કચ્છના લોકવ્યવહારમાંથી ભૂંસાતો શબ્દ બાઈ

11 February, 2020 01:32 PM IST  |  Kutch | Mavji Maheshwari

કચ્છના લોકવ્યવહારમાંથી ભૂંસાતો શબ્દ બાઈ

ફાઈલ ફોટો

દરેક પ્રદેશની વ્યાવહારિક બોલચાલની એક છટા હોય છે. સામાજિક સંબંધોમાં વપરાતા શબ્દો ચોક્ક્સ અર્થ ધરાવતા હોય છે. કચ્છમાં હાલ સ્ત્રીઓના નામની પાછળ બેન બોલાય છે અને લખાય છે. એક સમયે સ્ત્રીઓનાં નામ પાછળ બાઈ શબ્દ લગાડાતો. અમુક જ્ઞાતિઓમાં મા (મધર) માટે બાઈ શબ્દ વપરાતો અને હજુય અમુક જ્ઞાતિઓમાં વપરાય છે. વર્તમાન સમયના કચ્છમાં બાઈ શબ્દનો ઉપયોગ સીમિત થઈ રહ્યો છે. કચ્છમાં હવે બાઈ શબ્દ અમુક જ્ઞાતિઓના વ્યવહારમાં બોલાય છે, જે મોટાભાગે દીકરી માટે વપરાય છે. બાઈ શબ્દનાં મૂળિયાં અનેક ભાષાઓમાં પથરાયેલાં પડ્યાં છે, ત્યારે ભારતના છેડે આવેલા આ પ્રદેશના લોકજીવનમાં બાઈ શબ્દ ક્યાંથી આવ્યો એ જાણવું પણ રસપ્રદ છે.

ગુજરાતી ભાષાના કવિ વિનોદ જોશીનું એક જાણીતું ગીત છે - ‘ કૂંચી આપો બાઈજી.’ અહીં બાઈજી શબ્દ સાસુ માટે વપરાયો છે. સૌરાષ્ટ્રની અમુક વિસ્તારોની કેટલીક જ્ઞાતિઓમાં આજે પણ સ્ત્રીઓ પોતાની સાસુ માટે બાઈજી શબ્દ વાપરે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકજીવનનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવે તો કેટલુંક સામ્ય જોવા મળે છે. એટલે જ કચ્છ-કાઠિયાવાડ અથવા કચ્છ-સૌરાષ્ટ્ર એવું બોલાતું રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકવ્યવહારમાં એક શબ્દ જોવા મળે છે તે છે બાઈ. બાઈ શબ્દ બેય પ્રદેશોમાં વિવિધ અર્થોમાં વપરાય છે. લોકવ્યવહારનો આ શબ્દ અત્યાર સુધી સ્ત્રીઓનાં નામ પાછળ લગાડવામાં આવતો હતો જે હવે લગાડવામાં આવતો નથી, પરંતુ વ્યવહારમાં સબળ રીતે જીવિત છે. કચ્છમાં ખાસ કરીને કચ્છીભાષી વિસ્તાર એટલે પશ્ચિમ અને મધ્ય કચ્છમાં આજે પણ અમુક જ્ઞાતિઓ દીકરી માટે બાઈ શબ્દ વાપરે છે. દીકરીને તેઓ વહાલથી બાંઈયાં પણ કહે છે. જૂના સમયમાં ભાઈઓની એકની એક બહેન અથવા પહેલી દીકરી માટે હુલામણું નામ બાંઈયાં પાડવામાં આવતું હતું. જે ભાવ બેન શબ્દમાં રહેલો છે તે જ ભાવ બાઈ શબ્દમાં છે. કચ્છના દસા ઓસવાળ, વીસા ઓસવાળ, હિન્દુ સંઘાર જેવી જ્ઞાતિઓમાં બાઈ શબ્દ મા તારીકે વપરાતો. એ જ્ઞાતિઓમાં મા-બાપ માટે અધા અને બાઈ શબ્દ વપરાતો. હજુય આ ચલણ છે. જૂની પેઢીની વ્યક્તિઓ પોતાની માને હજુ પણ બાઈ તરીકે સંબોધે છે. એવું કચ્છના લોહાણા અને ભાટિયા જ્ઞાતિમાં પણ હતું. માંડવી વિસ્તારના રાજગોર સમાજમાં પણ માને બાઈ કહેવાનું ચલણ છે અને તુંબેલ ગઢવીઓમાં પણ એ સંબોધન વપરાય છે. કચ્છની કેટલીક જ્ઞાતિઓ મા-બાપ માટે મા અને બાપા શબ્દનો ઉપયોગ કરે છે જ્યારે કેટલીક જ્ઞાતિઓ અધા-બાઈ શબ્દ વાપરે છે. અધા-બાઈ શબ્દનો ઉપયોગ કરનાર મોટાભાગની જ્ઞાતિઓ કચ્છીભાષી છે. સૌરાષ્ટ્રમાં અધા શબ્દ છે જે મોટાભાગે વૃદ્ધ પુરુષ અથવા દાદાના અર્થમાં વપરાય છે, જ્યારે કચ્છમાં અધા શબ્દ ફક્ત બાપુજી (પિતા) માટે જ વપરાય છે.

એ જાણવું પણ જરૂરી બને છે કે બાઈ શબ્દ આવ્યો ક્યાંથી અને સ્ત્રીના નામ સાથે શા માટે જોડાયો? અહીં એ વાતની નોંધ લેવી ઘટે કે રામાયણ, મહાભારત અને એ કાળના કોઈ ગ્રંથોમાં મહિલા પાત્રના નામ પાછળ બાઈ શબ્દ જોવા મળતો નથી. તે પછી રચાયેલા સંસ્કૃત સાહિત્યમાં અને અન્ય ભાષાઓની રચનામાં પણ બાઈ શબ્દ દેખાતો નથી, પરંતુ મધ્યકાલિન સાહિત્યમાં મીરાંબાઈ શબ્દ જોવા મળ્યો. આનો અર્થ એવો પણ કરી શકાય કે બાઈ શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ નથી. આ શબ્દ અન્ય ઉચ્ચાર સાથે ઉર્દૂ અથવા ફારસી ભાષામાંથી આવ્યો હોઈ શકે. ટર્કી ભાષામાં બાજી શબ્દ છે, જે અજાણી મહિલાને માનપૂર્વક બોલાવવી હોય ત્યારે વપરાય છે. જેમ કે અંગ્રેજીમાં મેડમ શબ્દ વપરાય છે. રાજસ્થાનમાં બાસાં અથવા બાઈસાં શબ્દ વપરાય છે. ગુજરાતી ભાષામાં બાઈ શબ્દ મરાઠી ભાષામાંથી આવ્યાની પૂરતી શક્યતાઓ છે. ગુજરાતમાં મરાઠી શાસન પછી આ શબ્દ પ્રચલિત થયો હોવો જોઈએ. મહારાષ્ટ્રમાં મહિલા શિક્ષિકાને આદર આપવા માટે બાઈ શબ્દ વપરાતો હતો.

પાંચથી છ દાયકા પૂર્વેના કચ્છમાં મોટાભાગનાં સ્ત્રી નામો પાછળ બાઈ શબ્દ જોડવામાં આવતો. આજે પણ મુસ્લિમ, દલિત, કોળી જેવી જ્ઞાતિઓમાં નામની પાછળ બાઈ શબ્દ લગાડાય છે. જોકે છેલ્લા બે દાયકામાં જન્મેલી છોકરીઓમાં અશિક્ષિતની સંખ્યા બહુ અલ્પ માત્રામાં છે. તેમનાં નામ પણ આધુનિક અથવા ગુજરાતી ભાષામાં વપરાતાં હોય તેવાં પાડવામાં આવે છે. અહીં નવાઈની વાત એ પણ છે કે પાંચેક દાયકા પહેલાં જન્મેલી છોકરીના નામ તે સમયે આધુનિક હતાં તોય નામની પાછળ બાઈ શબ્દ લગાડાતો. જેમકે વનિતાબાઈ, સરલાબાઈ, જયાબાઈ, મનીષાબાઈ. કચ્છની એ બાબત નોંધનીય છે કે ક્ષત્રિય જ્ઞાતિઓમાં સ્ત્રીઓનાં નામની પાછળ બાઈ શબ્દ લગાડવાનું ચલણ જોવા મળ્યું નથી. કચ્છની દરબાર જ્ઞાતિની સ્ત્રીની પાછળ આદરસૂચક એવો બા શબ્દ લગાડવામાં આવે છે. જેમકે દક્ષાબા, હીનાબા, કુન્દનબા વગેરે. ઉપરાંત કચ્છની ક્ષત્રિય જ્ઞાતિમાં અધા-બાઈ કે મા-બાપ શબ્દ પણ વપરાયો નથી. એ જ્ઞાતિઓમાં બા અને બાપુ શબ્દ વપરાયો છે. મધ્ય કચ્છના ગુજરાતીભાષી લેઉવા પટેલ જ્ઞાતિમાં સ્ત્રીઓનાં નામની પાછળ બાઈ શબ્દ જોડાતો હતો, જે હવે લગભગ જોવા મળતો નથી. કચ્છની મોટાભાગની હિન્દુ અને મુસ્લિમ શ્રમિક જ્ઞાતિઓમાં સ્ત્રીઓનાં નામની પાછળ બાઈ શબ્દ જોડાતો હતો. જેમાં ભાણબાઈ, કાનબાઈ, ગંગાબાઈ, સોનબાઈ, કેશરબાઈ, ખેતબાઈ, નેણબાઈ, લાલબાઈ, લખમીબાઈ, હીરબાઈ, તો મુસ્લિમોમાં એમણાબાઈ, જીલુબાઈ, હલીમાબાઈ, શરીફાબાઈ, હૂરબાઈ, નૂરબાઈ જેવાં નામ વ્યાપક જોવા મળતાં હતાં. હવે કચ્છના મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓનાં નામ પાછળ બાનુ શબ્દ જોડવાનું ચલણ દેખાય છે, ઉપરાંત અરબી શબ્દોનાં નામ પાડવામાં આવી રહ્યા છે. અન્ય શ્રમિક જ્ઞાતિમાં આધુનિક નામ પાડવામાં આવે છે, જેની પાછળ બાઈ શબ્દ લગાડાતો નથી.

બાઈ શબ્દ માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ ઉત્તર ભારત તેમ જ  બંગાળમાં પણ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં જીજાબાઈ, મીઠીબાઈ. મધ્યપ્રદેશમાં અહલ્યાબાઈ, લક્ષ્મીબાઈ. રાજસ્થાનમાં જોધાબાઈ, મીરાંબાઈ. ઉત્તર પ્રદેશમાં ઝલકારીબાઈ, બંગાળમાં ગંગુબાઈ જેવાં નામ નજીકના ઇતિહાસમાં નોંધાયેલા છે. ગાંધીજીના માતાનું નામ પૂતળીબાઈ હતું.  કચ્છના વીસા ઓસવાળના જૈન સાધ્વીજીઓના નામ પાછળ પણ બાઈ શબ્દ લગાડવામાં આવતો હતો. હવે દીક્ષા લેનાર સાધ્વીજીનાં નામ પાછળ જી લગાડવામાં આવે છે. ગુજરાતમાં વસેલી પારસી પ્રજામાં મહિલાઓનાં નામ પાછળ બાઈ શબ્દ લગાડાતો. જેતપુરમાં કમરીબાઈ હાઈ સ્કૂલ છે. આદરબાઈ સોરાબજી હાઈ સ્કૂલ પણ સૌરાષ્ટ્રમાં છે. મુંબઈમાં શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી (SNDT) યુનિવર્સિટી છે, તો મીઠીબાઈ નામે વિલે પાર્લેમાં કૉલેજ છે. કચ્છના ભુજમાં ઇન્દ્રાબાઈ અને અંજારમાં કંકુબાઈ શેઠિયા ગર્લ્સ હાઈ સ્કૂલ છે. ભોજાયમાં પાનબાઈ નાગડા નામે મોટું આરોગ્ય સંકુલ છે. આના પરથી એટલું સમજી શકાય છે કે બાઈ શબ્દ પદ અથવા  મોભો સૂચવતો શબ્દ હતો. સામાજિક જીવનમાં સાસુ, સૌથી મોટી જેઠાણીને એટલે જ બાઈ કહેવામાં આવ્યું હશે. ઉપરાંત માને બાઈ કહેવાનું કારણ પણ આદર અને મોભો દર્શાવવાનું હશે. જોકે ભારતમાં લાંબો સમય રહેનાર ખ્રિસ્તી મહિલાઓનાં નામોમાં બાઈ શબ્દ જોવા મળતો નથી. ભાગલા પહેલાંના ભારતમાં વિવિધ ભાષાઓના શબ્દની ભેળસેળ અજબ રીતે થયેલી છે. મધ્યયુગ પછી મોટાભાગની એશિયાઈ પ્રજાઓ ભારતમાં આવીને વસી હતી. એટલે કોઈ દેશ્ય શબ્દનું મૂળ શોધવું મુશ્કેલ કાર્ય છે. એમ છતાં એટલું જરૂર કહી શકાય કે બાઈ શબ્દ દેશ્ય એટલે કે લોકબોલીમાંથી ઊતરી આવેલો શબ્દ ગણી શકાય.

mavji maheshwari columnists kutch