સંતાન માટે પોતાના જીવનનો ભોગ આપતી માતાની વાત હતી સંગાથમાં

07 April, 2020 05:02 PM IST  |  Mumbai | Sanjay Goradia

સંતાન માટે પોતાના જીવનનો ભોગ આપતી માતાની વાત હતી સંગાથમાં

રાજસ્થાની રાજીવઃ રાજીવ રાજસ્થાની હોવા છતાં એટલું સરસ ગુજરાતી બોલે કે કોઈ માને નહીં કે આ ગુજરાતી નથી. રાજીવે કરેલી ‘લાખો ફુલાણી’ ફિલ્મે ગુજરાતી ફિલ્મોના અનેક રેકૉર્ડ તોડ્યા. એ ફિલ્મના પ્રોડ્યુસર બીજા કોઈ નહીં, જાણીતા પત્રકાર અને આજના પૉપ્યુલર વક્તા કાજલ ઓઝા વૈદ્યના પપ્પા દિગંત ઓઝા હતા.

આપણે વાત કરતા હતા મારા પ્રોડક્શનમાં બનેલા બીજા નાટક ‘હૅન્ડ્સ અપ’ની. મેં તમને કહ્યું કે ‘આભાસ’ પછી મારું બીજું નાટક ‘હૅન્ડ્સ અપ’ પણ ફ્લૉપ થયું અને મને ઉપરાછાપરી બીજી વખત નિષ્ફળતા મળી. ‘હૅન્ડ્સ અપ’ના પ્રોડક્શનની વાતો ગયા વીકના આર્ટિકલમાં વાંચીને મને અમારા એ નાટકના ડિરેક્ટર દિનકર જાનીનો ફોન આવ્યો અને કેટલીક વાતો તેમણે મને યાદ કરાવી. નાટકમાં જયંત વ્યાસ અને નારાયણ રાજગોર પણ યેનકેન પ્રકારે જોડાયા હતા. કેવી રીતે એ કહું તમને.

નારાયણ રાજગોરનું નામ ગુજરાતી ફિલ્મો જોનારાઓને યાદ આવી જશે. તેમણે ૧૦૦થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હશે. રમેશ મહેતા અને નારાયણ રાજગોરની એક સમયે જોડી બની ગઈ હતી, તો જયંત વ્યાસ પણ એ સમયે ગુજરાતી રંગભૂમિના બહુ સારા કૉમેડિયન ગણાતા. જાની સાથે વાત કરતાં મને યાદ આવ્યું કે ‘હૅન્ડસ અપ’ વખતે મેં નારાયણ રાજગોરવાળા રોલની ઑફર અમિત દિવેટિયાને કરી હતી. અમિતભાઈ એ વખતે ફ્રી હતા. આપણે અગાઉ વાત થઈ હતી કે અમિતભાઈ સાથે મેં ‘હિમકવચ’માં કામ કર્યું હતું. એ વખતે મેં તેમની પાસે વધારે પૈસા માગ્યા હતા, પણ તેમણે મને કહ્યું હતું કે સંજય, કાસ્ટ મોટી છે એટલે ૧૫૦ રૂપિયાનું કવર રાખ અને મેં તેમની વાત માનીને કહી દીધું હતું કે ઠીક છે, તમે કહો એમ રાખીએ.

હું તો એ વાત ભૂલી ગયો હતો, પણ જ્યારે હું ‘હૅન્ડ્સ અપ’ લઈને તેમની પાસે ગયો ત્યારે તેમણે એ વાત યાદ કરાવીને કહ્યું હતું કે એ વખતે તેં મારુ માન રાખ્યું  એટલે આ વખતે હું તારું માન રાખું છું, તારે જે આપવું હોય એ આપજે. તેમણે નાટકની હા પાડી દીધી, પણ એ પછી જ્યારે ખબર પડી કે નાટકમાં જયંત વ્યાસ પણ કામ કરી રહ્યા છે એટલે તેમણે મને કહ્યું કે નાટકમાં જયંતભાઈ છે અને તેમની સાથે મારે બોલવાના સંબંધ નથી એટલે હું આ નાટકમાં કામ નહીં કરું. આમ ‘હૅન્ડ્સ અપ’માંથી અમિતભાઈની બાદબાકી થઈ ગઈ અને તેમની જગ્યાએ નારાયણ રાજગોર નાટકમાં આવ્યા.

‘હૅન્ડ્સ અપ’ નાટકના મેકિંગ દરમ્યાન બીજી પણ એક ઘટના ઘટી હતી. શફી ઈનામદાર અમારા નાટકનાં રિહર્સલ્સમાં આવતા રહેતા. શફીભાઈ અને દિનકર જાની બન્ને ખૂબ સારા મિત્રો. રિહર્સલ્સમાં એક દિવસ જાનીએ મને કહ્યું કે શફીભાઈના સેક્રેટરીનું કામ તું સંભાળીશ?

મિત્રો, એ દિવસોમાં શફીભાઈ ખૂબ મોટું નામ ગણાતું. ખૂબ બધી ફિલ્મો તેઓ કરતા હતા. એ સમયે મેં ના પાડતાં કહ્યું હતું કે અત્યારે મારે મારું ફોકસ નાટ્યનિર્માતા બનવા પર જ કેન્દ્રિત રાખવું છે, મારે ફોકસ બદલવું નથી એટલે હું આ કામ નહીં સંભાળું. એ સમયે મેં આ કામની ના પાડી હતી, પણ આગળ જતાં આ જ કામ મારી લાઇફમાં કેવું મહત્ત્વનું યોગદાન આપી ગયું અને મારા જીવનમાં આ કામે કેવાં-કેવાં પરિવર્તનો લાવ્યાં એ બહુ મહત્ત્વનું છે. સમય આવ્યે આપણે એની વાત કરીશું, પણ અત્યારે આપણે વાત કરીએ આપણા મૂળ વિષયની.

‘હૅન્ડ્સ અપ’ ફ્લૉપ ગયા પછી ફરી એક વખત મને મદદરૂપ થઈ મારી ઍક્ટિંગ. જેવું આ નાટક ફ્લૉપ થયું કે તરત જ મને ભરત મોહિનીની ‘સંગાથ’ નાટકમાં ઍક્ટિંગ કરવાની ઑફર આવી. ‘સંગાથ’માં પણ મારો રોલ કૉમેડિયનનો હતો. મિચેલ બોરીમૅન નામના વિખ્યાત નવલકથાકારની નવલકથા ‘હૂ વિલ લવ માય ચિલ્ડ્રન’ પરથી આ  જ નામની અંગ્રેજી ફિલ્મ બની જેના પરથી આ નાટક બન્યું હતું. આગળ જતાં આ જ વાર્તા પરથી હિન્દી ફિલ્મ પણ બની, જેમાં લીડ રોલ રાખીએ કર્યો હતો. ફિલ્મનું નામ હતું ‘મેરે બાદ’.

અંગ્રેજી ફિલ્મ ‘હૂ વિલ લવ માય ચિલ્ડ્રન’ પર આધારિત આ નાટકની વાર્તા બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. નાટકનું ગુજરાતીકરણ રાજેન્દ્ર શુક્લએ કર્યું હતું અને એ ઉત્તમ સ્તરનું હતું. ‘સંગાથ’ના અન્ય કલાકારોની વાત કહું તો ટીમ બહુ મોટી હતી. નાટકનો હીરો રાજીવ હતો. રાજીવે અઢળક ગુજરાતી ફિલ્મો કરી હતી અને ગુજરાતી ફિલ્મોમાં ખૂબ મોટું નામ કમાયો હતો. રાજીવ અત્યારે હયાત નથી, પણ આજે પણ તેની ફિલ્મો ટીવી પર જોવા મળે છે. રાજીવ મૂળ રાજસ્થાની, પણ ગુજરાતી બહુ સરસ બોલે.

રાજીવ ઉપરાંત નાટકમાં ભૈરવી વૈદ્ય હતી. ભૈરવી સાથે આ મારું ત્રીજું નાટક હતું. અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું ‘ચિત્કાર’થી. ‘ચિત્કાર’માં થોડા શો તેણે કર્યા અને એ પછી તેણે ‘ચિત્કાર’ છોડી દીધું, તો બીજું નાટક હતું ‘હિમકવચ’, એ પણ તેણે રાતોરાત છોડી દીધું હતું. હવે આ ત્રીજું નાટક, જે ભૈરવી એના પાછલા રેકૉર્ડ મુજબ આગળ જતાં છોડી દેવાની હતી.

એ સમયે નાટકની લાઇનમાં હિરોઇનની બહુ અછત રહેતી. આજે તો નાટક અને સિરિયલમાં કામ કરવા માટે ગુજરાતના દરેક હિસ્સામાંથી કલાકારો આવે છે, પણ એ વખતે એવું નહોતું એટલે નિર્માતા પાસે બીજો કોઈ છૂટકો નહોતો. કોઈ કલાકાર તોછડાઈ કરે કે ખરાબ બિહેવિયર કરે તો પણ ચલાવી લેવું પડતું. રાજીવ અને ભૈરવી ઉપરાંત ‘સંગાથ’માં ભરત શ્રોફ, તુલસી રાજડા અને હું હતો, તો અમારા બધા સાથે ચાર બાળકો પણ નાટકમાં હતાં. નાટકના નિર્માતા ભરત મોહિની જે અત્યારે હયાત નથી, પણ નાટકના ચાર બાળકલાકારોમાં તેમની ત્રણ દીકરીઓ હતી, જેમાં એક ટ્વિન્સ હતી. આ ટ્વિન્સ દીકરીઓના ઘરે આજે બાળકો છે. આ બન્ને દીકરીઓ આજે પણ મને મળતી રહે છે. બહુ ડાહી અને સંસ્કારી દીકરીઓ.

નાટકના કપલને એક દીકરો છે, તેને પોલિયો છે એવું બતાવવામાં આવ્યું હતું. વાર્તા એવી હતી કે હીરો રાજીવ પોતાની ફૅમિલીની જરૂરિયાતો પૂરી નથી કરી શકતો અને એક પૉઇન્ટ પર તે મરી જાય છે. રાજીવ મર્યા પછી તેની વાઇફ ભૈરવી બીજાને પરણવા માગે છે, પણ તેના ભાવિ પતિની શરત છે કે તે બાળકોને નહીં સ્વીકારે. ત્રણ દીકરીઓને દત્તક લેનારાં માબાપ તો મળી જાય છે, પણ પોલિયોવાળા દીકરાને અપનાવવા કોઈ તૈયાર થતું નથી અને આ જ વિષય સાથે વાર્તા આગળ વધે છે. નાટકના દિગ્દર્શક લક્ષ્મીકાંત કર્પે હતા. અમે તેમને પ્રેમથી અણ્ણા કહેતા. અણ્ણાનું હમણાં જ અવસાન થયું. ‘સંગાથ’નાં રિહર્સલ્સ પૂરાં થયાં અને નાટક ઓપન થયું. સારો રિસ્પૉન્સ મળ્યો. ચૅરિટી શો બહુ થયા, પણ ટિકિટબારી પર ઍવરેજ રહ્યું. ચૅરિટી શોને કારણે મહિનામાં ૧૫-૨૦ શો થતા રહે. ‘સંગાથ’માં મને ૧૭૫ રૂપિયાનું કવર મળતું હતું, જે મારા હાથખર્ચી માટે પૂરતું હતું, પણ આમને આમ તો ક્યાં સુધી ચાલે અને એમાં એક વળાંક આવ્યો.

‘સંગાથ’ના શો માટે અમે કલકત્તા પણ ગયા હતા. કલકત્તામાં ગુજરાત ક્લબ નામની એક સ્થાનિક સંસ્થા છે. આ સંસ્થા દુર્ગાપૂજા પર વર્ષોથી મુંબઈથી નાટક મગાવે છે. ચાલીસ-પચાસ વર્ષથી આ તેમનો નિત્યકર્મ. હવે તો નાટકના બે જ શો કરે છે, પણ એ વખતે નાટકના પાંચથી છ શો કરતા. આ સંસ્થાએ અમારું નાટક સિલેક્ટ કર્યું અને એને લીધે કલકત્તા જવાનું થયું, પણ હું કલકત્તા જઈ ન શક્યો. શું કામ? એવી તે કઈ આપદા આવી પડી કે મારે કલકત્તા જવાનું ટાળવું પડ્યું એની વાત કરીશું આવતા અઠવાડિયે.

Sanjay Goradia columnists