તુમ જિસ તરફ સે ગુઝરો મેલા હો રોશની કા, રાસ આયે તુમકો યે મૌસમ...

19 February, 2020 04:05 PM IST  |  Mumbai | Pankaj Udhas

તુમ જિસ તરફ સે ગુઝરો મેલા હો રોશની કા, રાસ આયે તુમકો યે મૌસમ...

ઇક્કીસવીં સદીઃ ઝફર ગોરખપુરીની આ પૉપ્યુલર નઝ્‍મને ‘ખયાલ’માં સમાવવામાં આવી.

(આપણે વાત કરીએ છીએ દેશભરમાં બહુ પૉપ્યુલર થયેલી નઝ્‍મ ‘ઇક્કીસવીં સદી’ની. ઇતિહાસ માત્ર ઘટનાઓનો નથી હોતો, ઇતિહાસ સંવેદનાઓનો પણ હોય છે. ‘ઇક્કીસવીં સદી’ નઝ્‍મ સાથે પણ એવું જ થયું હતું. એ નઝ્‍મનું માત્ર મુખડું અને એક અંતરો હતો, એમાંથી બીજા અંતરાની વાત આવી અને એ બીજા અંતરાથી દાદા પછી બાપુજીના જમાનાની વાત કરવામાં આવી. મુખડું અને એ બન્ને અંતરાનું કમ્પોઝિશન તૈયાર થયું એટલે મેં ઝફર ગોરખપુરીસાહેબને ફોન કરીને જાણ કરી. તેઓ આવ્યા અને મેં તેમને કમ્પોઝિશન સંભળાવી. હવે આગળ...)

‘પંકજ, દોસ્ત, તુને તો પૂરી નઝ્‍મ કી શકલ હી બદલ દી... ક્યા બાત હૈ.’

મુખડું અને બાકીના બન્ને અંતરા સાંભળીને ઝફર ગોરખપુરીસાહેબ ખુશ થઈ ગયા.        ઝફરસાહેબના અવાજમાં તેમના મનની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમને રાજી જોઈને હું પણ ખુશ થયો. મેં તેમને કહ્યું કે ‘આપને લાજવાબ કામ કિયા હૈ, ઇસ મેં દિલ કી બાત હૈ, મન કી સચ્ચાઈ હૈ. એ સાંભળીને દરેકની આંખો સામે બધાં દૃશ્યો આવી જશે.’

અમે ફરીથી વાતોએ વળગ્યા. ફરી ચા આવી અને તેમણે ફરી સિગારેટ મગાવી. વાતો ચાલતી રહી. એ સમયે ઝફરસાહેબ ખૂબ ખુશ હતા. નઝ્‍મ પૂરી થયાનો આનંદ તેઓ માણી રહ્યા હતા. તેમને ખુશ જોઈને મને પણ આનંદ થઈ રહ્યો હતો. ઝફરસાહેબની તમને એક ખાસ વાત કહું. ઓલિયો જીવ. શબ્દો અને સાહિત્ય માટે જીવ આપી દે એવું તેમનું વ્યક્તિત્વ. ઝફરસાહેબ વિશે લોકો બહુ ઓછું જાણે છે અને જેકોઈ જાણે છે તેમને માત્ર એટલી ખબર છે કે તેમણે ‘બાઝીગર’ અને બીજી અમુક ફિલ્મોનાં ગીતો લખ્યાં હતાં. ‘બાઝીગર’નાં તેમનાં ગીતો ખૂબ વખણાયાં હતાં, એમ છતાં હું કહીશ કે શાયરી કરવાનો તેમનો જે અંદાજ હતો એ અદ્ભુત હતો. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી તેમની પાસેથી એ અંદાજ બહાર લાવી ન શકી અને કાં તો તેમણે જેકાંઈ ઉર્દૂમાં શ્રેષ્ઠતમ લખ્યું એનો લાભ લઈ શકી નહીં.

ઝફરસાહેબના અંતિમ સમયકાળની વાત કહું તો તેમની સાથે એમ જ મારી વાત ચાલતી હતી અને તેમણે અચાનક તેમની ઇચ્છા વ્યક્ત કરી કે મારે પોએટ્રીની બુક પબ્લિશ કરવી છે. કેટલીક વાતો અંગત છે એટલે એની વાત અહીં નહીં કરીએ, પણ તેમની બુકનો વિચાર સાંભળીને હું ખુશ થઈ ગયો અને મેં તરત જ તેમને કામ પર લાગવાનું કહ્યું અને બુક તૈયાર થઈ, એનું લોકાર્પણ થયું અને ફંક્શનમાં સાહિત્યના અનેક ધુરંધરો પણ આવ્યા. ઝફરસાહેબના સાહિત્યની, તેમની કવિતાની સમજની અને ઉર્દૂ પ્રત્યેની તેમની વફાદારીની વાતો જેટલી કરીએ એટલી ઓછી છે. આપણી પાસે આવા શાયરો હતા એ વાતની ખુશી મારા જેવા કલાકારોને જ નહીં, સાહિત્ય જગતને પણ એટલી જ છે.

મૂળ વાત પર આવીએ.

ઝફરસાહેબ કમ્પોઝિશન સાંભળીને ખુશ થયા. તેમની ખુશીમાં પ્રસૂતિ પછીનો આનંદ સ્પષ્ટ નીતરતો હતો, પણ અહીં વાત પૂરી નહોતી થતી. ઝફરસાહેબની આ ખુશીમાં પંક્ચર પાડવાનું કામ મેં કર્યું, જરૂરી હતું એટલે. મેં તેમને કહ્યુંઃ ‘ઝફરસાહબ, હમ એક કામ કરતે હૈં. એક ઔર અંતરા કરતે હૈં...’

ઝફર ગોરખપુરી મારી સામે જોતા રહ્યા.

‘મતલબ, મેં સમઝા નહીં...’

મેં સ્પષ્ટતા સાથે તેમને કહ્યું કે આપણે બે અંતરામાં દાદા અને પિતાના સમયની વાત કરી લીધી, પણ વાત તો ત્યારે પૂરી થાય જ્યારે તમે તેમની એટલે કે સાંભળનારાના સમયની પણ વાત કહો, તેમની સંવેદના અને તેમની મુશ્કેલીને વાચા આપો.

‘જો આનેવાલી પીઢી કી બાત કરેં ઔર ઉનકો હમ આગાઝ કરેં...’

‘પર પંકજ અબ...’ ઝફરસાહેબ અકળાયા નહોતા, પણ તેમના મનમાં મૂંઝવણ ચાલતી હતી કે હવે તેઓ આગળ શું કહેશે, શું લખશે? તેમની અકળામણ વાજબી હતી. તમને જ્યારે ખબર નથી હોતી કે આગળ કશું કરવાનું છે કે નહીં ત્યારે તમે બધી વાત જ્યાં સુધી કહેવાના છો એમાં સીમિત કરી દો અને એ પછી તમારે નવેસરથી નવી વાત કહેવાની આવે ત્યારે તમારું મન શૂન્યમનસ્ક થઈ જાય.

મેં તેમને એ સમયે ઘરે રવાના કર્યા અને કહ્યું કે અત્યારે તમે એ દિશામાં જરા પણ વિચાર ન કરો. એકદમ ફ્રેશ માઇન્ડ સાથે આવતી કાલે વિચારજો, તમને કશું એમાં મળશે. મને પૂરી ખાતરી છે.

મારી આ ખાતરી હકીકત હતી. ઝફરસાહેબ હંમેશાં કોઈ પણ નવી ચૅલેન્જ સ્વીકારવા તૈયાર રહેતા. તેમણે આ ચૅલેન્જ પણ સ્વીકારી લીધી અને કામ શરૂ કર્યું. વચ્ચે-વચ્ચે જરૂર પડે તો વાત કરવા માટે તેમના ફોન આવે. છેલ્લા ફોનમાં મારે તેમની સાથે વાત થઈ અને મેં તેમને કહ્યું કે હવે આપણે ત્રીજી જનરેશનની એટલે કે આપણા છોકરાના છોકરાને વિચારવાના છે. દાદા અને પિતા પછી આપણે જો આપણી જાતને મૂકીશું તો એ વાત નવી જનરેશનથી દૂર થઈ જશે અને કાં તો તેમને પિતાના અંતરાની અને એના પછીના આ નવા અંતરાની વાતમાં રિપીટેશન લાગશે. નવી જનરેશન, આવનારી પેઢી કે પછીની પેઢીની શું હાલત હશે એના પર તમારે વિચારવાનું છે અને આટલી જ સિમ્પ્લીસિટી સાથે, આટલી જ સરળતા સાથે કહેવાનું છે.

‘જો દેખા નહીં ઉસે કૈસે હમ...’

મેં તેમને વચ્ચે જ અટકાવ્યા અને કહ્યું કે ‘ઝફરસાહેબ, ખોટી ચિંતા ન કરો. સાચી ચિંતા કરો. જરા વિચારો કે આપણે દાદા અને પિતાથી પણ વધારે કફોડી માનસિકતા વચ્ચે જીવી રહ્યા છીએ તો આવનારી પેઢીની તો હાલત શું થશે. તેઓ જીવવા માગતા હશે અને જીવી નહીં શકતા હોય, માણસ માણસ માટે તરસી રહ્યો હશે. ટોળાં વચ્ચે પણ એ સાવ એકલો પડી ગયો હશે. ઓળખાણ હશે, પણ સંબંધો નહીં હોય. ચહેરા પર આંસુ નહીં હોય, સ્મિત નહીં હોય અને એ પછી પણ આંખો ઘણુંબધું કહેવા માગતી હશે.

‘બસ, બેથી ચાર લાઇન જોઈએ, આ વાત કહેતી હોય એવી...’

મેં મારી વાત પૂરી કરી. સામે સહેજ ખામોશી રહી અને પછી ઝફરસાહેબનો અવાજ આવ્યો,

‘તુ તો શાયર હૈ, ખુદ શાયરી ક્યું નહીં કરતા...’

ઝફરસાહેબે હસતાં-હસતાં મને કહ્યું હતું,

‘તેરા દિમાગ કાફી તેઝ ચલતા હૈ, કલમ ભી ચલાને લગ...’

મેં વાતને બીજે પાટે ચડાવવાના હેતુથી કહ્યું કે તમારે માટે બે મિનિટનું કામ છે. તમે એ કરો એટલે આપણી નઝ્‍મ પૂરી થઈ જાય. સાચે જ એવું બન્યું પણ ખરું. થોડા કલાક પછી ઝફરસાહેબનો વળતો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે આવું છું ઘરે. રૂબરૂ વાત કરીએ.

રાબેતા મુજબનો જ દોર ચાલ્યો ઘરે. ચા-પાણી આવ્યાં, સિગારેટ લેવા માટે માણસ ગયો. તેમણે સિગારેટ પીધી મજાથી કશ લીધા. એ દિવસે મને આ સમય બહુ નડતો હતો. મને થતું હતું કે હું તેમને પૂછું પણ મને ખબર હતી કે તેમને પહેલાં સમયને માણી લેવા દેવો જોઈએ. ભલે તેઓ લખીને આવ્યા હોય, પરંતુ હજી પણ તેમના મનમાં કામ ચાલતું જ હશે. મારે એ કામ કરવા દેવું જોઈએ.

મજાથી સિગારેટ પીધા પછી તેમણે મારી સામે જોયું અને ત્રીજો અંતરો સંભળાવવાનું શરૂ કર્યું.

એ આનેવાલી નસ્લોં, એ આનેવાલે લોગોં

ભોગા હૈ હમને જો કુછ, વો તુમ કભી ન ભોગો

જો દુઃખ થા સાથ અપને, તુમ સે કરીબ ન હો

પીડા જો હમને ભોગી, તુમ કો નસીબ ન હો

જિસ તરહ ભીડ મેં હમ, તન્હા રહે અકેલે

વો ઝિંદગી કી મહફિલ, તમુસે ન કોઈ લે લે,

તુમ જિસ તરફ સે ગુઝરો, મેલા હો રોશની કા

રાસ આયે તુમકો યે મૌસમ, ઇક્કીસવીં સદી કા

હમ તો સુકૂન કો તરસે, તુમ પર સુકૂન બરસે

આનંદ હો દિલોં મેં, જીવન લગે સુહાના

મારી આંખો ખુલ્લી રહી ગઈ. હું અંદરથી વલોવાઈ ગયો હતો. ઝફરસાહેબે તેમના શબ્દોનો જાદુ પાથરી દીધો હતો.

pankaj udhas columnists