તુમ સોચ રહે હો બસ, બાદલ કી ઉડાનોં તક મેરી તો નિગાહેં હૈં, સૂરજ કે...

18 March, 2020 04:33 PM IST  |  Mumbai | Pankaj Udhas

તુમ સોચ રહે હો બસ, બાદલ કી ઉડાનોં તક મેરી તો નિગાહેં હૈં, સૂરજ કે...

પંકજ ઉધાસ

ખ્વાબોં કી કહાની.

હા, આ મારા એક આલબમનું નામ છે, જેને હમણાં ચાર વર્ષ પૂરાં થયાં. ગઝલકાર આલોક શ્રીવાસ્તવ સાથે તૈયાર કરેલા આ આલબમની અનેક ખાસિયત છે, પણ એ અનેક ખાસિયતો પૈકીની એક ખાસિયત એ કે એ દેશનું પહેલું સિંગલ ટ્રૅક આલબમ છે. સિંગલ ટ્રૅક આલબમ એટલે શું એ આજના સમયમાં કોઈને કહેવું નથી પડતું. સૌકોઈ જાણે છે કે એક જ ગીત બનાવવામાં આવ્યું હોય અને એ એક જ રચનાને આગળ લઈ આવવામાં આવતી હોય. અત્યારે તો અનેક સિંગલ ટ્રૅક આવી ગયા છે અને આવતા સમયમાં પણ આવતા રહેશે, પણ એ સમયે એવું નહોતું. ચાર વર્ષ પહેલાં કોઈને સિંગલ ટ્રૅકનું કહેવું એ પણ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું અને એ પણ ગઝલના ક્ષેત્રમાં પ્રયોગ કરવાની વાત હતી. આપણે ત્યાં ગઝલના ક્ષેત્રમાં પ્રયોગો પ્રમાણમાં ઓછા થતા રહે છે. સિંગલ ટ્રૅક ગઝલનો આ વિચાર આમ તો આ ગઝલના રચયિતા આલોકનો હતો, તેમની જ ઇચ્છા હતી કે સિંગલ ટ્રૅક ગઝલ આપણે રજૂ કરીએ.

આ આલબમ કઈ રીતે શક્ય બન્યો એની વાત ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને જાણવા જેવી છે. આલોકને હું પહેલી વાર દૂરદર્શનની એક સિરિયલના રેકૉર્ડિંગમાં મળ્યો. એ સિરિયલના ટાઇટલ-સૉન્ગનું રેકૉર્ડિંગ ચાલતું હતું. રેકૉર્ડિંગ દરમ્યાન વચ્ચે બ્રેક પડ્યો અને એમ જ બેઠાં-બેઠાં અમે બધા વાતોએ વળગ્યા. વાતો ચાલતી રહી. થોડા સમય સૌકોઈ પોતપોતાના કામે લાગ્યા અને હવે રૂમમાં હું અને આલોક બન્ને એકલા પડ્યા. આલોકે લખેલી એક નવી ગઝલનું મને મુખડું સંભળાવ્યું.

તુમ સોચ રહે હો બસ,

બાદલ કી ઉડાનોં તક

મેરી તો નિગાહેં હૈં,

સૂરજ કે ઠિકાનોં તક.

મને એ લાઇનો બહુ ગમી ગઈ એટલે મેં એને આગળના શેર સંભળાવવાનું કહ્યું. આલોકે શેર સંભળાવ્યા અને મને એ પણ ખૂબ ગમ્યા. ગઝલના શબ્દો તો સરસ હતા જ પણ બીજી સારી વાત એ હતી કે આલોકે ખૂબ જ સરસ રીતે એ શેર કહ્યા હતા. ગઝલની આ એક બહુ અગત્યની ખાસિયત છે, તમે એ કેવી રીતે રજૂ કરો છો, તમે કેવી રીતે એને પેશ કરો છો. ઘણા ગઝલ સારી લખતા હોય પણ એ નૅરેનેટ કરવાની, એનું પઠન કરવાની આવડત તેમનામાં ન હોય.

શેખાદમ આબુવાલા વિશે મેં અગાઉ આ જ કૉલમમાં ઘણું કહ્યું છે, પણ તેમના વિશે એક વાત નથી થઈ. શેખાદમભાઈની ગઝલ સંભળાવવાની ખાસિયત અવ્વલ દરજ્જાની હતી. બહુ જૂજ લોકોમાં મેં એ ખાસિયત જોઈ છે. નિદા ફાઝલી પાસે પણ તમે ગઝલ સાંભળો તો તમે એ ગઝલના જ નહીં, ગઝલની સાથોસાથ નિદાસાહેબના પણ પ્રેમમાં પડી જાઓ. મુમતાઝ રાશિદ પણ અદ્ભુત રીતે ગઝલનું પઠન કરે. ગઝલના શબ્દાંકનમાં જરા ૧૯-૨૦ થઈ હોય તો પણ જો એનું પઠન ઉમદા રીતે કરવામાં આવે તો એની મજા કંઈક જુદી થઈ જાય. આલોક શ્રીવાસ્તવની ગઝલ સાંભળીને મને મજા આવી ગઈ હતી.

એ ગઝલના શબ્દોમાં ભાવના હતી, લાગણી હતી, પ્રેમ પણ હતો અને એમાં ઝનૂનની વાત પણ ખૂબી સાથે સંવેદનાત્મક રીતે કહેવામાં આવી હતી. મેં આલોકને આ ગઝલના રાઇટ્સ માટે પૂછ્યું. સામાન્ય રીતે એવું બનતું હોય કે પ્રોફેશનલ રાઇટર્સ પોતાની નવી રચનાના રાઇટ્સ તરત જ કોઈને આપી દેતા હોય. આપણે ત્યાં નવું લખાવાનું ખૂબ ઓછું છે એટલે સારી રચના અને સારા રચયિતાની માગણી સતત ઊભી રહેતી હોય છે. આલોકની પેલી ગઝલની વાત કહું તમને, નસીબજોગ આલોકે એના રાઇટ્સ કોઈને આપ્યા નહોતા, રાઇટ્સ તેમની પાસે જ હતા. ગઝલને કમ્પોઝ કરવા માટે અમે બન્ને તૈયાર હતા, પણ એ સમયે બીજી કોઈ ગઝલો હતી નહીં અને આલબમ કરવાની મારી કોઈ ગણતરી નહોતી એટલે સ્વાભાવિક રીતે મારી પાસે બીજી કોઈ ગઝલોનું કલેક્શન પણ નહોતું. પરિણામે આલોકની આ ગઝલને મારા કલેક્શનમાં રાખી મૂકવા સિવાય બીજો કોઈ ઑપ્શન જ મારી પાસે નહોતો.

એમ જ વાત ચાલતી હતી અને મારા મનમાં એમ જ વિચાર આવ્યો કે અમેરિકામાં જેમ સિંગલ્સ બનતા હોય છે એમ આપણે સિંગલ ટ્રૅક ગઝલ વિશે પણ વિચારી શકીએ. આલોકે તરત જ તૈયારી દેખાડી કે આપણે સિંગલ ટ્રૅક આલબમ બનાવીએ અને એ પછી લાંબા વિચારો સાથે આ વિચાર ફાઇનલ સ્ટેજ પર પહોંચ્યો. ટ્રૅકની તૈયારી થયા પછી પણ એને એમ જ રિલીઝ કરવાને બદલે અમે નક્કી કર્યું કે આપણે એને રિલીઝ કરતાં પહેલાં પિક્ચરાઇઝ્ડ કરીએ. આપણે ત્યાં પિક્ચરાઇઝેશનનો કન્સેપ્ટ પણ મોડો આવ્યો છે, અમેરિકામાં એ બહુ વખતથી ચાલુ હતો. જોકે ઇન્ડિયામાં એ કન્સેપ્ટ આવ્યા પછી એનું ચલણ પ્રમાણમાં ખૂબ વધ્યું એ સૌકોઈ માનશે. હવે હૉલીવુડની જેમ જ ગીત પિક્ચરાઇઝેશન પાછળ પુષ્કળ કામ કરવામાં આવે છે અને જરૂર હોય ત્યારે મોટા પાયે ખર્ચ પણ કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલું સિંગલ્સ ચૅનલ પર લૉન્ચ પણ કરવામાં આવે અને એની માગણી પણ ખૂબ વધે. હવે આ બધું આપણે ત્યાં થવા માંડ્યું છે.

‘ખ્વાબોં કી કહાની’ માટે અમે રાજસ્થાનના રણમાં શૂટિંગ કર્યું. બેહદ ખૂબસૂરતી સાથે એ શૂટિંગ થયું અને એમાં સોનિકા પરાશર, આકાશ સિપ્પી અને રાહુલ કપૂર જેવા નવી પેઢીના કલાકારોએ કામ પણ કર્યું અને ફાઇનલી આલબમ તૈયાર થયું એટલે એને લૉન્ચ કર્યું. લોકોએ ખૂબ જ પ્રેમથી એને વધાવી લીધું અને એક નવો પ્રયોગ પણ સફળ રહ્યો. આ જ ગઝલની એક બીજી પણ ખાસિયત કહું કે આલોક શ્રીવાસ્તવ જર્નલિસ્ટ છે, ટીવી-ચૅનલ સાથે પણ તેણે પુષ્કળ કામ કર્યું છે એટલે તેણે આ ગઝલના શબ્દો અત્યંત સીધાસાદા અને સરળ રાખ્યા છે. જોકે શબ્દો સરળ રાખવાની સાથોસાથ તેણે એ વાતનું પણ ધ્યાન રાખ્યું હતું કે એમાં રહેલી ફીલિંગ્સ અકબંધ રહે. ‘ખ્વાબોં કી કહાની’ સામાન્ય હિન્દી સમજી શકે એને માટે પણ એ સમજવી ખૂબ જ આસાન છે અને એની એ બ્યુટી માટે આલોક શ્રીવાસ્તવને આજે પણ હું અભિનંદન આપું. અઘરું લખવું એ મહત્ત્વનું નથી હોતું પણ લખાયેલું સમજવું સહેલું હોય એ મહત્ત્વનું હોય છે.

મને ઘણા પૂછતા હોય છે કે હું શું કામ ગઝલ કે ગીત લખતો નથી. આટલાં વર્ષોનો અનુભવ છે, કઈ ગઝલ અને કયું ગીત લોકોના હૃદય સુધી પહોંચશે એની પરખ આવી ગઈ હોય એવું છે ત્યારે પણ શું કામ મેં ક્યારેય લેખન પર હાથ નથી અજમાવ્યો, પણ આનો જવાબ મારી પાસે નથી. હા, એ સાચું કે આટલાં વર્ષોના અનુભવ પછી કદાચ એવું બની શકે કે હું લખું અને સારું લખાઈ જાય પણ એમ છતાં મને લાગે છે કે ગઝલ લખવા માટે ઉર્દૂનું યોગ્ય સ્તરનું જ્ઞાન હોવું જોઈએ. જો એ હોય તો અને તો જ તમે ગઝલને ન્યાય આપી શકો. ગઝલ એ આમ તો કવિતાનો જ એક પ્રકાર છે એટલે એમાં ઓછામાં ઓછા શબ્દોમાં મૅક્સિમમ વાત કહેવાઈ ગયેલી હોવી જોઈએ. આ કામ જો કોઈએ શ્રેષ્ઠ રીતે કર્યું હોય તો મારે એમાં મીર, કબીર, મિર્ઝા ગાલિબનું નામ અચૂક લેવું પડે. પાકિસ્તાની શાયર અહમદ ફરાઝ પણ મને પસંદ છે. આ શાયરોની વાતમાં અને તેમની ભાષામાં અપનાપન હોય છે. એ સાંભળો તો સીધું જ તમને દિલ પર અસર થાય અને એ અસર એવી થાય કે તમે એ ભાવના સાથે સીધા જ કનેક્ટ થઈ જાઓ, જોડાઈ જાઓ. આજે પણ આપણી પાસે એવા શાયરો છે જે એટલું ઉમદા કામ કરે છે, પણ જરૂરી એ છે કે એ શાયરો બહાર આવે અને લોકોની સમક્ષ પોતાની રચના લઈ આવે. આને માટે મીડિયાએ પણ સહયોગ આપવો જોઈએ. ગુજરાતીમાં ગઝલકાર શેખાદમ આબુવાલા, બેફામ જેવું શ્રેષ્ઠ કામ બીજી વાર ન થઈ શકે એવું માનવું જરૂરી નથી, બને કે આજની પેઢીના શાયર પણ એટલું જ સારું કામ કરતા હોય, પણ હવે ગીત-ગઝલ છાપવા માટે મીડિયા પાસે એની જગ્યા નથી, પણ જો મીડિયા એ પ્રકારના સર્જનને સ્થાન આપશે તો અલ્ટિમેટલી આપણી ભાષાના હિતમાં રહેશે.

pankaj udhas columnists