તમે ઉપયોગ કરો તો સર્વન્ટ તમારો ઉપયોગ કરે તો માલિક

25 October, 2019 04:10 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ

તમે ઉપયોગ કરો તો સર્વન્ટ તમારો ઉપયોગ કરે તો માલિક

ધનતેરસ

પૈસો હાથનો મેલ છે. પૈસા પાછળ ભાગવાનું નહીં, પૈસો સંઘરો તો એ વધારે દૂર ભાગે.

આ અને આવી અનેક ઉક્તિઓ અગાઉ અનેક વખત તમે સાંભળી હશે, પણ મહત્વનું એ છે કે આ ઉક્તિઓને સાચી માનવી કે નહીં? કહેવાયેલી આ વાતોના આધારે પૈસાનું મૂલ્ય શું આંકવું અને એ પૈસાને કેટલા મહત્વના ધારવા એના વિશે વિશ્વના પ્રસિદ્ધ અને વિખ્યાત બિઝનેસમૅન શું માને છે એ જાણવાનું છે તો સાથોસાથ એ પણ જાણવા મળશે કે આજે લાખો-કરોડોમાં આળોટતા આ બિઝનેસમૅનને પૈસાનું મહત્વ કેટલું અને કેવું છે? વાત જ્યારે પૈસાની હોય ત્યારે સૌથી પહેલું જો કોઈ યાદ આવે તો ઍપલના ફાઉન્ડર સ્ટીવ જૉબ્સ યાદ આવે.

સરળ પૈસાનો સીધો રસ્તો, સૌથી અટપટો વિચાર

સ્ટીવ જૉબ્સે આ જ વિચારના આધારે વિશ્વભરમાં ક્રાન્તિ લાવી દે એવા આઇફોન અને આઇપૅડનું સર્જન કર્યું. સ્ટીવ જૉબ્સે તેમની બાયોગ્રાફીમાં કહ્યું છે કે જો પૈસા કમાવા હોય અને આસાનીથી પૈસા કમાવા હોય તો તમારા વિચારોનું વળતર મળતું રહે એ પ્રકારનું કામ કરવું જોઈએ અને એ દિશામાં નક્કર કામ કરવું જોઈએ. વાત સમજવા યોગ્ય અને જીવનમાં ઉતારવાલાયક છે. સ્ટીવ જૉબ્સે જ કહ્યું હતું કે ‘હું આળસુ છું એટલે મને કામ કરવું વધારે ગમતું નથી. મારા આ સ્વભાવને હું પહેલેથી ઓળખી ગયો એટલે મેં એ જ કામ કર્યું જે કામ ઑટોમૅટેડ મોડ પર ચાલતું રહે અને મારી જરૂરિયાતો પૂરી થતી રહે. હું જેટલું કમાયો છું એની સરખામણીમાં મેં ફિઝિકલ લેબર પાંચ ટકાની પણ નથી કરી એવું કહું તો ચાલશે.’

પૈસો, સરળ પૈસો કમાવો હોય તો હાર્ડવર્ક નહીં, પણ સ્માર્ટવર્ક કરવું જોઈએ. સીધો હિસાબ છે અને સલાહ પણ સાવ સરળ છે, પણ આ સરળ સલાહને જીવનમાં ઉતારવાનું કામ થોડું અઘરું છે, કારણ કે એ ઉતારવાનો અર્થ માત્ર એક જ છે, જેકાંઈ કરો એ હટકે કરો.

નિષ્ફળતાની તૈયારી મોટી સફળતા આપે છે

આવું કહે છે સચિન બંસલ. સચિન અને બિન્ની બંસલનું નામ તમારે માટે અજાણ્યું હોઈ શકે, પણ જો તમારી સામે ફ્લિપકાર્ટનું નામ લેવામાં આવે તો તમે તરત જ એ ઑનલાઇન શૉપિંગ પૉર્ટલને ઓળખી જવાના છો. આ ઑનલાઇન શૉપિંગ પૉર્ટલ વૉલમાર્ટે ખરીદી લીધું, પણ એની શરૂઆત સચિન બંસલે કરી હતી. સચિન બંસલ કહે છે કે ‘સક્સેસ મળશે તો પૈસા આપોઆપ મળશે એટલે પહેલા જ દિવસથી પૈસા પાછળ ભાગવાને બદલે સફળતાની સાચી દિશા શોધજો. જો નિષ્ફળતાની તૈયારી સાથે આગળ વધશો તો મોટી સફળતા મળશે એ નક્કી છે અને નિષ્ફળ નહીં થવું હોય તો તમે તમારા કામને પહેલા જ દિવસથી એક સિક્યૉર બિઝનેસમૅનની જેમ હૅન્ડલ કરશો, જે તમને મોટી સફળતા નહીં આપે.’

સચિન અને બિન્ની બંસલને ફ્લિપકાર્ટમાંથી ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. આજે બન્ને જણ નવેસરથી સ્ટાર્ટઅપ માટે ચાર ઇન્ડસ્ટ્રી પર કામ કરી રહ્યા છે. પૈસો તેની પાસે જઈને રોકાતો હોય છે જે એ પૈસાને આગળ ધકેલવા માટે રાજી રહેતો હોય છે. જો પૈસાને રોકશો તો એ પૈસો ક્યારેય નવો પૈસો લઈ આવવાનું કામ નહીં કરે. સચિન બંસલ કહે છે, ‘આજના સમયમાં ફૉલોઅર્સ પૅટર્ન પર કામ કરવું જોઈએ. તમને ફૉલો કરનારા જો તમે સર્જી શકશો તો તમારા કામમાં તમે સેફ પણ રહેશો. ફ્લિપકાર્ટમાં અમે એ પૅટર્નને પકડી રાખી, જેને કારણે હ્યુજ ક્લાયન્ટલ અમારા હાથમાં આવ્યો અને અમે ફ્લિપકાર્ટને દેશની જાયન્ટ ઑનલાઇન કંપની તરીકે એસ્ટૅબ્લિશ કરી શક્યા.’

ફ્લિપકાર્ટની શરૂઆતની વર્ક-પૅટર્ન જોશો તો તમે બંસલને ગાંડો પણ ગણી લો. વેચનાર અને ખરીદનાર વચ્ચે સોદો થાય અને પાંચ પૈસાનો કંપનીને લાભ ન થતો હોય, ફરીથી વાંચી લો, પાંચ પૈસાનો પણ ફાયદો ન થતો હોય તો પણ ફ્લિપકાર્ટ એ સોદો કરવા રાજી રહેતી. સચિન બંસલ કહે છે, ‘કામ થાય એ જરૂરી છે, પછી એ કોઈનું પણ કામ હોય.’

ઇન્વેસ્ટ કરેલો પૈસો મોટા ભાઈની જવાબદારી નિભાવે છે

આ ઍડ્વાઇઝ છે વિશ્વની શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ મૉર્ગન સ્ટૅનલીના સ્થાપક હેન્રી મૉર્ગનની. પૈસો બચાવો નહીં, એને ઇન્વેસ્ટ કરો અને બચાવેલા પૈસામાંથી પણ નવી આવક ઊભી કરો. આમ જોઈએ તો આ વાત ગુજરાતીને સમજાવવાની જરૂર ન પડે, પણ હા, એનો સાચો ભાવાર્થ કહેવો પડે એવો સમય હવે આવી ગયો છે. ઇન્વેસ્ટમેન્ટ માટેના નવા રસ્તા વિચારવા પડશે અને એને માટે ધીરજ રાખતાં પણ શીખવું પડશે. સોનું, શૅર અને બહુ-બહુ તો રિયલ એસ્ટેટ. આમ ત્રણ જ સેક્ટરને ઇન્વેસ્ટમેન્ટ માટેનાં સેક્ટર માનવામાં આવે છે, પણ એવું નથી. ઇન્વેસ્ટમેન્ટના અનેક રસ્તા છે અને હેન્રી સ્ટૅનલીના કહેવા મુજબ તો સાયલન્ટ પાર્ટનરશિપ લેવી એ પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે અને તેમના જ કહેવા મુજબ એમાં ઓછામાં ઓછું રિસ્ક હોય છે. હેન્રી સ્ટૅનલીએ કહ્યું હતું કે ‘જરૂર પડે ત્યારે તમે તમારી ફૅમિલી પાસે હેલ્પ માગી શકો, જો તમારે એ ન માગવી હોય તો તમારા એક્સ્ટ્રા ફન્ડને એવી રીતે ઇન્વેસ્ટ કરો જેથી સમય આવ્યે એ ફૅમિલી બનીને તમારી બાજુમાં ઊભું રહી શકે.’

ઇન્વેસ્ટમેન્ટની એક રૂપરેખા પણ હેન્રી સ્ટૅનલીએ સમજાવી છે, જેને આજે જગતભરના ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર ફૉલો કરી રહ્યા છે. થતી બચતમાંથી કેટલી રકમ સેવિંગ્સ ગણવી અને કેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરવું એ સમજદારી આવવી બહુ જરૂરી છે. આગળ કહ્યું એમ, ગુજરાતીઓ માટે સોનું, શૅર અને પ્રૉપર્ટી એ ત્રણ જ ઇન્વેસ્ટમેન્ટનાં સેક્ટર છે અને આ ત્રણ સેક્ટર પહેલાં એને માત્ર સેવિંગ્સ આવડે છે. ચેન્જ યૉર માઇન્ડ, તમારી બચતને તમારા માટે કામે લગાડો.

આ પણ વાંચો : સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તહેવાર છે દિવાળી

તક હંમેશાં કામનાં કપડાં પહેરીને આવે છે

આ વાતને ફરી એક વાર વાંચીને બરાબર સમજી લેજો. તક હંમેશાં કામનાં કપડાં પહેરીને આવે છે અને એટલે જ એને સીધી ઓળખી શકાતી નથી. આ વાત કહી છે બિલ ગેટ્સ, માઇક્રોસૉફ્ટના ફાઉન્ડરે. વિશ્વના ટોચના પાંચ માલતુજારોમાંના એક ગણાતા બિલ ગેટ્સના આ શબ્દોને સૌકોઈએ સમજવાની જરૂર છે. કામ વિના ઉદ્ધાર નથી. મોઢું જોવા માટે કોઈ ફદિયું પણ ચૂકવવાનું નથી. તક આવશે તો એ કામના સ્વરૂપમાં જ આવશે અને કામ બનીને જ એ તમારી પાસે ઊભી રહેશે. જો તમે ઇચ્છતા હો કે તમારે એ તક ઝડપવી છે તો તમારે કામ કરવું પડશે. જો તમે ઇચ્છતા હો કે તમારે સફળ થવું છે તો તમારે કામ કરવાની તૈયારી રાખવી પડશે.

માઇક્રોસૉફ્ટનો જન્મ થયો એ સમયે કોઈને પણ એવી કલ્પના નહોતી કે કમ્પ્યુટર પર્સનલ કમ્પ્યુટર બનીને રોજબરોજના ઉપયોગમાં આવી શકે. અકલ્પનીય વાત હતી એ. એવી ધારણા હતી કે રૉકેટ ઉડાડવા માટે કે ન્યુક્લિયર મિસાઇલ છોડવામાં જ કમ્પ્યુટરનો ઉપયોગ થઈ શકે. રોજબરોજના કામમાં એની કોઈ આવશ્યકતા નથી અને ઉપયોગિતા પણ નથી, પણ બિલ ગેટ્સે એ કામ કર્યું અને આજે, આજે પર્સનલ કમ્પ્યુટરે જગત બદલી નાખ્યું છે. બિલ ગેટ્સ દિવસમાં એક કલાક કામ કરે છે. માત્ર એક કલાક અને એ એક કલાકના કામ પછી પણ આજે એ જગતના ટોચના પાંચ માલતુજારો પૈકીના એક છે. જો પૈસાનો ઉપયોગ કરવામાં આવે તો એ તમારો શ્રેષ્ઠ સર્વન્ટ બનીને રહી શકે અને જો પૈસો તમારો ઉપયોગ કરતો થઈ જાય તો એ તમને ગુલામ બનાવી દે.

diwali Rashmin Shah columnists