ખવડાવવાનાં વધુ શોખીન લતા મંગેશકરને પાણીપૂરી અને દાળઢોકળી બહુ ભાવે છે

23 February, 2020 01:38 PM IST  |  Mumbai | Rajani Mehta

ખવડાવવાનાં વધુ શોખીન લતા મંગેશકરને પાણીપૂરી અને દાળઢોકળી બહુ ભાવે છે

હૃદયનાથ મંગેશકર સાથે રજની મહેતા.

થોડા દિવસો પહેલાં જાણીતા ગઝલગાયક અને પ્લેબૅક સિંગર રૂપકુમાર રાઠોડને ત્યાં ડિનર માટે ગયો હતો. રૂપકુમાર અને સોનાલી રાઠોડ એક સુરીલું કપલ છે એટલે હું તેમને એક કપલ નહીં, પરંતુ ‘કપલેટ’ (કાવ્યપંક્તિનું ઝૂમખું) કહું છું. અમારી મૈત્રી એ દિવસોની છે, જ્યારે રૂપકુમાર ૧૯-૨૦  વર્ષની ઉંમરે એક યુવાન તબલા પ્લેયર તરીકે ગઝલની દુનિયામાં તૂફાન બનીને છવાઈ ગયા હતા. સોનાલી એટલે જ મારી ઉંમર અને અમારી મૈત્રીના સમયગાળાને ધ્યાનમાં રાખીને (Tongue in cheek) પોતાના મિત્રોને મારી ઓળખાણ કરાવતાં કહે છે, રજનીભાઈ રૂપના બહુ જ ઓલ્ડ ફ્રેન્ડ છે. ‘મને એ દિવસો યાદ છે જ્યારે એ સમયના ટોચના ગઝલગાયકો વચ્ચે રૂપકુમારની તારીખ માટે રસાકસી થતી, કારણ કે દરેક એમ ઇચ્છતા કે તે તેમની સાથે સંગત કરે. ત્યાર બાદ ગઝલની દુનિયામાં અને પ્લેબૅક સિંગર તરીકે રૂપકુમારે પોતાનું એક વિશિષ્ટ સ્થાન કેવી રીતે બનાવ્યું એ ઘટનાક્રમ પણ એટલો જ રસપ્રદ છે. એ વાતો ક્યારેક ભવિષ્યમાં તમારી સાથે શૅર કરીશ. આજે એ રાતે શું બન્યું એની વાત કરવી છે.

અમે બેઠા હતા ત્યાં અચાનક ડોરબેલ વાગી. રાઠોડ પરિવારના વરલીના ગ્રાઉન્ડ ફ્લોરના વિશાળ ફ્લૅટમાં એવી વ્યવસ્થા છે કે એક ગ્લાસ ડોરમાંથી જોઈ શકાય કે બહાર કોણ આવ્યું છે. સહજ બહાર નજર  નાખતાં અરે, બાબા આયે હૈ બોલતાં ઊભા થઈને રૂપકુમારે દરવાજો ખોલ્યો અને સામે દર્શન થયાં હૃદયનાથ મંગેશકરના. અમારા સૌના માટે આટલી મોડી રાતે (લગભગ ૧૨ વાગવા આવ્યા હતા) તેમનું અચાનક આગમન એક સુખદ આશ્ચર્ય હતું. સોનાલી રાઠોડ હૃદયનાથજીનાં ફેવરિટ સ્ટુડન્ટ હતાં એની મને ખબર હતી. હાલમાં તેઓ પુણે સેટલ થયા છે. ૮૪ વર્ષની જૈફ ઉંમરે હાથમાં લાકડી લઈને આવેલા હૃદયનાથજીને ખુરસીમાં બેસાડીને સોનાલીએ પ્રશ્ન પૂછ્યો કે બાબા, અચાનક ઇતની રાત કૈસે આના હુઆ. તો જવાબ મળ્યો, ‘રીવા કી યાદ આઈ તો મિલને ચલા આયા.’ આજકાલ હૃદયનાથજીની ફેવરિટ રીવા છે અને બીજા નંબર પર છે સોનાલી જેનો તેમને વિશેષ આનંદ છે.

રૂપકુમાર અને સોનાલી રાઠોડની પુત્રી રીવા રાઠોડ એક એવી યુવાન પ્રતિભા છે જેની ગાયકીથી પ્રભાવિત થઈને ખુદ લતા મંગેશકરે નિર્ણય કર્યો કે હું તેને દુનિયા સમક્ષ રજૂ કરું અને આમ ગયા વર્ષે ‘લતા મંગેશકર પ્રેઝન્ટ્સ રીવા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હૃદયનાથજી અને હિન્દી ફિલ્મ સંગીતના ચુનંદા કલાકારોની ઉપસ્થિતિમાં રીવા રાઠોડે (જે પોતે ખુદ એક સરસ કમ્પોઝર છે) ગીત, ગઝલ, ક્લાસિકલ સંગીતની પ્રસ્તુતિ અને માઇકલ જૅક્સનનાં ગીતોની પિયાનો પર રજૂઆત કરી હતી. હાલમાં જ ગુલઝાર અને રીવાની જોડીનું આલ્બમ ‘સાયા તેરે ઇશ્ક કા’ રિલીઝ થયું છે.

હૃદયનાથજી સાથેની મારી પહેલી મુલાકાત વર્ષો પહેલાં રાઠોડ પરિવારને ત્યાં જ થઈ હતી. ત્યાર બાદ વીતેલાં વર્ષોમાં તેમની સાથે ગ્રીન રૂમમાં થયેલી બે મુલાકાત યાદ આવે છે જ્યાં અમે વાતો કરી હતી. એક નેહરુ સેન્ટરમાં અમીન સાયાનીના અભિવાદનના કાર્યક્રમમાં જ્યાં તેઓ ચીફ ગેસ્ટ હતા. બીજી પુણેમાં જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય અને હૃદયનાથજીના કાર્યક્રમ માટે હું પુરુષોત્તમભાઈ સાથે પુણે ગયો હતો. આ બન્ને પ્રસંગે બીજા મહેમાનો પણ હાજર હતા.  

રૂપકુમારે મારી ઓળખાણ કરાવવાની શરૂઆત કરી તો હૃદયનાથજીએ તેમની સેન્સ ઑફ હ્યુમરનો પરિચય કરાવતાં કહ્યું, ‘મંગેશકર પરિવાર મેં લોગ બુઢ્ઢે હોતે હૈં, ઉનકી યાદદાસ્ત નહીં. મુઝે માલૂમ હૈં; યે આપકે અચ્છે દોસ્ત હૈં, કઈ બાર મુલાકાત હુઈ હૈ’ અને આમ હળવા વાતાવરણમાં વાતોનો દોર શરૂ થયો. થોડી વાતચીત થયા બાદ સ્વાભાવિક છે કે લતાજીની નાજુક તબિયત વિશે વાત નીકળી. હજી થોડા દિવસો પહેલાં જ આપણે સૌ ખૂબ ચિંતિત હતા, જ્યારે લાંબા સમય સુધી હૉસ્પિટલમાં તેમની હાલત ક્રિટિકલ હતી. હાલમાં તેઓ ઘરમાં જ બેડ રેસ્ટ પર છે, પરંતુ એ રાતે હૃદયનાથજીએ કેટલીક એવી વાતો કહી જે મારે માટે નવી હતી. તેમની થોડી વાતો તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.

 ‘હૉસ્પિટલમાં  દાખલ થયા બાદ લગભગ ૧૫ દિવસ સુધી દીદી બેહોશ હતાં. ત્યાર બાદ તેમણે થોડી-થોડી વાતચીત શરૂ કરી. મને કહે, ‘બાળ, મને હૉસ્પિટલમાં ક્યારે લાવ્યાં. મને શું થયું છે?’ અમને સૌને ડર લાગ્યો કે દીદીને વિસ્મૃતિનો રોગ તો નથી થયોને? તેમની મૅમરીમાંથી આ ૧૫ દિવસ નીકળી ગયા હતા. બહુ વાતચીત કરવાની મનાઈ હતી એટલે શું કહેવું એનો હું વિચાર કરતો હતો. મેં ધીરેથી એક જૂના ગીતની યાદ અપાવી. મેં કહ્યું, આના શબ્દો હું ભૂલી ગયો છું. તો તરત તેમને એ ગીત યાદ આવ્યું. જેમ-જેમ દિવસો જતા ગયા એમ તેમની યાદશક્તિની ખાતરી કરવા માટે હું નાનપણના અનેક કિસ્સાઓ તેમને યાદ કરાવતો. એની રજેરજ વાત તેમને યાદ હતી એટલે અમને હાશ થઈ, પરંતુ હૉસ્પિટલના પહેલાંના ૧૫ દિવસો તેમને જરાપણ યાદ નથી.’

આપણે સૌ સંગીતપ્રેમીઓ ઈશ્વરના ઋણી છીએ કે લતાજીની યાદશક્તિ હજી એવી ને એવી જ છે. છેલ્લાં થોડાં વર્ષોથી તેઓ જાહેર કાર્યક્રમમાં ભાગ્યે જ હાજરી આપતાં હતાં. મોટા ભાગનો સમય તેઓ ઘરમાં જ વ્યતિત કરતાં હતાં. જોકે હાલમાં તેમની તબિયત એટલી નાજુક છે કે તેમના બેડરૂમમાંથી તેઓ ક્યારેક જ ડ્રોઇંગ રૂમમાં આવે છે. તેમનો રૂમ સેનીટાઇઝ્ડ કરવામાં આવ્યો છે જેમાં પરિવારના સભ્યોને  થોડા સમય માટે જ જવાની સલાહ આપવામાં આવી છે. આ વિશે વાત કરતાં હૃદયનાથજી કહે છે...

 ‘પહેલાં તો દિવસમાં બે-ત્રણ વાર રૂમની બહાર આવતાં, હમણાં-હમણાં તો ભાગ્યે જ રૂમની બહાર આવે છે. સમય જતો જાય છે એમ એકાંતવાસ વધુ પસંદ કરતાં જાય છે. પહેલાં તો અમારામાંથી કોઈને યાદ કરતાં, પરંતુ હમણાં-હમણાં જો સૌથી વધુ યાદ કરે છે તો તે સબાંને. ‘સબાને ખાના ખાયા, સબા ક્યા કરતી હૈ, સબા કા ખ્યાલ રખના.’ કોઈ વાર હું કહું, ‘દીદી, અકેલે-અકેલે રૂમ મેં ક્યોં બૈઠે હો, થોડા ટાઇમ બહાર આઓ.’ તો કહે, ‘નહીં, મેં યહીં ઠીક હૂં. એક કામ કરના. સબા કો અંદર ભેજ દો.’

હૃદયનાથજીની આ વાતો સાંભળીને એમ થાય કે સબા એક નાનું બાળક હશે જે લતાજીને અત્યંત પ્રિય હશે. મારી આંખમાં જે પ્રશ્ન હતો એ વાંચી લીધો હોય એમ હૃદયનાથજીએ મને પૂછ્યું, ‘આપકો પતા હૈ સબા કૌન હૈ?’ મારો નકાર સાંભળી કહ્યું, ‘એ એક પોમરેનિયન ગલૂડિયું છે. દીદીને એટલું વહાલું છે કે એની સારસંભાળ બરાબર લેવાય એ માટે હંમેશાં અમને પૂછ્યા કરે. તેમનો મોટા ભાગનો સમય એની સાથે રમવામાં જાય છે.’

આવા જ એક બીજા બ્રેકિંગ ન્યુઝ જેવા સમાચાર છે. એક સમય એવો હતો કે લતાજી પાસે ૧૦થી ૧૨ ઊંચી ક્વૉલિટીના શ્વાન હતા. તેમના આ શોખની વાત મેં તો પહેલી વાર સાંભળી. કહેવાય છે કે પુસ્તક અને શ્વાન, આ બે મનુષ્યના ઉત્તમ મિત્રો છે, કારણ કે એ કદી દગો નથી આપતાં. વિખ્યાત લેખક અને ફિલોસૉફર બેન્જામીન ફ્રેન્કલિન મજાકમાં એમ પણ કહે છે કે તમારી પાસે જો આ ત્રણ વફાદાર મિત્રો હોય તો તમે દુનિયાના સુખી માણસોમાંના એક છો. એ છે વૃદ્ધ પત્ની, ઘરડો શ્વાન અને હાથમાં રોકડ રકમ.’

બાબા લતાજીના સ્વભાવના અને ખાસિયતના કિસ્સાઓ શૅર કરી રહ્યા હતા. ‘દીદીને નાનાં બાળકો ખૂબ જ વહાલાં છે. તેમની સાથે ખૂબ હળીમળી જાય. જોકે છેલ્લા થોડા સમયથી તે એકાંતમાં રહેવાનું જ પસંદ કરે છે. એક સમય હતો તે પરિવાર સાથે વધુમાં વધુ સમય વિતાવતાં. પૂજામાં સારો એવો સમય વ્યતિત કરતાં. હવે તેમની નાજુક અવસ્થાને કારણે મોટે ભાગે આરામ કરે છે.’

રાઠોડ પરિવાર સાથે મસ્તી-મજાક કરતાં હૃદયનાથજી દિલથી વાતો કરી રહ્યા હતા. તેમની કિશોરાવસ્થાનો એક કિસ્સો સાંભળવા જેવો છે. ‘દીદી હંમેશાં સલિલ ચૌધરીના સંગીતનાં ખૂબ વખાણ કરતાં. એ સાંભળી મેં તેમને કહ્યું કે મારે તેમના રેકૉર્ડિંગમાં જવું છે એટલે એક દિવસ મને કહે, ‘બાળ, ચાલ મારી સાથે. આજે સલિલ દાનું એક ગીત રેકૉર્ડ થવાનું છે.’ હું તેમની સાથે ગયો. ગીત રેકૉર્ડ થતું હતું ત્યારે મારા મનમાં થતું કે દીદી જે સંગીતનાં ખૂબ વખાણ કરે છે એમાં એવું શું છે? અમે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં મેં કહ્યું કે ‘મને આ ગીત ગમ્યું નથી. તમે જેટલી તારીફ કરતા હતા એવું કઈ મને લાગ્યું નહીં.’ આ સાંભળી દીદી બોલ્યાં, ‘બાળ, અત્યારે તને નહીં સમજાય.’ આ ગીતની ધૂન મને થોડી અજીબ લાગી હતી, પણ કોણ જાણે કેમ એ મારા મનમાંથી ખસતી નહોતી. જેમ-જેમ દિવસો જતા ગયા એમ એ ધૂન મારા દિલો-દિમાગ પર એવી છવાતી ગઈ કે મારી ચેતના પર એણે કબજો લઈ લીધો અને પછી તો એ ગીત મારું પ્રિય ગીત બની ગયું (એ ગીત હતું ફિલ્મ ‘દો બીઘા જમીનનું ‘આ જા રી આ, નીંદિયા તુ આ’) એ પછી તો હું સલિલ દાના સંગીતનો આશિક બની ગયો. તેમની દરેક ધૂન પહેલી વખત સાંભળીએ ત્યારે અટપટી લાગે, પરંતુ એમાં કઈક એવી નવીનતા સાંભળવા મળતી જે ભાગ્યે જ બીજા સંગીતકારોના સંગીતમાં હતી.’

એક આડવાત. ૨૦૧૫માં અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે અમે સંગીતકાર સલિલ ચૌધરીનાં ગીતોનો કાર્યક્રમ તેમનાં પત્ની સબિતા ચૌધરી (જે એક સારા પ્લેબૅક સિંગર હતાં) અને પુત્રી અંતરા ચૌધરીની ઉપસ્થિતિમાં કર્યો હતો. ત્યારે અમારા દરેક મ્યુઝિશ્યન્સે (જે ઇન્ડસ્ટ્રીના ટૉપ મ્યુઝિશ્યન્સ હોય છે) આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે સલિલ દાનાં ગીતોનું ઑર્કેસ્ટ્રાઇઝેશન ખૂબ જ અઘરું હોય છે. મોત્ઝાર્તની સિમ્ફનીનો તેમના સંગીત પર ખૂબ પ્રભાવ હોવાથી વગાડતી વખતે ખૂબ જ સાવધાન રહેવું પડે છે. આ કારણે જ His songs grow slowly on you. બસ, પછી તમે એને ભૂલી ન શકો.

હૃદયનાથજી સાથે વાતચીતનો દોર એટલો સરસ ચાલતો હતો કે સમય ક્યાં પસાર થતો હતો એની ખબર જ નહોતી પડતી. રૂપકુમારે બાબાને કહ્યું, રજનીભાઈએ અનેક સંગીતકારોનું સન્માન કર્યું છે. તેમની પાસે અનેક સ્મરણો છે. મને યાદ દેવડાવતાં કહ્યું, ચિત્રગુપ્તવાળો કિસ્સો બાબાને કહોને? અને સંગીતકાર આનંદ–મિલિન્દ (ચિત્રગુપ્તના પુત્રો) સાથેની વાતચીત દરમ્યાન એક સરસ કિસ્સો મને  જાણવા મળ્યો હતો એ મેં શૅર કર્યો.

બન્યું એવું કે લતાજીએ ચિત્રગુપ્તના એક ગીતના રેકૉર્કિંગ વખતે તેમને કહ્યું, ‘મેં પિછલે તીન-ચાર રેકૉર્ડિંગ સે દેખ રહી હૂં કી આપ હર બાર યહી ટૂટી હુઈ ચપ્પલ પહનકર આતે હૈં. કોઈ ખાસ વજહ હૈ?’

ચિત્રગુપ્તે હસતાં-હસતાં કહ્યું, ‘ઐસી કોઈ બાત નહીં. અસલ મેં જબ ભી યે ચપ્પલ પહનકર ગાના રેકૉર્ડ  હુઆ હૈ, તબ વો ગાના હીટ હુઆ હૈ. યે ચપ્પલ મેરે લિયે બહુત લક્કી હૈ. ઈસલિયે બાર બાર યહી  ચપ્પલ પહનકર સ્ટુડિયો આતા હૂં .’

લતાજીએ એકદમ ગંભીર મુદ્રામાં જવાબ આપ્યો, ‘અચ્છા, ઇસકા મતલબ યે હૈ કી આપકો મેરી આવાઝસે ઝ્યાદા અપની ચપ્પલ પર ભરોસા હૈ’ અને એ સમયે ચિત્રગુપ્તની શું હાલત થઈ હશે એ તમે કલ્પી શકો છો. આવી શુગરકોટેડ પીલ આપવામાં લતાજી માહેર હતા.

આ વાત સાંભળી બાબા હસતાં-હસતાં કહે, ‘વાહ, આ કિસ્સો મેં પહેલી વાર સાંભળ્યો, પણ મને નવાઈ નથી લાગતી, કારણ કે દીદીની સેન્સ ઑફ હ્યુમર અદ્ભ‍ુત છે. રેકૉર્ડિંગ પતાવીને તે જ્યારે ઘેર આવતાં ત્યારે અનેક સંગીતકારોની, સાથી કલાકારોની અને પ્રોડ્યુસરની બોલવા, ચાલવાની સ્ટાઇલની જબરદસ્ત મિમિક્રી કરતા. તેમની સેન્સ ઑફ ઑબ્ઝર્વેશન ખૂબ શાર્પ છે. જોકે આ મજાક કેવળ ઘરમાં જ કરતાં. તેમના સ્વભાવનું આ પાસું બહુ ઓછાને ખબર છે. કામ પ્રત્યે તે એકદમ સિરિયસ હતાં. સંગીતકારને જે રીતે ગીતમાં સંવેદના અને ભાવ જોઈએ એ, બલકે એનાથી વધારે આપવાનો તેમનો પ્રયાસ રહેતો. એક આજ્ઞાંકિત શિષ્યની જેમ તે સંગીતકારના દરેક સૂચનનું પાલન કરતાં. બહુ ઓછા સિંગર્સ છે જે ચાર ‘ઑક્ટેવ’માં ગાઈ શકે. હિન્દુસ્તાની સંગીતમાં આ ચાર ઑક્ટેવ છે ‘ખરજ (નીચલો), વચલો , ઊપલો અને સૌથી વધુ ઊંચો. બધું મળીને ૨૮ (સ્વરની) નોટ્સ થાય. દીદી આ તમામ સૂર ગાઈ શકે છે. મારી જાણ મુજબ કેવળ બડે ગુલામ અલી ખાં પાસે આ આવડત હતી.’

અમારી વાતો ચાલતી હતી ત્યાં મને યાદ આવ્યું કે કોઈએ કહ્યું હતું કે લતાજીને પાણીપૂરી બહુ ભાવે છે. એટલે મેં પ્રશ્ન કર્યો કે આ વાત સાચી છે? જવાબ મળ્યો, ‘સાવ સાચી વાત છે. તેમને તમારી દાળઢોકળી પણ ખૂબ ભાવે છે. તે પોતે એક સારાં કુક છે. મારા દાદી અને આઈ પાસેથી તેમને આ હુન્નર મળ્યો છે. અમારાં બકુલા માસી પાસેથી તેમણે ઘણી નવી ડિશ બનાવવાનું શીખી લીધું હતું. તેમને નવી-નવી ડિશ કેમ બનાવવી એની ઉત્સુકતા રહેતી. ખાવા કરતાં બીજાને ખવડાવવાનો તેમને વધારે  શોખ છે.

 મને ઓ. પી. નય્યરે એક વાત કરી હતી. આશા ભોસલે સાથે પ્રભુ કુંજમાં તે જતા ત્યારે લતાજીના હાથની રસોઈનો સ્વાદ તેમને ખૂબ પસંદ હતો. જી હા, આ બન્ને વચ્ચે કોઈ ઝઘડો નહોતો. પ્રોફેશનલી સાથે કામ ન કર્યું હોવા છતાં બન્નેને એકમેક પ્રત્યે માન હતું. (આ વિશે વિગતવાર ઓ. પી. નય્યરની જીવનકથામાં લખી ચૂક્યો છું.)

તો આ હતી સ્વર કોકિલા લતાજી વિશેની ઓછી જાણીતી વાતો. લગભગ ત્રણ કલાકની આ મુલાકાત દરમ્યાન અમે લતાજી અને તેમનાં ગીતોની, બીજા સંગીતકારોની અને ફિલ્મસંગીતની અનેક વાતો કરી. મને કહે, ‘આપ ફિલ્મસંગીત કે અલાવા સંગીત કી અચ્છી જાનકારી રખતે હૈ. આપ કે સાથ બાતે કરના અચ્છા લગા.’ મેં તેમને ‘સંકેત’ના કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ આપ્યું જે તેમણે સહર્ષ સ્વીકાર્યું. મેં કહ્યું, ‘બાબા, મેરે લિયે યે સૌભાગ્ય કી બાત હૈ કી આપસે ઇતને સુકુન સે બાતે કરનેકા મૌકા મિલા. લતાજી કે ગીતોંકો જીવનભર સુના હૈ પર મુલાકાત કા અવસર કભી નહીં મિલા. આપ સે મિલકર ઐસા લગા કે ઉનસે મુલાકાત હો ગઈ.’ મને આશાનું એક કિરણ આપતાં કહે, ‘પ્રાર્થના કીજીએ ઉનકી લંબી આયુએ કે લિયે. કભી મૌકા મિલા તો યે ઇચ્છા ભી પૂરી હો જાયેગી.’

હાલમાં જીવનના નાજુક તબક્કામાંથી પસાર થઈ રહેલાં ૯૦ વર્ષનાં ભારત રત્ન લતાજી આયુષ્યની અયોધ્યામાં એવા પડાવ પર ઊભાં છે જ્યાં બહુ ઓછા લોકો પહોંચી શકે. નાનપણમાં તેમના પિતાએ એક શીખ આપી હતી ‘કહીં પર ભી બેસુરા ગાના બજાના હોતા હો, વહાં બૈઠના નહીં, વરના તુમ્હારી આયુ કમ હો જાયેગી.’ આપણાં શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે દેવી-દેવતાના ગળામાંથી ઝરતો અમૃતરસ પીવાથી અમરત્વ પ્રાપ્ત થાય. પોતાના મધુર સ્વર દ્વારા કરોડો સંગીતપ્રેમીઓનું આયુષ્ય વધારનાર લતાજીના દીર્ઘાયુ માટે જો દરેક સંગીતપ્રેમી પોતાના જીવનની એક મિનિટ પણ તેમને અર્પણ કરે તો તેમનું આયુષ્ય બીજાં ૧૦૦ વર્ષ વધી જાય. મને ખાતરી છે કે આ બાબતમાં સાચા સંગીતપ્રેમીઓ એક મિનિટ નહીં, એક કલાક આપવા તૈયાર થઈ જશે. ચાલો, શરૂઆત હું જ કરું છું. જોકે મારે એ સિવાય બીજું એક કામ કરવાનું છે. તેમની સાથે મુલાકાત થાય તો મારે કયા સવાલો પૂછવા એનું લિસ્ટ અત્યારથી જ બનાવવાનું  શરૂ કરી દીધું છે. ચમત્કાર કંઈ તમને ટાઇમ પૂછીને થોડો થાય છે?  

rajani mehta lata mangeshkar columnists weekend guide