લગ્નમાં બચ્ચાપાર્ટી ભી કિસીસે કમ નહીં

01 February, 2020 01:46 PM IST  |  Mumbai | Arpana Shirish

લગ્નમાં બચ્ચાપાર્ટી ભી કિસીસે કમ નહીં

લગ્ન હોય અને નાનકડાં બાળકો ચણિયા-ચોળી અને શેરવાનીમાં આખા હૉલમાં દોડતાં હોય એનાંથી વધુ ક્યુટ સીન કોઈ નહીં હોય. પ્રસંગોમાં બાળકોની કમ્ફર્ટ જળવાઈ રહે એટલે તેમને થોડાં સિમ્પલ કપડાં પહેરાવાતાં હોય છે અને જો ખૂબ ફ્રિલવાળાં ફ્રૉક કે જાડોપાડો સૂટ પહેરાવી જ દો તો બાળકો થોડી જ વારમાં કંટાળીને કપડાં કાઢી નાખવાની જીદ કરે છે. જોકે હવે દિવસો બદલાયા છે. બાળકો માટે પણ ડિઝાઇનર વેઅર આવી ગયાં છે જે તેમની નાજુક ત્વચા અને ઉંમરને ધ્યાનમાં રાખીને કપડાં બનાવવા લાગ્યા છે. અને એટલે જ આજે પેરન્ટ્સ પણ લગ્ન જેવા પ્રસંગોમાં પોતે જે પહેરે એ બાળકોને પણ પહેરાવવા લાગ્યા છે. ચાલો જાણીએ બાળકો માટે આવાં કપડાં પસંદ કરતા સમયે શું ધ્યાનમાં રાખવું જરૂરી છે.

કેવાં કપડાં કરશો સિલેક્ટ?

બાળકો હવે પોતાની કમ્ફર્ટ વિષે સભાન બન્યાં છે અને સામેથી મમ્મી પાસે, મને તમારા જેવો જ ડ્રેસ જોઈએ એવી ડિમાન્ડ કરે છે. આ વિષે વધુ જણાવતાં બાળકો અને પુરુષો માટે એથ્નિક વેઅર ડિઝાઇન કરતા પરેલના મૃગેશ સાવલા કહે છે, ‘બાળકોને પણ હવે પોતાને કેવા કલર્સ પહેરવા છે એ ખબર હોય છે. આજે મોટા ભાગની ફૅમિલીમાં સંગીત, લગ્ન અને રિસેપ્શનમાં પણ જ્યાં ડ્રેસિંગની થીમ સેટ કરવામાં આવે છે ત્યાં બાળકોને પણ એમાંથી બાકાત નથી રાખવામાં આવતાં. બૉય્ઝ માટે એ બધું જ બનાવી શકાય જે મોટા પુરુષો પહેરે. શેરવાની, કુરતા, જૅકેટ, ઇન્ડો-વેસ્ટર્ન જેવા ડ્રેસિંગ ઑપ્શન છે. કુરતા અને જૅકેટમાં ક્રૉસ કટ આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. જોકે બૉટમમાં ચૂડીદાર અને ધોતી જેવી પૅટર્ન બાળકો ન સંભાળી શકે તેમ જ એ તેમના માટે કમ્ફર્ટેબલ પણ નહીં રહે એટલે થોડી નૅરો પૅન્ટ સારી લાગશે.’

છોકરાઓથી પણ વધુ ટ્રેન્ડ નાની છોકરીઓનાં કપડાંમાં જોવા મળતા હોય છે. મમ્મી પહેરે એ બધું જ દીકરી પણ પહેરી શકે એવું જણાવતાં ફૅશન-ડિઝાઇનર ચાર્મી મોતા ઉમેરે છે, ‘ચણિયા-ચોળી, ક્રૉપ ટૉપ, શરારા, ઘરારા, ગાઉન અને સલવાર સૂટ જેવા બધા જ ગાર્મેન્ટ નાની છોકરીઓ માટે બનાવવામાં આવે છે. જોકે એમાં એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે દુપટ્ટા, સાડી જેવી ડ્રેપ કે કોઈ લહેરાતી ઓઢણી પણ પહેરાવવી હોય તો એ એના ટૉપ સાથે જ અટૅચ હોવી જોઈએ. જુદી-જુદી હોય અને બાળકના શરીર પર પિન લગાવીને અટૅચ કરવી પડે એવી કોઈ પૅટર્ન ન બનાવડાવવી. નાનાં બાળકોને રમવું પસંદ હોય છે અને કપડાંને લીધે તેમની રમતમાં બાધા ન આવવી જોઈએ.’

ફૅબ્રિકની પસંદગી

બાળકોનાં કપડાંમાં પહેલાં કહ્યું એમ ફૅબ્રિક મહત્વનો ભાગ ભજવે છે. એટલે એ કોમળ ત્વચાને નુકસાન ન પહોંચાડે એવું હોવું જરૂરી છે. અહીં મૃગેશ કહે છે, ‘સૉફ્ટ સિલ્ક, કૉટન સિલ્ક કે પાર્ટીવેઅરમાં વેલ્વેટનો ઉપયોગ કરી શકાય. ફૅબ્રિક સ્કિન સાથે ઘસાય એવું રફ ન હોય એનું ધ્યાન રાખવું. બને ત્યાં સુધી સેલ્ફ-ડિઝાઇન ફૅબ્રિક પસંદ કરવું જેથી વધારાની એમ્બ્રૉઇડરી કે ડેકોરેશન ન કરાવવું પડે. બાળકો છે એટલે કલર અને પ્રિન્ટ પણ એવાં જ રાખી શકાય. બાળકોમાં એથ્નિક વેઅરમાં પણ હાથી, સાઇકલ, ઑટોરિક્ષા, કાર જેવી પ્રિન્ટ સારી અને તેમની ઉંમર અનુરૂપ લાગે છે.’

મૃગેશ સાવલાએ તેમની ફૅમિલી માટે ડિઝાઇન કરેલો ટ‍્વિનિંગ કન્સેપ્ટ.

બાળકો માટે વપરાતું ફૅબ્રિક સૉફ્ટ હોવાની સાથે વજનમાં પણ ખૂબ હલકુંફૂલકું હોવું જોઈએ. જો નાનકડા ઘાઘરા કે ગાઉન પર હેવી એમ્બ્રૉઇડરી અને આરી વર્ક કરાવશો તો એ ડ્રેસ એક કલાક પણ બાળક નહીં પહેરી શકે. આ વિષે વાત કરતાં ચાર્મી કહે છે, ‘ઑર્ગન્ઝા ફૅબ્રિક આજકાલ ખૂબ ચાલી રહ્યું છે. એ વજનમાં ખૂબ જ હલકું છે અને છોકરીઓના ઘાઘરા અને ગાઉનમાં ફ્રિલ અને લેયર આપવા માટે સુંદર લાગે છે. પ્લસ આ ફૅબ્રિક ત્વચા પર કરડતું નથી એટલે બાળક આરામથી પહેરી શકે.’

ઑર્નામેન્ટ અવૉઇડ કરો

લગ્ન જેવા લાંબા ચાલનારા પ્રસંગોમાં બાળકોમાં જેટલા ફૅશન ટ્રેન્ડના એક્સપરિમેન્ટ કરવા હોય એ કપડાં પર જ કરવાં. મોતીની લડીઓના મોટા હાર, પાઘડી, સાફા અને બાળકીઓને પહેરાવવામાં આવતી ઍક્સેસરીઝ ફોટો સેશન સુધી જ સીમિત રાખવાં. ૧૦ વર્ષથી મોટી વયનાં બાળકો હજીયે ઍક્સેસરીઝ સંભાળી શકે પણ નાનાં બાળકો માટે જ્વેલરી જેટલી અવૉઇડ કરવામાં આવે એટલું સારું. અહીં સલાહ આપતાં ચાર્મી કહે છે, ‘બાળકોઓને જ્વેલરી પહેરાવવા કરતાં તેમના ડ્રેસ પર જ એ ટાઇપની પૅટર્ન લો કે જ્વેલરીની જરૂર જ ન પડે. કુરતા અને જૅકેટમાં મોટાં ડેકોરેટિવ બટન્સ લગાવી શકાય અને છોકરીઓનાં ક્રૉપ ટૉપ્સ અને બ્લાઉઝની સ્લીવમાં વેરિએશન આપી શકાય. ખૂબબધી ઝાલરવાળી રફલ્સ સ્લીવ ક્યુટ લાગશે. વધુમાં જો જ્વેલરી પહેરાવવી જ હોય તો આર્ટિફિશ્યલ ફ્લાવર્સ અને મોતીની જ્વેલરી પહેરાવો. મેટલ શક્ય હોય ત્યાં સુધી ટાળવું.’

નાની સાઇઝ વધુ મોંઘી

નાનકડા શર્ટ કે ક્રૉપ ટૉપ પર હજારોમાં પ્રાઇસ વાંચી આપણી ભ્રમર ચડી જતી હોય છે કે આટલું નાનું તો છે એની પ્રાઇસ મારાં કપડાંથીય વધુ? જોકે કોઈ પણ મોટી વ્યક્તિનાં કપડાંમાં હોય એવી પૅટર્ન નાની સાઇઝમાં બનાવવાની આવે ત્યારે ડિઝાઇનરો અને ટેલર બન્નેએ એક્સ્ટ્રા મહેનત કરવી પડે છે. નાની સાઇઝમાં ડિઝાઇન ફિટ કરવી ચૅલેન્જિંગ બને છે. અને એ મહેનત અને ચૅલેન્જની જ એ કિંમત છે. વળી બાળકો માટે હોય એટલે કાપડ અને બીજા મટીરિયલની ક્વૉલિટી સાથે બાંધછોડ ન કરી શકાય. બાળકો માટે બધું જ બેસ્ટ હોવું જોઈએ. વધુમાં આવાં કપડાં બાળકો માંડ એકાદ-બે વાર જ પહેરી શકે, કારણ કે થોડા જ મહિનાઓમાં એ તેમને શૉર્ટ થવા લાગશે. એટલે સમજી-વિચારીને પૈસા ખર્ચવા.

ટ‍્વિનિંગ કા ઝમાના

પહેલાં લોકો મૅચિંગ કપડાં ક્યાંક આપણે બૅન્ડવાજાવાળા ન લાગીએ એવું કહીને પહેરવાનું ટાળતા. જોકે આજકાલ સમજી-વિચારીને અને નક્કી કરીને આખી ફૅમિલી મૅચિંગ કપડાં પહેરે છે. આ વિષે મૃગેશ કહે છે, ‘તાજેતરમાં મારી ફૅમિલીમાં લગ્ન હતાં અને મેં મારી ફૅમિલીમાં બધા બૉય્ઝ માટે એકસરખી ડિઝાઇનનાં કપડાં બનાવ્યાં હતાં. દાદા-પપ્પા અને દીકરો આમ ત્રણેનાં કુરતા અને જૅકેટ સેમ હોય કે પછી બાપ-દીકરાનાં કપડાં મૅચિંગ હોય એવો કન્સેપ્ટ આજકાલ ખૂબ ઇન છે. આ સિવાય ભાઈ-બહેનને પણ ટ‍્વિનિંગ કરાવી શકાય, જેમાં ઘરની બધી જ બચ્ચા પાર્ટીને એકસરખા કલર-કૉમ્બિનેશન અથવા એક જેવા ફૅબ્રિકમાંથી જુદી-જુદી ડિઝાઇન હોય એવાં કપડાં પહેરાવી શકાય. આ કન્સેપ્ટ જોવામાં પણ ક્યુટ લાગે છે.’ બાપ-દીકરાની જેમ જ મમ્મી અને દીકરી કે દીકરો પણ ટ‍્વિનિંગ કરી શકે. સ્કર્ટ અથવા ગાઉન સેમ પહેરી શકાય. મમ્મીની સાડી હોય એવું જૅકેટ દીકરો પહેરી શકે. જોકે આવા ટ‍્વિનિંગ કન્સેપ્ટ બાળકો ૧૦ વર્ષથી નીચેનાં હોય તો વધુ સારાં લાગે, કારણ કે મોટાં બાળકો પોતાની રીતે રંગ અને ડિઝાઇન પસંદ કરવાનું પ્રિફર કરતા હોય છે.

arpana shirish columnists weekend guide