આ ફુરસદ પણ કમાલ છે!

25 March, 2020 08:20 PM IST  |  Mumbai | Sejal Ponda

આ ફુરસદ પણ કમાલ છે!

પ્રતીકાત્મક તસવીર

ફુરસદના સમયે ટીવીની સામે કે મોબાઇલ પર ગોઠવાઈ જવા કરતાં આખો દિવસ ઘરમાં રહેતી વ્યક્તિનો હાથ હાથમાં લઈ તેને પૂછજો કે ‘તું કેમ છે?’ ફુરસદના સમયે તમારા ઘરમાં, તમારી જિંદગીમાં શું છે એ યાદ કરજો. એ આપવા માટે ઈશ્વરનો આભાર માનજો. કોરોનાનો કૅર ચારેકોર વર્તાઈ રહ્યો છે અને બધાને ઘરે રહેવાની ફરજ પડી છે. રોજ કમાઈને રોજ ખાતા લોકોની સ્થિતિ કફોડી બની છે. ઘણા એમ વિચારે છે કે પરિવાર સાથે ક્વૉલિટી-ટાઇમ મળ્યો છે. વર્ક ફ્રૉમ હોમનો કન્સેપ્ટ અપનાવાઈ રહ્યો છે. ઘણા આરામ કરી રહ્યા છે. ઘણાને ઘરે બેઠાં-બેઠાં ડિપ્રેશન આવી રહ્યું છે.

મહિનાઓથી સાફ ન કરાયેલા કબાટનાં ખાનાં સાફ થઈ રહ્યાં છે. બધું વ્યવસ્થિત ગોઠવાઈ રહ્યું છે. કબાટ વ્યવસ્થિત ગોઠવાઈ ગયા પછી મનમાંથી નીકળે છે હાશ! કેટલું અવ્યવસ્થિત થઈ ગયું હતું બધું. આખરે ગોઠવાઈ ગયું.

આખરે ગોઠવાઈ ગયું! પણ શું ખરેખર આપણે ગોઠવાઈ ગયા છીએ? બાળક જન્મે પછી ધીરે-ધીરે મોટો થાય. ઘરના વાતાવરણમાંથી તેણે બહારની દુનિયામાં ગોઠવાઈ જવું પડે છે અને અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે સતત બહાર કામ કર્યા પછી હવે આપણે ઘરના વાતાવરણમાં ગોઠવાઈ જવાની જહેમત ઉપાડી રહ્યા છીએ.

સાવ જુદા વાતાવરણમાંથી લગ્ન કરીને આવતી છોકરીને જ્યારે સાવ ભિન્ન વાતાવરણમાં ગોઠવાઈ જવું પડે છે ત્યારે કેટલી તકલીફ પડતી હશે!

માણસ સામાજિક પ્રાણી છે. લોકોને હળવું-મળવું, લોકો સાથે કામ કરવું, વ્યવહાર કરવો એ બધું માણસની જિંદગી સાથે વણાઈ ગયું છે. એમાં જેવી બ્રેક લાગી કે આપણે અકળાઈ જઈએ છીએ. આપણને એકલા રહેવું, એકાંતવાસમાં રહેવું ગમતું નથી. એક બહુ સરસ વાક્ય વાંચવા મળ્યું - જો તમે બહાર નથી જઈ શકતા, તો તમારી અંદર જાઓ. ખરેખર આ સમય છે આપણી અંદર ડોકિયું કરવાનો. આપણે કઈ રીતે જીવ્યા, લોકો સાથે કઈ રીતે વ્યવહાર કર્યો, પોતાનાઓ સાથે કેવું વર્તન કર્યું એ સમજવાનો. જાતને ઢંઢોળવાનો.

કામમાં ને કામમાં આપણે આપણી વ્યક્તિને નીગલેક્ટ કરી હશે. એ જ વ્યક્તિ સાથે અત્યારે ક્વૉલિટી ટાઈમ મળતો હશે. આપણે ઘરે છીએ ત્યારે એ જ વ્યક્તિ વારંવાર ચા-કૉફી બનાવી આપતી હશે. ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખતી હશે. એ વ્યક્તિના ચહેરાને ધ્યાનથી જોવાની ફુરદસ હવે મળી છે. તો એ ચહેરાને ધારીને જોઈ લો. એ વ્યક્તિ માટે મનમાં રહેલી અનેક ખોટી ધારણાઓ નાબૂદ થઈ જશે. એ ચહેરા પર ફરિયાદ હશે, અકળામણ હશે, અપેક્ષા હશે. કદાચ એવું બને કે એ ચહેરા પર કંઈ જ વર્તાતું નહીં હોય અને એ ચહેરાની અંદર તોફાન ચાલતું હશે. જરા એ તોફાનમાં ડૂબકી લગાવી લેજો. આખો દિવસ કમ્પ્યુટર સ્ક્રીન સામે કામ કરતાં આપણને આપણી સાથે રહેતી, જીવતી વ્યક્તિના ચહેરાને ધારીને જોવાની ફુરસદ નથી.

આ ફુરસદ પણ કમાલ છે. મળે નહીં ત્યારે વર્ષો ખાઈ જાય છે અને મળે ત્યારે કલાકો વસમાં લાગે છે.

કમ્પલસરી મળેલા આ ફુરસદના દિવસોમાં ઘરની ચાર દીવાલોને જોઈ લેજો. અંગત વ્યક્તિના નજરઅંદાજ કરાયેલા ડુસકાઓ એમાં પડઘાતા હશે. ઘરના બંધબારણા તરફ જોઈ લેજો. કોઈનાં સપનાં ઉંબરાની બહાર જવાની ઉતાવળ કરતાં હશે. ઘરની બારી તરફ જોઈ લેજો. બારીમાંથી દેખાતું આકાશ કોઈની છીનવાયેલી સ્વતંત્રતાની ચાડી ખાતું હશે. ગોઠવાયેલા ઘરના દરેકે દરેક ખૂણા જોઈ લેજો. કોઈની વિખરાયેલી જિંદગી એમાં ચણાઈ ગઈ હશે.

ફુરસદના સમયે ટીવીની સામે કે મોબાઇલ પર ગોઠવાઈ જવા કરતાં આખો દિવસ ઘરમાં રહેતી વ્યક્તિનો હાથ હાથમાં લઈ એને પૂછજો તું  કેમ છે? ફુરસદના સમયે આખો દિવસ ઘરના કામમાં જોતરાતી વ્યક્તિને પોતાનાથી બનતી મદદ કરજો.

ફુરસદના સમયે તમારા ઘરમાં, તમારી જિંદગીમાં શું છે એ યાદ કરજો. એ આપવા માટે ઈશ્વરનો આભાર માનજો. તમારી સાથે જીવતી, તમારી આસપાસ જીવતી વ્યક્તિ માટે, એના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરજો. ફુરસદના સમયમાં આપણા માટે બધી સેવાઓ હાજર કરતા સેવાભાવી લોકોનો આભાર માનજો. એમના માટે પ્રાર્થના કરજો.

આ ફુરસદના સમયમાં જીવાતી જિંદગીમાં બદલાવ લાવવાની ખૂબ જરૂર છે. આ એવો સમય છે જ્યાં અલગ અલગ રહીને નૈતિક ટેકો આપવાનો છે. બીજાને સહારો આપવાનો છે.

આ ફુરસદના સમયે માત્ર આપણી અંદર જ નહીં આપણી સાથે જીવતી વ્યક્તિની અંદર પણ ડૂબકી લગાવવાની જરૂર છે.

Sejal Ponda columnists