સાચી વ્યક્તિ અરીસો બતાડશે

13 January, 2021 11:41 AM IST  |  Mumbai | Sejal Ponda

સાચી વ્યક્તિ અરીસો બતાડશે

ફાઈલ તસવીર

અરીસો આપણને આપણું યથાર્થ પ્રતિબિંબ બતાડે છે. આપણે જેવા છીએ તેવા અરીસામાં દેખાઈએ છીએ. આપણે જ્યારે અરીસામાં જોઈએ છીએ ત્યારે આપણે પાતળા હોઈએ તો પાતળા દેખાઈએ. જાડા હોઈએ તો જાડા દેખાઈએ. બટકા હોઈએ તો બટકા ને ઊંચા હોઈએ તો ઊંચા દેખાઈએ. અરીસો પાતાળાને જાડા નથી બનાવી શકતો, બટકાને ઊંચા નથી બનાવી શકતો. ન તો નાકનકશા બદલી શકે છે. જેવા છે તેવાની ઝલક દર્શાવે છે.

આપણે ક્રોધિત થઈ લાલચોળ થઈ ગયા હોઈએ તો અરીસો એવો જ ચહેરો બતાડે છે. આપણે હસતા હોઈએ તો હસતો ચહેરો બતાડે. આપણે સોગિયું મોઢું લઈ ફરતા હોઈએ તો સોગિયું મોઢું બતાડે. અરીસો હસતા ચહેરાને વ્યથિત ચહેરામાં કે વ્યથિત ચહેરાને હસતા ચહેરામાં નથી બદલી શકતો. જેવા છે તેવા બસ.

આ જેવા છે તેવા જો આપણે આપણી જાતને જોઈ શકતા હોઈએ તો એ અરીસાને લીધે. આપણા જીવનમાં પણ અરીસા જેવા માણસો આવતા-જતા રહે છે. માણસ જ્યારે આપણને આપણું યથાર્થ રૂપ બતાડે ત્યારે શું આપણે એ સ્વીકારી શકીએ છીએ ખરા? આ પ્રશ્નનો જવાબ અમુક વખતે હા અને અમુક વખતે ના હોઈ શકે છે.

વિશ્વાસ અને ભૂલ બે જુદી-જુદી બાબત છે. કોઈ વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો હોય અને તેની કોઈ ભૂલ થતી હોય તો તેને કહેવું પણ પડે. એ સમયે એમ ન વિચારાય કે મેં તેના પર વિશ્વાસ મૂક્યો છે તો હું તેને ભૂલ બતાડીશ તો કેવું લાગશે! સાચી વ્યક્તિ પારદર્શક બની ભૂલ તરફ ધ્યાન દોરે છે. એનો અર્થ એ નથી થતો કે સામેની વ્યક્તિ પરનો વિશ્વાસ ઊઠી ગયો. વિશ્વાસ એની જગ્યાએ છે જ. પણ ભૂલ થઈ છે તો એ ભૂલ તરફ અંગુલિનિર્દેશ કરવો કોઈ ગુનો નથી થઈ જતો. એમાં જો સામેની વ્યક્તિ એવું વિચારે કે તેં મને મારી ભૂલ બતાડી એનો અર્થ તને મારી પર વિશ્વાસ નથી તો એ ખોટું જ છે. ઊલટાનું સારું જ છેને કે એ વ્યક્તિ આપણને આપણી ભૂલ બતાડી બીજી વાર એવી ભૂલ ન થાય એ માટે ચેતવી રહી છે. ભૂલ બતાડનાર વ્યક્તિની ભાવના સારી છે એટલે જ તે ભૂલ બતાડે છે. નહીં તો તે ભૂલ દેખાવા છતાં સારું-સારું બોલી ચાપલૂસી કરતી હોત.

જીવનમાં અરીસાની જેમ યથાર્થ પ્રતિબિંબ બતાડનાર માણસો બહુ ઓછા મળે છે અને મળી જાય છે તો તે આપણને દોહ્યલા લાગે છે. આપણી ક્યારેય ભૂલ થાય જ નહીં એ પણ એક પ્રકારનો અહંકાર જ છે. ભૂલનો સ્વીકાર એ જ સાચી સમજણ છે. સ્વીકાર કરી એને સુધારી લેવાથી આપણે નાના નથી થઈ જવાના.
કોઈ વ્યક્તિનો વાંક શોધતા હોઈએ એ જાણી જોઈને થતી પ્રક્રિયા છે, જે સાવ ખોટી છે. એમાં ભારોભાર કોઈને નીચા પાડવાની ભાવના રહેલી છે. વાંક શોધવો અને ભૂલ બતાડવી એ સાવ ભિન્ન બાબત છે. વાંક શોધવામાં ભારોભાર કપટની ભાવના છે અને ભૂલ બતાડવામાં સારી લાગણી છે. ભૂલ શોધાતી નથી, એ દેખાઈ જાય છે અને એના વિશે ચેતવવામાં આવે છે.

જાણતાં-અજાણતાં થયેલી ભૂલ જો કોઈ બતાડતું હોય તો કઈ વ્યક્તિ ભૂલ બતાડી રહી છે એ પણ મહત્ત્વનું છે. આપણી પોતીકી વ્યક્તિ જો આપણી ભૂલ તરફ આંગળી ચીંધતી હોય તો એક વાર શાંત મને વિચારી લેવું કે મારી વ્યક્તિએ મને મારી ભૂલ બતાડી છે એનો અર્થ છે મને અરીસો બતાડ્યો છે. મારે એક વાર આખી ઘટનાનું અર્થઘટન કરી મારી ભૂલ થઈ છે કે નહીં એ સમજી લેવું જોઈએ. એની ચર્ચા મને ભૂલ બતાડનાર સાથે કરી લેવી જોઈએ. જો આટલી સમજણ હશેને તો અરીસો બતાડનાર વ્યક્તિ દોહ્યલી નહીં લાગે.

ઘણી વાર એવું બનતું હોય કે પોતીકી વ્યક્તિ ભૂલ તરફ આંગળી ચીંધે અને આપણને આપણી ભૂલ વર્તાતી જ ન હોય. આપણને એવું જ લાગતું હોય કે મારી ભૂલ છે જ નહીં. આ ડિફરન્સ ઑફ ઓપિનિયન કહેવાય. ઇટ્સ ઓકે. આવું બની શકે. જો સામેવાળી વ્યક્તિ ભૂલ ન સ્વીકારતી હોય કે તેને પોતાની ભૂલ છે એવી પ્રતીતિ ન થતી હોય તો પછી એ વ્યક્તિ પર જ છોડી દેવાનું, કારણ કે જે વાર્યા ન જાય તે હાર્યા જાય. ભવિષ્યમાં કોઈ એવો સમય આવે કે એવી ઘટના બને જ્યારે વ્યક્તિને અહેસાસ થાય કે સાચે મારાથી ભૂતકાળમાં ભૂલ તો થઈ હતી.

ભૂલનો અહેસાસ સમય પર કરાવવો અને સમય પર સામેની વ્યક્તિને અહેસાસ થવો એ પણ એક મોટી ઘટના છે. ઘણા લોકો પોતાના સંબંધ બગડે નહીં એ માટે ભૂલ દેખાવા છતાં ચૂપ રહેતા હોય છે. ભૂલ કરવી કે ભૂલનો અહેસાસ કરાવવો કોઈ ગુનો નથી.

આપણને અરીસો બતાડનાર વ્યક્તિ આપણને ગમતી નથી, કડવી લાગે છે. પણ રોગનું મારણ કડવાશ જ હોય છે એ આપણે ભૂલી જઈએ છીએ. આપણે આ ક્ષણે જેવા છીએ તેવાનો અહેસાસ કરાવનાર વ્યક્તિ આપણી શુભચિંતક હશે એ ક્યારેય ભૂલવું ન જોઈએ.

સંબંધ કોઈ પણ હોય, બે વ્યક્તિ પોતાની સમજણ પ્રમાણે વર્તે છે. સાચા સંબંધ હંમેશાં અરીસો બતાડશે. એનો અર્થ એ નથી કે વિશ્વાસ ચાલ્યો ગયો છે. જુદા મતભેદનો અર્થ પણ એ નથી કે વિશ્વાસ તૂટી ગયો છે. અરીસો બતાડનાર વ્યક્તિ પર ઊલટાનો વિશ્વાસ દૃઢ થવો જોઈએ કે આ વ્યક્તિ મારું હિત ઇચ્છે છે એટલે મને મારી ભૂલનો અહેસાસ કરાવી રહી છે.

આપણી આસપાસ આપણે જેવા છીએ તેવા પ્રતિબિંબિત કરનાર વ્યક્તિ મળી આવે તો એક વાર ચોક્કસ તેને શાંતિથી સાંભળી લેજો.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Sejal Ponda columnists