કચ્છ : જૈનોની પંચતીર્થી માટેનું પાવક સ્થળ

14 April, 2020 02:36 PM IST  |  Kutch | Sunil Mankad

કચ્છ : જૈનોની પંચતીર્થી માટેનું પાવક સ્થળ

જિનાલય

કચ્છમાં જૈનોની વસ્તી પ્રમાણમાં ઘણી છે, પરંતુ મુંબઈ સહિત દેશનાં અનેક મોટાં શહેરોમાં અને વિદેશોમાં પણ જૈનોની સંખ્યા નોંધપાત્ર છે. જૈનધર્મીઓ માટે કચ્છ એક પાવક સ્થળ છે. એનું કારણ કચ્છમાં જૈનોની પંચતીર્થીનું મહત્વ ખૂબ છે. કચ્છમાં આવેલાં જિનાલયો, દેરાસરોને પણ યાત્રાના સ્થળ તરીકે ગણવામાં આવે છે. કચ્છમાં આવેલાં જૈન તીર્થો ભવ્ય અને વૈવિધ્યસભર મહત્તા ધરાવે છે.

કચ્છમાં માંડવી નજીક આવેલું કોડાયસ્થિત બોતેર જિનાલય (ગુણનગર) કચ્છનું સૌથી મોટું અને ભવ્ય જિનાલય છે. અચલ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંતશ્રી ગુણસાગર સૂરિશ્વરજી મહારાજસાહેબની પ્રેરણાથી કચ્છના માંડવી તાલુકાનાં કોડાય-તલવાણા ગામોની વચ્ચેના ભુજ-માંડવી ધોરીમાર્ગ પર ‘ગુણનગર’ના વિશાળ પ્રાંગણમાં શ્રી શત્રુંજયાવતાર આદિશ્વર બોતેર જિનાલય મહાતીર્થનું નિર્માણ કરાયું છે જેમાં ૭ર જિન પ્રતિમાઓનાં દહેરાસરો છે. માંડવી બંદરથી નવ કિલોમીટર દૂર જ્યાં ત્રણ શહેરોના માર્ગ મળે છે એવા ત્રિભેટે ૮પ એકર વિશાળ ભૂમિ પર અષ્ટકોણીય ૭ર જિનાલય મહાતીર્થ આકાર પામ્યું છે. આ તીર્થમાં મૂળ નાયક તરીકે આદિશ્વર પરમાત્માની ૭૩ ઈંચની નયનરમ્ય પ્રતિમા સ્થાપિત કરાઈ છે. હિન્દુસ્તાનનાં જૈન તીર્થોમાં અનોખું, અપૂર્વ પ્રતિભા પાડતું આ તીર્થસ્થળ ભાવિકો માટે પ્રેરણાસમું બની રહ્યું છે. આચાર્યશ્રી ગુણસાગર સૂરિશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ આ તીર્થમાં મૂળ નાયક શ્રી આદિનાથ પ્રભુ, શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમાઓનો ૩૦ એપ્રિલ, ૧૯૮૬ (સંવત ર૦૪ર ચૈત્ર વદ સાતમ) બુધવારે મંગળ પ્રવેશ કરાવાયો હતો, પરંતુ પ્રભુ પ્રતિષ્ઠાનો પાવક અવસર ઊજવાય એ પહેલાં જ તીર્થના પ્રેરક અને પ્રણેતા મહારાજશ્રીનો ૧૦ ઑકટોબર ૧૯૮૯ના મુંબઈ ખાતે કાળધર્મ થયો હતો, પરંતુ તેમની અગ્નિદાહ વિધિ કચ્છ ખાતે ૭ર જિનાલયની ભૂમિ પર સંવત ર૦૪પના આસો સુદ બીજના રોજ થયો હતો. ૭ર જિનાલય ખાતે તીર્થના આ સ્વપ્નદૃષ્ટાનું ‘ગુરુમંદિર’ પણ તેમના સમાધિસ્થળે બનાવાયું છે જેની શિલાન્યાસ વિધિ ૩ ડિસેમ્બર, ૧૯૯૦ના રોજ થયો હતો. મહારાજશ્રી ગુણસાગર સૂરિશ્વરજીની પ્રેરણાથી નવનિર્મિત થયેલા શ્રી શત્રુંજયાવતાર આદિશ્વર ૭ર મહાતીર્થનું સંકુલ તેમની સ્મૃતિમાં તેમના નામ ઉપરથી ‘ગુણનગર’ તરીકે ઓળખાય છે.

મોટી પંચતીર્થીનું ચોથું યાત્રાધામ અબડાસા તાલુકાના નલિયામાં ભુજથી ૧૦૩ કિલોમીટર દૂર આવેલું છે. અહીંનું દેરાસર ભવ્ય સુશોભિત અને કલાત્મક છે. ચંદ્રપ્રભુજીનું આ ભવ્ય જિનાલય સંવત ૧૯૯૭ના મહા સુદ પાંચમના બંધાયું છે. ૧૬ વિશાળ શિખરો તથા ૧૪ રંગમંડપોવાળું મંદિર કલા માટે સુપ્રસિદ્ધ છે અને પત્થર પરની સુવર્ણકલા માટે વિશિષ્ટતા ધરાવે છે.

પંચતીર્થી પૈકીનું જ એક કોઠારા દેરાસર બાંધવાનો પ્રારંભ સંવત ૧૯૧૪માં થયો હતો. સંવત ૧૯૧૮ના મહા સુદ તેરસના મૂળનાયક શાંતિનાથ પ્રભુજીની પ્રતિમા સહિતની પ્રતિષ્ઠાવાળા આ દોઢી શતાબ્દિ વટાવી ચૂકેલા જિનપ્રસાદમાં બહુ જ ઝીણવટભર્યું કોતરકામ કરેલું છે. મંદિરની છતમાં ચિત્રકામના રંગો તો હજી તાજા જ હોય એવા લાગે છે. કોઠારા દેરાસરના ઝૂમખાને એ આઠ ટૂંક ધરાવતું હોવાથી ‘કલ્યાણ ટૂંક’ કહેવાય છે. આ જિનાલય ‘અબડાસા પંચતીર્થી’માં સૌથી ઊંચું શિખર ધરાવતું અને કચ્છમાં પણ સૌ જિનાલયોમાં ઊંચાં શિખરો સુધી શિલ્પકામ કરેલું સૌથી ઊંચું જૈન દેરાસર છે. એ વખતે ૧૬ લાખ કોરીના ખર્ચે તૈયાર થયેલું ૭૮ ફુટ લાંબું, ૬૦ ફુટ પહોળું અને ૭૩.પ ફુટ ઊંચું આ દેરાસર એની કલાકારીગરી તથા શિલ્પકામ માટે સુપ્રસિદ્ધ છે. એની ઉપરનાં ૧૨ ઉન્નત શિખરો દૂરથી યાત્રિકોનું મન હરી લે છે. મંદિરનાં રંગમંડપ, તોરણો, સ્તંભો વિગેરે પર નાજુક અને કલાકૌશલ્યભરી કોતરણી કરીને શિલાઓને જાણે જીવંત બનાવી છે. વિખ્યાત દેલવાડાના દહેરાના દેરાણી-જેઠાણીના ગોખલાની પ્રતિકૃતિ પણ અહીં જોવા મળે છે. કચ્છમાં ક્યાંય જોવા ન મળે એવો ૨૦૦ કિલો વજનનો ઘંટ ધરાવતું નિજમંદિર આખાય કચ્છમાં વિશાળતા અને ભવ્યતામાં અજોડ છે.

જખૌ બંદરની ભૂમિ પરનું જૈન દેરાસર મોટી પંચતીર્થીનું બીજું યાત્રાધામ છે. ઊંચું અને વિશાળ જિનચૈત્ય સંવત ૧૯૦પના માગસર સુદ પાંચમના બંધાયું હતું. ૧૭૧ વર્ષ જૂનું મહાવીર સ્વામીનું આ ભવ્ય અને શોભાયમાન જિનાલય નવ શિખરબદ્ધ દેરાસરોની ટૂંકોથી સુશોભિત જખૌ જિનમંદિરનો ઝૂમખો ‘રત્ન ટૂંક’ તરીકે ઓળખાય છે. સંવત ૧૯૬૭માં અહીં ચોમુખીજી જિનાલય પણ બંધાયું હતું. કચ્છના કુશળ કારીગરોની કલાકારીગરીના ઉત્તમ નમૂના રૂપ આ ભવ્ય જિનાલયમાં સૌથી વધુ પાષાણની પ્રાચીન પ્રતિમાઓ બિરાજમાન છે.

અબડાસાનું ત્રીજું યાત્રાધામ ભુજથી ૮૭ કિલોમીટર દૂર તેરાનું જૈન દેરાસર સંવત ૧૯૧પમાં શ્રી સંપ્રતિ રાજા દ્વારા જિરાવલ્લા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા સાથે બંધાયું હતું. ૧૬૧ વર્ષ જૂનું આ જિનાલય એની ભવ્યતા અને સુંદરતાથી ‘સુથરી પંચતીર્થી’માં સ્થાન પામ્યું છે. ઉપરાંત ૧૯૭૮માં શામળા પાર્શ્વનાથ જિનાલય પણ બંધાયું છે. ૧૧૦ જિન પ્રતિમાઓવાળું તેરા દેરાસર એમાં નવ શિખરોથી કલામંડિત છે.

પંચતીર્થીનું મુખ્ય અને અબડાસા પંચતીર્થીનું પાંચમું તીર્થ એટલે સુથરીનું કલાત્મક અને ભવ્ય જૈન દેરાસર. ધૃતકલ્લોલ પાર્શ્વનાથના દેવવિમાન જેવું સુથરીનું જિનાલય કચ્છના જૈન તીર્થોમાં પ્રાચીન તીર્થ ગણાય છે. પ્રભુજીની પ્રતિમા પણ ઐતિહાસિક છે. સંવત ૧૭ર૧માં શ્રેષ્ઠીવર્ય મેઘજી ઉડિયા (અન્ય સંદર્ભમાં ઉદેશી શાહ)ને પાર્શ્વપ્રભુની પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. એક અનુશ્રુતિ મુજબ મેઘજી શાહે સમગ્ર જ્ઞાતિના સમુદાયને જમાડવા યોજેલા જમણા પ્રસંગે ધાર્યા કરતાં વધારે સંખ્યા થઈ જતાં તેમણે શ્રાવકશૈલી અનુસાર ઘીના પાત્રમાં પેલી પાર્શ્વનાથજીની પ્રતિમા મૂકીને સ્વામી વાત્સલ્યમાં પોતાની લાજ રાખવા વિનંતી કરી અને કોઈ અગમ્ય ચમત્કારે રસોઈ અખૂટ રહી. ઘીના ઠામમાંથી પણ સતત ઘી નીકળતું રહ્યું. ધૃત (ઘી)ના કલ્લોલો (તરંગો)થી સંઘને આનંદ (કલ્લોલ) કરાવ્યો એથી એ મૂર્તિ ‘ધૃત કલ્લોલ’ પાર્શ્વનાથ તરીકે ઓળખાઈ. એ પછી મેઘજી શેઠે આ પ્રતિમા સંઘને સોંપી દેતાં સંવત ૧૮૮૩માં નૂતન જિનાલયની શિલારોપણ વિધિ સંપન્ન થઈ. આજથી ૧૮૦ વર્ષ અગાઉ સંવત ૧૮૯૬માં વૈશાખ સુદ સાતમના જિનબિમ્બની સ્થાપના કરવામાં આવી હતી. અહીં ૯૭ જિનમૂર્તિઓ અને ૧૦૯ સિદ્ધિચક્રો છે.

sunil mankad kutch columnists