દુલ્હાઓમાં દાઢીમૂછવાળો લુક બની રહ્યો છે ફેવરિટ

08 February, 2020 03:06 PM IST  |  Mumbai | Arpana Shirish

દુલ્હાઓમાં દાઢીમૂછવાળો લુક બની રહ્યો છે ફેવરિટ

દીપિકા-રણવીર

લગ્ન. આ શબ્દ સાંભળતાં જ આંખો સામે સજીધજીને તૈયાર થયેલી સુંદર દુલ્હન જ દેખાય, પણ આજે આપણે દુલ્હનોની વાત નથી કરવાના. તેમની માટેની સ્કિનકૅર અને હેરકૅરની ટિપ્સ ખૂબ સહેલાઈથી મળી રહે છે, પણ દુલ્હન જેટલા જ મહત્ત્વના દુલ્હા પર કોઈ ધ્યાન નથી આપતું. લગ્નમાં બધા જ ફક્ત બ્રાઇડને જોતા રહે તો દુલ્હાના મન પર શું વીતતી હશે એ વિચાર્યું છે ક્યારેય? તો ચાલો જાણીએ દુલ્હાઓ કઈ રીતે લાઇમલાઇટમાં આવી રહ્યા છે અને પ્રી-વેડિંગ બ્યુટી ટ્રીટમેન્ટ્સમાં તેમના માટે શું નવું છે.

ડીટૅન ટ્રીટમેન્ટ

મોટા ભાગે પુરુષો નિયમિતપણે સ્કિનકૅર કરવામાં કાં તો માનતા નથી અને કાં તો આળસ કરે છે. કારણ જે પણ હોય, પણ અંતે તેમને પોતાની સ્કિન ક્લિયર દેખાય એવી પણ ઇચ્છા હોય છે. અને લગ્ન થવાનાં હોય ત્યારે આ વાત યાદ આવે એટલે એનો ઇલાજ છે ડીટૅન ટ્રીટમેન્ટ. આ વિષે જણાવતાં હર્ષા ઍન્ડ રાકેશ સૅલોં ઍન્ડ ઍકૅડેમીનાં હર્ષા રાઠોડ કહે છે, ‘લગ્ન પહેલાં કરાવાતી દુલ્હાઓ માટેની ટ્રીટમેન્ટમાં ડીટૅન સૌથી વધુ પ્રિફરેબલ છે. ફીલ્ડવર્ક, બાઇક-રાઇડિંગ અને તડકાને લીધે ચહેરા પર કાળાશ આવી હોય એ ઘટાડવા માટે આ ટ્રીટમેન્ટ છે. જો સારી ઇફેક્ટ જોઈતી હોય તો ચારથી પાંચ સિટિંગ કરાવવી પડે અથવા ડીટૅન ફેશ્યલ પણ ઇન્સ્ટન્ટ ગ્લો આપી શકે. ડીટૅન ટ્રીટમેન્ટમાં પુરુષો માટે સ્ત્રીઓ કરતાં જુદી પ્રોડક્ટ વાપરવામાં આવે છે, કારણ કે તેમની સ્કિન થોડી હાર્ડ અને રફ હોય છે. જો પુરુષો રેગ્યુલર સ્કિનકૅર પર ધ્યાન આપે તો છેલ્લી ઘડીએ વધુ ટ્રીટમેન્ટની જરૂર નથી પડતી.’


સ્કિન-વાઇટનિંગ

ક્લિયર સ્કિન સાથે ગોરા દેખાવાનો શોખ જેટલો દુલ્હનોને હોય છે એટલો જ દુલ્હાઓને પણ હોય છે. લગ્ન પહેલાં સ્કિન-વાઇટનિંગની ટ્રીટમેન્ટનો પુરુષોમાં ભારે ક્રેઝ છે એવું જણાવતાં હર્ષા ઉમેરે છે, ડીટૅનની જેમ જ સ્કિન-વાઇટનિંગની ટ્રીટમેન્ટ પણ પુરુષો કરાવે છે. આ થોડી ઍડ્વાન્સ્ડ ટ્રીટમેન્ટ છે જેમાં મશીનરીનો પણ ઉપયોગ થાય છે. રિઝલ્ટ ખરેખર દુલ્હાને લગ્નના દિવસે ગ્લોઇંગ સ્કિન આપે છે.

આની સાથે જ આંખોની નીચેનાં ડાર્ક સર્કલ ક્લિયર કરવાની ટ્રીટમેન્ટ હવે પ્રી-વેડિંગ ટ્રીટમેન્ટમાં થાય છે.

બિઅર્ડ સ્પા

દાઢીવાળો લુક ભલે ટ્રેન્ડમાં હોય, પણ દાઢી અને મૂછ મેઇન્ટેન કરવી બધાના હાથની વાત નથી. હેરસ્ટાઇલ મેઇન્ટેન કરવા કરતાં પણ વધુ મહેનત દાઢી અને મૂછ માગી લે છે. વળદાર મૂછો દુલ્હાઓને શેરવાની અને પાઘડીવાળા રજવાડી લુક સાથે સારી લાગે છે. એ જ પ્રમાણે લાઇટ ત્રણ-ચાર દિવસની ઊગેલી સ્ટબલ તરીકે ઓળખાતી દાઢી પણ યુવાનોમાં ફેવરિટ છે. જો હાઇટ વધુ અને બૉડી થોડી બલ્કી હોય તો પૂરી રીતે ગ્રો કરેલી ફુલ બિઅર્ડ સારી લાગશે. જોકે પોતાનાં લગ્નમાં આ લુક મેળવવાનો વિચાર હોય તો એની તૈયારી ૪-૫ મહિના પહેલાંથી શરૂ કરવી પડે છે. આ વિષે જણાવતાં હર્ષા કહે છે, ‘દાઢી અને મૂછ સારી રીતે ગ્રો થતાં ૪-૫ મહિના લાગે છે. એટલે આ તૈયારી અગાઉથી જ રાખવી. તેમ જ આ દરમિયાન દાઢીને નિયમિતપણે ક્લીનિંગ, સાઇડથી ટ્રિમિંગ અને શેપિંગ કરાવતા રહેવું જોઈએ. તો જ એ પ્રૉપર શેપમાં ગ્રો થશે અને સારી લાગશે. હવે તો પુરુષો દાઢીના વાળ સૉફ્ટ રહે એ માટે બિઅર્ડ સ્પા પણ કરાવે છે જેમાં સ્કિન-ફ્રેન્ડ્લી પ્રોડક્ટથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.’

દાઢી ગ્રો થાય અને સૉફ્ટ રહે એ માટે હવે બજારમાં અવનવી પ્રોડક્ટ્સ અને ઑઇલ મળે છે જેનો ઉપયોગ કરી શકાય. જો દાઢી રાખવી હોય તો એની સારસંભાળ માટે સમય આપવો જ પડશે. અસ્તવ્યસ્ત અને ક્લીન ન હોય એવી દાઢી અને મૂછ લગ્નના દિવસે લુક બનાવવાને બદલે બગાડશે.

થ્રેડિંગ અને વૅક્સિંગ

આઇબ્રો શેપિંગ હવે પુરુષોમાં કૉમન બ્યુટી ટ્રીટમેન્ટ છે. આઇબ્રોના વાળનો તેમ જ ચહેરા પર ઓવરઑલ વાળનો ગ્રોથ વધારે હોય ત્યારે પુરુષો વૅક્સિંગ અથવા થ્રેડિંગની મદદથી વાળથી છુટકારો મેળવી ક્લિયર લુક મેળવી શકે છે. આઇબ્રો પણ શેપમાં હોય તો ચહેરો સારો લાગશે. આ સિવાય હાથ અને પગના વાળનું વૅક્સિંગ પણ આજના પુરુષો કરાવતા થયા છે અને પ્રી-વેડિંગ ટ્રીટમેન્ટમાં તો આનો સમાવેશ ખાસ કરવામાં આવે છે. વૅક્સિંગ સિવાય લગ્નની વિધિઓ દરમિયાન હાથ અને પગની પાની સુંદર દેખાય એ માટે મૅનિક્યૉર-પેડિક્યૉર પણ દુલ્હાઓ કરાવે છે.

વેઇટલૉસ અને ડાયટ-પ્રોગ્રામ્સ

લગ્નની શેરવાની અને બ્લેઝરમાં ફાંદ દેખાય તો ફોટો કેવા લાગશે? એટલે જ હવે પુરુષો લગ્ન પહેલાં વેઇટલૉસ પ્રોગ્રામમાં પણ ભાગ લે છે. ડાયટિશ્યનની સલાહથી તેઓ લગ્ન પહેલાં વધારાની ચરબી ઘટાડવા માટે યોગ્ય આહાર અને એક્સરસાઇઝની સલાહ લે છે. લગ્ન પહેલાં વેઇટલૉસના અનેક ફાયદા છે.

કસરત કરવાથી પરસેવા વાટે ટૉક્સિન શરીરની બહાર ફેંકાય છે અને ચહેરો કાન્તિવાન બને છે. આ સિવાય વેઇટ મેઇન્ટેન હશે તો લગ્નના દિવસે કૉન્ફિડન્સ અને એનર્જી પણ બરકરાર રહેશે. જોકે આ ચીજ એવી છે જેને લગ્ન પૂરતી જ ન રાખતાં એક રૂટીન તરીકે લાઇફમાં સમાવવી જોઈએ.

સ્માઇલ પ્લીઝ

ચહેરા અને વાળની સાથે જ સ્માઇલ કરો ત્યારે પીળા દાંત ક્ષોભજનક પરિસ્થિતિમાં ન મુકાવે એ માટે દાંતની ટ્રીટમેન્ટનો સમાવેશ પણ પ્રી-વેડિંગ ટ્રીટમેન્ટમાં થાય છે. ટીથ-ક્લીનિંગ અને ટીથ- વાઇટનિંગ જેવી ટ્રીટમેન્ટ અને વધુમાં દાંતનું અલાઇનમેન્ટ જો યોગ્ય ન હોય તો એ ઠીક કરાવવા માટે ડેન્ટલ સર્જ્યન પાસે સ્માઇલ-ડિઝાઇનિંગ પણ કરાવી શકાય. આવી ટ્રીટમેન્ટ માટે વધુ સમય આપવાની પણ જરૂર નથી, ઑફિસમાંથી લંચબ્રેકમાં આ કરવી શકાય. લગ્નના એક-બે અઠવાડિયાં પહેલાં આવી ટ્રીટમેન્ટ કરી લેવી જોઈએ.

ગ્રૂમ મેકઅપ પૅકેજ

લગ્નમાં જે રીતે દુલ્હનોનાં હેરસ્ટાઇલ અને મેકઅપનાં પૅકેજ હોય છે એ જ રીતે પુરુષોમાં પણ પોતાને સારું દેખાવું છે એ વાતની અવેરન્સ આવી ગઈ છે. આ વિષે હર્ષા રાઠોડ કહે છે, ‘દુલ્હાઓ પણ લગ્નનાં વિવિધ ફંક્શન માટે રેડી થવા માટે હેર અને મેકઅપ સ્ટાઇલિસ્ટ બોલાવે છે જેમાં લાઇટ ચહેરાની ખામી કે ડાઘને કવર કરે એવો મેકઅપ, હેરસ્ટાઇલિંગ અને સેટિંગ તેમ જ બિઅર્ડ-શેપિંગનો સમાવેશ થાય છે. હવે દુલ્હાઓ માટે ખાસ ગ્રૂમ વેડિંગ પૅકેજ પણ તૈયાર કરવામાં આવે છે.’

arpana shirish weekend guide columnists