મારા હાથનો ગાજર હલવો અને ઊંધિયું ખાશો તો આંગળાં ચાટતા રહી જશો

12 February, 2020 12:47 PM IST  |  Mumbai | Rashmin Shah

મારા હાથનો ગાજર હલવો અને ઊંધિયું ખાશો તો આંગળાં ચાટતા રહી જશો

ટીવી-સિરિયલના રાઇટર-ક્રીએટિવ હેડ અનુરાગ પ્રપન્ન

ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીની કરીઅર શરૂ કરીને નૅશનલ અને મલ્ટિનૅશનલ કંપનીનાં અનેક અદ્ભુત કૅમ્પેન ડિઝાઇન કરનારા ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર-ડિરેક્ટર અને રાઇટર અને ‘રેસ’, ‘ચાઇના ટાઉન’ જેવી સુપરહિટ ફિલ્મના રાઇટર તથા અનેક ટીવી-સિરિયલના રાઇટર-ક્રીએટિવ હેડ અનુરાગ પ્રપન્નના આ શબ્દોમાં કોઈ અતિશિયોક્તિ નથી. અનુરાગ પ્રપન્ન એક સુપર્બ કુક પણ છે. તેમની દીકરી અનુષ્કા ઘરે આવતાં પહેલાં અનુરાગને ફોન કરીને પોતાની ફરમાઈશ કહી દે તો અર્ધાંગિની પણ તેમની પાસે પોતાની ખાવાની ઇચ્છા વ્યક્ત કરે અને અનુરાગભાઈ બનાવે પણ ખરા. આ બધી વાતો રશ્મિન શાહ સાથેની વાતચીતમાં જાણવા મળી એ તેમના જ શબ્દોમાં જોઈએ.

મજબૂરી તમને માસ્ટર બનાવી દે. મારી સાથે પણ એવું જ થયું છે. હું નાનો હતો ત્યાં જ મમ્મી વિમલ પ્રપન્નને કૅન્સર ડિટેક્ટ થયું એટલે નૅચરલી ઘરની જવાબદારીઓ અમારા બધા પર આવી ગઈ. મોટો ભાઈ મમ્મીને ટ્રીટમેન્ટ માટે લઈ જાય અને હું પાછળ ઘરની બધી જવાબદારી સંભાળું. સાફસફાઈ, રસોઈથી લઈને ઘરનાં બાકીનાં કામો કરું. આમ મને રસોઈ આવડી ગઈ. ઑબ્ઝર્વ કરવાની રીતને લીધે થોડી ગતાગમ હતી તો જેની ખબર નહોતી પડતી એ મમ્મીને પૂછીને શીખ્યું. આજે એવું છે કે એક પણ આઇટમ એવી નથી જે મને બનાવતાં ન આવડતી હોય. બધું જ મને આવડે અને અમારા ઘરમાં કોઈએ એ વાતનો અચંબો પણ નથી થતો કે મારા હસબન્ડ કે મારા ડૅડી રસોઈ બનાવે છે. પહેલાં બહુ નિયમિત સમયાંતરે હું કિચનમાં જતો, પણ થોડા સમયથી કામને લીધે પ્રસંગોપાત્ત કંઈ બનાવવાનું બને. વાઇફને કે પછી દીકરી અનુષ્કાને કંઈ ઇચ્છા હોય અને તે કહે તો હું બનાવું, બાકી સવારની રસોઈ કુક બનાવે અને સાંજનું ફૂડ મારી વાઇફ બનાવે. પણ હા, તેમની ઇચ્છા કંઈ સ્પેશ્યલ ખાવાની હોય તો હું બનાવું ખરો. હમણાંની વાત કહું તમને.

અનુષ્કા પુણે ભણે છે. પંદર-વીસ દિવસે એક વાર ઘરે આવે. હમણાં આવતાં પહેલાં જ તેણે ફોન કરીને કહી દીધું કે પપ્પા, ગાજરના હલવાની બહુ ઇચ્છા થઈ છે, બનાવી રાખજો. તેની ઇચ્છા મુજબ બનાવ્યો. તે અહીં હતી ત્યારે પણ ખાધો અને પોતાની સાથે પણ તે લઈ ગઈ. બધા એવું કહે છે કે ઊંધિયું બનાવવું અઘરું છે, પણ મને એ પણ આવડે.

અત્યારે હું ગોરેગામ રહું છું, પણ પહેલાં અમે અંધેરીમાં હતા. શિયાળો આવે એટલે અંધેરીની અમારી સોસાયટીના પડોશીઓનો ફોન આવી જાય. ઊંધિયું ક્યારે બનાવવાના છો? અમે આવીએ ખાવા. વરસાદ આવે એટલે આ બધાનો ફોન આવે, અનુરાગ, તારા હાથનાં ભજિયાં ખાવાં છે. આવું ચાલ્યા કરે. આવી વાતો ન હોય, એનો પ્લાન પણ થાય અને એ બધા આવે પણ ખરા. મારા પાડોશીઓ અને રિલેટિવ્સ બધાને ખબર છે કે હું બધું બનાવી શકું અને એમાંથી અમુક વરાઇટી મારી સારી બને. ગયા વર્ષે મેં મારી બહેનને ત્યાં ઇન્દોર જવાનો પ્લાન બનાવ્યો એટલે બહેને ફોન પર જ કહી દીધું કે તારે ઊંધિયું બનાવીને ખવડાવવાનું છે. જે લઈ આવવાનું હોય એ સાથે લેતો આવજે. ઇન્દોરમાં આપણને સુરતી પાપડી ન મળે, કંદ અને લીલું લસણ પણ ન હોય. એ બધું હું મુંબઈથી લઈને ગયો અને વીસેક જણ માટે ઊંધિયું બનાવ્યું.

એક તમને ઇન્ટરેસ્ટિંગ વાત કહું. મેં કહ્યું એમ, મારી દીકરીને મારા હાથનો ગાજરનો હલવો ભાવે એવી જ રીતે મારા હાથના નૂડલ્સ પણ બહુ ભાવે. આ નવી જનરેશન, તેમને તો પાસ્તા ને પીત્ઝા ને બર્ગર ને એવું બધું ખાવા જોઈએ જે મને ગમે નહીં એટલે નાની હતી ત્યારે જ મેં નૂડલ્સને મારી રીતે ડિઝાઇન કરી લીધા હતા. નૂડલ્સની ક્વૉન્ટિટી ઓછી અને ફ્રેશ વેજિટેબલ્સનું પ્રમાણ ખાસ્સું વધારે એટલે નૂડલ્સના બહાને તે વેજિટેબલ્સ પણ ખાઈ લે. આદત પડી ગઈ. મોટી થતી ગઈ એમ એવું બનવા માંડ્યું કે તેને બહારના પેલા અળસિયાનાં ગૂંચળાં જેવા નૂડલ્સના બોલને બદલે મારા હાથના નૂડલ્સ વધારે ભાવવા માંડ્યા. બહારનું પણ ખાઈ લે, પણ કચવાતા મને. ખાતાં-ખાતાં બોલતી જાય કે આના કરતાં તો તમે વધારે સરસ બનાવો છો.

ફૂડની બાબતમાં મેં બે વાત ઑબ્ઝર્વ કરી છે. એક બધા ગુજરાતીઓને લાગુ પડે છે અને બીજી દરેક ઘરને લાગુ પડે છે. પહેલાં વાત કરીએ ગુજરાતીઓની. ગુજરાતી ઘરમાં હોટેલ જેવું ફૂડ બનાવવાના પ્રયત્નો કરે અને હોટેલમાં તે ઘર જેવું ફૂડ શોધે. તમે દરેક ગુજરાતી ઘરને જોઈ લો. તે ઘરમાં સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, મેક્સિકન, પંજાબી કે આપણું સ્ટ્રીટ ફૂડ બનાવશે અને બહાર જેવો ટેસ્ટ આવે છે કે એની ખરાઈ કરતા બેસશે તો બહાર જમવા જશે ત્યારે ઘર જેવા રોટલા અને ઓળો કે ખીચડી-કઢી માટે ભાગશે. મેં ઑબ્ઝર્વ કરેલી બીજી વાત કહું તમને. દરેકને પોતાની માના હાથનું ફૂડ વર્લ્ડ બેસ્ટ લાગશે. દરેકેદરેકને આ વાત લાગુ પડે. આ ટૉપિક ઉપર તો મારે અને મારી વાઇફ વંદનાને મસ્ત ટશન પણ થઈ ગઈ હતી.

બન્યું એમાં એવું કે મૅરેજ પછી મેં વંદનાના ફૂડની સરખામણી મમ્મીના ફૂડ સાથે કરી અને આવું ત્રણ-ચાર વાર બન્યું. વંદનાએ અે વખતે સાંભળી લીધું, પણ પછી એક વાર મને કહે કે હું ક્યારેય તમારી મમ્મી જેવું ફૂડ નહીં બનાવી શકું, કારણ કે મારી મમ્મી જુદી હતી. અબ આપ સોચો, આપકો મેરે ખાને જૈસા ટેસ્ટ ડેવલપ કરના હૈ કિ ખુદ હી બનાના હૈ?

બનાના પરથી યાદ આવ્યું કે એક એવી વરાઇટી છે જે તમને ક્યાંય ક્યારેય ખાવા નહીં મળે. એ હું જ બનાવું છું અને એ વરાઇટી હું મારી મમ્મી પાસેથી શીખ્યો છું. બનાના ચિક્કી, કેળાની ચિક્કી. નવી જનરેશનનાં બચ્ચાંઓને બહુ ભાવે એવી આ વરાઇટી છે. નાનો હતો ત્યારે આ ચિક્કી અમારા ઘરે બનતી. કેળાની ચિક્કી બનાવવાની પ્રોસેસ પ્રમાણમાં બહુ લાંબી છે. એ લાંબી હોવાના કારણે જ એની પ્રોસેસ મને શીખવા મળી એવું કહું તો પણ ચાલે. બનતું એમાં એવું કે આ ચિક્કી બનાવ્યા પછી એને લાંબો સમય તવા પર હલાવવી પડે. એ હલાવવામાં એકથી દોઢ કલાક મિનિમમ જાય. મારાં મમ્મી પ્રોફેસર હતાં એટલે કૉલેજથી આવ્યા પછી પણ તેમની સાથે કામ હોય જ. નોટ્સ ચેક કરવાની, પેપર ચેક કરવાનાં અને એવાં બીજાં કામો. મમ્મી ચિક્કીની આખી પ્રોસેસ કરીને તવા પર મૂકી દે અને પછી મારા બન્ને હાથ પર કપડું બાંધીને મને તવા પર એ મિશ્રણ હલાવવા માટે બેસાડી દે. કપડું શું કામ એ કહું, કેળામાં પાણીનું પ્રમાણ હોય. ઘી અને પાણી બન્ને મળે એટલે એમાંથી છાંટા ઊડે. એ છાંટા હાથ પર પડે અને ફોલ્લીઓ થાય. હું દાઝી ન જાઉં એ માટે મમ્મી હાથ પર કપડું બાંધતી.

મારા હાથનું ફૂડ બધાને ભાવે. હવે પ્રતિપ્રશ્ન એ થાય કે મને કોના હાથનું ફૂડ ભાવે તો એનો જવાબ મારા માટે થોડો અઘરો છે. સાચું કહું તો મારાથી ખાતી વખતે સહેજ અમસ્તું ક્રિટિસાઇઝ થઈ જ જાય. આમ પણ મારો એ નેચર છે, પણ ફૂડની વાત આવે ત્યારે એ સહેજ વધારે તેજ થઈ જાય એવું બને અને એવું બને એટલે મારે મારા ફૅમિલી મેમ્બરની સહેજ નારાજગી પણ સહન કરવાનો વારો આવે. આવું ન બને એટલે મેં ફૂડ વિશે કમેન્ટ કરવાનું મૂકી દીધું છે. પણ હા, હું મારો એક ફૉલ્ટ કહું તમને. મારું ફૂડ સહેજ વધારે તીખાશવાળું હોય. મને મરીમસાલા જરા વધારે જોઈએ. વર્ષોથી આદત છે એટલે એ મારી આદત મુજબ માપ કરતાં વધારે જ પડે. હવે જ્યારે ડૉક્ટરે એ ઓછું કરવાનું કીધું છે ત્યારે મને મારું આ જ બ્લન્ડર નડે ખરું. આમ તો હું મારા કામમાં બહુ ફોકસ્ડ હોઉં છું એટલે વાંરવાર એવું બન્યું નથી પણ એમ છતાં સહેજ તો છૂટ લેવાઈ જ જાય. ખાસ કરીને હું બનાવું ત્યારે.

અનુરાગ પ્રપન્ન સ્પેશ્યલ કેળાંની ચિક્કીની રેસિપી

પાકા કેળાં લઈને એને ક્રશ કરી નાખવાનાં. પછી એમાં સહેજ લીંબુ નાખવાનું અને એ પછી એમાં ખાંડ નાખવાની. કેળાંની સ્વીટનેસ જો પ્રૉપર હોય તો વધારે ખાંડ નાખવાની જરૂર નથી પણ જો કેળાં મોળાં લાગતાં હોય તો એમાં ખાંડનું પ્રમાણ વધારે રાખવાનું. તૈયાર થયેલા આ મિશ્રણને દોઢ-બે કલાક મૂકી દેવાનું અને એ પછી એને ફરી એક વખત હલાવી બધું બરાબર મિક્સ કરી લેવાનું. પછી એક તવામાં ઘી લઈ એમાં આ મિશ્રણ ઉમેરી ગરમ કરવાનું. ગરમ ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી એ એકરસ થઈને ઢાળી શકાય એવું બને. આ પ્રોસેસ એકથી દોઢ કલાકની છે. એમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે કેળાં ગરમ થતાં હશે ત્યાં તવામાંથી છાંટા ઊડશે. દાઝી ન જવાય. શક્ય હોય તો લાંબાં ગ્લવ્ઝ પહેરી રાખવાં. તૈયાર થઈ જાય એટલે એને થાળીમાં ઢાળી એના ચિક્કી જેવડા પીસ કરી નાખવાના. આ ચિક્કી સહેજ ચ્યુઇંગ-ગમ જેવી લાગશે.

મમ્મી આ જ પ્રકારે બનાવતી અને મને આ જ ચિક્કી ભાવે છે એટલે મેં ક્યારેય એમાં નવા એક્સપરિમેન્ટ નથી કર્યા પણ જો કોઈને કંઈ નવું કરવું હોય તો એમાં ડ્રાયફ્રૂટના પીસ કે પછી એલચી નાખી શકે. એલચી નાખવાથી સોડમ આવશે અને ડ્રાયફ્રૂટ આવવાથી ચિક્કીમાં ક્રન્ચીનેસ આવશે.

મારી દીકરીને મારા હાથનો ગાજરનો હલવો ભાવે એવી જ રીતે મારા હાથના નૂડલ્સ પણ બહુ ભાવે. આ નવી જનરેશન, તેમને તો પાસ્તા ને પીત્ઝા ને બર્ગર ને એવું બધું ખાવા જોઈએ જે મને ગમે નહીં એટલે નાની હતી ત્યારે જ મેં નૂડલ્સને મારી રીતે ડિઝાઇન કરી લીધા હતા. નૂડલ્સની ક્વૉન્ટિટી ઓછી અને ફ્રેશ વેજિટેબલ્સનું પ્રમાણ ખાસ્સું વધારે એટલે નૂડલ્સના બહાને તે વેજિટેબલ્સ પણ ખાઈ લે. આદત પડી ગઈ. મોટી થતી ગઈ એમ એવું બનવા માંડ્યું કે તેને બહારના પેલા અળસિયાનાં ગૂંચળાં જેવા નૂડલ્સના બોલને બદલે મારા હાથના નૂડલ્સ વધારે ભાવવા માંડ્યા.

Rashmin Shah columnists Gujarati food