ગંદા હૈ પર ધંધા હૈ યે: મેલ સ્ટ્રિપર્સ, મેલ એસ્કોર્ટ્‌સ, જિગોલો...

01 February, 2020 12:06 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ગંદા હૈ પર ધંધા હૈ યે: મેલ સ્ટ્રિપર્સ, મેલ એસ્કોર્ટ્‌સ, જિગોલો...

મેલ એસ્કોર્ટ્‌સ

આઇ એન્જૉય અ લૉટ વિથ હિમ. હી ઇઝ સુપર્બ. વી ગો ફૉર ક્લબિંગ ઍન્ડ ડ્રિન્ક ઍન્ડ ધેન મુનલાઇટ વૉક... આવા ઉદ્ગારો ભારતના મેટ્રોસિટીની એક યુવતીએ મેલ એસ્કોર્ટ્સની સેવા લીધા બાદ ઉચ્ચાર્યા હતા. જી હા, મેલ સ્ટ્રિપર્સ, મેલ એસ્કોર્ટ, જિગોલો એમ અનેક નામથી ઓળખાતા પુરુષ વેશ્યાવૃત્તિના વ્યવસાય વિશે આપણે વાત કરી રહ્યા છીએ.

દેહવ્યવસાયના ધંધામાં બળજબરીથી યુવતીઓને ધકેલવામાં આવે છે એ વાતથી કોઈ અજાણ નથી. તેમને ઉગારવા અનેક સંસ્થાઓ અને પોલીસ એની રીતે કામ કરી રહી છે. જોકે આ બિઝનેસમાં પોતાની મરજીથી ઝંપલાવતી યુવતીઓની સંખ્યામાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે એ ચોક્કસ સામાજિક ચિંતાનો વિષય છે. દુનિયાના કોઈ પણ દેશમાં ફીમેલ સેક્સવર્કર નવાઈની વાત રહી નથી, પરંતુ હવે પુરુષો પણ પોતાનું શરીર વેચવા લાગ્યા છે. તેમના દ્વારા આવી સર્વિસ પ્રોવાઇડ થઈ રહી છે એ શું સૂચવે છે? આ કન્સેપ્ટમાં સ્ત્રીઓને રસ કેમ પડી રહ્યો છે? મુંબઈ અને દિલ્હી સહિત દેશનાં મહાનગરોમાં ફૂલીફાલી રહેલા જિગોલોના બિઝનેસમાં શું ચાલે છે તેમ જ એને અટકાવવાની દિશામાં કોઈ પ્રયાસ થઈ રહ્યા છે કે નહીં એ વિશે માહિતી મેળવવા કેટલાક જાણીતા તેમ જ અજાણ્યા લોકોનો સંપર્ક કર્યો હતો. તેમની સાથે થયેલી વાતચીતને અહીં રજૂ કરવામાં આવી છે.

એન્ટરટેઇનમેન્ટ કન્સેપ્ટ

સૌથી પહેલાં તો ઇન્ટરનેટના માધ્યમથી કેટલાક નંબર પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. મુંબઈ અને દિલ્હી એમ બે જગ્યાએ મેલ એસ્કોર્ટ સર્વિસ પ્રોવાઇડ કરતા નંબરો પર ફોન કરી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સામે છેડે સૉફ્ટ અવાજમાં એક પુરુષે કહ્યું, ‘હેલો મૅડમ, આપકી રિક્વાયરમેન્ટ ક્યા હૈ? જો ચાહિએ મિલ જાએગા. બૉડીમસાજ સે લેકર સબ કુછ. કિસ તરહ કા ફન ચાહિએ વહ બતાઇએ!’

પત્રકાર તરીકેની ઓળખ આપ્યા બાદ તેના અવાજમાં થોડો ગભરાટ જોવા મળ્યો હતો. પહેલાં તો વાત કરવાની આનાકાની કરી. નામ ન છાપવાની શરત માન્ય રાખ્યા બાદ રોહન ડિકોસ્ટા (કાલ્પનિક નામ) કહે છે, ‘મુંબઈ મેં રહના હૈ તો સબ કરના પડતા હૈ. સિર્ફ ઑડિશન દેતે રહને સે પેટ નહીં ભરતા. અમે આ કામ અમારી મરજીથી કરીએ છીએ, કારણ કે પૈસા અમારી મુખ્ય જરૂરિયાત છે. ૨૫-૩૦ વર્ષની યંગ યુવતીઓને જે આનંદ જોઈએ છીએ એ અમે આપીએ છીએ.’

આગળ વાત કરતાં રોહન કહે છે, ‘આ બિઝનેસમાં ગે લોકોની સંખ્યા વધુ છે તેથી બૉડીમસાજ અને બૉડીલિકિંગથી આગળ કંઈ હોતું નથી. આજકાલ પૈસાદાર સોસાયટીની યંગ યુવતીઓમાં નવો ટ્રેન્ડ ચાલે છે. યુવતીનાં લગ્ન લેવાનાં હોય એ પહેલાં તેની ફ્રેન્ડ્સ મળીને એસ્કોર્ટ સાથે પ્રાઇવસી ગિફ્ટ કરે છે. તેમનું માનવું છે કે સેટલ થયા પહેલાંનું આ લાસ્ટ ફન એન્જૉય કરી લેવું જોઈએ. ટૂ બી બ્રાઇડની બૅચલર્સ પાર્ટીમાં અમને બોલાવવામાં આવે છે. તેમને જોઈએ એ પ્રકારનું એન્ટરટેઇનમેન્ટ તેમ જ પ્રાઇવસી આપીએ એટલે ખુશ થઈ જાય અને અમને સારા પૈસા મળે. બે કલાકના સહેજે પાંચ હજાર રૂપિયા મળી જાય છે.’

ડિમાન્ડ ક્યાં છે?

મેલ એસ્કોર્ટ્સ સર્વિસ ઑનલાઇન બિઝનેસ છે, ફીમેલ સેક્સવર્કરની જેમ તેઓ ખુલ્લેઆમ જોવા મળતા નથી તેથી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવી મુશ્કેલ છે. એને ગેરકાયદેસર ધંધો પણ માનવામાં આવતો નથી. ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમ પ્રોજેક્ટના કો-ઑર્ડિનેટર તેમ જ ઍન્ટિ-ટ્રાફિકિંગના અનેક કેસ હૅન્ડલ કરી ચૂકેલા રિટાયર્ડ ડીજીપી અધિકારી ડૉ. પી. એમ. નાયર આ સંદર્ભે માહિતી આપતાં કહે છે, ‘યહ બિઝનેસ ખૂબ ચલા હૈ લેકિન હમારે પાસ ડેટા અવેલેબલ નહીં હૈ. હમારે કલ્ચર મેં લડકે કહાં જાતે હૈ કૌન પૂછતા હૈ? જબ તક યહ લોગ પબ્લિક અટેન્શન મેં નહીં આતે હમ કુછ કર નહીં સકતે. બીજું એ કે હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટની પ્રાયોરિટી હ્યુમન ટ્રાફિકિંગને અટકાવવાની તેમ જ દેહવ્યવસાયના ધંધામાં બળજબરીથી ધકેલવામાં આવતી યુવતીઓને રેસ્ક્યુ કરવાની છે. મારી જાણકારી મુજબ રેવ પાર્ટીમાં મેલ એસ્કોર્ટ્સની હાજરી જોવા મળે છે. આ પ્રકારની પાર્ટીમાં યુવાનો ડ્રગ્સ લેતાં ઘણી વાર પકડાયા છે. પાર્ટીમાં એન્ટરટેઇનમેન્ટ અને અન્ય કામો માટે જે રીતે ફીમેલ એસ્કોર્ટ્સને હાયર કરવામાં આવે છે એ જ રીતે મેલ એસ્કોર્ટ્સને પણ ડિમાન્ડ પ્રમાણે બોલાવવામાં આવે છે. તેમની ડિમાન્ડ મહિલાઓ અને પુરુષો બન્ને કરે છે એટલે શક્ય છે કે પુરુષો અને ગે બન્ને પ્રકારના લોકો એમાં ઇન્વૉલ્વ હશે. જોકે આ ધંધામાં બૅકસ્ટેજ ઘણું ચાલતું હશે. સાંભળ્યું છે કે મેલ એસ્કોર્ટ્સને પાંચથી છ હજાર રૂપિયા આપવામાં આવે છે. જ્યારે ડિમાન્ડ કરનારી પાર્ટી એક રાતના ત્રીસેક હજાર ચૂકવે છે.’

હ્યુમન ટ્રાફિકિંગના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામગીરી બજાવવા બદલ વૈશ્વિક સ્તરે જેમની નોંધ લેવાઈ છે એવાં રેસ્ક્યુ ફાઉન્ડેશનનાં પ્રેસિડન્ટ ત્રિવેણી આચાર્ય જુદી જ વાત કરતાં કહે છે, ‘અમારી પાસે જિગોલોના કેસ આવતા નથી. જોકે એના વિશે સાંભળ્યું છે. કેટલાક એનજીઓ હવે આ દિશામાં કામ કરી રહ્યા છે. વિદેશમાં તો જિગોલો પૉપ્યુલર છે અને બિઝનેસ પણ ખાસ્સો ફૂલ્યોફાલ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એમાં સ્ત્રીની ભૂમિકા નથી. સ્ત્રીઓ પોતાની પાસે જિગોલોને બોલાવતી નથી. અહીં પુરુષ જ પુરુષની ડિમાન્ડ કરે છે. આપણે ત્યાં ગોવામાં ખુલ્લેઆમ જિગોલો ફરતા જ હોય છે એની બધાને ખબર છે. યુવતીઓની જેમ તેમને વિક્ટિમ માનવામાં આવતા નથી તેમ જ હજી સુધી કોઈએ એનો વિરોધ નોંધાવ્યો નથી તેથી અટકાવવું અઘરું છે.’

સોશ્યલ સ્ટિગ્મા

મારી પાસે આવા કેટલાક કેસ આવ્યા છે એવી માહિતી આપતાં સેક્સોલૉજિસ્ટ ઍન્ડ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘કેસ-સ્ટડીના આધારે કહું તો આ ફીલ્ડમાં બાઇસેક્સ્યુઅલ મેલની સંખ્યા ઘણી વધુ છે. બાઇસેક્સ્યુઅલ એટલે મેલ અને ફીમેલ બન્ને સાથે કમ્ફર્ટેબલ હોય એવા પુરુષો. ડિપ્રેશનની સારવાર માટે આવેલા એક પેશન્ટમાં આવાં લક્ષણો જોવા મળ્યાં હતાં. તેની હિસ્ટરી જાણવાનો પ્રયાસ કર્યા બાદ હકીકત સામે આવી હતી. દેશનાં નાનાં રાજ્યોમાંથી મેટ્રોસિટીમાં રોજીરોટીની શોધમાં આવનારા યુવાનોની વધતી સંખ્યાના લીધે આ બિઝનેસ ફૂલ્યોફાલ્યો છે. એજન્ટો જે રીતે યુવતીઓને ફસાવે છે એ જ રીતે યુવાનોને પણ ફસાવવામાં આવે છે. ક્વૉલિફિકેશન ઓછું હોવાના કારણે આ યુવાનોને નોકરી મળતી નથી અને ગામમાં રહેતા પરિવારને પૈસા મોકલવાનું મેન્ટલ પ્રેશર હોય છે. દેખાવમાં ગુડ લુકિંગ હોય એટલે એજન્ટો તેમને સ્ટેપ બાય સ્ટેપ આ ધંધામાં ધકેલે છે. પહેલાં તો ગ્લૅમર વર્લ્ડમાં બ્રેક આપવાની લાલચ આપે છે. ધીમે-ધીમે કહે કે મૉડલિંગમાં પાંચ હજાર મળે છે, પણ જો પાર્ટીમાં લોકોને એન્ટરટેઇન કરીશ તો પંદર હજાર મળશે. આ રીતે તેઓ વધુ ને વધુ ઊંડા ઊતરતા જાય છે.’

મોટા ભાગના યુવાનો આ કામ છુપાઈને કરે છે એમ જણાવતાં ડૉ. શ્યામ આગળ કહે છે, ‘સમાજનો ભય દરેક વ્યક્તિને સતાવે છે. મેલ એસ્કોર્ટ સર્વિસ પ્રોવાઇડર તરીકે જોડાઓ એટલે સામાજિક પ્રવાહમાંથી ફેંકાતા જાઓ. આ કમ્યુનિટી સાથે જોડાયેલા અન્ય પુરુષો સિવાયની દુનિયા ખતમ થઈ જાય. બીજી તરફ ગામમાં રહેતા પરિવારને એટલી જ ખબર હોય છે કે દીકરો સારું કમાવા લાગ્યો છે તો પરણાવી દઈએ. લગ્નની વાત આવે ત્યારે તેઓ ડિપ્રેશનમાં આવી જાય છે. લગ્ન કરી લે તો દામ્પત્ય જીવનની ગાડી ખોટકાઈ જવાનો પૂરેપૂરો ભય રહેલો છે. ડિફરન્ટ જેન્ડર અને મલ્ટિપલ રિલેશનશિપના લીધે માનસિક રીતે હતાશ તો હોય જ છે, શારીરિક બીમારીનો પણ ખતરો રહેલો છે. સોશ્યલ લાઇફમાં સેટલ થઈ શકતા નથી. એવું નથી કે તેઓ આમાંથી બહાર નીકળવા નથી માગતા. દસમાંથી આઠ કેસમાં સપોર્ટ સિસ્ટમના અભાવે તેઓ બહાર નીકળી શકતા નથી.’

અવેરનેસની જરૂર

મેલ એસ્કોર્ટ્સની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી આ દિશામાં રિસર્ચ કરવાની અત્યંત જરૂર છે એમ જણાવતાં ડૉ. પી. એમ. નાયર કહે છે, ‘આપણી સામાજિક પરંપરાઓ અને સંસ્કૃતિની તદ્દન વિરુદ્ધ ચાલી રહેલી આ પ્રવૃત્તિને સમયસર અટકાવવી પડશે. જો એમ નહીં થાય તો પૈસાની લાલચમાં યુવાનો એમાં ઝંપલાવશે. આપણી ભાવિ પેઢીને ઉગારવા માતા-પિતા, કાયદો અને સામાજિક સંસ્થાઓ એમ બધાએ આંખો ખુલ્લી રાખવાનો સમય આવી ગયો છે.’

અમારી પાસે જિગોલોના કેસ આવતા નથી, પણ એના વિશે સાંભળ્યું છે. કેટલાંક એનજીઓ હવે આ દિશામાં કામ કરી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર એમાં સ્ત્રીની ભૂમિકા નથી. અહીં પુરુષ જ પુરુષની ડિમાન્ડ કરે છે. યુવતીઓની જેમ તેમને વિક્ટિમ માનવામાં આવતા નથી તેથી અટકાવવું અઘરું છે       

- ત્રિવેણી આચાર્ય, રેસ્ક્યુ ફાઉન્ડેશનનાં પ્રેસિડન્ટ

આ કમ્યુનિટી સાથે જોડાયા બાદ તેઓ સામાજિક પ્રવાહમાંથી ફેંકાઈ જાય છે. સોશ્યલ લાઇફમાં સેટલ થવું મુશ્કેલ છે. કદાચ લગ્ન કરી લે તો દામ્પત્યજીવનની ગાડી ખોટકાઈ જવાનો પૂરેપૂરો ભય રહેલો છે. એવું નથી કે તેઓ આમાંથી બહાર નીકળવા નથી માગતા, પરંતુ દસમાંથી આઠ કેસમાં સપોર્ટ સિસ્ટમના અભાવે તેઓ બહાર નીકળી શકતા નથી      

- ડૉ. શ્યામ મિથિયા, સાઇક્યિાટ્રિસ્ટ ઍન્ડ સેક્સોલૉજિસ્ટ

જબ તક યહ લોગ પબ્લિક અટેન્શન મેં નહીં આતે હમ કુછ કર નહીં સકતે. મારી જાણકારી મુજબ રેવ પાર્ટીમાં મેલ એસ્કોર્ટ્સની હાજરી વધુ જોવા મળે છે. આ પ્રકારની પાર્ટીમાં એન્ટરટેઇનમેન્ટ અને અન્ય કામો માટે જે રીતે ફીમેલ એસ્કોર્ટ્સને હાયર કરવામાં આવે છે એ જ રીતે મેલ એસ્કોર્ટ્સને પણ ડિમાન્ડ પ્રમાણે બોલાવવામાં આવે છે

- ડૉ. પી. એમ. નાયર, રિટાયર્ડ ડીજીપી

weekend guide Varsha Chitaliya columnists