મનની ભાવના- (લાઇફ કા ફન્ડા)

12 February, 2020 12:47 PM IST  |  Mumbai | Heta Bhushan

મનની ભાવના- (લાઇફ કા ફન્ડા)

ગામની ગલીમાં ગાય આમ-તેમ ફરતી હોય ત્યારે કોઈ રોટલી અને ઘી ખવડાવે, કોઈ શાકભાજી અને ફળોની છાલ નાખે, કોઈ ઘાસ ખવડાવે તો કોઈ હાંકી કાઢે અને વળી કોઈના ઓટલે ચઢી જાય તો કોઈ લાકડી પણ ઉગામે.

એક દિવસ ગાયની પાસે એક મહિલા આવી અને એને કેળું ખવડાવવા લાગી. ગાય કેળું ખાવાને બદલે મોઢું ફેરવી ગઈ. મહિલા વળી એ બાજુ જઈ એને કેળું ખવડાવવા લાગી. ગાય મોઢું ફેરવી આગળ વધી ગઈ. મહિલા તો એની પાછળ-પાછળ આવી અને ગાયને પૂચકારીને બોલાવવા લાગી, પણ ગાય તો તેની તરફ જોયા વિના વધુ ઝડપથી આગળ વધી ગઈ. મહિલા પણ આજે તો કેળું લઈને ગાયની એવી પાછળ પડી હતી કે યેન કેન પ્રકારેણ તે ગાયને કેળું ખવડાવવા જ માગતી હતી અને ગાય પણ એવી જીદે ચડી હતી કે કેળું ખાવા તૈયાર જ ન હતી અને મહિલા જાણે કેળું ખવડાવવા પાછળ જ પડી હતી. મહિલાથી પીછો છોડાવવા માટે ગાય તેને શિંગડાં મારવાં સામી ગઈ. મહિલા ડરી ગઈ, પાછળ હટી ગઈ અને કેળું ખવડાવ્યા વિના જ ત્યાંથી જતી રહી.

મહિલા જતી રહી પછી ગાય દૂર ઊભેલા બળદ પાસે જઈને ઊભી રહી અને ઘાસ ખાવા લાગી. બળદે પૂછ્યું, ‘હવે આ સૂકું ઘાસ ખાય છે અને પેલી મહિલા તને કેળું કેટલા પ્રેમથી ખવડાવી રહી હતી તો તે ખાધું નહીં, ઊલટું તેને શિંગડાં મારવા દોડી. તે કેમ આવું કર્યું? ભૂખ હોવા છતાં કેળું ન ખાધું અને વળી પાછું તેની સામે દોડી તેને ડરાવીને ભગાડી દીધી.’

ગાય બોલી, ‘કેવો પ્રેમ અને કેવી વાત, આ મહિલા મને કોઈ પ્રેમથી કેળું ખવડાવવા નહોતી આવી. એ તો તેની મજબૂરી હતી. ગામના પૂજારીજીએ તેને દર એકાદશીએ ગાયને કેળાં ખવડાવવાનું કહ્યું છે. તે પુણ્ય કમાવા માટે આજે એકાદશી છે એટલે મને કેળું ખવડાવવા આવી હતી. આમ તો તે કોઈ દિવસ કઈ જ નથી ખવડાવતી. ભૂલથી તેના આંગણે જાઉ તો હાંકી કાઢે છે, એક સૂકી રોટલી પણ આપી નથી અને થોડા દિવસ પહેલાં બપોરે તેના ઓટલા પર બેસવા ગઈ તો લાકડીથી મારી-મારીને મને ભગાડી હતી અને આજે પુણ્ય કમાવા કેળું ખવડાવવા આવી હતી. પ્રેમથી આપેલી કે ખવડાવેલી સૂકી રોટલી કે સ્વાભિમાનનું આ સૂકું ઘાસ અમૃતતુલ્ય છે, પણ સ્વાર્થવશ પરાણે આપેલ કેળું મને ખાવું નથી.’

સારા કર્મની સાથે મનમાં સારી ભાવના હંમેશાં હોય તો જ એ કર્મ સફળ થાય છે. કર્મની સાથે તમારું વર્તન અને મનની ભાવના પણ એટલી જ મહત્વની છે.       

- હેતા ભૂષણ

heta bhushan columnists