હું સૂઈ જાઉં અને મને સૂતેલો જોઈને સરિતાબહેનને બહુ ગુસ્સો આવે

11 February, 2020 01:32 PM IST  |  Mumbai

હું સૂઈ જાઉં અને મને સૂતેલો જોઈને સરિતાબહેનને બહુ ગુસ્સો આવે

રમેશજીઃ રમેશ તલવાર તેમની યંગ એજમાં.

આપણે છેલ્લે વાત કરી હતી નાટક ‘કાચના સંબંધ’ની. અરવિંદ વેકરિયાને કારણે એનું રિપ્લેસમેન્ટ બનીને મને ગુજરાતની ટૂર પર જવા મળ્યું. ગુજરાતની આ ટૂર દરમ્યાન પદ્‍મારાણી અને શૈલેશ દવે પાસેથી મને ઘણું શીખવા મળ્યું. ‘કાચના સંબંધ’ની ગુજરાતની ટૂર પચીસ શોની હતી. એ શો પૂરા કરીને અમે મુંબઈ પાછા આવ્યા. ગુજરાતની ટૂરને કારણે મારી કડકી થોડી દૂર થઈ. હવે શું કરવું એનું મનોમંથન ચાલતું હતું ત્યાં મને પ્રોડ્યુસર વિજય તલવારનો ફોન આવ્યો. વિજય તલવારને હું હંમેશાં ‘વિજયસા’બ’ કહીને બોલાવતો. વિજયસા’બે મને કહ્યું કે તેમના મોટા ભાઈ એટલે કે રમેશ તલવાર નાના બજેટની એક ફિલ્મ બનાવી રહ્યા છે. જો તું ફ્રી હો તો આવ અને ફિલ્મનું પ્રોડક્શન સંભાળી લે. મિત્રો, હું એ ફિલ્મમાં મેઇન પ્રોડક્શન કન્ટ્રોલર તરીકે જોડાયો. ફિલ્મનું નામ ‘તેરા નામ મેરા નામ’ હતું.  ફિલ્મના કલાકારોમાં લીડ ઍક્ટર હતો કરણ શાહ. આ કરણે અગાઉ ‘જવાની’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. કરણ ઉપરાંત શબાના આઝમીની ભાભી તન્વી આઝમી હતી અને અજિત પાલ નામનો નવો છોકરો પણ હતો, તો સુપર્ણા નામની એક ઍક્ટ્રેસ પણ હતી. આ સુપર્ણાએ ત્યાર પછી અનિલ કપૂર સાથે ફિલ્મ ‘તેઝાબ’ કરી હતી, એમાં સુપર્ણા અનિલ કપૂરની બહેન બની હતી. દીપક તિજોરી પણ એક રોલ કરતો હતો અને આ બધા ઍક્ટરો સાથે ફિલ્મમાં એક મહત્વનો રોલ શફી ઈનામદાર પણ કરતા હતા.

શફીભાઈને હું ખૂબ સારી રીતે ઓળખતો હતો. અમારી વચ્ચે સારી ઓળખાણ હતી. ગુજરાતી થિયેટરને કારણે અમે મળતા રહેતા. ‘તેરા નામ મેરા નામ’ને ફાઇનૅન્સ નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન એટલે કે એનએફડીસી કરવાની હતી તો રમેશજી પ્રોડ્યુસર-ડિરેક્ટર હતા. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ મુંબઈમાં જ હતું. મેં નક્કી કર્યું કે આપણે ‘તેરા નામ મેરા નામ’માં જોડાઈ જવું. બહુ મોટું પેમેન્ટ નહોતું મળવાનું, પણ અનુભવ ખૂબ મોટો મળવાનો હતો. મિત્રો એક વાત કહી દઉં કે અનુભવ લેવાની તક જ્યાં પણ અને જ્યારે પણ મળે ત્યારે લઈ લેજો. અનુભવ અને ઓળખાણથી જીવનના અનેક રસ્તા ખૂલતા હોય છે.

આ જ સમયગાળામાં મને ‘દેવકી’ નાટકની ઑફર પણ આવી. નાટક પ્રવીણ જોષી થિયેટરના નેજા હેઠળ બનવાનું હતું અને પદ્‍મશ્રી સરિતા જોષી એનાં નિર્માતા અને લીડ ઍક્ટ્રેસ હતાં તો સાથે અજિત વાચ્છાની અને સિદ્ધાર્થ રાંદેરિયા પણ એકેક રોલ કરતા હતા. જો હું ભૂલતો ન હોઉં તો એ ‘દેવકી’ના લેખક અનિલ મહેતા હતા અને દિગ્દર્શક હતા સિદ્ધાર્થ રાંદેરિયા. ‘તેરા નામ મેરા નામ’ની સાથોસાથ હું એ નાટકમાં પણ જોડાયો, નાટકમાં મારા બે કૉમેડી સીન હતા. સિદ્ધાર્થના દિગ્દર્શનમાં આ મારું પહેલું નાટક. મને પાકું યાદ છે કે આ નાટકનું રીરાઇટિંગ પણ સિદ્ધાર્થ જ કરતા હતા. મારા બન્ને કૉમેડી સીન સિદ્ધાર્થે બહુ સારા લખ્યા હતા. નાટકની વાર્તા થોડાઘણા અંશે ‘આરાધના’ ફિલ્મને મળતી આવતી હતી. ‘આરાધના’માં શર્મિલા ટાગોરનો જે રોલ હતો એવો જ સરિતાબહેનનો હતો.

‘દેવકી’નાં રિહર્સલ્સ શરૂ થયાં. દિગ્ગજ લોકોની કાર્યશૈલીને ઑબ્ઝર્વ કરવાથી પણ અનેક નવી વાતો શીખવા મળે એનો અનુભવ હું અગાઉ લઈ ચૂક્યો હતો એટલે મારા સીનનું રિહર્સલ્સ ન હોય અને જો હું ફ્રી હોઉં તો રિહર્સલ્સમાં જઈને બેસું અને મૂકપ્રેક્ષક બનીને બધું જોયા કરું. નાટક ઓપન થયું અને ખાસ્સું હિટ પણ થયું. રિહર્સલ્સ ચાલતાં હતાં એ દરમ્યાન ‘તેરા નામ મેરા નામ’નું પ્રી-પ્રોડક્શન ચાલતું હતું અને જેવું નાટક ઓપન થયું કે તરત જ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. મેં અમારા ડિરેક્ટર-પ્રોડ્યુસર રમેશ તલવારને વાત કરી કે મારું નાટક ચાલે છે એટલે જે દિવસે શો હોય ત્યારે મને શૂટિંગમાંથી તમે વહેલી રજા આપજો.

રમેશજી મૂળ તો થિયેટરના માણસ અને જે થિયેટરનો જીવ હોય એ સ્ટેજ સાથે જિંદગીભર લાગણીથી જોડાયેલા રહે. તેમણે તો તરત જ મને હા પાડી દીધી અને કહ્યું કે મને ઍડ્વાન્સમાં કહી દેજે એટલે હું એ મુજબનું પ્લાનિંગ કરી રાખીશ. આમ, મારું પ્રોડક્શન મૅનેજરનું કામ ‘તેરા નામ મેરા નામ’માં ચાલુ રહ્યું અને ઍક્ટર તરીકેનું કામ ‘દેવકી’ નાટકમાં ચાલતું રહ્યું.

અમારી ફિલ્મ નાના બજેટની હતી એટલે પૈસાની બહુ ખેંચતાણ રહેતી. અગાઉ મેં આ પ્રકારનું નાના બજેટનું કામ કર્યું હતું એટલે એ અનુભવ તો હતો જ અને સાથોસાથ ખાલી ખિસ્સે પણ કેવી રીતે જિંદગી જીવવાની, જરૂરિયાતો પૂરી કરવાની એનો સ્વાનુભવ હતો એ પણ મને કામ લાગ્યો. રમેશજીને મારા પર પૂરેપૂરો ભરોસો હતો.

મારી દૃષ્ટિએ તો નાટક અને ફિલ્મ એમ બન્ને કામ બરાબર ચાલતું હતું, પણ મને હજી પણ યાદ છે કે મારા આ પ્રકારના બન્ને કામના આગ્રહને કારણે સરિતાબહેન બહુ ગુસ્સે થતાં. એમાં બનતું એવું કે હું નાટકના શોમાં સૂઈ જતો. મને ઊંઘ શું કામ આવતી એની વાત કહું તમને.

શૂટિંગનો દિવસ હોય એટલે સવારે પાંચ વાગ્યે જાગી, નાહીધોઈને હું ૭ વાગ્યે તો રમેશજીના ઘરે પહોંચી જાઉં. ત્યાંથી તેમના ગૅરેજમાંથી શૂટિંગનો બધો સામાન ટેમ્પોમાં ભરાવું અને પછી લોકેશન પર આવું. લોકેશન પર પણ બધી વ્યવસ્થા કરવાની. એ બધી વ્યવસ્થા પૂરી કરીને શૂટિંગ ચાલુ કરાવીને હું જ્યાં નાટકનો શો હોય ત્યાં પહોંચું. આ એ સમયની વાત હતી જ્યારે મહિલા મંડળ અને સામાજિક સંસ્થાના સવારના અને બપોરના શો શરૂ થઈ ગયા હતા. મારો સીન પહેલો જ હતો. નાટકની શરૂઆતમાં જ આવે અને એ સીન પછી નાટક ફ્લૅશબૅકમાં જાય અને આખો સેટ બદલાય. ફ્લૅશબૅકમાં બધી ઘટના બને અને વર્તમાન આવે એટલે પાછો મૂળ સેટ આવે ત્યારે મારો બીજો સીન આવે. નાટક જેવું ફ્લૅશબૅકમાં જાય કે તરત જ સેટનો સોફા પાછળની બાજુએ જાય અને એ જેવો પાછળ આવે કે હું ત્યાં જઈને સૂઈ જાઉં. સરિતાબહેન મને જુએ અને બહુ ગુસ્સે થાય કે આમ તે કંઈ નાટકના સેટ પર સુવાતું હશે. એક દિવસ તેઓ બરાબરનાં ગુસ્સે થયાં એટલે મેં જઈને સરિતાબહેનને બધી વાત કરીને સમજાવ્યાં કે હું પરોઢના જાગીને ઘરેથી નીકળી ફિલ્મના પ્રોડક્શન પર જાઉં છું અને ત્યાં શૂટિંગ ચાલુ કરાવીને શો પર આવું છું. આમ જ્યાં પણ મને કલાક મળે ત્યાં થોડો આરામ કરી લઉં છું. મારી આ વાત સાંભળીને સરિતાબહેન ખુશ થયાં અને તેમણે મને હસતાં-હસતાં અનુમતિ આપી દીધી.

ફિલ્મના શૂટિંગ દરમ્યાન અજિત પાલ સાથે બહુ સારી મિત્રતા થઈ. દીપક તિજોરી સાથે પણ થોડોઘણો ઘરોબો બંધાયો. ફિલ્મ બહુ નાના બજેટની હતી એટલે રોજેરોજ મારે એનએફડીસીમાં ધક્કા ખાવા પડતા, કારણ કે ફન્ડિંગ એનએફડીસીનું હતું, પણ મને વાંધો નહોતો. કામ હતું, મને દુનિયાદારી પણ શીખવતું હતું અને જીવન જીવવાની નવી રીતભાત પણ.

પનવેલના પાદરેથીઃ વહેલા પહોંચવાનો લાભ એ કે પનવેલમાં અમને બેસ્ટ આઇટમ પીરસતી મિશ્રા ભેળપૂરી હાઉસનો રસાસ્વાદ કરવા મળ્યો.

ફૂડ ટિપ્સ

મિત્રો, ગુજરાતની ટૂર પતાવીને અમે મુંબઈ આવ્યા અને બીજા જ દિવસે પનવેલમાં ક્રાન્તિવીર વાસુદેવ બળવંત ફડકે હૉલમાં અમારા નાટક ‘બૈરાંઓનો બાહુબલી’નો શો હતો. બે એસયુવી ગાડીમાં બધા કલાકારોને લઈને પહોંચી ગયો. પનવેલ ૫૦ કિલોમીટર જ દૂર છે, પણ ટ્રાફિકને લીધે પહોંચતાં વાર લાગે છે. પાંચ વાગ્યે અમે નીકળ્યા હતા. અમારી ગાડી પહેલાં પહોંચી ગઈ એટલે મને થયું કે ચાલો, થોડા નાસ્તાની વ્યવસ્થા કરીએ. મારો પ્રોડક્શનનો માણસ જતો હતો એટલે રોકીને મેં કહ્યું કે હું પણ આવું સાથે.

પનવેલમાં તળાવ છે અને એની બાજુમાં મોટી દરગાહ છે. પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે આ તળાવની સામે બે-ત્રણ રેસ્ટોરાં છે. અમે તો પહોંચ્યા ત્યાં. અહીં એક ખૂમચા જેવી રેસ્ટોરાં હતી, નામ એનું ‘મિશ્રા ભેળપૂરી હાઉસ.’ પનવેલ આમ તો મહારાષ્ટ્રિયન લોકોનો વિસ્તાર એટલે ત્યાં વડાપાંઉ, મિસળ-ઉસળ વધારે મળે, પણ અહીં ભેળપૂરી અને દહીંપૂરીની પ્રૉપર દુકાન હોય એવું તો મેં ધાર્યું જ નહોતું. અંદર ગયો તો મને અંદર ઘૂસવાની જગ્યા ન મળી એટલા લોકો ત્યાં હતા અને બધાના હાથમાં પ્લેટ. મને થયું કે અહીં તો ખાવું જ જોઈએ અને પછી ભેળપૂરી, પાણીપૂરી, દહીંપૂરી, સેવપૂરી ખાવાની જે મજા આવી છે, વાત જ મૂકી દો. નસીબજોગે અમે ત્રણ-ચાર જણ સાથે ગયા હતા એટલે બધી આઇટમ ટેસ્ટ કરી શકાઈ. પહેલાં પાણીપૂરી ખાધી, ત્યાર બાદ ભેળ પણ મગાવી, સેવપૂરી અને દહીં-બટાટાપૂરી પણ મગાવી. બટાટાપૂરીમાં જે બટાટા હતા એ લાલ ગ્રેવીમાં મિક્સ કરીને નાખવામાં આવતા. આ જ લાલ બટાટા ભેળમાં પણ નાખવામાં આવે, જેને લીધે ટેસ્ટ વધારે રોચક બનતો હતો. જો પનવેલમાં રહેતા હો કે પછી પનવેલ જવાનું બનતું હોય તો બળવંત ફડકે નાટ્યગૃહથી આગળ જમણી બાજુએ એક તળાવ છે અને મોટી દરગાહ છે ત્યાં જ આ મિશ્રા ભેળપૂરી હાઉસ છે. પનવેલના કોઈ લોકલને પૂછશો તો પણ દેખાડે એટલું પૉપ્યુલર છે આ ભેળપૂરી હાઉસ.

અચૂક, ભૂલ્યા વિના ત્યાં જજો.

જોકસમ્રાટ

શોધ સમાચારઃ

પરણેલા પુરુષનું પેટ વધવાનું કારણ.

ઑફિસની બહેનપણી સાથે કરેલા ભરપેટ નાસ્તા પછી ઘરે પત્નીની બીકમાં ફરીથી ખાવું...

Sanjay Goradia columnists