બરસો પુરાના એક રિશ્તા પલ મેં અફસાના હુઆ દરવાજે પે ઉસને પૂછા...

17 February, 2020 03:33 PM IST  |  Mumbai | Pravin Solanki

બરસો પુરાના એક રિશ્તા પલ મેં અફસાના હુઆ દરવાજે પે ઉસને પૂછા...

પ્રવીણ સોલંકી

કૃષ્ણને હંમેશાં જીવનમાં જશને બદલે જોડાં જ મળ્યાં છે. કુટુંબજીવનમાં પણ, પરંતુ કૃષ્ણએ આ બાબતે જીવનભર કોઈને ક્યારેય ફરિયાદ નથી કરી. સદાય હસતે મોઢે બધું સ્વીકારી લીધું છે. આ જ કળાને કારણે તેઓ પૂર્ણપુરુષોત્તમ બની શક્યા. સત્યભામાએ રૂસણાં લીધાં છે એ વાતની શ્રીકૃષ્ણને ખબર પડી. ગુસ્સે થયેલી પત્નીને મનાવવાની કળા દરેક પુરુષે કૃષ્ણ પાસેથી શીખવા જેવી છે. હરિવંશમાં કૃષ્ણ સત્યભામાને કઈ રીતે રીઝવે છે એનું સુંદર વર્ણન છે...

કૃષ્ણ ધીમે પગલે રૂસણાઘરમાં પ્રવેશ્યા. ઇશારો કરીને દાસીઓને બહાર મોકલી દીધી. મોઢું ઢાંકીને, પૂંઠ ફેરવીને સત્યભામા બેઠી હતી. કૃષ્ણ ત્યાં આવ્યા છે એની તેને જાણ નહોતી. કૃષ્ણ પાછળ ઊભા રહીને પંખો નાખવા લાગ્યા. અચાનક સત્યાએ ચમકીને કૃષ્ણ સામે જોયું. કૃષ્ણએ મલકાતાં કહ્યું કે ‘તું ભમર ચડાવીને, સીધી નજર કરીને, હાથ પર હડપચી ટેકવીને બેઠી છે એથી બહુ સુંદર લાગે છે.’ પછી કૃષ્ણએ સત્યાને છાતીએ વળગાડી. ‘કેમ રડો છો? પૂર્ણ ચંદ્ર સવારે દેખાય, કમળનું ફૂલ બપોરે દેખાય એવું તારું ચંદ્ર-કમળ મુખ કેમ થયું? સત્યભામા, હું તો તારા ચાકર તરીકે દુનિયાભરમાં જાણીતો છું. હુકમ કરો, શું સેવા કરું?’ સત્યભામાએ કહ્યું, ‘તમારી બધી પત્નીઓમાં હું જ સૌથી વધારે તમને ગમું છું એવા ગર્વથી હું આજ સુધી ઊંચે માથે ફરતી હતી. તો પછી નારદે આપેલું પારિજાતનું ફૂલ તમે બીજીને કેમ આપ્યું? મને કેમ તરછોડી?’ કૃષ્ણએ કહ્યું, ‘વહાલી, બસ આ એક ભૂલ માફ કરી દે. અરે એક ફૂલ તો શું, હું તારે માટે પારિજાતનું આખું વૃક્ષ આંગણામાં રોપાવી દઈશ, બસ?’ સત્યભામાએ આ વાત પકડી લીધી.

કૃષ્ણએ કહેતાં તો કહી દીધું, પણ પછી મૂંઝાયા. નારદજીને મળ્યા. નારદે કહ્યું કે ઇન્દ્ર કોઈ રીતે પારિજાત આપશે નહીં. સમુદ્રમંથનમાંથી નીકળેલા આ વૃક્ષની માગણી ખુદ શંકર ભગવાને ઇન્દ્ર પાસે કરેલી, પણ ઇન્દ્રએ સાફ ના પાડી દીધી હતી. કહ્યું હતું કે આ તો ઇન્દ્રાણીનું ક્રીડાવૃક્ષ છે. એ હું કોઈને ન આપું. કૃષ્ણએ જવાબમાં નારદજીને કહ્યું હતું કે હું કોઈ નથી, હું તો ઇન્દ્રના નાના ભાઈ સમાન છું. ઇન્દ્ર પોતાના પુત્ર જયંત જેટલો જ સ્નેહ મને કરે છે. તમે ઇન્દ્રને એક વાર પૂછી તો જુઓ.

કૃષ્ણનો આગ્રહ નારદ ટાળી ન શક્યા. ઇન્દ્ર પાસે જઈને બોલ્યા કે સત્યભામાએ લીધેલી હઠ પૂરી કરવા માટે કૃષ્ણએ તમારી પાસેથી પારિજાતનું વૃક્ષ મગાવ્યું છે. આપની પુત્રવધૂ સમાન સત્યભામાની ઇચ્છા પૂરી કરવા કૃષ્ણએ પ્રણિપત્ય એટલે કે પગે લાગીને વિનંતી કરી છે. ઇન્દ્રે બહુ સૂચક જવાબ આપતાં કહ્યું કે ‘કૃષ્ણને કહેજો કે તમે ભૂમિનો ભાર ઉતારવા કામચલાઉ માનવદેહ ધારણ કર્યો છે. કામ પતાવીને તમે સ્વર્ગમાં આવો ત્યારે વહુના બધા લાડકોડ પૂરા કરીશું. પણ નજીવા કારણસર સ્વર્ગની વસ્તુ અને રત્નો માનવલોકમાં લઈ જવાય નહીં એવું જૂના જમાનાથી ચાલ્યું આવે છે. હું આ નિયમ તોડું તો મારે બ્રહ્માનો ઠપકો સાંભળવો પડે. વળી આપણે જ મર્યાદાસેતુ બંધ તોડીએ તો પછી દાનવો અને તેમના પક્ષકારો નિઃશંક રીતે બધા નિયમોનો અનાદર કરતા થઈ જાય.’

નારદ આગળ કાંઈ બોલે એ પહેલાં ઇન્દ્રે વધુ એક ઘા કર્યો અને કહ્યું કે ‘કૃષ્ણ સત્યભામાને પરવશ છે એવું લોકો જાણશે તો દુનિયામાં તેની અપકીર્તિ થશે. કૃષ્ણને સમજાવજો કે સત્યભામા માટે માનવજીવનને છાજે એવી અન્ય ભેટસોગાદો ભલે લઈ જાય, પણ સ્વર્ગીય ચીજોની લાલચ છોડો.’ નારદે કહ્યું, ‘આ બધું મેં કૃષ્ણને સમજાવ્યું છે પણ તેઓ તો જીદ લઈને બેઠા છે. કહે છે કે મેં સત્યભામાને વચન આપ્યું છે અને વચન પાળવા માટે હું કાંઈ પણ કરી શકું છું એ આપ જાણો છો. વળી તેમણે મને એમ પણ કહ્યું કે ઇન્દ્ર અને વચન એ બેમાંથી કોઈ એકની મારે આમન્યા રાખવી પડે તો હું વચનની રાખીશ.’

ઇન્દ્રને આ શબ્દો હાડોહાડ લાગી આવ્યા. એકદમ રોષપૂર્વક બોલ્યા કે ‘હું મોટો છું. કશું ખોટું કરતો નથી કે કહેતો નથી. કૃષ્ણ જો આ રીતે ઉદ્ધતાઈ કરશે તો મારે એનો જવાબ આપવો જ પડશે. કૃષ્ણએ અનેક વખત મને અણગમતાં કામ કર્યાં છે, પણ નાનો ભાઈ સમજીને મેં સાંખી લીધાં છે. ખાંડવવનમાં ઉદ્ધત અગ્નિને શાંત પાડવા મેં વરસાદ મોકલ્યો તો કૃષ્ણએ પાછો વાળ્યો. ગોવર્ધન પ્રસંગે પણ તેણે મારું અપમાન કર્યું. આવા તો કેટકેટલા પ્રસંગ તમને ગણાવું? રજોગુણ અને તમોગુણથી મારો ભાઈ (કૃષ્ણ) સંયમ ગુમાવી બેઠો છે. કામવાસનાથી અને એક સ્ત્રીના કહેવાથી મારા જેવા મોટેરા સામે બાથ ભરવા બેઠો? વાસનાયુક્ત કૃષ્ણએ કર્યું એવું મોટેરાનું અપમાન અમારા કુળમાં હજી સુધી કોઈએ નથી કર્યું. તમે જઈને કૃષ્ણને મારા વતી કહેજો કે દુશ્મને લલકાર્યા પછી હું મેદાનમાંથી કદી પાછીપાની કરતો નથી. રાજા હોવાને કારણે લડાઈમાં પહેલો ઘા કરવાનો હક મારો છે છતાં વહુઘેલો હોવાથી પહેલો ઘા ભલે તે કરે. વહુને વશ થયો હોવાથી, નાનો હોવા છતાં મને મોટાને પડકારે છે એ હું કેવી રીતે સાંખી લઉં? ભાઈ માટેના પ્રેમને કારણે પાંગળો ન થઈ જાઉં તો જરૂર લડીશ. અને લડાઈમાં કૃષ્ણના હાથે પરાજિત થયા સિવાય હું પારિજાત તો શું, પારિજાતનું અડધું પાંદડું પણ આપીશ નહીં. વળી મારા તરફથી તેને ખાસ કહેજો કે તેની ચાહત પ્રમાણે લડીને લઈ જાય, લુચ્ચાઈ કરીને કે છેતરીને ન લઈ જાય.’

નારદે ઇન્દ્રને સમજાવતાં કહ્યું, ‘તમે ઉશ્કેરાટમાં, વિચાર કર્યા વગર નિર્ણય લીધો છે એ યોગ્ય નથી. નાના ભાઈ પ્રત્યેની લાગણીને કારણે તમે કૃષ્ણ પર હથિયાર ચલાવી શકવાના નથી અને કૃષ્ણ પણ તમારી સામે હાથ ઉઠાવી શકશે નહીં. છતાં એક વાત નક્કી જ છે કે પારિજાતનું વૃક્ષ કૃષ્ણ ઉઠાવી જશે જ.’ નારદે જે માર્મિક વાત કરી એ સાંભળીને ઇન્દ્રે હસીને કહ્યું કે ‘કૃષ્ણના આવા પ્રભાવથી હું વાકેફ છું છતાં ઝાડ તો હું નહીં જ આપું.’

ઇન્દ્રને મળી નારદ કૃષ્ણ પાસે આવ્યા અને ઇન્દ્રે જે કહ્યું એ શબ્દેશબ્દ સહ કહ્યું. કૃષ્ણએ શાંતચિત્તે બધું સાંભળી લીધું. નારદનો આભાર માનીને વિદાય કર્યા! મનોમન કંઈક મંથન કરી એક નિશ્ચય કરી લીધો, અમરાવતી પર ચડાઈ કરવાનો! નંદનવનમાં પગ મૂકતાંની સાથે જ પહેલું કામ પારિજાત ઊંચકીને ગરુડની પીઠ પર મૂક્યું. સર્વત્ર હાહાકાર મચી ગયો. પવનવેગે ઇન્દ્રે આવીને કૃષ્ણને પડકાર્યા. ત્રાડ પાડીને બોલ્યા, ‘આ બધું શું ચાલી રહ્યું છે? કૃષ્ણએ વિવેકપૂર્વક જવાબ આપતાં કહ્યું, ‘તમારી વહુ-પુત્રવધૂને રાજી કરવાના પુણ્યકાર્ય માટે આ વૃક્ષશ્રેષ્ઠ લઈ જાઉં છું.’ બન્ને વચ્ચે ઘણો વિવાદ થયો, કોઈ પરિણામ આવ્યું નહીં અને ઘમસાણ યુદ્ધ થયું. અન્ય દેવ-દેવીઓએ ઘણી દરમ્યાગીરી કરવાના પ્રયત્ન કર્યા, પણ બધું વ્યર્થ ગયું. છેવટે અદિતિએ વચ્ચે પડવું પડ્યું. માએ સમાધાનનો મારગ શોધીને ફેંસલો સુણાવ્યો કે કૃષ્ણ પારિજાતનું વૃક્ષ દ્વારકા લઈ જાય, સત્યભામાનું રૂસણું છોડાવી, ઉજવણી કરીને વરસ પછી પાછું મૂકી જાય.’ આ સુખદ સમાધાન કાયમી નીવડ્યું. બન્ને પક્ષનું માન જળવાતું હોવાથી એનું પાલન પણ થયું. આ બન્ને જુદી-જુદી કથા-વાતો હરિવંશપુરાણ અને વિષ્ણુપુરાણમાં વર્ણવી છે, જે મહામાનવ કૃષ્ણમાં સરળ રીતે સમજાવી છે. અને છેલ્લે...

આમ જુઓ તો કૃષ્ણએ દ્વારકા ગયા પછી વધારેમાં વધારે સંઘર્ષ કરવો પડ્યો છે. કૃષ્ણજીવનનાં પરાક્રમોના ત્રણ તબક્કા ગણી શકાય. બાલકૃષ્ણની સંપૂર્ણ અભિવ્યક્તિ વૃંદાવનવાસના દાયકામાં દેખાય છે. બીજો તબક્કો યુધિષ્ઠિરના રાજ્યાભિષેકથી મહાભારતના યુદ્ધ સુધીનો છે. આ સમયગાળામાં પરાક્રમી પુરુષ તરીકે પ્રસ્થાપિત થયેલા કૃષ્ણમાંથી પ્રાજ્ઞપુરુષ તરીકેના કૃષ્ણસ્વરૂપનો વિકાસ થઈ રહેલો જોવા મળે છે અને છેલ્લો આધેડ વયનો તબક્કો. આ તબક્કામાં કૃષ્ણનું પ્રાજ્ઞસ્વરૂપ-યોગેશ્વર સ્વરૂપ પ્રગટ થયું.

હરિભાઈ કોઠારીએ એક જગ્યાએ લખ્યું છે, ‘કૃષ્ણસ્તુ ભગવાનમ્ સ્વયમ્.’ કૃષ્ણ એ સંપૂર્ણ ભગવાન છે, કારણ કે એ મર્યાદા પકડીને ક્યાંય ઊભા નથી, મર્યાદા છોડીને પણ તેઓ વિચર્યા છે. યુદ્ધમાં શસ્ત્રો હાથમાં ન લેવાની પ્રતિજ્ઞા લઈને પછી જરૂરિયાત ઊભી થાય તો શસ્ત્રો હાથમાં લઈ પણ લે. નો બડી કૅન પ્રિડિક્ટ હિમ. સ્પૉન્ટેનિયસ વ્યક્તિત્વ છે. કૃષ્ણના જીવનમાં બધા જ રસો ગવાયા છે એથી તેઓ રસરાજ છે. તમે રામને ગાવા લાગશો તો રામના શૃંગાર નહીં ગવાય, પણ લોકો કૃષ્ણનો શૃંગાર ગાય છે. કૃષ્ણમાં બધા જ રસ જોવા મળે છે. હાસ્યરસ તો ભરપૂર છે, ટીખળી છે, વિનોદ છે, ગાંભીર્ય છે, તેજ છે, ગૌરવ છે અને કરુણા પણ. આમ સમગ્ર ભાવોનો સમ્રાટ અને બધા જ રસોનો રસરાજ છે. વળી એ નાચવાવાળો અને નચાવવાવાળો નટરાજ પણ છે.

આમ જુઓ તો કૃષ્ણએ દ્વારકા ગયા પછી વધારેમાં વધારે સંઘર્ષ કરવો પડ્યો છે. કૃષ્ણજીવનનાં પરાક્રમોના ત્રણ તબક્કા ગણી શકાય. બાલકૃષ્ણની સંપૂર્ણ અભિવ્યક્તિ વૃંદાવનવાસના દાયકામાં દેખાય છે. બીજો તબક્કો યુધિષ્ઠિરના રાજ્યાભિષેકથી મહાભારતના યુદ્ધ સુધીનો છે. આ સમયગાળામાં પરાક્રમી પુરુષ તરીકે પ્રસ્થાપિત થયેલા કૃષ્ણમાંથી પ્રાજ્ઞપુરુષ તરીકેના કૃષ્ણસ્વરૂપનો વિકાસ થઈ રહેલો જોવા મળે છે અને છેલ્લો આધેડ વયનો તબક્કો. આ તબક્કામાં કૃષ્ણનું પ્રાજ્ઞસ્વરૂપ-યોગેશ્વર સ્વરૂપ પ્રગટ થયું.

સમાપન

ગમતું હોય એ મળતું નથી, મળતું હોય એ ગમતું નથી

જીવનની અજબ છે રમત, ત્રણ એક્કા હોય હાથમાં ત્યારે સામે કોઈ રમતું નથી.

Pravin Solanki columnists