વિજયી ભવઃ દિલ્હીની જીત પછી આમ આદમી પાર્ટીએ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ?

12 February, 2020 12:47 PM IST  |  Mumbai | Manoj Joshi

વિજયી ભવઃ દિલ્હીની જીત પછી આમ આદમી પાર્ટીએ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ?

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના ઇલેક્શનનું રિઝલ્ટ ગઈ કાલે આવી ગયું. ઓપિનિયન પોલ સાચા પડ્યા અને અરવિંદ કેજરીવાલની જીત થઈ. ચાણક્ય કહેતા જીત જવાબદારી આપે અને બીજી જીત, જવાબદારીની સાથોસાથ આત્મનિરીક્ષણ પણ કરવા માટે મજબૂર કરે. દિલ્હીની આ જીત એ આમ આદમી પાર્ટીની બીજી જીત છે અને આ બીજી જીત સાથે જ હવે આમ આદમી પાર્ટીએ જવાબદારીની સાથોસાથ આત્મન‌િરીક્ષણનું પણ કામ કરવાનું છે.

અરવિંદ કેજરીવાલ અણ્ણા હઝારેથી છૂટા પડ્યા અને ઍક્ટ‌િવ પૉલિટિક્સમાં આવ્યા પછી તેમના જીવનમાં અનેક પ્રકારના બદલાવ આવ્યા છે. આ બદલાવને પણ હવે વર્ષો વી‌તી ગયાં છે એટલે હવે તેમણે સૌથી પહેલું તો એ સમજવાની જરૂર છે કે ભલે તેમની પાર્ટીનું નામ આમ આદમી પાર્ટી હોય પણ તેમનું આમ આદમી જેવું વર્તન વાજબી નથી. માણસ જ્યારે મોટો બને ત્યારે તેણે મોટાઈને પણ હાથવગી રાખવી પડે. એક મુખ્ય પ્રધાનને મળતા ૨૪ કલાકમાંથી તે પોતાના સમયનો મૅક્સિમમ ઉપયોગ કેવી રીતે કરી શકે અને મળતા સમયનો સદુપયોગ કેવી રીતે કરી શકે એની સમજણ મુખ્ય પ્રધાને દેખાડવી પડે. મુખ્ય પ્રધાન હેલિકૉપ્ટરમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો એનો અર્થ એવો નથી કે એ મુખ્ય પ્રધાનને હેલ‌િકૉપ્ટરમાં બેસવાનો શોખ છે કે પછી તેઓ ક્યારેય પ્લેનમાં ઊડ્યા નથી. ના, એવું જરાય નથી, પણ એવું છે કે તેમને પોતાના સમયના મૂલ્યની ખબર છે. દેશમાં થતા ઇલેક્શન પાછળ કેવો અને કેટલો ખર્ચ થાય છે એની સમજણ તેમને છે અને એટલે જ તેઓ ઓછામાં ઓછા સમયમાં મૅક્સ‌િમમ કામ કરી શકે એનો પ્રયાસ કરતા હોય છે. અરવિંદ કેજરીવાલે આ વાત સમજવી પડશે. જો કોઈને એમ હોય કે આ વાત તેમને સમજાઈ છે અને એટલે જ આટલું કામ તેઓ કરી શક્યા છે તો મારું કહેવું છે કે જે કામ થઈ શક્યું એનાથી વધારે કામ થાય એ માટે પણ પ્રયાસ તો થવો જ જોઈએ અને એને માટે પણ સમય બચાવવો પડે. કેજરીવાલે પોતાનો સમય આક્ષેપોમાંથી બચાવવો પડશે. ખોટી સોબતથી પણ બચાવવો પડશે. સામાન્ય જન વચ્ચે રહેવું એ એક વાત છે અને સામાન્ય જન વચ્ચે વિવાદનો મુદ્દો બનવું એ બીજી બાબત છે. આમ આદમી પાર્ટી આ બીજી બાબતમાં અટવાઈ ગઈ છે એવું કહેવામાં કોઈ અતિશયોક્ત‌િ નહીં કહેવાય.

બીજી વાત, આમ આદમી પાર્ટીએ જે કમિટમેન્ટ કર્યાં છે એ કમિટમેન્ટ તેમણે હવે ઝડપથી હાથ પર લેવાં જોઈશે. નરેન્દ્ર મોદીની પાર્ટી રામ મંદિર અને કાશ્મીર પ્રશ્નની વાત કરતી હતી. આ બન્ને પ્રશ્નોના નિરાકરણ અઘરા હતા, એ સમસ્યા વિકરાળ હતી અને એમાં કાયદાકીય ગૂંચ પણ અઢળક હતી. એ પછી પણ આ પ્રશ્નોનાં સૉલ્યુશનની દિશામાં કામ થયું છે, જે બહુ જરૂરી છે. આ જરૂરિયાતને પૂરી કરવી એ દરેક રાજકીય સંગઠનની નૈતિક જવાબદારી છે. અરવિંદ કેજરીવાલે જે પ્રકારે વચન આપ્યાં છે એ અદ્ભુત છે અને એનું અમલીકરણ શક્ય પણ છે. જો સફળતા સાથે એનું અમલીકરણ થઈ શકે તો એ જ દિશામાં અન્ય રાજ્યો ચાલી શકે અને બીજાં રાજ્યોના લોકોને પણ એનો લાભ મળે એવા હેતુથી પણ પાંચ વર્ષના સમયકાળને નજર સામે રાખવાને બદલે જાહેર થયેલાં વચનો પર તેમણે ત્વરા સાથે કામ કરવું જોઈશે. જો એવું થઈ શક્યું તો દેશની રાજધાનીનું ઇલેક્શન ખરા અર્થમાં લેખે લાગશે.

arvind kejriwal manoj joshi columnists