પૅરાસાઇટ : અંદર આવીને પગ પ્રસરાવતા સંજોગોની વાત

16 February, 2020 02:52 PM IST  |  Mumbai | Bhavya Gandhi

પૅરાસાઇટ : અંદર આવીને પગ પ્રસરાવતા સંજોગોની વાત

‘પૅરાસાઇટ’

‍ઑસ્કર અવૉર્ડ્સ ફંક્શન જોયું હતું?

ન જોયું હોય એના ચાન્સિસ વધારે. વહેલી સવારે પાંચ વાગ્યે રેડ કાર્પેટ ઇવેન્ટ શરૂ થઈ હતી અને સાડાછ વાગ્યે અવૉર્ડ ફંક્શન શરૂ થયું હતું. આ રૂટીન છે ત્યાંનું એટલે મોટા ભાગે ઑસ્કર ફંક્શન જોવાનું ચૂકી જવાયું હોય એવું બની શકે, પણ વાંધો નહીં, આપણે માટે એ અવૉર્ડ્‍‍‍સ ફંક્શન નહીં પણ આ વખતે એ અવૉર્ડ્‍‍‍સ ફંક્શનમાં જે ફિલ્મને અવૉર્ડ મળ્યો એની વાત મહત્વની છે અને એની જ વાત આપણે કરવી છે. ઑસ્કરની હિસ્ટરીમાં પહેલી વાર કોઈ નૉન-ઇંગ્લિશ ફિલ્મને બેસ્ટ ઇન્ટરનૅશનલ ફિલ્મની કૅટેગેરીમાં અવૉર્ડ મળે, બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ મળે અને બેસ્ટ મોશન પિક્ચરનો પણ અવૉર્ડ મળે એવું બન્યું છે. ફિલ્મ મૂળ ભાષામાં એટલે કે કોરિયન લૅન્ગ્વેજમાં જ આખી દુનિયામાં રિલીઝ થઈ અને જે-તે દેશની લૅન્ગ્વેજ મુજબ એમાં સબટાઇટલ હતાં. ભારતની હિસ્ટરીમાં પણ પહેલી વાર બન્યું કે કોઈ કોરિયન ફિલ્મ ઑફિશ્યલી ઇન્ડિયામાં રિલીઝ થઈ હોય અને એ જોવા માટે ટિકિટ ખરીદવામાં આવી હોય. બેસ્ટ મોશન પિક્ચરની કૅટેગેટીમાં આ વર્ષે આ ફિલ્મની સાથે ‘૧૯૧૭’, ‘ફોર્ડ વર્સસ ફરારી’, ‘ધ આઇરિશ મૅન’, ‘જોજો રેબિટ’, ‘જોકર’, ‘લિટલ વુમન’, ‘મૅરેજ સ્ટોરી’, ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન હૉલીવુડ’ જેવી બહુ મોટી અને વખણાયેલી ફિલ્મો પણ હતી અને એ બધામાં પણ ‘જોકર’ અને ‘ધ આઇરિશ મૅન’ તો સુપરહિટ પણ પુરવાર થઈ હતી. કૉમનમૅનથી માંડીને ક્રિટિક્સ પણ એ ફિલ્મો પર ઓવારી ગયા હતા, જેને લીધે ઑસ્કરમાં આ વર્ષે આ બન્ને ફિલ્મો હૉટ ફેવરિટ માનવામાં આવતી હતી, પણ એમ છતાં કોરિયન ફિલ્મ બાજી મારી ગઈ અને દુનિયાના તમામ મીડિયાની હેડલાઇનમાં આવી ગઈ. સૌથી પહેલાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ રજૂ થઈ અને પછી ધીમે-ધીમે બધી જગ્યાએ એ રિલીઝ થઈ અને જ્યાં પણ ફિલ્મ પહોંચી ત્યાં એણે સાચા અર્થમાં સપાટો બોલાવી દીધો અને બધાની બોલતી બંધ કરી દીધી. ક્રિટિક્સથી માંડીને ઑડિયન્સ સુધીના સૌને ફિલ્મ ખૂબ ગમી અને આ ફિલ્મે બિઝનેસ પણ ખૂબ કર્યો, ફિલ્મ હિટ પુરવાર થઈ ગઈ. રોટન ટોમૅટોઝે આ ફિલ્મને ૯૯ ટકા અપ્રૂવલ રેટિંગ આપ્યું તો દુનિયાભરમાં અપાયેલા રેટિંગના આધારે આ ફિલ્મને ઍવરેજ રેટિંગ જે મળ્યું એણે બધા રેકૉર્ડ તોડી નાખ્યા. આ ફિલ્મનું દુનિયાઆખીનું ઍવરેજ રેટિંગ છે ૯.૩૮/૧૦. ૧૦માંથી ૯.૩૮નું રેટિંગ એ જેવુંતેવું ન જ કહેવાય અને એટલું જ નહીં, આ રેટિંગ પણ વર્લ્ડ રેકૉર્ડ બન્યું.

આ ફિલ્મ એટલે ‘પૅરાસાઇટ’. કોરિયન બોન જૂન હો નામના ડિરેક્ટરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ખાસ્સી પૉપ્યુલર છે અને ઑસ્કર પછી તો એની ઓળખ આપવાની પણ જરૂર રહી નથી. ‘પૅરાસાઇટ’ કોઈ તુક્કો નહોતો. અગાઉ બોન જૂન હોએ ‘ધ હોસ્ટ’ અને ‘મધર’ ફિલ્મ બનાવી હતી અને એ પણ અફલાતૂન બની હતી. એ સમયે પણ એ ફિલ્મોનાં ખૂબ વખાણ થયાં હતાં અને એ સમયે પણ લોકોની આંખો ફાટી ગઈ હતી, પણ ‘પૅરાસાઇટ’ ફિલ્મે દુનિયાઆખીની બોલતી બંધ કરી દીધી. ‘પૅરાસાઇટ’ જુઓ તો તમને ખ્યાલ આવશે કે ફિલ્મના ક્રાફ્ટ પર કેવી પકકડ છે ડિરેક્ટરની અને તમને ખબર પણ પડશે કે વન-અપ કોને કહેવાય? ડિરેક્ટરે પેપર પરની ફિલ્મને સેલ્યુલૉઇડ પર લેતી વખતે બધા માર્ક્‍સ સ્કોર કર્યા છે. વાર્તા એક મિનિટ પણ ક્યાંય ફંટાતી નથી. ફિલ્મના લોટ્સ ઑફ લેયર હોવા છતાં એને એટલી સરળ અને સહજ રાખવામાં આવી છે કે તમારા મોઢેથી એક જ વાત નીકળે, સિમ્પલી સુપર્બ. આ ફિલ્મ એ માત્ર ફિલ્મ નથી, એના નામ મુજબ એનો એક ઊંડો અર્થ છે. હું તો કહીશ કે ‘પૅરાસાઇટ’ તમે જેટલી વખત જોશો એટલી વખત તમને એનો એક નવો અર્થ સમજવા અને જોવા મળશે. ફિલ્મ કાન્સમાં રિલીઝ થઈ ત્યારે જ મેં એ પહેલી વાર જોઈ અને હું એના પ્રેમમાં પડી ગયો. ‘જોકર’ જોયા પછી મનમાં અવઢવ હતી કે બેમાંથી કઈ ફિલ્મ ચડિયાતી પણ ઑસ્કરે પુરવાર કર્યું કે ફિલ્મ તો એક જ ચડિયાતી છે, ‘પૅરાસાઇટ’.

ફિલ્મની વાર્તા એના ટાઇટલમાં જ છે, પૅરાસાઇટ. સૌથી પહેલાં આપણે આ નામને સાદી સમજ સાથે જાણી લેવું જોઈએ. પૅરાસાઇટ એટલે એવો જીવ જે કોઈ એક હોસ્ટ શોધે અને પછી એની અંદર જ વિકસીને એને જ ખોરાક બનાવે અને પોતાનો ગ્રોથ કરે. મને લાગે છે કે પૅરાસાઇટ નામ પરથી જ કદાચ પેલી પૅરાસિટામોલ મેડિસિન ડેવલપ થઈ હશે. કદાચ, ખબર નથી, કારણ કે હું મેડિકલ સ્ટુડન્ટ નથી.

બૉડીમાં આવેલું આ પૅરાસાઇટ ડેવલપ થયા પછી એક એ હોસ્ટને જ નુકસાન પહોંચાડે. પૅરાસાઇટ શબ્દનો આ સીધોસાદો અર્થ છે. ફિલ્મમાં બે ફૅમિલીની વાત છે. એક હોસ્ટ ફૅમિલી છે જે અત્યંત અમીર છે, ધનિક છે. એને પૈસાની કોઈ કમી નથી, જે માગે એ બધું મળે છે. ખાસ કે પછી સ્પેશ્યલ કહેવાય એવા ટૉપ લેવલના લોકો સાથે આ ફૅમિલીના લોકોનું ઊઠવા-બેસવા, જીવવા અને રહેવાનું છે. નીચેના સ્તરના લોકો સાથે એને કશી લેવાદેવા નથી. કહો કે તેમને ખબર પણ નથી કે એ પ્રકારના લોકો કેવી રીતે રહેતા હોય છે કે જીવતા હોય છે. ગરીબી શબ્દ જ તેમની લાઇફમાં ક્યાંય અસ્તિત્વ નથી ધરાવતો. હવે વાત આવે છે બીજી ફૅમિલીની. આ બીજી ફૅમિલી પાસે આપણા ટૉઇલેટ જેવડી નાની જગ્યા છે, જ્યાં એ ફૅમિલીના બધા સભ્યો રહે છે. તેમનું રહેવાનું, જમવાનું, ખાવાનું, પીવાનું, નાહવાનું બધેબધું એટલી જ જગ્યામાં છે. ફૅમિલી પાસે પૈસા કમાવા માટેનો કોઈ સ્રોત નથી. જેમતેમ કરીને આ પરિવાર પોતાના દિવસો પસાર કરે છે અને એવામાં એક ઑફર આવે છે, પેલા અબજોપતિ હોસ્ટ ફૅમિલીના ઘરમાં દાખલ થવાની.

ખોટું બોલીને ઘરનો એક સભ્ય હોસ્ટ ફૅમિલીમાં દાખલ થાય છે અને અહીંથી આખી વાર્તા શરૂ થાય છે. શ્રીમંત વર્સસ ગરીબ અને ગરીબ વર્સસ ગરીબ પર આ આખી વાર્તા આગળ વધે છે. ‘પૅરાસાઇટ’ને એટલી સરસ રીતે પિક્ચરાઇઝ કરવામાં આવી છે કે તમે કલ્પના પણ ન કરી શકો. ‘પૅરાસાઇટ’ દ્વારા બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે કે ગરીબોને અને અમીરોને કોઈ ફરક નથી પડતો. ફરક પડે છે તો માત્ર અને માત્ર મિડલ ક્લાસ લોકોને. એક સીડીની નથી નીચે એ કે નથી ઉપર એ. તેમને નીચે નથી જવું એ હકીકત છે અને ઉપર જઈ શકે એમ નથી, કારણ કે ત્યાં પહોંચવું બહુ અઘરું છે. ઉપર જગ્યા નથી મળી રહી.

‘પૅરાસાઇટ’માં એ પણ બતાડ્યું છે કે શ્રીમંત ક્રૂર નથી હોતા. તેમને તમે બહુ સરળતાથી ફૂલ બનાવી શકો અને એ બનાવ્યા પછી તેમને મૂર્ખ બન્યાનો અફસોસ પણ નથી થતો. શ્રીમંત નબીરો જેટલો સહજ બનીને બધું સ્વીકારે એ જોઈને તમને એક વખત એવું કહેવાનું મન થઈ જાય કે આ ભોળપણની ચરમસીમા છે. શ્રીમંત પરિવારની નાદાની દેખાડ્યા પછી ફિલ્મમાં સ્પષ્ટતા સાથે દર્શાવ્યું છે કે મિડલ ક્લાસ એવો વર્ગ છે જે શ્રીમંતને અલગ ચીતરે છે.

‘પૅરાસાઇટ’માં એક મિરર ઇમેજ બતાવવામાં આવી છે. શ્રીમંત ફૅમિલીમાં પણ ચાર વ્યક્તિ છે તો ગરીબી વચ્ચે જીવતા પરિવારમાં પણ ચાર વ્યક્તિ છે. કઈ રીતે ગરીબ ફૅમિલીમાંથી ચાર લોકો ધીરે-ધીરે શ્રીમંતના ઘરમાં માઇગ્રેટ થઈ જાય છે, કોઈ ટીચર બનીને તો કોઈ ડ્રાઇવર બનીને. જે ફૅમિલીને એક સમયે ખાવાના સાંસા હતા એ લોકો આજે ખૂબ સારું કહેવાય એવું જીવન જીવે છે. કોઈને કશી તકલીફ નથી, શ્રીમંત ફૅમિલીને તો ખબર જ નથી કે તેમના ઘરમાં જે રહે છે, કામ કરે છે એ ખરેખર આખું એક ફૅમિલી છે.

પૅરાસાઇટની વાત થઈ આપણે, પૅરાસાઇટ જેની અંદર ઊછરે તેને જ એક દિવસ નુકસાન પહોંચાડે. ‘પૅરાસાઇટ’માં પણ એ જ વાત છે. ફિલ્મનો ક્લાઇમૅક્સ અદ્ભુત છે. ક્લાઇમૅક્સ વિશે વધારે વાત નહીં કરીએ, જો એ કહી દઈશ તો તમારી ‘પૅરાસાઇટ’ જોવાની મજા મરી જશે પણ તમે એક વખત, ‘પૅરાસાઇટ’ જોજો. બહુ સરસ અને અદ્ભુત ફિલ્મ બની છે. કોરિયન ફિલ્મ આમ પણ જોવાની મજા આવતી હોય છે, પણ ‘પૅરાસાઇટ’ એ બધામાં બહુ આગળ છે. એમાં એક એવો ડ્રામા છે જે આપણા બધાની આંખો ખોલી નાખે એમ છે. હું આ ફિલ્મ માટે એમ નહીં કહું કે મસ્ટ વૉચ, પણ એવું કહીશ કે ‘પ્લીઝ વૉચ.’

Bhavya Gandhi columnists