નવા પડકારો મુશ્કેલી નહીં, પણ નવી તક હોય છે

29 January, 2020 04:57 PM IST  |  Mumbai | Sejal Ponda

નવા પડકારો મુશ્કેલી નહીં, પણ નવી તક હોય છે

ફાઈલ ફોટો

અમુક માણસો તેમના જીવનમાં નવા-નવા પડકારો આવે તો એને મુશ્કેલી રૂપે જુએ છે. લાઇફમાં આવતા પ્રૉબ્લેમ્સ એ નવી દિશા તરફ જવાની શક્યતાઓ હોય છે. પ્રૉબ્લેમ ત્યારે કહેવાય જ્યારે જીવનમાં કશું નવું ઘટતું નથી. નવા બદલાવ નથી આવતા, નવા સંબંધો નથી ઉમેરાતા. આપણે નવું શીખવા તરફ આગળ નથી વધતા. આપણે આપણી જાતનું રીલૉન્ચ નથી કરતા, આપણી જાત પર રીવર્ક નથી કરતા. બસ, એ જ મોટો પ્રૉબ્લેમ છે

તમારી લાઇફમાં કોઈ પ્રૉબ્લેમ છે? આ પ્રશ્ન પૂછતાં જ તરત જવાબ મળે હા, મારી લાઇફમાં ઘણા પ્રૉબ્લેમ્સ છે. આપણે મોટા ભાગના લોકોને કહેતા સાંભળ્યા છે કે મારી લાઇફમાં પ્રૉબ્લેમ્સ છે. આપણે બધા જ કોઈ ને કોઈ મુશ્કેલીથી ઘેરાયેલા છીએ. મુશ્કેલી સામે આપણે લડીએ છીએ, ઝઝૂમીએ છીએ. મુશ્કેલીથી હારીએ છીએ, જીતીએ છીએ.

મુશ્કેલીને આપણે કઈ રીતે જોઈએ છીએ એનાથી ઘણુંબધું નક્કી થતું હોય છે. મુશ્કેલી તરફ જોવાનો આપણો અભિગમ આપણે માનસિક રીતે કેટલા સ્ટ્રોન્ગ છીએ એ દર્શાવે છે.

મુશ્કેલી આવે એટલે અમુક માણસો એકદમ ડરી જાય છે. રેસ્ટલેસ થઈ જાય છે. શું કરવું એ સૂઝતું નથી. એમાંથી કઈ રીતે બહાર આવીશું એ વિચારવાની શક્તિ ખોઈ બેસે છે. મુશ્કેલીનો હાઉ એટલો બધો ઘર કરી જાય કે એવું લાગવા લાગે કે જાણે જિંદગીનો અંત આવી ગયો. એ લોકો ભૂલી જાય છે કે જિંદગીનો અંત નક્કી કરવાવાળા આપણે કોણ? આપણને જિંદગી નામની એક બુક ઈશ્વરે આપી છે. રોજ એક નવા પ્રકરણને આપણે જીવવાનું છે. આ પ્રકરણમાં પડકારો હશે, પ્રૉબ્લેમ્સ હશે, અભાવ હશે, સુખ હશે, દુઃખ હશે. આપણે એ બધાનો સ્વીકાર કરીને જીવવાનું છે અને બેસ્ટ જીવવાનું છે. જિંદગીની બુકનું દરેક પ્રકરણ આપણને કંઈ ને કંઈ શીખવે છે. આપણી પાસે અનુભવો ભેગા થાય છે. આપણી પાસે સંબંધો ભેગા થાય છે. અનુભવો અને સંબંધો ખરાબ-સારા હોઈ શકે. આપણે સારું સાથે લઈને, ખરાબમાંથી કંઈક શીખીને આગળ વધતા રહેવાનું છે. જસ્ટ ગો વિથ ધ ફ્લો. જીવનના વહેણ સાથે વહેતા રહો. જીવન બુકનો આ શ્રેષ્ઠ નિયમ છે.

અમુક માણસો તેમના જીવનમાં નવા-નવા પડકારો આવે તો એને મુશ્કેલીના રૂપે જુએ છે. નવા પડકારો મુશ્કેલી નહીં, પણ તક હોય છે. નવી દિશા તરફ જવાની શક્યતાઓ હોય છે. પ્રૉબ્લેમ ત્યારે કહેવાય જ્યારે જીવનમાં કશું નવું ઘટતું નથી. નવા બદલાવ નથી આવતા, નવા સંબંધો નથી ઉમેરાતા. આપણે નવું શીખવા તરફ આગળ નથી વધતા. આપણે આપણી જાતને રીલૉન્ચ નથી કરતા. આપણી જાત પર રીવર્ક નથી કરતા. બસ, એ જ મોટો પ્રૉબ્લેમ છે. જાતનું નૂતનીકરણ પણ આવશ્યક છે.

કોઈ પણ વ્યક્તિનું જીવન મુશ્કેલી વગરનું હોય એ શક્ય જ નથી. મુશ્કેલીને ઉકેલવાનું જોશ જે રાખે છે જીવન તેને બેસ્ટ ગિફ્ટ આપે છે. મુશ્કેલીની સાથે એનું સોલ્યુશન પાછળ ડગલા માંડતું જ હોય છે, પણ આપણે મુશ્કેલથી એટલા ડરી જઈએ છીએ કે સોલ્યુશન તરફ આપણું ધ્યાન જતું જ નથી.

અમુક માણસો મુશ્કેલીનો હોંશે-હોંશે સ્વીકાર કરે છે. આવી વ્યક્તિઓ લડાકુ હોય છે. ઝઝૂમતી હોય છે. ગમેતેમ કરી તે વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવાના રસ્તા શોધે છે. મુશ્કેલી શું કામ આવી એવો પ્રશ્ન તે કરતા નથી, પણ હવે શું કરી શકાય એ તરફ પોતાનું ધ્યાન લગાડે છે. પોતાને પૉઝિટિવ રાખે છે. હું લડીશ અને રસ્તો કાઢીશ એવું સતત પોતાની જાતને કહેતા રહે છે. જિંદગીનો કોઈ પણ પડાવ હોય, કોઈ પણ સંબંધ હોય એ જે છે જેવો છે એનો સ્વીકારભાવ જો આવી જાય તો જીવન કડવું લાગતું નથી.

હાય હાય પ્રૉબ્લેમ ઉફ ઉફ પ્રૉબ્લેમ એવા અભિગમમાંથી બહાર આવવું પડશે. પ્રૉબ્લેમ્સ પથરા જેવા લાગતા હોય તો એ પથરાને હટાવવાની જહેમત તો કરવી પડેને! અને ખાસ તો મારી લાઇફમાં ઘણા પ્રૉબ્લેમ્સ છે એવાં રોદણાં રડવાનું બંધ કરવું પડશે. કોઈની મદદ જોઈતી હોય તો લઈ લેવાની, પણ જો સતત રડ્યા જ કરીએ કે પ્રૉબ્લેમ છે પ્રૉબ્લેમ છે તો પ્રૉબ્લેમ જિંદગીમાં કાયમી વસવાટ કરી શકે છે. તકલીફમાંથી જ તક ઊભી થાય છે. આ વાત જ્યારે આપણે સમજી જઈશું ત્યારે મુશ્કેલીનો સામનો કરવા હોંશે-હોંશે સજ્જ બનીશું. અભિગમ બદલાય તો ગમની બાદબાકી આપોઆપ થવા લાગે.

Sejal Ponda columnists