કોરોના કેરઃ લૉકડાઉનના સમયમાં જો કોઈનો વિચાર કરવાનો હોય તો કોનો હોઈ શકે?

21 March, 2020 02:36 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના કેરઃ લૉકડાઉનના સમયમાં જો કોઈનો વિચાર કરવાનો હોય તો કોનો હોઈ શકે?

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને કારણે ગઈ કાલથી લૉકડાઉનનો અમલ કરી દેવામાં આવ્યો. લૉકડાઉનનો અર્થ થાય છે, આવશ્યક અને જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયનું આખું શહેર બંધ. જરૂરિયાત વિના બહાર નહીં આવવાનું અને અનિવાર્યતા વિના કોઈની પાસે જવાનું નહીં. એક પ્રકારનો કર્ફ્યુ તમે કહી શકો અને એક પ્રકારની આચારસં‌હિતા પણ તમે એને કહી શકો. લૉકડાઉનનો આ સમય આવી ગયો છે એવા સમયે સૌથી પહેલો વિચાર કોનો કરવો જોઈએ એના વિશે પણ જરા વિચારજો, જરા વિચારજો કે જે રોજરોજનું લઈને ખાય છે, જે નાનો વર્ગ છે, જેની કમાણી પર ઘર ચાલે છે અને કમાણી માટે તેમણે દરરોજ ઘરની બહાર નીકળવાનું હોય છે અને એ પણ ફરજિયાત નીકળવાનું હોય છે ત્યારે આજનો આ જે સમય આવી ગયો છે, શહેરમાં લૉકડાઉન મૂકી દેવામાં આવ્યો છે અને રવિવારે જનતા-કર્ફ્યુની જે અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે ત્યારે નાના વર્ગનો પહેલો વિચાર કરવાની જરૂર છે.

ગુરુવારે રાતે વડા પ્રધાને નોકરિયાત વર્ગ માટે કંપનીઓને, પેઢીઓના માલિકોને કે પછી જેમને ત્યાં નોકરી કરવામાં આવે છે એ વર્ગને વિનંતી કરતાં કહ્યું કે તેમની સૅલરી ન કપાય એનું ધ્યાન રાખજો. આવું કરવું જરૂરી છે, નહીં તો નોકરી સચવાયેલી રહે એવી લાયમાં એ માણસ નાહકનો ઘરની બહાર નીકળીને પરાણે ઑફિસ કે કામે આવશે અને એવું થશે તો તમારો જીવ પણ જોખમમાં મુકાશે. આવા સમયે તમારે માટે, તમારા પરિવાર અને તમારાં સગાંવહાલાંઓના રક્ષણ માટે પણ તેમને રજા આપવી જરૂરી છે અને તેમના પરિવારને ધ્યાનમાં રાખીને તેમની સૅલેરી કાપવામાં ન આવે એનું ધ્યાન રાખવામાં આવે. 
આ જાહેરાત કે પછી આ વિનંતી વડા પ્રધાનશ્રીએ પણ કરી તો સાથોસાથ આપણે એ પણ સમજવાની જરૂર છે કે જે રોજરોજનું કમાઈને ખાય છે એ સૌની આવકની ચિંતા કરી તેમને ઘરબેઠાં કાચું રૅશન મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. લોટ, તેલ, ચોખા, કઠોળ અને એવી જરૂરી ચીજવસ્તુની કિટ બનાવીને આ પ્રકારના રોજબરોજની આવક પર જીવતા હોય એવા લોકોને મદદ મળી રહે એ જોવાની જવાબદારી આપણી છે. અનેક લોકો આખો દિવસ એવું કહ્યા કરે છે કે સાચી વ્યક્ત‌િ સુધી મદદ પહોંચે એ જરૂરી છે. અત્યારે આ સાચો જ સમય છે અને અત્યારે જે મદદ કરવામાં આવશે એ સીધી એ વ્યક્ત‌િને જ પહોંચવાની છે અને તમારે જ એ પહોંચાડવાની છે ત્યારે શું કામ આ પ્રકારના કામની જવાબદારી આપણે આપણા શ‌િરે ન લઈએ એ જોવાની જરૂર છે. આપણા દેશમાં આ પ્રકારનો મોટો વર્ગ છે. તમારા ઘરે કામ કરવા આવતી બાઈથી લઈને રિક્ષા ઑપરેટર અને શાકભા‌જી વેચનારાઓ જેવા અનેક લોકો એવા છે જેમને દરરોજ કમાવવું આવશ્યક છે. લૉકડાઉન, જનતા કર્ફ્યુ કે પછી સાવચેતીના મુદ્દે જે રીતે બહાર નીકળવાનું બંધ કરી દેવામાં આવ્યું છે એ જોતાં મને કહેવાનું મન થાય છે કે તેમનું ઘર ચલાવવાની જવાબદારી આપણે ઉપાડી લેવી જોઈએ. સામાન્ય ખર્ચમાં એટલે કે અંદાજે ૫૦૦-૭૦૦ રૂપિયાની કિટ તૈયાર થાય એમ છે. બહુ સુધી ન પહોંચી શકો તો ચાલશે, માત્ર તમે ઓળખતા હો એટલા આસપાસના લોકો સુધી પહોંચી શકો તો પણ ચાલશે, પણ આ જવાબદારી તો લેવી જ પડશે.

coronavirus manoj joshi columnists