દેશમાં સૌથી વધુ નોકરીઓ કઈ પ્રાઇવેટ કંપની આપે છે?

09 February, 2020 02:52 PM IST  |  Mumbai | Rashmin Shah

દેશમાં સૌથી વધુ નોકરીઓ કઈ પ્રાઇવેટ કંપની આપે છે?

જલારામબાપાનું વીરપુર યાદ છે? આ વીરપુરની વસ્તી માત્ર ૫૫,૦૦૦ની છે. જગતજનની મા વૈષ્ણોદેવીનું સ્થાનક જે ગામમાં છે એ કટરામાં રોકડા ૧૨,૦૦૦ લોકો રહે છે. સુરત પાસેનું નવસારી ફક્ત ૧.૭૧ લાખનું પૉપ્યુલેશન ધરાવે છે અને ગોંડલ, દાહોદ અને ગોધરાનાં નામ પણ સાંભળ્યાં છેને? આ બધાં શહેરોની વસ્તી સવાબે લાખથી પણ ઓછી છે. આ દેશમાં શહેરનો દરજ્જો મળ્યો હોય એવાં ૩૦૦ શહેરો છે જેમાંથી ૧૮૬ શહેરો એવાં છે જેનું પૉપ્યુલશન ચાર લાખથી ઓછું છે. તમને મનમાં પ્રશ્ન થાય કે અચાનક વળી પૉપ્યુલેશનની વાત શું ચાલુ થઈ છે, પણ એનો જવાબ સાંભળીને ચોક્કસપણે તમારી આંખોમાં અચરજનું આંજણ અંજાશે. આ જ દેશમાં એક કંપની એવી છે જેના કર્મચારીઓની સંખ્યા આ બધાં એટલે કે ઉપર કહ્યાં એ શહેરોથી વધારે છે.

આ જ વાતને એક નવા દૃષ્ટિકોણથી જોઈએ. દેશમાં સૌથી વધારે નોકરી આપવાનું કામ જો કોઈ કરતું હોય તો એ સરકારી ક્ષેત્ર છે. દરેક દેશને આ વાત લાગુ પડે છે. ભારતમાં સૌથી વધારે જો જૉબ ઑફર કરતું કોઈ ડિપાર્ટમેન્ટ હોય તો એ આર્મ્ડ ફોર્સ્ડ એટલે કે તમામ પ્રકારની સુરક્ષા એજન્સીઓ છે. દેશના અંદાજે ૧૪ લાખ નાગરિકને આ વિભાગ દ્વારા નોકરી મળી છે તો બીજા નંબરે ભારતીય રેલ છે. ભારતીય રેલમાં ૧૩ લાખ કર્મચારીઓ છે અને પબ્લિક સેક્ટરની બીજા નંબરની સૌથી મોટી જૉબ આપનારી સંસ્થા છે. તો ત્રીજા નંબરે ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે. ટપાલ ખાતામાં ૪.૨ લાખ કર્મચારીઓ છે. આ પછીના ક્રમે જે કંપની આવે છે એ સરકારી નહીં, પણ પ્રાઇવેટ સેક્ટરની કંપની છે. જરા વિચારો કે એ કંપની કઈ હશે? યાદ કરવાની કોશિશ કરશો તો તમારી આંખ સામે રિલાયન્સનું નામ આવશે અને અને જો ગુજરાત સાથે લાઇવ સંપર્કમાં હશો તો તમારી આંખ સામે અદાણી ગ્રુપ પણ આવી શકે પણ ના, આ બે કે પછી તાતા-બિરલા ગ્રુપનું નામ પણ આ લિસ્ટમાં નથી આવતું.

પ્રાઇવેટ સેક્ટરમાં સૌથી વધારે એમ્પ્લૉયમેન્ટ આપનારી જે કંપની છે એનું નામ છે ક્વેસ ઇન્કૉર્પોરેશન. ક્વેસ પાસે ૩.૮પ લાખ કર્મચારીઓ છે. ભારતમાં સૌથી વધારે કર્મચારી ધરાવતી જો કોઈ કંપની હોય તો એ બૅન્ગલોર બેઝ્ડ ક્વેસ કંપની છે. ક્વેસ પછીના ક્રમે તાતા ગ્રુપની ટીસીએસ છે. ટીસીએસ પાસે ૩.પ૬ લાખ કર્મચારી ભારતમાં છે અને ૯૦,૦૦૦ એમ્પ્લૉઈ ફૉરેનમાં છે. રિલાયન્સ પાસે પણ ક્વેસ જેટલો સ્ટાફ નથી અને વોડાફોન પાસે પણ ક્વેસની સરખામણીમાં બહુ ઓછો સ્ટાફ છે. હકીકત એ છે કે રિલાયન્સ અને વોડાફોન જેવી કંપનીઓને સ્ટાફ પ્રોવાઇડ કરવાનું કામ આ ક્વેસ કરે છે. ભારત ઉપરાંત કંપની અન્ય ૯ દેશમાં પણ સ્ટાફ પ્રોવાઇડ કરવાનું કામ કરે છે અને કંપનીએ ફૉરેનમાં સ્ટાફ આપ્યો હોય એ આંકડો પેલા મૂળ આંકડા કરતાં એટલે કે ૩.૮પ લાખથી જુદો છે.

૧૦ દેશમાં ૨૬૦૦ ક્લાયન્ટને સ્ટાફ પ્રોવાઇડ કરતી ક્વેસની સર્વિસની માગણી દિવસે-દિવસે વધતી જાય છે અને એનો પુરાવો કંપનીના ગ્રોથરેટ પરથી ખબર પડી રહ્યો છે. ૨૦૧૬થી ક્વેસ ઇન્કૉર્પોરેશન એકધારા ૩૮ ટકાના વૃદ્ધિદર સાથે આગળ વધી રહી છે જે પ્રાઇવેટ સેક્ટરના ઓવરઑલ ગ્રોથરેટ કરતાં લગભગ ૧૪ ટકા જેટલો વધારે છે.

સૅમસંગથી માંડી ઍમેઝૉન

ધારો કે તમે ઍમેઝૉન પર ઑનલાઇન કોઈ ઑર્ડર આપ્યો અને એની ડિલિવરી કરવા માટે ડિલિવરી-બૉય તમારા ઘરે આવ્યો. આ જે બૉય ઘરે આવ્યો છે એ ક્વેસ કંપનીનો એમ્પ્લોઈ હોવાની પૂરતી શક્યતા છે. ઍમેઝૉનમાં ત્રણ ડિલિવરી-બૉયમાંથી બે ડિલિવરી-બૉય ક્વેસે આપ્યા છે. સૅમસંગમાં પણ એવું જ છે. મોબાઇલ કે ટીવી ખરીદી લીધાં પછી જો એમાં કોઈ પ્રૉબ્લેમ થયો અને તમારે આફ્ટર સેલ્સ માટે જવું પડ્યું તો તમને મળનારો ટેક્નિશ્યન આ ક્વેસનો કર્મચારી છે, પણ તે સૅમસંગ વતી બધી જવાબદારી સંભાળે છે. વોડાફોન પણ ક્વેસની સર્વિસ લે છે અને આપણી ઇન્ડિયન કંપનીની વાત કરીએ તો મુકેશ અંબાણીવાળું રિલાયન્સ અને બજાજ ફાઇનૅન્સ પણ ક્વેસની સર્વિસનો લાભ લે છે. ક્વેસ સંપૂર્ણપણે સ્ટાફ પ્રોવાઇડિંગ સર્વિસમાં કામ કરે છે. કામની આ પ્રક્રિયાને સમજવાની જરૂર છે. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના માસ્ટર્સથી લઈને ડિલિવરી એક્સપર્ટ્સનો તેમની પાસે જબરદસ્ત મોટો ડેટા છે તો સાથોસાથ રીટેલ સર્વિસના એક્સપર્ટ્સ પણ એના આ ડેટા લિસ્ટમાં છે.

ક્વેસના ક્લાયન્ટ લિસ્ટમાં કુલ ૨૦૦ કંપનીઓ છે. આ ૨૦૦ કંપનીઓને ક્વેસ કેવા પ્રકારનું સૉલ્યુશન આપે છે એના વિશે માહિતી આપવાની અસમર્થતા દર્શાવતાં કંપનીના સીઈઓ સૂરજ મોરાજેએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘જૉબ મોડલ કયા પ્રકારનું હોવું જોઈએ એના વિશે વાત કરવી અયોગ્ય છે, પણ હું એટલું કહીશ કે અમારી પાસે જે એમ્પ્લોઈ છે એ સંખ્યા કરતાં પણ ઓછી સંખ્યાના દેશો આ પૃથ્વી પર છે.’

એક દેશ કરતાં પણ વધારે સંખ્યામાં કર્મચારી ધરાવતી આ કંપનીના ગ્રોથરેટની વાત આગળ કરી અને અહીં ફરીથી એ કરવાની થાય છે. ૩૮ ટકાનો વૃદ્ધિદર ધરાવતી આ કંપની જે ઝડપે આગળ વધે છે એની સામે ઑટોમોબાઇલ સેક્ટર, એફએમસીજી, ટેલિકૉમ અને આઇટી સર્વિસની અન્ય કંપનીઓમાં સ્ટાફને છૂટો કરવાનો દોર ચાલે છે, જ્યારે ક્વેસ દર વર્ષે નવા સ્ટાફ માટે ઍવરેજ ૧૦ લાખ ઇન્ટરવ્યુ કરે છે. મજાની વાત એ છે કે જે

ડિલિવરી-બૉયની સૅલેરી અંદાજે પાંચથી સાત હજાર રૂપિયા ગણવામાં આવતી એ ડિલિવરી-બૉયને ૧૫થી ૨૦ હજારના સ્ટાર્ટિંગ સૅલેરી સુધી લઈ જવાનું કામ પણ ક્વેસે કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લાં ૧૦ વર્ષમાં મોંઘવારીદર જે ઝડપે વધ્યો છે એના કરતાં અનેકગણી ઝડપે ડિલિવરી-બૉયની સૅલેરીમાં વધારો થયો છે અને એનો બધો શ્રેય ક્વેસને જાય છે. ૨૦૧૦થી આજ સુધીમાં જે મોંઘવારીદર વધ્યો એની ત્રિરાશી મુજબ ડિલિવરી-બૉયની સૅલેરી આજે સરેરાશ ૫૦૦૦થી વધીને ૧૦,૦૦૦ પર પહોંચવી જોઈતી હતી, પણ આજે ૨૦૨૦માં એ ૨૦,૦૦૦ પર પહોંચી છે. ક્વેસ સ્પષ્ટતા કરતાં કહે છે કે એમને ત્યાં એમ્પ્લોઈની સૅલેરીની રૅન્જ ૧૨,૦૦૦થી ૪૦,૦૦૦ સુધીની છે. જો આ સૅલેરીની ઍવરેજ ૨૦,૦૦૦ બાંધવામાં આવે તો કહી શકાય કે ક્વેસ દર મહિને અંદાજે સાત અબજ અને સિત્તેર કરોડ રૂપિયાની સૅલેરી ચૂકવે છે. યાદ રહે, મહિને. વર્ષ આખાનો હિસાબ કરવાની કોશિશ કરશો તો કૅલક્યુલેટર પણ ના પાડી દેશે અને એ પછી પણ મથામણ કરશો તો જે આંકડો આવશે એ મહારાષ્ટ્રના કુલ બજેટના ૫૦ ટકા પર પહોંચશે.

 

શું છે આ સ્ટાફ પ્રોવાઇડિંગ સર્વિસ

 

જ્યારે કંપની પોતાનો દેશ છોડીને બીજા દેશમાં જઈને કામ કરતી હોય ત્યારે લૅબર લૉને ધ્યાનમાં રાખીને કંપની સ્ટાફ પ્રોવાઇડર કન્સેપ્ટનો ઉપયોગ કરતી હોય છે. મોટા ભાગની મલ્ટિનૅશનલ કંપની ડાયરેક્ટ સ્ટાફને અપૉઇન્ટ કરવાને બદલે ક્વેસ જેવી કંપનીની પાસેથી સ્ટાફ લે છે. સાદી ભાષામાં સમજાવવું હોય તો કહી શકાય કે જે રીતે સિક્યૉરિટી એજન્સી કામ કરે છે એ જ પ્રકારે આવી સ્ટાફ પ્રોવાઇડિંગ કંપની કામ કરતી હોય છે. અન્ય કંપની વતી સ્ટાફ હાયર કર્યા પછી એને ટ્રેઇન કરવાથી માંડીને એ સ્ટાફ સાથે કોઈ કાયદાકીય ગૂંચવણ ઊભી થાય તો એને ફોડવાની અને એની સામે લડવાની તૈયારી આ પ્રકારની કંપનીએ રાખવાની રહે છે. રૂપિયો કન્વર્ટિબલ થયા પછી મલ્ટિનૅશનલ કંપની ભારતમાં આવતાં સ્ટાફ પ્રોવાઇડિંગ કંપનીની ડિમાન્ડ નીકળી અને ભારતમાં આ સેક્ટરમાં બૂમ આવ્યો. ઍમેઝૉનથી માંડીને વોડફોન, સૅમસંગ, સોની જેવી મલ્ટિનૅશનલ કંપની હાયર-કી પર પોતાનો સ્ટાફ લે છે, પણ એ પછી લૅબર, સેમી-લૅબર ક્લાસના સ્ટાફ માટે સ્ટાફ પ્રોવાઇડિંગ કંપનીનો સપોર્ટ લેતી હોય છે. આ પ્રકારનો સપોર્ટ થોડો મોંઘો પડી શકે, કહો કે રૂપિયાની વસ્તુ સવા રૂપિયામાં પડે પણ અલ્ટિમેટલી એનો ફાયદો થતો હોય છે. સ્ટાફ સાથેના વાંધાવચકામાં પડવાથી બચી શકાય છે તો સાથોસાથ ટ્રેઇનિંગ અને આફ્ટર-સેલ્સ સર્વિસ જેવી ટિપિકલ બાબતોમાંથી સમયની બચત પણ થાય છે. યાદ રહે, મલ્ટિનૅશનલ કંપનીઓનો એક ફન્ડા બહુ ક્લિયર હોય છે. ડૉલર નહીં, સમય બચાવો. ડૉલર કમાઈ શકાશે, સમય નહીં. સમય માત્ર બચાવી જ શકાય છે.

Rashmin Shah weekend guide columnists