અબોલ પ્રાણીઓ પ્રત્યેની અનુકંપાએ એક યુવાનને ક્યાં પહોંચાડી દીધો!

25 February, 2020 03:03 PM IST  |  Mumbai | Taru Kajaria

અબોલ પ્રાણીઓ પ્રત્યેની અનુકંપાએ એક યુવાનને ક્યાં પહોંચાડી દીધો!

પ્રતીકાત્મક તસવીર

‘બાપા, આ તો હળહળતો કળિયુગ આવ્યો છે.’ જેમના ઘરમાં વૃદ્ધ વડીલો હશે તેમણે કે જેઓ એવા વડીલોની વચ્ચે રહ્યા હશે તેમણે ક્યારેક ને ક્યારેક આ વાક્ય સાંભળ્યું હશે. કેટલાક સાધુ-સંતો શાસ્ત્રોમાં લખેલાં કળિયુગના લક્ષણો વર્ણવતા હોય છે. ગયા અઠવાડિયે મુંબઈમાં બનેલી એક ઘટના વિશે વાંચ્યું. એકસઠ વર્ષના એક બુઝુર્ગને હાઇવે પર એક ગાડીએ કચડી નાખ્યા. અકસ્માતના ખબર મળતાં પોલીસ દુર્ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં એ મૃતદેહ પરથી સાઠ ગાડીઓ પસાર થઈ હતી અને મૃતદેહ એટલી ભયંકર ખરાબ રીતે છૂંદાઈ ગયેલો કે ઓળખી શકાય એવો રહ્યો નહોતો. એના ટુકડેટુકડા રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા પડ્યા હતા! એ વાંચીને થયું કે કદાચ આ જ કળિયુગ હશે! અકસ્માત કરીને ભાગી ગયેલો ડ્રાઇવર અને બીજા સાઠ વાહનચાલકો જેઓ નિષ્ઠુરતાથી એ અજાણ્યા જણના મૃતદેહ પરથી પોતાનું વાહન હંકારી ગયા હશે એ ખરેખર માનવો હશે? પોલીસકર્મીઓએ મૃતદેહના રસ્તા પર ફંગોળાયેલા ટુકડાઓ વીણવા દૂર-દૂર સુધી જવું પડ્યું હતું. કમકમાં આવી જાય છે એ દૃશ્યની કલ્પના કરતાં.

આ સમાચાર વાંચતાં એ સાઠ વાહનચાલકોથી નિરાળા એક રાહદારીની તદ્દન બીજા જ છેડાની વર્તણૂકની યાદ આવી ગઈ. આજથી છ-સાત વર્ષ પહેલાંની વાત છે. ભારતના મલ્ટિનૅશનલ કૉર્પોરેશન તાતા ગ્રુપની પુણેમાં આવેલી એક કંપનીમાં બાવીસ-ત્રેવીસ વર્ષનો એન્જિનિયર શાંતનુ નાયડુ કામ કરતો હતો. એક દિવસ તેની મોડી રાતની શિફટ પતાવી તે ઑફિસથી ઘરે જવા નીકળ્યો. રસ્તા પર તેણે એક કૂતરાનો મૃતદેહ જોયો. તે વ્યથિત થઈ ગયો. આ અગાઉ પણ તેણે તેજ ગતિએ જતાં વાહનો નીચે કચડાઈ ગયેલાં શ્વાનોનાં શબ જોયાં હતાં. તેને થતું કે આ કૂતરાઓને કેવી રીતે બચાવી શકાય. તેણે એ વિશે રાહદારીઓ અને વાહનચાલકો સાથે વાત કરી અને જાણ્યું કે રાતના અંધકારમાં દૂરથી કૂતરાઓ દેખાતા નહોતા. વાહન નજીક આવ્યા પછી જ પ્રાણી દેખાય અને ત્યારે સલામત રીતે બ્રેક મારવાનો કે વાહનને બીજે વાળવાનો સમય પણ ચાલક પાસે નથી હોતો.

એ રાત્રે શાંતનુ ઘણો જ ડિસ્ટર્બ થઈ ગયો હતો. તેણે આ કૂતરાઓને બચાવવા કંઈક કરવાનો નિર્ણય કર્યો. તેના ઑટોમોબાઇલ એન્જિનિયરિંગના બૅકગ્રાઉન્ડે એમાં મદદ કરી. તેણે એક ઉપાય શોધી કાઢયો. તેણે વિચાર્યું કે કૂતરાને રિફલેક્ટર્સ (લાઇટ પડતાં ચમકી ઊઠે એવો) કૉલર બેલ્ટ પહેરાવ્યો હોય તો વાહનચાલક દૂરથી જોઈ શકે અને વાહનની રફતાર ઓછી કરી શકે જેથી કૂતરાઓ તેમના વાહનની અડફેટે ન આવે. તેણે મિત્રો સાથે મળીને પોતાના વિચારને અમલમાં પણ મૂક્યો અને સ્ટ્રીટ ડૉગ્સના ગળામાં રિફલેક્ટર્સ કૉલર્સ આવતાં એમના અકસ્માતો ઘટી ગયા. લોકોએ શાંતનુની આ પહેલને વધાવી લીધી. વાહનચાલકો પણ શાંતનુને અભિનંદન અને આભારના સંદેશા મોકલવા  લાગ્યા કે તમારા આ ઇનોવેટિવ પગલાથી અમે પશુહત્યામાંથી બચી જઈએ છીએ. તે કામ કરતો હતો એ તાતા કંપનીના ન્યુઝ લેટરમાં પણ શાંતનુના આ ‘મોટોપૉઝ’ ઇનિશ્યેટિવ વિશે છપાયું.

શાંતનુના પપ્પા અને દાદા પણ તાતા જૂથની કંપનીમાં જ કામ કરતા હતા. અલબત્ત, તેમને કોઈને ક્યારેય રતન તાતાને મળવાની તક નહોતી મળી, પરંતુ તાતાના શ્વાનપ્રેમ વિશે જાણતા હોઈને શાંતનુના પપ્પાએ સૂચવ્યું કે તું મિસ્ટર તાતાને પત્ર લખીને તારા આ પ્રોજેક્ટ વિશે જણાવ. તેમને પણ શ્વાન બહુ વહાલા છે. શાંતનુએ પત્ર લખ્યો અને તેના આશ્ચર્ય વચ્ચે મહિના બાદ શાંતનુને રતન તાતાને મળવા જવાનું આમંત્રણ મળ્યું. તે તેમને મળ્યો ત્યારે તેઓ શાંતનુના કામ વિશે ખૂબ જ ખુશ થયેલા. પછી તો તેઓ શાંતનુને પોતાના શ્વાનોને મળવા લઈ ગયા. તેમણે શાંતનુના ‘મોટોપૉઝ’ સ્ટાર્ટઅપમાં અંગત રીતે રોકાણ કર્યું અને આજે ‘મોટોપૉઝ’ દેશનાં ડઝનેક શહેરોમાં પહોંચી ગયું છે. ઈવન નેપાલ અને મલેશિયામાંથી પણ તેમને માટે આ પ્રોજેક્ટ શરૂ કરવાની ઑફર લાવી છે!

શાંતનુ માટે ૨૦૧૪ની એ ઘટના જિંદગી બદલનારી બની ગઈ, કેમ કે રતન તાતા આટલેથી જ ન અટકયા. તેમણે આ અનુકંપાશીલ યુવાનને પોતાના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ કર્યો. તેમને એક મોટી વેટરનરી હૉસ્પિટલ ખોલવી છે. શાંતનુને એ વિશે વાત કરી. દરમ્યાન શાંતનુને અમેરિકાની કાર્નેલ યુનિવર્સિટીમાં એમ.બી.એ.માં ઍડ્‍‍મિશન મળી ગયું, પણ તાતાના પ્રોજેક્ટ માટે તો તે પહેલાંથી જ કામ કરવા લાગી ગયો હતો. શાંતનુએ તેમને ખાતરી આપી કે અમેરિકાથી પાછો આવીને તાતા ટ્રસ્ટમાં જોડાઈને તે એ બાબતની જવાબદારીઓ લઈ લેશે.

પરંતુ તે પાછો ફર્યો ત્યાં સુધીમાં તો તાતાએ તેના માટે કંઈક બીજું વિચારી રાખ્યું હતું. શાંતનુ અમેરિકાથી પાછો ફર્યો અને તેમનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે ‘શાંતનુ, મારે ઘણાં કામ કરવાનાં છે. તું મારો અસિસ્ટન્ટ બનશે?’ કલ્પના તો કરો સત્યાવીસ વર્ષના યુવાનને દેશના ટોચના નામાંકિત ઉદ્યોગપતિ રતન તાતા જેવી હસ્તી સાથે કામ કરવાની ઑફર મળે એ કેટલી મોટી સિદ્ધિ, કેટલી મોટી ખુશનસીબી કહેવાય! તેની જિંદગીનો કેટલો મોટો બ્રેક! ૨૦૧૮થી શાંતનુ રતન તાતા સાથે કામ કરી રહ્યો છે. આ મહાન ઉદ્યોગપતિની તેજસ્વિતા અને બૌદ્ધિકતાની સાથે-સાથે જ તેમની અનુપમ શાલીનતા અને નમ્રતાનો નિકટનો અનુભવ શાંતનુ પામી રહ્યો છે. તે કહે છે કે તેમની કાર્યશૈલી અને વ્યવહાર એવા છે કે મને ક્યારેય લાગતું નથી કે હું આટલી મહાન વ્યક્તિ સાથે કામ કરી રહ્યો છું. રતન તાતાના ખભ્ભે હાથ મૂકીને ઊભેલા શાંતનુની તસવીર આ વાતની સાહેદી પૂરે છે. આજે પણ તાતા સાથેની પ્રથમ મુલાકાતની વાત કરતાં હર્ષથી શાંતનુનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. શાંતનુની આ અકલ્પ્ય રોમાંચક અને સુખદ જર્નીનું મૂળ તેની અબોલ જીવો પ્રત્યેની અપાર અનુકંપામાં જોઈ શકાય છે. તેના એ જેસ્ચરે રતન તાતા પર ઊંડી અસર કરી હતી. આ તર્કને આગળ ચલાવીએ તો પેલા સાઠ વાહનચાલકોનું જેસ્ચર તેમની જર્નીને કયા મોડ પર લઈ જઈ શકે એની કલ્પના પણ કરી શકાયને!

taru kajaria columnists