દરેક જમાના સાથે આવતા પરિવર્તન જોડે કદમથી કદમ મિલાવે છે આ વેદપરિવાર

25 March, 2020 06:56 PM IST  |  Mumbai | Bhakti D Desai

દરેક જમાના સાથે આવતા પરિવર્તન જોડે કદમથી કદમ મિલાવે છે આ વેદપરિવાર

વેદ પરિવાર

અત્યંત સંઘર્ષ કરીને પણ આનંદથી જીવન વિતાવનારા ૭૧ વર્ષની ઉંમરના વીરેન્દ્ર વેદ બોરીવલીમાં સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના પરિવારમાં પત્ની વર્ષા, પુત્ર આશિષ, પુત્રવધૂ ચૈતાલી, પૌત્ર હર્ષ અને પૌત્રી હેત્વી છે. તેમની પુત્રી હીના વિમલ સંપટ તેમના સાસરે છે. તેમને  નકુલ અને સુશાંત બે દીકરા છે.

યંગ એજમાં વીરેન્દ્રભાઈ ક્રિકેટમાં એટલા હોશિયાર હતા કે તેમના મિત્રો તેમને સલીમ દુરાનીનના નામથી જ સંબોધતા. તેમના જીવનમાં તેમને યોગ્ય મોકો મળ્યો નહીં, નહીંતર તેમણે ક્રિકેટમાં જરૂર ખ્યાતિ મેળવી હોત. આ એકમાત્ર દાદા એવા છે જે દાદા-દાદી પાર્કમાં શમ્મી કપૂરની જેમ ડાન્સ કરે છે.

તેઓ પાંચમા ધોરણ સુધી કચ્છના નલિયામાં રહ્યા હતા જ્યાં તેમના પિતાની કરિયાણાની દુકાન હતી. પણ સાત ભાઈ, બે બહેનો અને માતાપિતા કચ્છથી મુંબઈ રહેવા આવી ગયાં. કચ્છમાં એ સમયે વરસાદની અનાવૃષ્ટિને કારણે જીવન ગુજરાનમાં સમસ્યાઓ આવતી હતી તેથી આખા પરિવારે મુંબઈમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો. તેઓ હૉસ્ટેલમાં રહીને ભણ્યા અને પછી આવક ઓછી હોવાથી તેમને કામકાજમાં જોડાવાની ફરજ પડી. પાર્લામાં ભાટિયાવાડીમાં તેઓ રહેતા.  તેમના જીવનની રસપ્રદ કથા એવી છે કે જેમ-જેમ સમય બદલાતો ગયો તેમ-તેમ તેઓ પોતાનો ધંધો બદલતા ગયા, પણ તેમની આ આખી યાત્રામાં તેઓ ક્યારેય હતાશ થયા નહોતા.

ગ્રામોફોનના જમાનાથી આજ સુધી

વીરેન્દ્રભાઈ તેમના વેપાર વિશે કહે છે, ‘આજની પેઢીનાં નાનાં બાળકોએ તેમના મોટેરાઓ પાસેથી માત્ર સાંભળ્યું હશે કે પહેલાં સંગીત સાંભળવા માટે ગ્રામોફોનનો ઉપયોગ થતો. ગ્રામોફોન રેકૉર્ડ્સ જે સીડી જેવી ગોળાકાર પણ મોટા વિસ્તારવાળી રહેતી અને એ ગ્રામોફોનમાં ગોળ-ગોળ ફરે અને એમાંથી ગીતો સંભળાય. પછી એનો જમાનો ગયો અને ઑડિયો કૅસેટ આવી, જે માપમાં નાની હતી અને અંદર રીલ રહેતી. મેં ૧૯૬૫માં ઑડિયો કૅસેટ્સનો વેપાર શરૂ કર્યો. સાચું કહું તો મને પોતાને સંગીતનો ખૂબ શોખ. આજે પણ અંતાક્ષરી રમવા બેસીએ તો કોઈની મજાલ નથી કે મને કોઈ હરાવી શકે. ઑડિયો કૅસેટ્સનો વેપાર મેં ૧૯૭૦ સુધી કર્યો અને પછી ઘણી સમસ્યાઓ આવતી ગઈ. વિડિયોની શોધ થઈ અને ક્રાન્તિ આવી તેથી વેપાર બદલીને હું વિડિયો કૅસેટ વેચવા લાગ્યો. અહીં પણ ડિસ્ટ્રિબ્યુશન મૉનોપોલી, પૈસા ભરવાની જરૂર જેવી મુશ્કેલીઓ આવતાં એ વેપારને સંકેલવાનો નિર્ણય લીધો. બદલાવની જ વાત કરીએ તો પછી ધીરે-ધીરે કમ્પ્યુટરના જમાનામાં સી.ડી. અને ડીવીડીનો જમાનો આવી ગયો અને પેન ડ્રાઇવના માધ્યમથી પણ મ્યુઝિક વગાડવામાં આવે છે. હવે તો માર્કેટમાં કારવાં જેવાં સાધનો પણ ઉપલબ્ધ છે. બ્લુટૂથની ટેક્નૉલૉજી પણ હાલમાં સંગીત સાંભળવા ઉપયોગી થાય છે.’

જૂનાં ગીતો સાંભળવાં, ક્રિકેટ રમવું, ફિલ્મ જોવા જવું અને ડાયરો કે નાટક જેવા મનોરંજનનાં કાર્યક્રમ જોવા આ બધા શોખને પૂરા કરવા માટે વીરેન્દ્રભાઈના યુવાનીના દિવસોમાં સમય અને  શોખ પૂરા કરી શકે એવા સાધનસંપત્તિનો અભાવ હતો. વીરેન્દ્રભાઈના કહેવા મુજબ તેમના જીવનના દરેક પડાવ પર તેમને તેમનાં પત્ની વર્ષાએ ખૂબ સાથ આપ્યો. તેઓ કહે છે, ‘પહેલી વાર હું મસ્કત સ્ટીમરમાં ગયો હતો અને ત્યારે વર્ષાએ જો તન-મન-ધનથી સાથ ન આપ્યો હોત તો મારું મસ્કત જવાનું શક્ય ન થઈ શકત.’ 

વર્ષાબહેન તેમનાં લગ્ન વિશે અને સંયુક્ત કુટુંબ માટે કહે છે, ‘અમારાં લગ્ન ૧૯૭૬માં એકબીજાને જોયા પછી માત્ર પંદર દિવસમાં જ થઈ ગયાં અને પરિવાર મોટો હતો. એ સમયે પાર્લાનું નાનું ઘર હતું અને હું વહુ તરીકે આવી ત્યારે મારી નણંદો પણ હજી ભણી રહી હતી. અમે બોરીવલી આવ્યા પછી પણ છેલ્લે સુધી મારાં સાસુ અમારી સાથે જ રહેતાં અને ચૈતાલી, હર્ષ અને હેત્વી આ બધાં નસીબદાર છે કે તેમને મારાં સાસુનો સહવાસ અને પ્રેમ મળ્યા. તેમની પાસેથી જીવનમાં મને પણ ઘણું શીખવા મળ્યું.’ 

ફ્રેન્ડ્લી ગ્રૅન્ડ પેરન્ટ્સ

ઘરમાં વાતચીત ચાલી રહી હતી ત્યારે મેકૅનિકલ એન્જિનિયરિંગમાં ભણતો હર્ષ પોતાના દાદા વિશે બોલી ઊઠ્યો, ‘મારા દાદા ખૂબ જ મૈત્રીભર્યા સ્વભાવના છે. અમને એકબીજા સાથે ખૂબ મજા આવે છે. મને ક્યારેય એવું લાગ્યું નથી કે મારા દાદા મારી વાત નહીં સમજે. રહસ્યની વાત કહું તો કોઈ વાર મમ્મી-પપ્પાને મનાવવા માટે મારે મારા દાદાને જ પકડવા પડે, કારણ કે તે સૌથી પહેલાં મારી વાત માની જાય. મારા અને મારા દાદાની વચ્ચે એક મોટું સામ્ય છે કે અમારો જન્મદિવસ એક જ દિવસે એટલે કે ૧૧ ઑક્ટોબરે છે.’

જન્મદિવસની વાત નીકળતાં ચૈતાલીબહેન પોતાના દીકરાના જન્મ સમયે તેમના સસરાએ આપેલી પ્રતિક્રિયા જણાવતાં કહે છે, ‘જ્યારે હર્ષનો જન્મ થયો અને એ પણ અનાયાસે ૧૧ ઑક્ટોબરે તો તેમણે હૉસ્પિટલમાં હર્ષને હરખભેર હાથમાં તેડતાં કહ્યું કે તેં આજે મને મારા જન્મદિવસે અમૂલ્ય ભેટ આપી છે. હવે જીવનભર મને કોઈ ભેટ નહીં મળે તો પણ વાંધો નહીં. અમે ત્યારથી આજ સુધી બન્નેનો જન્મદિવસ સાથે મનાવીએ છીએ. મારાં સાસુ-સસરા બન્ને ખૂબ જ સમજદાર છે. હું ઇન્ટરનૅશનલ સ્કૂલમાં શિક્ષિકા છું. બાળકો નાનાં હતાં ત્યારે મેં દોઢ વર્ષનો કોર્સ કર્યો અને મારી પરીક્ષામાં મારાં મમ્મી (સાસુ) બાળકોનું ધ્યાન રાખે અને મને ભણવાનો આગ્રહ કરે. ઘણી વાર મારાં બાળકો મને તેમની બાબતમાં કંઈ પૂછું તો તેમની દાદીને પૂછવા જ કહે.’

ત્રીજી પેઢીની હેત્વી પણ દાદા-દાદી વિશે કહે છે, ‘મારા મિત્રોમાં કોઈને દાદા-દાદી નથી. મને એક ફાયદો થાય છે કે તેઓ મારી બધી જીદ પૂરી કરે છે. મારું બહુ ધ્યાન પણ રાખે છે. જમવામાં તેમની મારી એક પસંદ મળતી આવે છે, જે છે દાળ-ઢોકળી. બાકી મીઠાઈઓ મને બહુ ભાવે છે.’

જમાના પ્રમાણે બદલાતી માગણીઓ

સ્વભાવે રસિક અને પરિસ્થિતિ ગમે તેવી હોય તો પણઝિન્દાદિલ વ્યક્તિત્વ ધરાવનાર વીરેન્દ્રભાઈ પોતાના જીવનની કથા આગળ વધારતાં કહે છે, ‘મેં થોડાં વર્ષો માટે મસ્કત, દુબઈમાં અકાઉન્ટન્ટની નોકરી પણ કરી અને સાચું કહું તો ત્યાર પછી જ હું બોરીવલીમાં ઘર લઈ શક્યો. આવી તક મને જીવનમાં બે વાર મળી. પછી તો આશિષે મુંબઈમાં વેપાર કરવાનું નક્કી કર્યું અને અમે ૧૯૯૨-૯૩ના સમયમાં ઘડિયાળનો વેપાર શરૂ કર્યો.’

બીજી પેઢી ઃ આશિષભાઈ અહીં જમાનામાં આવતા બદલાવ વિશે કહે છે, ‘ઘડિયાળમાં પહેલાં ખૂબ સારાં મૉડલ્સ અને ડિઝાઇન્સ આવતી હતી. ઇમ્પોર્ટેડ ઘડિયાળ આવતી ત્યારે એમાં આવક પણ સારી હતી, કારણ કે બાળકો કૉલેજમાં આવે ત્યારે ઘડિયાળની જીદ કરે, પણ પંદર વર્ષની અંદર મેં આખો જમાનો બદલાતાં જોયો છે અને હવે બાળક મોટું થાય કે તે મોબાઇલ ફોનની માગણી કરે છે. પહેલાં પેજર, પછી કીપેડવાળા ફોન, પછી સ્માર્ટફોન આમ એમાં પણ કેટલી ઝડપથી બધી શોધ થઈ રહી છે. મારો મોબાઇલ ફોન ઍક્સેસરીઝનો હોલેસેલનો વેપાર છે. પપ્પાની જેમ મારે પણ જમાના સાથે મારો વેપાર બદલવો જ પડ્યો છે. જમાના સાથે વિચારોમાં અને વેપારમાં બદલાવ લાવીએ તો જ સફળ થઈ શકાય છે.’

આ વિષય પર ચર્ચા કરતાં ચૈતાલીબહેન કહે છે, ‘બદલાવ ક્યાં નથી? આપણા સમયમાં આપણે જોતાં હતાં કે ટેક્સ્ટ બુક, વર્કબુક આ બધામાં આપણે લખતાં અને કામ કરતાં, પણ હું નર્સરીમાં બાળકોને ભણાવું છું તો જોઈને નવાઈ લાગે છે કે તેમણે ચોપડાં ન વાપરતાં માત્ર ટૅબનો ઉપયોગ કરવાનો રહે છે. બચ્ચાઓ પણ એટલાં હોશિયાર છે કે ટૅબ કઈ રીતે વાપરવું એ ઝડપથી શીખી લે છે. લખાણમાં પણ ખૂબ બદલાવ આવી ગયો છે.’ 

આ પરિવારના દરેક સદસ્ય જમાના સાથે આવનાર દરેક પરિવર્તનને આવકારે છે, પણ સાથે જ તેઓ એની નોંધ લે છે એ મહત્ત્વની વાત છે. 

bhakti desai columnists