આત્મવિશ્વાસ મજબૂત કરો - (લાઇફ કા ફન્ડા)

17 January, 2020 03:07 PM IST  |  Mumbai | Heta Bhushan

આત્મવિશ્વાસ મજબૂત કરો - (લાઇફ કા ફન્ડા)

એક જાણીતા ખગોળશાસ્ત્રી સતત સંશોધનમાં વ્યસ્ત રહે. ૧૮ કલાક અવકાશ નિરીક્ષણ અને નોંધ કરવામાં જ વ્યસ્ત રહે. તેઓ જેટલા ખગોળશાસ્ત્રના પ્રખર જાણકાર હતા એટલા જ જાણકાર જીવનતત્ત્વના પણ હતા. તેઓ માત્ર અવકાશના ભેદી રહસ્યોને શોધતા ન હતા, જીવનના ભેદી રહસ્યો પણ ઉકેલી શકતા હતા.

જીવન-કલાના જાણકાર વિજ્ઞાની મિત્રને એક દિવસ તેમના જૂના દોસ્ત મળવા આવ્યા. તેણે કહ્યું ‘દોસ્ત તું હંમેશાં શાંત અને ખુશ રહે છે. આટલાં બધાં કામના ભારણ હેઠળ ક્યારેય સમતા ગુમાવતો નથી,  ક્યારેય ગુસ્સે થતો નથી. શું કોઈ દિવસ તારાથી ભૂલ નથી થતી, ક્યારેય તને કામનો ભાર અને થાક નથી લાગતો?’

ખગોળશાસ્ત્રી બોલ્યા, ‘મેં એક એવા તત્ત્વની શોધ કરી છે જે મને હંમેશાં ખુશ, જિંદાદિલ, તાકાતવર, કામમાં મસ્ત રાખે છે અને એટલે જ હું ક્યારેય થાકતો નથી. ભૂલ થાય તો ભૂલનો સ્વીકાર કરું છું, ગુસ્સે થતો નથી, બહાના કાઢતો નથી અને દુઃખી થતો નથી.’ મિત્રે કહ્યું, ‘એવું તે શું તે ગોત્યું છે? મને તો કહે.’ ખગોળશાસ્ત્રી હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત તને ન સમજાયું? તે તત્ત્વ છે મારો આત્મવિશ્વાસ...અને આ આત્મવિશ્વાસને હું કેવી રીતે જીવંત રાખું છું તે જાણવા જેવું છે.’

મિત્રે પૂછ્યું, ‘કેવી રીતે?’ ખગોળશાસ્ત્રીએ કહ્યું, ‘દોસ્ત મારું મોટાભાગનું કામ હું ટેલિસ્કોપ-દૂરબીન સાથે કરું છું, પણ જીવનમાં મને સૂક્ષ્મદર્શક યંત્ર વધારે ગમે છે. આ બે યંત્રના નિયમો જીવનમાં આત્મવિશ્વાસને સદા જીવંત રાખવા અપનાવ્યા છે. પહેલું છે મારા કામનું યંત્ર ટેલિસ્કોપ - દૂરબીન, જે દૂરની વસ્તુને મોટી કરીને પાસે દર્શાવે છે. હું દૂરબીનનો ઉપયોગ જીવનમાં કરતો નથી. દૂરની, આવતી કાલની ચિંતા થાય. ડર લાગે તેવી વસ્તુઓને મોટી કરીને હું જોતો નથી કે જેથી મને ડર લાગે. ડર આત્મવિશ્વાસનો દુશ્મન છે અને એટલે હું ડરને જ દૂર રાખું છું. અને હવે વાત કરું મને ગમતા યંત્રની. તે છે સૂક્ષ્મદર્શક યંત્ર, જે નાની અતિસૂક્ષ્મ વસ્તુને મોટી કરી દર્શાવે છે. હું મારી પોતાની સૂક્ષ્મ શક્તિઓને સૂક્ષ્મદર્શક યંત્રના નિયમ પ્રમાણે એકદમ મોટી કરીને જોઉં છું જેથી મને હિંમત મળે છે કે મારામાં આટલી બધી શક્તિઓ અને આવડત છે. હું કોઈ પણ મુશ્કેલી અને કોઈ પણ કામને પહોંચી વળીશ...અને આ હિંમત મારા આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે.’ મિત્રને ખગોળશાસ્ત્રીની વાત ગમી. તેમણે કહ્યું, ‘એટલે જો આપણે આપણી આવડત અને શક્તિઓને ઓળખી લઈએ અને આપણી શક્તિઓ વિષે સભાન બની તેનો વિકાસ કરતા રહીએ તો હિંમત વધતી રહે અને ડર ઘટતો જાય, પરિણામે આત્મવિશ્વાસ મજબૂત થાય.’

heta bhushan columnists