બ્લુ વ્હેલ, ચૅલેન્જ અને લાઇફ ગોલ

01 March, 2020 03:38 PM IST  |  Mumbai | Bhavya Gandhi

બ્લુ વ્હેલ, ચૅલેન્જ અને લાઇફ ગોલ

ફાઈલ ફોટો

દરેક વાત, દરેક વસ્તુ અને દરેક ક્ષણની એક કિંમત હોય છે. સક્સેસની પણ કિંમત છે અને ફેલ્યરની પણ કિંમત ચૂકવવી પડે છે. જીવનમાં મળેલી નિષ્ફળતાને સક્સેસમાં ફેરવવાની પણ એક કિંમત છે. મને મારા ફ્રેન્ડ્સ એક વાત હંમેશાં કહે કે તું લક્કી છો, બહુ ફેમસ થવા મળ્યું તને. તેમને એવું લાગે કે મારી પાસે સ્ટારડમ છે, મારી પાસે સક્સેસ છે, પણ મારે એક વાત કહેવી છે કે જે કોઈ સક્સેસ દુનિયાને દેખાય છે એ મને પ્લેટમાં નથી મળી, એને માટે મેં દિવસ-રાત એક કર્યાં છે. મેં ક્યારેય કોઈ કામ માટે એવું નથી વિચાર્યું કે આ કામ નાનું અને આ કામ મોટું. ક્યારેય મને એવો વિચાર નથી આવ્યો કે આ કામ કરવાથી મને શું ફાયદો થવાનો છે?

મનમાં લાભની, ફાયદાની, બેનિફિટની વાત નહોતી એટલે મેં દરેક કામ કર્યું અને એ કામે મને લાભ કરાવ્યો જ કરાવ્યો. કાં તો મને એ કામ મૉનિટરિંગ લાભ કરાવી ગયું અને કાં તો એ કામ મારી લાઇફને વધારે બહેતર બનાવી ગયું. ઘણાને એવું લાગે કે આવું કહેવું ઈઝી છે. નામના મળી ગયા પછી આવી બધી વાતો કહેવી સહેલી હોય છે, પણ ના, એવું નથી હોતું. લાઇફમાં ક્યારેય એવું માનવું નહીં કે તમે જે જગ્યાએ પહોંચી ગયા છો એનાથી સંતુષ્ટ છો. તમે જ્યાં હો ત્યાંથી તમે આગળનું દૃશ્ય જ જોતા હો છો. આવા તબક્કે તમને એવું નથી લાગતું કે તમે સક્સેસફુલ છો. અમિતાભ બચ્ચનને કેવી સક્સેસ મળી છે એ આપણે સૌ જાણીએ છીએ. બધાને ખબર છે કે તેમની પાસે ન હોય એવું કશું નથી અને તેમણે ક્યારેય એ બાબતની ફરિયાદ પણ નથી કરી, પણ હકીકત જુદી હોઈ શકે છે. તેમને પણ કોઈ વાતનો અજંપો હોઈ શકે છે અને તેમને પણ હજી વધારે મેળવવાની ભાવના પણ હોઈ શકે છે. આ જે ભાવના છે એ ભાવના તેઓ વ્યક્ત કરે ત્યારે પણ તેમની આંખ સામે પોતાનું આજનું કદ નહીં, પણ આવતી કાલનું સપનું હોઈ શકે છે.

મારા માટે જ નહીં, કોઈને પણ માટે કહેવું સરળ નથી હોતું કે હું જેકંઈ કરું છું એના લાભ કે ગેરલાભ વિશે વિચારવાને બદલે કામ પર ફોકસ કરું છું. હા, જો સાચે જ તમે એવી માનસિકતા ન રાખો તો એવું કહેવું આસાન નથી હોતું. જરા પણ નહીં અને એટલે જ કહું છું તમને કે જો તમારી સામે ચૅલેન્જ આવી હોય એવું લાગે તો તમે ખુશ થજો. વિચારજો કે તમને વધુ એક વખત પુરવાર થવાની, આગળ વધવાની અને તમારી જાતને સાબિત કરવાની તક મળી છે અને ભૂલતા નહીં કે જેટલી મોટી ચૅલેન્જ હશે એટલી જ મોટી સક્સેસ તમને મળશે.

સરળ રીતે સમજાય એ માટે તમે આ વાતને તમારી રૂટીન લાઇફ સાથે જોડીને જુઓ. રોજ જિમ જવાનું કેટલા દિવસથી નક્કી કરો છો? રોજ વહેલા જાગવાનું કેટલા સમયથી નક્કી કર્યું છે? સ્મોકિંગ છોડવા કે પછી જન્ક ફૂડ ટોટલી બંધ કરવા માટે કેટલું નક્કી કર્યું અને એ પછી પણ દર વખતે રહી જાય છે. કેટલો વખત થયો એ વાતને? દરરોજ નવું વાંચવાનું કેટલા સમયથી નક્કી કરી રાખ્યું છે? આ બધી છે નાની વાતો, પણ એ પૂરી નથી થઈ રહી, કારણ કે એ પૂરી કરવાની દૃઢતા તમે લાવ્યા નથી. જો તમે નિયમ બનાવીને એને બ્લાઇન્ડ્લી ફૉલો કરો અને મનમાં રહેલી આ બધી વાતોને પૂરી કરવાની કોશિશ સક્સેસફુલી કરો તો વિચારો કે એનો લાભ તમને કેવો થાય. રોજ જિમમાં જવાનું કે એક્સરસાઇઝ કરવાનું નક્કી કરશો તો એનો બેનિફિટ તમને જ થવાનો છે. સિગારેટ છોડશો તો તમારી જ બૉડીને લાભ થશે અને રીડિંગની આદત કેળવશો તો તમને જ એનો લાભ થવાનો છે. આદત નહીં હોય તો શરૂઆતમાં તકલીફ પડશે, આદત નહીં હોય તો શરૂઆતમાં ચૅલેન્જ લાગશે, પણ મેં કહ્યું એમ, જેટલી મોટી ચૅલેન્જ એટલી મોટી સક્સેસ.  એક વખત વ્યસન છૂટશે તો એનો બેનિફિટ તમને જ થવાનો છે. એક વખત આદત છોડશો તો જોખમ તમારું જ ઓછું થવાનું છે એટલે તમારે આ ચૅલેન્જ લેવાની જરૂર છે. વિચારજો એક વાર કે જો તમે નાના કામ માટે ચૅલેન્જ ન લઈ શકવાના હો તો પછી મોટા કામ માટે તો તમે ક્યારેય તૈયાર નહીં થઈ શકો અને મને બીજી પણ એક વાત કહેવી છે કે તમે જેને નાની ચૅલેન્જ માનો છો હકીકતમાં એનું મૂલ્ય નાનું નથી. એ નેટ-પ્રૅક્ટિસ છે, એ તમને મોટી ચૅલેન્જ સુધી લઈ જવાનું કામ કરે છે. એને માટે ટ્રેઇન કરે છે અને આ ટ્રેઇનિંગ બહુ મહત્વની છે. નાના હતા ત્યારે ચાર પગે ચાલતા અને એ પછી બે પગે ચાલવામાં પણ બે સ્ટેપ પછી પડી જતા. પડી જવાને લીધે તમે અટક્યા ખરા? નહીં, હવે તમે જ કહો કે તમે એ બે સ્ટેપને નાનાં ગણીને પણ ક્યારેય અટક્યા હતા ખરા?

ના, નહીં.

ડિટ્ટો એવું જ અત્યારની નાની ચૅલેન્જ માટે છે. તમે જો નાની વાતથી, નાની ચૅલેન્જથી કે પછી નાની તકલીફથી અટકશો તો ક્યારેય તમને મોટી ચૅલેન્જની આદત નહીં પડે. સદ્ગુરુ જગ્ગીજીની એક વાત બહુ સરસ છે. જીવનભર યાદ રાખવા જેવી છે.

નાની વાત, નાની અડચણ કે નાની ભૂલ જ પછડાટ આપે છે. જો આ વાતને જરા જુદી રીતે જોઈએ તો કહી શકાય કે નાની વાત, નાની અડચણ કે પછી નાની તકેદારી જ મોટી પછડાટથી બચાવવાનું કામ કરતી હોય છે. મને અત્યારે એક ગેમ યાદ આવે છે, બ્લુ વ્હેલ.

થોડા સમય પહેલાં ડાર્ક વેબમાં બ્લુ વ્હેલ બહુ પૉપ્યુલર થઈ હતી. પૉપ્યુલર કહેવાય કે નહીં, પણ હા, એ ઇનફેમસ થઈ હતી એ તો સાચું જ છે. આ ગેમ પર બૅન મૂકવામાં આવ્યો. ગેમ તમારા મોબાઇલમાં હોય તો તમારી સામે લીગલ ઍક્શન લેવી એવો નિયમ પણ દેશમાં બનાવવામાં આવ્યો હતો. આજે પણ આ નિયમ છે જ. કારણ એક જ, આ ગેમને કારણે ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા અને આ ગેમને લીધે પેરન્ટ્સ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા કે તેમનાં સંતાનો પણ ક્યાંય આ ગેમને રવાડે ચડીને પોતાની જિંદગી ન ટૂંકાવી લે. બ્લુ વ્હેલમાં જાતજાતની અને ભાતભાતની ચૅલેન્જિસ આપવામાં આવતી હતી. શરૂઆતમાં સહેલી ચૅલેન્જ હોય અને પછી ધીમે-ધીમે એ ચૅલેન્જ હાર્ડ બનતી જાય. આ બધી ચૅલેન્જ તમારે પૂરી કરતા જવાની અને સૌથી છેલ્લે આવે, ડેથ. કે પછી કહો સુસાઇડ.

વિચાર કરો કે માત્ર ગેમમાં ચૅલેન્જ પૂરી કરવા માટે જો કોઈ પોતાની જિંદગી ટૂંકાવી શકતું હોય તો પછી હકીકતમાં તમારે તમારી લાઇફને ચૅલેન્જ તો આપવી જ જોઈએ, જે તમારી જિંદગી બદલી શકે અને એ પણ પૉઝિટિવ ફૉર્મેટમાં. મારું કહેવાનું એ જ છે કે દરેક ચૅલેન્જ મોટી છે એમ માનીને એને પૂરી કરવા માટે તૈયારી કરો અને દરેક ચૅલેન્જ પૂરી કરવા માટે નાની છે એમ માનીને આગળ વધો. જેવડી મોટી ચૅલેન્જ હશે લાઇફ પણ એટલી જ મોટી સક્સેસ તમને આપશે. આજે તમે જે ગોલ બનાવ્યો હશે એ કદાચ તમને જોતાં જ ડર આપનારો હશે, પણ એ ડરને તમે છોડીને જો ચૅલેન્જ એક્સેપ્ટ કરી લીધી તો આગળ જતાં એ તમને બહુ મોટી સક્સેસ આપી શકે છે.

જીવનમાં ક્યારેય કોઈ કામ સહેલું નથી હોવાનું અને એ પણ નક્કી છે કે દરેકને સક્સેસ મળી છે એ સ્ટ્રગલ વગર તો નથી જ મળી. તમે પણ વિચાર કરો કે જો ફેસબુકને પણ આટલાબધા મેમ્બર બનાવવા માટે વર્ષોથી ઍક્ટિવ રહેવું પડ્યું છે, કોઈ એક ટિકટૉક વિડિયો વાઇરલ થાય એ માટે દરરોજ વિડિયો બનાવવા પડે છે. એક ફિલ્મ હિટ જાય એ માટે વર્ષોથી એની સ્ટોરી પર કામ કરવું પડે છે. દરેક બાબતમાં કામ કરવું પડે છે તો પછી તમે જે ધાર્યું છે એ પણ તમને રાતોરાત તો ક્યારેય મળવાનું જ નથી. તમારે જે જોઈએ એને માટે મહેનત કરવી જરૂરી છે અને એને માટે આજથી ચૅલેન્જ લેવી જરૂરી છે અને એને માટે આજથી મહેનત કરવી જરૂરી છે, કારણ કે એક સીધો નિયમ છે કે લાઇફમાં ક્યારેય કશું ઈઝીલી મળતું નથી, ક્યારેય કોઈ સક્સેસ મહેનત વગર મળતી નથી અને ક્યારેય કોઈ ફેમ પણ રાતોરાત મળતી નથી. જો કંઈ સરળતાથી મળવાનું ન હોય તો પછી સરળતા વિચારો જ શું કામ. ઈઝીલી મળે એવી ઇચ્છા જ શું કામ રાખવી? આ ઇચ્છા જ તમારી દિશા ભટકાવી દેવાનું કામ કરે છે અને જો દિશાથી અલગ ન પડવું હોય તો સીધો નિયમ ચૅલેન્જ લેવી છે, જેમાં કમ્ફર્ટ ઝોન ન હોય એવી ચૅલેન્જ લેવી છે.

Bhavya Gandhi columnists