાં ગયા, પણ ઉપરના સાત કરોડ પણ બૅન્કમાં બ્લૉક થઈ ગયા. બૅન્કિંગ સેક્ટરમાં આ પ્રકારની ઘટનાઓએ લોકોમાં જોરદાર અવિશ્વાસ પેદા કરવાનું કામ કર્યું છે. અત્યારે મોટા ભાગના કસ્ટમરો વગર વાંકે દંડાઈ રહ્યા છે. ભરોસો કર્યો એ જ તેમનો એકમાત્ર વાંક છે. તમે માનશો નહીં પણ પહેલાં અમારું ખાતું કો-ઑપરેટિવ બૅન્કમાં હતું પણ કો-ઑપરેટિવ બૅન્કના લૉસની વાતો સાંભળીને બાર વર્ષ પહેલાં યસ બૅન્કમાં અકાઉન્ટ ખોલાવ્યું. એ કો-ઑપરેટિવ બૅન્ક હજી પણ સક્રિય છે પણ યસ બૅન્કની દશા સૌની સામે છે.’

મનજિતભાઈ માને છે કે હજીયે બૅન્કિંગ સેક્ટરમાં સરકાર કડક નિયમો નહીં બનાવે તો આવનારા સમયમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની છે. એન્જૉય કરવાવાળા મોટી રકમ લઈને નીકળી ગયા અને દુઃખી પબ્લિકે થવાનું છે.

ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર ગૌરવ મશરુવાલા કહે છે : આપણી ભૂલ ક્યાં છે એ પણ સમજી લો

અત્યારે જે પરિસ્થિતિ છે એ અફકોર્સ સ્વીકારાય એવી નથી, પરંતુ સરકાર કે બૅન્કના કર્તાહર્તા કે માર્કેટને કોસતા રહેવાથી કોઈ સોલ્યુશન મળવાનું નથી. ઘણી વાર લોકો પણ કેટલુંક બેજવાબદાર વર્તન કરી બેસતા હોય છે. શૅરબજારમાં ઇન્વેસ્ટ કરનારા અને અત્યારની માર્કેટની સ્થિતિને કોસનારા લોકોને ઉલ્લેખીને એક વાત કહીશ. ક્યારેય બાહ્ય પરિસ્થિતિને જોઈને રોકાણ નહીં કરો, કારણ કે બહાર શું ચાલી રહ્યું છે સતત એ જોઈને તમે તમારા નિર્ણય લેવાના હશો તો હું ખાતરી આપું છું કે અત્યારની પરિસ્થિતિનો સામનો તમારે વારંવાર કરવાનો આવશે. શૅરબજારમાં સટ્ટો રમવા જશો તો ફાવશો એની કોઈ ખાતરી નહીં, પણ ઇન્વેસ્ટમેન્ટ લાભ આપશે. જો લાંબા ગાળાનું હશે તો. છેલ્લાં બધાં જ વર્ષોનો ટ્રૅક રેકૉર્ડ જુઓ કે અત્યાર સુધીના ટ્રૅક રેકૉર્ડ જોઈ લેવાની છૂટ છે. ઘણી વાર શૅરબજાર તૂટ્યા પછી પાછું બાઉન્સ બૅક થયું જ છે. બીજી વાત, ઘણી વાર આપણે પણ નજીવા વધારાના વ્યાજ માટે નૅશનલાઇઝ્ડ બૅન્ક છોડીને આ પ્રકારની બૅન્કમાં પૈસા નાખી દેતા હોઈએ છીએ એમ ફેરવિચાર કરવો જોઈએ. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એવું કહેવાય છે. અહીં આ જ ઘાટ ઘડાયો છે. જ્યારે એસબીઆઇ સાડાત્રણ ટકા વ્યાજ આપતી હોય ત્યારે શું કામ યસ બૅન્ક કે અન્ય બૅન્ક સાત ટકા આપે એ વિચારો. જો વધુ જોઈએ છે તો રિસ્ક પણ રહેવાનું જ. શૅરબજારમાં પણ એટલે જ જોખમ છે, કારણ કે એ અન્ય કરતાં વધુ રિટર્ન આપી શકવાની ક્ષમતા પણ ધરાવે છે. રિઝર્વ બૅન્ક સમય-સમય પર બૅન્કના ટ્રૅક રેકૉર્ડ પર નોટિફિકેશન બહાર પાડતી રહે છે એના પર ધ્યાન આપો. અલર્ટ રહેવાનો સમય છે. એ પણ જુઓ કે અત્યાર સુધીમાં એવી કઈ બૅન્ક છે જે ઊઠી ગયા પછી રિઝર્વ બૅન્કે એને મર્જ ન કરી હોય. માન્યું કે અત્યારે પૈસા અટવાયા છે, પણ એ પાછા આવશે. થોડીક ધીરજ રાખો. મિનિમમ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ તો રિઝર્વ બૅન્ક તમને આપવા બંધાયેલી છે એવો પણ ફેરફાર નવા નિયમમાં છે. દુનિયા જવાબદારીપૂર્વક ન વર્તતી હોય તો પણ તમારે વર્તવું પડશે.

હવે કેટલીક પાયાની તકેદારી દરેકે રાખવી જ જોઈએ એની વાત કરીએ.

૧ સૌથી પહેલાં તો પંદર દિવસ તમારું ઘર વ્યવસ્થિત ચાલી શકે એટલું ઇમર્જન્સી ફન્ડ તમારા ઘરમાં હોવું જોઈએ.

૨ કમ સે કમ તમારું એક સેવિંગ્સ અકાઉન્ટ તો નૅશનલાઇઝ બૅન્કમાં હોવું જ જોઈએ.

૩ હેલ્થ ઇન્શ્યૉરન્સ અને પૂરતી માત્રામાં મેડિક્લેમ હોવા જ જોઈએ.

૪ લોનનું બર્ડન ઓછામાં ઓછું રાખો.

૫ જ્યારે કોઈ બૅન્કમાં ફન્ડ બ્લૉક થઈ ગયું હોય ત્યારે નવું ફન્ડ એમાં ન જાય એ માટે સૌથી પહેલાં સતર્ક થઈ જાઓ. એટલે કે તમારું સૅલરી અકાઉન્ટ, તમારાં ડિવિડન્ડ અને તમારા અન્ય કોઈ પૈસા આવવાના હોય તો સીધેસીધા લિન્ક થયેલા અકાઉન્ટમાં ન જાય એના માટે અલર્ટ થઈ જાઓ.

૬ તમારા ઈએમઆઇ અટકી પડ્યા હોય તો જે-તે ઇન્સ્ટિટ્યૂટને તમારી અત્યારની સ્થિતિ વિશે ‌ઇન્ફૉર્મ કરી દો. મોટા ભાગે તેઓ પરિસ્થિતિને સમજતા હોય છે અને તમને ગ્રેસ પિરિયડ આપશે જ. જોકે એમાં તમારો પાસ્ટ રેકૉર્ડ મહત્ત્વનો છે.

૭ તમારું ઇન્વેસ્ટમેન્ટ નાણાકીય ધ્યેય સાથેનું હોવું જોઈએ. એટલે કે કયું ઇન્વેસ્ટમેન્ટ તમે કયા ગોલ માટે કે કયું સપનું પૂરું કરવા માટે કરો છો એ તરફ ધ્યાન રાખો. જેમ કે એક્સ ઇન્વેસ્ટમેન્ટ તમે દસ વર્ષ પછી તમારી દીકરીના મૅરેજ માટે કર્યું છે, વાય ઇન્વેસ્ટમેન્ટ તમે બે વર્ષ પછી ફૉરેન ટ્રિપ માટે કર્યું છે, ઝેડ ઇન્વેસ્ટમેન્ટ તમે તમારા રિટાયરમેન્ટ માટે કર્યું છે. આ બધું જ ક્લિયર હોવું જોઈએ.

yes bank yes bank crisis ruchita shah columnists weekend guide