સાચું મુંબઈ નામ આ શહર છે કે સ્વર્ગ સાક્ષાત છે? મનને ગમે મુંબઈ...

21 March, 2020 04:23 PM IST  |  Mumbai | Deepak Mehta

સાચું મુંબઈ નામ આ શહર છે કે સ્વર્ગ સાક્ષાત છે? મનને ગમે મુંબઈ...

ધોળો કાંઠો વાંકડો, કોટ કુલાબો ઠેઠ

ખબર છે? આજે ૨૧ માર્ચ છે. એ શું? કોઈનો જન્મદિવસ છે? ના. તો કોઈની મૃત્યુતિથિ? ના. કોઈ તહેવાર? ના, ભઈ ના. તો પછી છે શું આજે? આજે છે વિશ્વ કવિતા દિવસ. ઓકે. પણ એમાં આપણા કેટલા ટકા? કોક હરખપદૂડા કવિના મનનો તુક્કો હશે આ, બીજું શું? ના જી. આખી દુનિયામાં ઠેર ઠેર ઊજવાય છે, છેક ૧૯૯૯ના વર્ષથી. એમ? પણ એવું નક્કી કોણે કર્યું? આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનેસ્કોએ. આપણા કવિ ઉમાશંકર જોશીએ કહેલું: ‘કવિતા, ધરા પર અમૃત સરિતા.’ આવી કવિતાને ઊજવવાનો અ સપરમો દિવસ. ઠીક હવે. એ તો સીદીભાઈને સીદકાં વહાલાં. ના હોં. થોડા પંડિતોને સમજાય એ જ કવિતા એવું નથી. જરા વિચાર કરો તો જણાશે કે આપણા જીવનના આરંભથી અંત સુધી એક યા બીજા સ્વરૂપે કવિતા જડાયેલી રહી છે. ઘોડિયામાં સૂતેલું બાળક સૌથી પહેલાં શું સાંભળે છે? માના મુખેથી ગવાતું હાલરડું. અને વ્યક્તિના અવસાન પછી? પછી ગામડામાં ગવાય મરસિયાં, શહેરોની પ્રાર્થનાસભામાં ગવાય ભજનો. પણ આ કવિતા નથી તો શું છે?

જુઓ ભાઈ, અમે તો મુંબઈના રહેવાસી. મુંબઈ અમારી મા અને મુંબઈ અમારી દેવી. લખી છે કોઈએ આપણી મુંબઈ વિશે કવિતા? હા વળી. આપણી ભાષાના પહેલા અર્વાચીન કવિ નર્મદથી માંડીને આજના હેમેન શાહ સુધીના કંઈ કેટલાય કવિઓએ મુંબઈને કવિતામાં વહાલ કર્યું છે. હોય નહીં! કવિતા તો ગામડા પર લખાય, ત્યાંનાં નદી, સરોવર, કૂવા પર લખાય, પનિહારી અને પૂજારણ પર લખાય. હા. કેટલાક કવિઓને ખરજવા જેવી ટેવ હોય છે ખરી. રહેવું કોઈ શહેરમાં, ત્યાંનાં સાધન-સગવડ ભોગવવાં; પણ કવિતા-બવિતા લખવાની વાત આવે ત્યારે ‘મારું ગોમડું’ ‘ખોવાઈ ગયું મારું ગોમડું’ એવી પોક ખરજવાની જેમ ખણ્યા કરવાની. અને એને પાછું રૂડું રૂપાળું નામ આપે કેટલાક વિવેચકો: નૉસ્ટૅલ્જિયા, અતીતરાગ. પણ ઘણા નરવા અને ગરવા કવિઓએ મુંબઈ વિશે કાવ્યો લખ્યાં છે. આજે વિશ્વ કવિતા દિવસ પ્રસંગે એમાંથી થોડાંક કાવ્યોની ઝલક.

કવિ નર્મદ જન્મે સુરતી, પણ રહેવાસી મુંબઈનો. ઈ. સ. ૧૮૬૩ના જૂન મહિનાની ૨૮મી તારીખે મલબાર હિલ ફરવા ગયેલો. ત્યારે લોકો એ જગ્યાને ‘ચોપાટીની ટેકરી’ તરીકે ઓળખતા. એ જ દિવસે કવિ નર્મદે કાવ્ય લખી નાખ્યું: ‘ચોપાટીની ટેકરી પરથી જોયેલો દેખાવ.’ વાત શહેરની, પણ લખી લોકસાહિત્યના દુહાના પ્રકારમાં. એની થોડીક પંક્તિઓ:

ધોળો કાંઠો વાંકડો, કોટ કુલાબો ઠેઠ,

ઇમારતો પથ્થર ચુને, શોભે છે સહુ શ્રેષ્ઠ

ડાબી પાસ દૂર જોઉં તો ખીચોખીચ દેખાય,

તાડ, ખજૂરી, મ્હાડ ને ઝાડ બીજાં સોહાય

પેલી પાસ એની વળી, ઊંચાં ઘરો જણાય,

ટેકરીઓ ભૂરી ઘણી, ઘાડી હવાયે થાય

પાસે નીચે જોઉં તો, ચાર તણો શો બ્હાર,

વિધવિધ લીલા રંગની, શોભાનો નહિ પાર

નથી ચિતારો જગતમાં, મેળવી જાણે રંગ,

નથી કવિ કો જગતમાં, કહેવે ધરે ઉમંગ

તો કવીશ્વર દલપતરામ જન્મ્યા કાઠિયાવાડના વઢવાણ શહેરમાં, ઘણાં વર્ષો ગાળ્યાં અમદાવાદમાં. પણ ત્રણ-ચાર વાર મુંબઈ આવેલા, રહેલા, ફરેલા. પહેલી વાર તો મુંબઈ જોઈને લગભગ ડઘાઈ ગયેલા. એટલે તેમણે લખ્યું:

શુ હું જાગ્રત છું જરૂર ઉરમાં કે સ્વપ્નની વાત છે,

સાચું મુંબઈ નામ આ શહર છે કે સ્વર્ગ સાક્ષાત છે?

કહે દલપત જ્યાં અપાર પાર્વતીપતિ,

મહામાયા પુરી તો પ્રત્યક્ષ મહામાયા છે

તો ‘મુંબઈની ગરબી’ને અંતે ‘ગોકુળ વહેલા પધારજો રે’ ગરબીના ઢાળમાં ગાય છે:

જેણે જન્મ ધારી આ જગતમાં રે,

નહિ જો નિરખ્યું મુંબઈ ગામ,

જન્મ્યું તે નવજન્મ્યું જાણજો રે,

દેખી કહે છે દલપતરામ

જે શહેરમાં ગુજરાતી રંગભૂમિનો જન્મ થયો એ શહેર વિશે ગીતો ગાયા વગર રંગભૂમિ રહી શકે? દેશી નાટક સમાજના એક નાટકે ગુજરાતી રંગભૂમિ ઉપર ધૂમ મચાવેલી. એ નાટક એ પ્રભુલાલ દ્વિવેદીનું ‘વડીલોના વાંકે’. એનું સૌથી વધુ જાણીતું અને લોકપ્રિય ગીત એ તો ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’. પણ આ નાટકના પ્રહસન વિભાગમાં આવતું એક બીજું ગીત પણ ખાસ કરીને મુંબઈમાં ઘણું પૉપ્યુલર થયેલું. મુંબઈના જીવનની કઠણાઈઓને વ્યક્ત કરતું એ ગીત:

અજબ જિંદગી અહીંની થઈ ગઈ દુઃખના ડુંગર તળે,

લાગણી સાચી ક્યાંથી મળે?

દી આખો દિલ ભાડે દઈને માંડ રોટલો રળે,

લાગણી સાચી ક્યાંથી મળે?

ખોલી નાની, ભીંતે માંકડ, એમાં ફર્નિચરની સાંકડ,

ઍક્સિડન્ટ પ્રાઇમસના થાતા એમાં બૈરાં બળે

આવક ઓછી, ડોળ વધારે, નિભાવ કરતાં ઉછી-ઉધારે,

માંડ માંડ કાંઈ બચત થાય તો એમાં ડોક્ટર ભળે,

લાગણી સાચી ક્યાંથી મળે

સંગીત આપેલું માસ્ટર કાસમભાઈએ. નાટકમાં દામુકાકાનું પાત્ર ભજવતા નટ જટાશંકર આ ગીત અસ્સલ કાઠિયાવાડી લહેકાથી ગાતા અને ભજવતા. પછીથી આ જ ભૂમિકા કેશવલાલ નાયકે પણ સફળતાથી ભજવી હતી.

તો પ્રભુલાલભાઈના જ બીજા એક ગીતમાં મુંબઈની ઊજળી બાજુ બતાવી છે. ૧૯૪૫માં પહેલી વાર ભજવાયેલા નાટક ‘સમય સાથે’નું આ ગીત. એ પણ હતું પ્રહસન વિભાગનું. સુધાનું પાત્ર ભજવનાર કલાકાર વત્સલા આ ગીત ગાતાં:

મનને ગમે મુંબઈ, આંખોમાં રમે મુંબઈ, જાવું ગમે ના

જુદું સવારના, જુદું બપોરના, જુદું છે સાંજ સમે મુંબઈ

અલક આ જુગની સાગરના પારણે,

નગરી નવયુગની પશ્ચિમના બારણે,

તોય જૂના ગૌરવને નમે મુંબઈ

નવી નવી લ્હાણ અહીં નવી નવી ભાવના,

જુદા જુદા માનવીઓ જુદા સ્વભાવના,

સાથે બેસીને જમે મુંબઈ

જાગ્યું નસીબ અમે કીધી કમાણી,

અહીંની કમાણી ભલે અહિયાં સમાણી,

તોયે કાયમ રહેવાનાં અમે મુંબઈ

શરૂઆતના દાયકાઓમાં ગુજરાતી ફિલ્મો કેટલીક બાબતમાં ગુજરાતી રંગભૂમિનું અનુસરણ કરતી. જે-જે વાનાં નાટકને લોકપ્રિય બનાવતાં તે-તે વાનાં ફિલ્મોમાં પણ દાખલ થતાં. એક ખૂબ લોકપ્રિય થયેલી ફિલ્મ એ ‘મંગળ ફેરા’. કથા અને સંવાદ હતાં વજુ કોટકનાં. ગીત અને સંગીત અવિનાશ વ્યાસનાં. ગાનાર હતાં ગીતા રૉય, એ. આર. ઓઝા, અને ચુનીલાલ પરદેશી. દુલારી, બાબુ રાજે અને છગન રોમિયોના અભિનયમાં લોકોને ખૂબ ગમી ગયેલું એક કૉમિક ગીત તે આ:

અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી ચર્નીરોડ પર ચંપા નિવાસમાં, રૂમ નંબર નેવાસી...અમે.. પેટલાદમાં પિયર મારું, સાસરું સુરત શહેર

વર ને વહુ અમે મુંબઈ રહેતાં, કરતાં લીલા લહેર મોકલ્યાં સાસુ-સસરા કાશી...અમે... સાડી પહેરી શોપિંગ કીધું, પાઈનેપલનું પીણું પીધું બિલના રૂપિયા બાકી રાખ્યા ઉધાર પેટે પંચ્યાસી...અમે...

હું ગાડાનો બેલ

શાકભાજી, દાતણ લઈ આવું, લાવું તલનું તેલ હું પરણ્યો પણ સંન્યાસી...અમે... પગાર રૂપિયા પંચોતેરમાં સાડી શેં પોષાય મોદી ભૈયો ધોબી ઘાટી પૈસા લેવા ધક્કા ખાય મને થઈ ગઈ થઈ ગઈ ખાંસી...અમે...રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું કાલનાં ભજિયાં તળજે વાસી...અમે... રામો: આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા

ઐતવારચી સૂટી પાઈજે, નહિ કામ કરાયચી વેળા

આજ માઝી મરૂન ગેલી માઉસી ! લો બોલો...અમે...

વ્હાલે વિપદ આ શું કાઢી, રામા તું ન જાતો નાસી

નહીં તો મારે વાસણ ઘસતાં, રહેવું પડશે ઉપવાસી...અમે... 

કેટલાંક વર્ષ મુંબઈગરા બનીને રહેલા ચંદ્રકાંત બક્ષી સૌથી પહેલાં અફલાતુન નવલકથાકાર. જાણીતા અને માનીતા થયા કૉલમ લેખક તરીકે. પણ ક્યારેક કવિતા લખવાને રવાડે પણ ચડી જાય! તેમણે મુંબઈ વિશે લખેલી એક રચના ‘તારું શહેર, મારું શહેર’ની કેટલીક પંક્તિઓ જોઈએ:

ઇમ્પોર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,

ચુમ્બનોનો પુનર્જન્મ, શેર બજારમાં ખરીદાતી શાંતિના ભાવ,

સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં

રેડિયો કંપનીના નિયોની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે

ખુલ્લા સ્મશાન પર અને ઝોપડપટ્ટીના દેશ પર

જે ફિયેટના દરવાજા બહાર શરૂ થાય છે

આજે આ શહેર મારું છે

કાગડાના માળામાં હું પણ ઈંડાં મૂકતાં શીખી ગયો છું

હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે

મને ઠગાવાનો અપરાધબોધ રહ્યો નથી,

કારણ કે ટી.વી.ના સ્ક્રીન પર મેં મારો ચહેરો જોઈ લીધો છે

સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું

ઉપરની રેસમાં હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી...

તો કેટલાક કવિઓ એવા પણ હોય છે કે જે ક્યારેય મુંબઈના થઈ શકતા નથી. પોતાના ગામડાનું ‘ગાભુ’ જિંદગીભર છાતી સરસું ચાંપી રાખે છે. આવા એક કવિ તે રમેશ પારેખ. પણ તેમણેય મુંબઈ વિશે એક કાવ્ય લખ્યું છે:

તને કેટલુંય કહી કહીને થાક્યો મનોજ...

અલ્યા, મુંબઈને કાંઠે તો દરિયો પણ છે

પાણી તો ગમ્મે ત્યાં હોય પણ

એના જથ્થાને દરિયો કહી નાખ મા,

(ખાનગીમાં કહેવાની વાત છે:

મેં તો જોયો છે સોનલની આંખમાં)

મુંબઈ તો ઝગમગતી ધૂળ છે

એને મુઠ્ઠીમાં ઝકડીને રાખ મા,

ચોપાટી ચીંધી કહેતો’તો અનિલ:

અહીં પાણીના વેશમાં ઊભેલું રણ છે

હાથના ઉપાડની પાર છે

અરે, ભીડના સીમાડાની બ્હાર છે

(હળક હળક હલતો હંકાર છે

સાવ ઓગળતા મનનો વિસ્તાર છે)

સૂંઘીએ તો કેવળ અંધાર છે

અને ડૂબીએ તો જળબંબાકાર છે

મુંબઈ તો પથ્થરનું પંખી છે

અને એની ચાંચ પાસે દરિયો વેરેલી ચણ છે

તો આપણામાંના ઘણાની દશા એવી હોય છે કે મુંબઈને ચાહી ન શકીએ અને છતાં એને છોડી પણ ન શકીએ. જેમ એનાથી દૂર ભાગીએ તેમ એનાથી નજીક આવીએ. આવી જ વાત કવિ વિપિન પરીખ એક કાવ્યમાં કહે છે:

હિલસ્ટેશન પર હું થોડીક તાજગી ખરીદવા ગયો હતો

હું તને ચાહતો નથી મુંબઈ!

તારું ફિક્કું આકાશ મારી આંખોમાં વસતું નથી

તારા ગંદા અને મેલા દરિયાને હું ધિક્કારું છું

રોજ સવારે ચર્ચગેટ પરની ભીડમાંથી મારી જાતને

હું માંડમાંડ છૂટી પાડું છું

રોજ રાતે સપનામાં હું તારું ગળું ટૂંપું છું

છતાંય જો,

હું ફરી પાછો આવ્યો છું

વ્યવસાયે ડૉક્ટર અને વૃત્તિએ અને પ્રવૃત્તિએ ગઝલકાર એવા હેમેન શાહ તેમની એક ગઝલમાં મુંબઈની વાત આ રીતે કરે છે:

આ ગઝલનો એક પણ વાલી નથી,

શે’ર ખતરાથી કદી ખાલી નથી

અહીં કળાને પૂજનારા ક્યાં મળે?

આ નગર મુંબઈ છે, વૈશાલી નથી

સ્વપ્ન આપી કોણ લે મારા સિવાય?

ચાંદનીની ક્યાંય લેવાલી નથી

છે પરિવર્તન વિષે ઝગડો મીઠો

કંઈ સમય સાથે બોલાચાલી નથી!

આમ તાળી પાડી તું બિરદાવ નહિ,

બિન સન્નાટો છે, કવ્વાલી નથી!

મોટા ગજાના કવિ અને કવિતાના પરમ ચાહક સુરેશ દલાલે મુંબઈ વિશે જેટલાં કાવ્યો લખ્યાં છે એટલાં બીજા કોઈ ગુજરાતી કવિએ નથી લખ્યાં. ૧૦૯ પાનાંનો તેમનો કાવ્યસંગ્રહ ‘આ શહેરમાં’ ૧૯૮૯માં પ્રગટ થયેલો. એમાં મુંબઈ વિશેનાં ૬૦ કાવ્યો સમાવ્યાં છે. એમાંનું ‘આધુનિક લોકગીત’ સાંભળીએ.

જન્મ્યા છો તો ભલે જનમિયા: મૂંગા મરજો

દુનિયાદારીની છે દુનિયા: મૂંગા મરજો

કાગળ કેરાં ફૂલ ફળે અહીં: મૂંગા મરજો

ચેકબુકના દીવા બળે અહીં: મૂંગા મરજો

કાગળ આખો, માણસ ડૂચા: મૂંગા મરજો

અહીં નહીં રુચિ કે ઋચા: મૂંગા મરજો

ઈંટ અને પથ્થરનો માણસ: મૂંગા મરજો

ટ્યુબલાઇટમાં સૂરજ ફાનસ: મૂંગા મરજો

પ્રેમબેમનું નામ અહીં નહીં: મૂંગા મરજો

કામ, કામ, ને કામ રહ્યાં અહીં: મૂંગા મરજો

તો હે જીવ! ચાલ, આવતા શનિવાર સુધી આપણે પણ મૂંગા મરીએ.

 

 

 

શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ

mumbai weekend guide columnists deepak mehta