સરકાર તો મૂર્ખ છે, આવડા લાંબા લૉકડાઉનમાં દેશની ઇકૉનૉમી ખતમ થઈ જશે

07 May, 2020 10:01 PM IST  |  Mumbai | Manoj Joshi

સરકાર તો મૂર્ખ છે, આવડા લાંબા લૉકડાઉનમાં દેશની ઇકૉનૉમી ખતમ થઈ જશે

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન લંબાયા પછી આવું બોલનારાઓની સંખ્યા વધી ગઈ છે. પહેલાં પણ આ પ્રકારનાં વિધાનો કરનારાઓનો તૂટો નહોતો, પણ ત્રીજી વખતના લૉકડાઉન પછી તો આ ખરેખર વધ્યું છે અને એવું કહેનારાઓ પાછા એવી રીતે બોલે જાણે કે તેને પાંચ-પંદર દેશો ચલાવવાનો અનુભવ હોય. દેશની ઇકૉનૉમીની ચિંતા કરનારા આ મહાનુભાવોને કહેવાનું મન થાય કે દેશ હશે તો ઇકૉનૉમી રહેશે. દેશ જ નહીં હોય, દેશવાસીઓ જ નહીં હોય અને શહેરોની જગ્યાએ સ્મશાન હશે તો પછી કઈ ઇકૉનૉમી અને વાત કેવી?

ઇકૉનૉમીની ચિંતા કરવાની છે એની ના બિલકુલ નથી. હા, જરાપણ ના નથી, પણ એની પહેલાં જો વિચાર કોઈ કરવાનો હોય તો એ છે કે દેશમાં કોરોનાને કારણે ઇકૉનૉમી ન બગડે. હા, કોરોનાની સારવારની જવાબદારી સરકારની છે, પણ જે સમયે એ બીમારી ઉપરના વર્ગ તરફ આવી એ સમયે એ કોઈ સરકારી હૉસ્પિટલ પસંદ નથી કરવાનું અને જો એવું બન્યું તો પૈસો બધો સારવારમાં જવાનો છે. બહેતર છે કે આજના આ લૉકડાઉનને યોગ્ય રીતે જોવામાં આવે અને લૉકડાઉનથી દેશને મળેલા લાભને સાચી રીતે જોવાનો પ્રયાસ કરવામાં આવે. આજે અમેરિકાની હાલત તમે જોઈ રહ્યા છો. ઇટલી વિશે બધાએ વાંચી લીધું અને ત્યાંની સર્જાયેલી પાયમાલી પણ આપણે જોઈ લીધી. બ્રિટનમાં પણ એ જ હાલ છે અને ચાઇના તો મૂળ સાથે જ આવ્યું હતું. આ આખી પરિસ્થિતિ વચ્ચે જો તમે લૉકડાઉનને ગંભીરતાથી ન લેતા હો તો તમને એક જ વાત કહેવાની રહે કે માત્ર તમારી સોસાયટીમાં કોરોના દેખાય અને તમને ૧૪ દિવસના ક્વૉરન્ટીનનો અનુભવ કરવા મળે. એ અનુભવ પણ તમારાં રૂંવાડાં ઊભાં કરી દેશે. મોતનો ભય જ એવો છે, પણ મોતના ભયને પાસે ન આવવા દેવા માટે લૉકડાઉનને વાજબી રીતે સમજવાની જરૂર છે.
તમે મરણાંક જુઓ. બેલ્જિયમે એક મિલ્યને ૬૩૦નો મરણાંક જોયો છે. સ્પેનમાં આ મરણાંક પ૦૩નો છે તો ઇટલીમાં આ જ આંકડો ઘટીને ૪૪૬નો છે અને ફ્રાન્સમાં ૩૪૭ તો બ્રિટનમાં ૩૧૭નો છે. જે અમેરિકા અત્યારે કોરોનાના કારણે બહુ ગાજ્યું છે એ અમેરિકામાં પ્રતિ મિલ્યન ૧૭૧નો મરણાંક છે અને આ આંકડાઓ આમ જ આગળ વધતા રહે છે. આ એ બધા દેશોના આંકડાઓ છે જે ખમતીધર છે, જ્યાંની પ્રજામાં સિવિક સેન્સનું પ્રમાણ ઊંચું છે અને પ્રજાને બધુ શ્રેષ્ઠ મેળવવાની આદત પડી ગઈ છે. આ બધાની સરખામણીએ ભારત ક્યાંય પાછળ છે અને ગર્વ કરો કે ભારત આ આંકડાવારીમાં પણ પાછળ છે. ભારતમાં દર દસ લાખે માત્ર ૦.૭૬નો મરણાંક છે એટલે કે એક પૂરો માણસ પણ કોરોનાના કારણે જીવ ગુમાવી નથી શક્યો. આને તમારે જેની પણ જીત ગણવી હોય એની ગણો. સરકારનું સમયસર જાગવું ગણવું હોય તો પણ છૂટ અને તમારે તમારા કોલર ટાઇટ કરવા હોય તો પણ છૂટ છે તમને, પરંતુ એક વાત તો સ્વીકારવી જ રહી કે આ આંકડો લૉકડાઉનના કારણે કાબૂમાં રહ્યો છે.
જરા વિચારો કે લૉકડાઉન ન હોત અને લોકોને ઘરમાં રહેવા માટે સમજાવવામાં ન આવ્યા હોત તો હાલત કેવી થઈ હોત અને એ હાલત પછી આપણે કોનું ગળું પકડવા માટે ભાગ્યા હોત? લૉકડાઉન વાજબી છે એ હકીકત છે અને આ હકીકતને સહજ રીતે સ્વીકારો પણ ખરા. યાદ રાખજો, લૉકડાઉને દેશને બચાવ્યો છે અને દેશ બચશે તો જ દેશની ઇકૉનૉમી પણ બચશે.

coronavirus manoj joshi columnists