તેરે પૈર કી કોમલ આહટ સોતે ભાગ જગાએ

22 April, 2020 04:48 PM IST  |  Mumbai | Pankaj Udhas

તેરે પૈર કી કોમલ આહટ સોતે ભાગ જગાએ

૧૯૮૪નું વર્ષ. આપણે વાત કરીએ છીએ મારી લાઇફમાં અત્યંત મહત્ત્વના પુરવાર થયેલા આ વર્ષની. ૧૯૮૪માં મારી યુકેની ગઝલ કૉન્સર્ટની ટૂર થઈ અને આલ્બર્ટ હૉલમાં મારો પ્રોગ્રામ થયો. અગાઉ ૧૯૭૬માં અને ૧૯૮૨માં એમ બે વખત હું યુકે પ્રોગ્રામ માટે જઈ આવ્યો હતો, પણ મારી પોતાની ગઝલો ગાઈને મેં જે નામ કર્યું એ ૧૯૮૪માં બન્યું. યુકેની આ પહેલી ઑફિશ્યલ ટૂર અને એમાં પણ રૉયલ આલ્બર્ટ હૉલમાં પ્રોગ્રામ. મારી ઍન્ગ્ઝાયટી મનનો ઉદ્વેગ ચરમસીમા પર હતો. શું થશે, પ્રોગ્રામમાં હું શું ગાઈશ અને મારી ગાયકી પર ઑડિયન્સ કેવું રીઍક્ટ કરશે એવા અનેક વિચાર મારા મનમાં ચાલતા હતા.
આ ટૂર માટે મેં નવી-નવી ગઝલ તૈયાર કરવાનું શરૂ કર્યું અને એમાં એક રાતે અચાનક પાકિસ્તાનના મશહૂર શાયર કતીલ શિફાઈની એક ગઝલના મત્લા પર એટલે કે પહેલા શેર પર ગયું...
‘ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ...’
આ પહેલી જ પંક્તિએ મારી આંખો ચાર કરી દીધી. અદ્ભુત શબ્દો હતા આ, પણ આગળના શબ્દોમાં સ્ત્રીસૌંદર્યની વાતો જોઈએ એ સ્તર પર આવતી નહોતી. મને થયું કે આ ગીતની તૈયારી મારે કરવી જોઈએ અને એને વિશેષ રૂપે તૈયાર કરવી જોઈએ. મેં કતીલસાહેબનો નંબર લઈને તેમને ફોન કર્યો અને તેમને મારા મનની વાત કરી. મેં તેમને કહ્યું કે ત્રણ અંતરા જો આપ બનાવી આપો તો હું એક સુંદર ગીત તૈયાર કરી શકું.
તેમણે હા પાડી અને કહ્યું કે આગળના બંધ એટલે કે અંતરા લખીને હું તમને મોકલાવી દઈશ. કતીલસાહેબે આવું અઢળક કામ કર્યું હતું. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેમનું ખાસ્સું મોટું નામ. પાકિસ્તાનની ૧૦ ફિલ્મોમાંથી ૮ ફિલ્મોમાં તેમનાં લખેલાં ગીતો હોય. કહેવાનો ભાવાર્થ એ જ કે આ પ્રકારના કામની તેમની ફાવટ અને હથોટી પણ અદ્ભુત.
એ સમયે મેઇલ તો હતા નહીં એટલે કતીલસાહેબે કહ્યું કે જેવું તૈયાર થશે કે તરત જ હું તમને એ પોસ્ટ કરી દઈશ. ફૅક્સની સુવિધા પણ એ સમયે જૂજ જોવા મળતી. મેં હા પાડી અને તેમને કહ્યું કે હું મુખડા પર કામ ચાલુ કરું છું, તમે આગળના બંધ પર કામ કરો.
અમારા બન્નેનાં કામ શરૂ થયાં. હું મારું કામ કરતાં-કરતાં કતીલસાહેબના લેટરની રાહ જોઉં, પણ એનો કોઈ અણસાર આવે નહીં. મારી સાઇડની વાત કહું તો મેં મુખડાનું કમ્પોઝિશન તૈયાર કરી લીધું અને એ પછી પણ કતીલસાહેબનો કોઈ લેટર આવ્યો નહીં. મેં તેમને ફોન કર્યા પણ એ દરમ્યાન તેઓ સતત ટૂરમાં એટલે ફોન પર પણ મળે નહીં. ઘરેથી એક જ જવાબ મળે કે સાહેબને મેસેજ આપી દઈશું.
અહીં મારું કામ ચાલુ જ હતું. મારા ખાસ મિત્ર અને બહુ જ ઉમદા શાયર મુમતાઝ રાશિદને મેં આ ધૂન સંભળાવી. મુમતાઝ રાશિદની ઘણી ગઝલો મેં ગાઈ છે અને એ ગઝલો શ્રોતાઓને ખૂબ ગમી છે. આ તૈયારી દરમ્યાન તેઓ મારી સાથે બેઠા અને મેં તેમને મારી આ નવી ધૂન સંભળાવી. પહેલી લાઇન મારી પાસે તૈયાર હતી...
‘ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ
એક તુ હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ...’
ધૂન સાંભળીને તેઓ ખૂબ ખુશ થયા. તેમણે કહ્યું કે આ ગીત ધમાલ મચાવશે, આગળ તૈયાર કરવું જોઈએ. મેં તેમને આખી વાત કહીને કહ્યું પણ ખરું કે કતીલસાહેબને નવા અંતરા માટે કહ્યું છે, તેઓ કામ કરે છે, પણ હજી કશું આવ્યું નથી. રાશિદસા’બે કહ્યું કે રાહ જોવી જોઈએ, તેઓ જે મોકલશે એ લાજવાબ હશે. તું રાહ જો.
મારી પાસે રાહ જોવા સિવાય બીજો કોઈ છૂટકો પણ નહોતો. હું રાહ જોઉં, મારું કામ કરતો રહું અને બેચાર દિવસે એકાદ વાર કતીલસાહેબને કૉન્ટૅક્ટ કરી લઉં, પણ દુર્ભાગ્યવશ તેઓ ફોન પર મળે જ નહીં. મારું ટેન્શન વધવાનું શરૂ થયું. સમય પસાર થઈ રહ્યો હતો અને મારી કૉન્સર્ટનો સમય નજીક આવવા માંડ્યો હતો. ગયા વીકમાં મેં તમને કહ્યું એમ, આ ટૂર બહુ મહત્ત્વની હતી. મારે રિહર્સલ્સ કરવાં હતાં અને એને માટે તમામ સાજિંદાઓના સમય અને તેમના શેડ્યુલને પણ જોવાનું હતું.
૧૯૮૪નો ફેબ્રુઆરી મહિનો આવી ગયો અને અમારી વાત શરૂ થઈ હતી છેક ૧૯૮૩ના નવેમ્બર મહિનાથી. કતીલસાહેબને ત્યાંથી કોઈ પત્ર આવ્યો નહોતો અને સમય ઘટતો જતો હતો. તૈયાર થયેલા એ અંતરા આવે એ પછી મારે પણ એનું કમ્પોઝિશન તૈયાર કરવાનું હતું, જેમાં ખાસ્સો એવો સમય જવાનો હતો, કારણ કે આ ગીત હતું, ગઝલ નહીં. ગીત અને ગઝલના કમ્પોઝિશનમાં ઘણો ફરક હોઈ શકે અને મેં એ બારી ખુલ્લી રાખી હતી કે આ ગીતમાં વાદ્યો સાથે પણ પૂરા મનથી, દિલથી રમવું.
મુમતાઝ રાશિદ સાથે મારી સીટિંગ ચાલતી હતી એ દરમ્યાન મેં રાશિદસાહેબને જ કહ્યું કે તમે એક કામ કરો. આ મતલો તમે ઘણી વાર સાંભળ્યો છે અને તમને એ ધૂન પણ ખબર છે, તમે આના પર લખી શકો?
ઉર્દૂ શાયરીમાં અને માત્ર ઉર્દૂ શાયરી જ શું કામ, દરેક વાતમાં એક પ્રોટોકૉલ હોય છે, એટિકેટ્સ હોય છે. રાશિદસાહેબે મને કહ્યું કે ટેક્નિકલી હું બીજાની રચના પર લખું એ યોગ્ય ન કહેવાય, પણ ઉર્દૂ ગઝલમાં એક પ્રોવિઝન છે કે અન્ય કોઈની ગઝલ માટે તઝ્‍મીન કરી શકાય છે. તઝ્‍મીન શું છે એ સમજાવું તમને. તઝ્‍મીન એટલે અન્ય કોઈ શાયરના શેર લઈને એના પર આપણે આપણા બંધ એટલે કે બીજા શેર કરી શકીએ. પહેલા શાયરના શેરને અકબંધ રાખવાના અને એ પછી વાતને આગળ વધારવાની. આ જે પ્રક્રિયા છે એને તઝ્‍મીન કહેવામાં આવે છે. તઝ્‍મીન કરવામાં આવે ત્યારે મૂળ શાયરને પણ પૂરતી ક્રેડિટ મળે, તેમના હકને ભૂલથી પણ હાનિ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવે.
તઝ્‍મીન માટે મારો કોઈ વિરોધ નહોતો, ઊલટું એ બહુ સારો વિચાર હતો. રાશિદસાહેબ તઝ્‍મીન માટે તૈયાર થયા એટલે મેં તરત જ હા પાડી દીધી. તેમણે બે-ત્રણ દિવસનો સમય માગ્યો એટલે મેં તેમને મારી મજબૂરી સમજાવીને કહ્યું કે મને આ ગીત કોઈ પણ હિસાબે તૈયાર કરવું છે અને હવે મારી પાસે બહુ સમય નથી. રાશિદસાહેબે ધરપત રાખવાનું કહ્યું અને તેઓ રવાના થયા.
ત્રણ દિવસ પછી તેઓ ફરી આવ્યા. તેમની સાથે સુંદર રીતે લખાયેલા બંધ હતા, જે હું માગતો હતો એ બધી વાત એ બંધમાં હતી. સ્ત્રીસૌંદર્યની ગરિમા પણ જળવાતી હતી અને સ્ત્રીસૌંદર્યની નજાકત પણ એમાં અકબંધ હતી. એ બંધ સાંભળીને હું ખુશ-ખુશ થઈ ગયો. મેં તરત જ સ્પૉન્ટેનિયસ રીતે એને કમ્પોઝ કર્યા. પહેલા બંધના શબ્દો હતા...
‘જીસ રસ્તે સે તુ ગુઝરે, વો ફૂલોં સે ભર જાએ
તેરે પૈર કી કોમલ આહટ સોતે ભાગ જગાએ
જો પથ્થર છૂલે ગોરી તુ વો હીરા બન જાએ
તું જીસકો મિલ જાએ વો હો જાએ માલમાલ
એક તુ હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ...’
કંગાલ અને માલામાલના રદીફનો બહુ સુંદર ઉપયોગ તેમણે કર્યો હતો. હું ખુશ થઈ ગયો. માનો કે મને લૉટરી લાગી ગઈ. મને થયું કે મેં જે રાહ જોઈ એ વસૂલ થઈ. બીજા બન્ને બંધ પણ ખૂબસૂરતી સાથે લખાયા હતા. એ બન્ને બંધ વિશે અને એ બંધ પછી આવેલા કતીલ શિફાઈસાહેબના બંધ વાત કરીશું આવતા બુધવારે.

તઝ્‍નીમ એટલે કોઈ શાયરના શેર લઈને એના પર આપણા બંધ એટલે કે બીજા શેર કરી શકીએ.પહેલા શાયરના શેરને અકબંધ રાખીને પછી વાતને આગળ વધારવાની. આ પ્રક્રિયામાં મૂળ શાયરને પણ પૂરતી ક્રેડિટ મળે, તેમના હકને ભૂલથી પણ હાનિ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવે

pankaj udhas columnists