નમસ્તે ટ્રમ્પઃ મહાસત્તા સાથે ભાઈબંધી હોવી એ પણ ગર્વનો વિષય છે

25 February, 2020 04:06 PM IST  |  Mumbai | Manoj Joshi

નમસ્તે ટ્રમ્પઃ મહાસત્તા સાથે ભાઈબંધી હોવી એ પણ ગર્વનો વિષય છે

મોદી અને ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ અત્યારે ઇન્ડિયામાં છે અને આવતી કાલે એ રવાના થશે. ટ્રમ્પ પોતે એવું કહી ચૂક્યા છે કે એ અત્યારે વેકેશન પર છે. આ થઈ પહેલી વાત અને બીજી વાત, ટ્રમ્પ દેશમાં સૌથી પહેલાં અમદાવાદ જાય છે અને અમદાવાદમાં રોકાઈને તે આગ્રા થઈ દિલ્હી આવે છે. આ બન્ને વાતો પણ મહત્ત્વની છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જગતના જમાદાર તરીકે ઓળખાતા અમેરિકાના પ્રેસિડન્ટ તમારા દેશમાં આવ્યા છે અને એ પણ વેકેશન કરવા માટે આવ્યા છે.

ઘણાં આ વાતને પણ મજાક તરીકે લે છે અને ટ્રમ્પ-મોદી કે ભારત-અમેરિકાની મશ્કરી કરતાં જૉક બનાવી રહ્યા છે, પણ મારું કહેવું એ છે કે વિદેશ મંત્રાલયની આ જીત છે. અમેરિકા તમારું મિત્ર હોય, મહાસત્તા સાથે તમારી ભાઈબંધી હોય એ ગર્વનો વિષય છે. આ ગર્વનો લાભ ક્યારે અને કેવી રીતે મળી શકશે એ વિચાર અત્યારે નથી કરવાનો. એવું નથી કે અમેરિકાના કોઈ રાજનેતા કે પ્રેસિડન્ટ અગાઉ ક્યારેય ઇન્ડિયા ન આવ્યા હોય, પણ અત્યારના તબક્કે તેનું ઇન્ડિયા આવવું એ નાનીસૂની ઘટના નથી જ નથી. મહાસત્તા પોતાનું દરેક ડગલું પાંચસો વખત વિચારીને માંડતું હોય છે. અમિતાભ બચ્ચન એ જ ઘરે જાય જે ઘર તેના આગમનને લાયક હોય. આ સહજ વાત છે. શાહરુખ ખાન દરેકના ઘરે જતો તમને જોવા નથી મળતો. સલમાન ખાન પણ તમને ક્યાંય સાવ સામાન્ય રીતે ફરતો પણ નથી દેખાતો અને સચિન તેંડુલકર પણ એની મિત્રતાની લાયકાત ધરાવતાં હોય એને જ ત્યાં જઈને બેસે છે.

ટ્રમ્પનું આવવું એ પાકિસ્તાનને એક પ્રકારની ચેતવણી છે. અત્યારે જો આખી દુનિયામાં સૌથી વધારે બ્લડપ્રેશર કોઈનું વધારે હોય તો એ પાકિસ્તાન અને ઇમરાન ખાન હશે. જગત આગળ વધતા લોકો સાથે, સંસ્થા સાથે કે પછી દેશ સાથે વ્યવહાર રાખવાનું પસંદ કરે. ડૂબતાંની બાજુમાં કોઈ જઈને બેસતું નથી અને કહેતું નથી કે ચાલો ભાઈ, સાથે ડૂબીએ.

ટ્રમ્પની આ જે વિઝિટ છે એ પાકિસ્તાનની ખુલ્લી આંખોને આંજવાનું કામ કરનારી છે. હવે આગળ જે કોઈ પગલાં લેવાશે, વિકાસનાં કામોમાં ભાગીદાર થશે કે પછી એકબીજાના સહારે જે કંઈ નવું મેળવવાનો પ્રયાસ થશે એ પાકિસ્તાનની અંજાયેલી આંખોને બાળવાનું કામ કરશે. જગત પણ આ જ સમજે છે અને અન્ય વિદેશી તાકાત પણ આ જ વાત કબૂલે છે. ભારત અને પાકિસ્તાન હંમેશાં પોતાનું પીઠબળ મજબૂત કરતું રહ્યું છે. અમેરિકા જ્યારે પાકિસ્તાન પક્ષે ગયું ત્યારે ભારતે રશિયાનો સાથ લીધો હતો. એ સમયે જો અમેરિકાએ સાચી પસંદગી કરી હોત તો ચોક્કસપણે એનો લાભ અમેરિકાને પણ થયો હોત, પણ ના, અમેરિકાને ત્યારે તિજોરી ભરવામાં રસ હતો અને પાકિસ્તાનને ઉધારીમાં મળનારા હથિયારોમાં રસ હતો. બન્નેને પોતપોતાનો સ્વાર્થ સ્પષ્ટ દેખાતો હતો અને એટલે જ બન્નેએ હાથ મેળવેલા રાખ્યા, પણ હવે અમેરિકા સમજી ગયું છે. વર્ષોના વહાણાં પછી હવે અમેરિકાને સમજાઈ ગયું છે કે ખોટી વ્યક્તિ સાથેની દોસ્તી કરતાં તો બહેતર છે કે સાચી વ્યક્તિ સાથેની ઓળખાણને અકબંધ રાખવી.

donald trump narendra modi columnists gujarat