કચ્છીઓ અને કરાચી : હિંગળાજમાતા અને માતંગદેવ

11 February, 2020 02:24 PM IST  |  Kutch | Vasant Maru

કચ્છીઓ અને કરાચી : હિંગળાજમાતા અને માતંગદેવ

મુંબઈ પોલીસ માટે પ્રોફેશનલ હૅકર્સ તરીકે કામ કરતી ૨૦-૨૨ વર્ષની કચ્છી છોકરીને અદ્ભુત અભિનય એકાંકી સ્પર્ધામાં મારી આંખમાં આંસુ આવી ગયેલાં! આંસુ આવી જાય એવા વિષયનું નાટક હતું. પાકિસ્તાનમાં વસતું એક કુટુંબ, ત્યાંની સંકુચિત માનસને ઉજાગર કરતા નાટકે મને વિચાર કરતો કરી દીધો અને રચાયો આ લેખ. 

ક્રિષ્નભાઈના પરદાદાઓ કચ્છથી કરાચી વર્ષો પહેલાં સ્થળાંતર કરી ગયા હતા. ક્રિષ્નભાઈના પિતાની કરાચીમાં ચાની હોટેલ હતી. કરાચીમાં વસતા હજારો હિન્દુઓ વચ્ચે જીવન સરસ રીતે વીતતું હતું. આઝાદી માટે અંગ્રેજો સામે સંઘર્ષ ત્યાં ચાલતો હતો, પણ કાળનું ચક્ર ઊંધું ફર્યું અને ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા. પાકિસ્તાનમાં વસતા હિન્દુઓની કત્લેઆમ થઈ. જૈન મુનિઓ, હિન્દુ પંડિતો, સ્ત્રીઓ અને બાળકો પર ક્રૂર અત્યાચાર થયા. હિન્દુઓની માલમિલકત સળગાવી દેવાઈ. આતંકનું વાતાવરણ પ્રસરી ગયું પરિણામે સિંધમાં વસ્તા સિંધીઓ પહેરેલે કપડે કચ્છમાં આવીને શરણાર્થી બન્યા. બ્રાહ્મણ, મહેશ્વરી, મેમણ, લોહાણા ઇત્યાદિ જ્ઞાતિના લોકો પાકિસ્તાનથી ભારત શરણાર્થી તરીકે આવ્યા. આતંકી વાતાવરણમાં પણ સિંધ અને કરાચીની જમીન સાથે જોડાયેલા ઘણા લોકો પાકિસ્તાનમાં જ રહી ગયા, કારણ કે મહેશ્વરીના આરાધ્યદેવ માતંગદેવ અને ઓસવાળ, ભાનુશાલી ઇત્યાદિનાં કુળદેવી હિંગળાજમાતાનું મુખ્ય સ્થાન પાકિસ્તાનમાં હતું!

અંદાજે ૧૫-૨૦ વર્ષ પહેલાં પાકિસ્તાનમાં ફેલાયેલી અરાજકતા અને દૂરવ્યવહારથી દુભાઈને ક્રિષ્નભાઈ મહેશ્વરી કાયમી ધોરણે ભારત આવી ગાંધીધામ ખાતે સ્થાયી થયા. કરાચીના તેજસ્વી સાહિત્યકાર ક્રિષ્નકુમાર જેવા જ કરાચીના તેજસ્વી કચ્છી પત્રકાર સ્વ. આદમ સુમરા ત્યાંના પ્રખ્યાત અખબાર ‘ડૉન’ સાથે જોડાયેલા હતા. તેમણે કચ્છી નાટકો,  કચ્છી વાર્તાઓ દ્વારા કચ્છી ભાષાને કરાચીમાં જીવંત રાખવા પુરુષાર્થ કર્યો હતો. પાકિસ્તાનમાં સારી સંખ્યામાં કચ્છી મેમણોની વસ્તી છે. પાકિસ્તાન નૅશનલ ઍસેમ્બલીમાં પ્રથમ વાર મહિલા સ્પીકર તરીકે જેમની વરણી થઈ હતી એ ફામીદા મિર્ઝા કચ્છી છે તો અબ્દુલ કાદિર પટેલ પણ પાકિસ્તાન નૅશનલ ઍસેમ્બલીમાં સ્પીકર રહી ચૂક્યા છે. પાકિસ્તાનના જાણીતા બૉક્સર હુસેન શાહ પણ કચ્છી છે. હાલમાં કચ્છી મેમણ પાકિસ્તાન ઉપરાંત આફ્રિકા, ઇંગ્લૅન્ડ, અમેરિકા ઇત્યાદિમાં પણ વસેલા છે. મુંબઈમાં નળબજાર વિસ્તારમાં અલી ઉમર સ્ટ્રીટમાં પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા અસંખ્ય કચ્છી મેમણ કુટુંબો રહે છે.

મેમણભાઈઓની આ વાત લખતી વખતે એક આડવાત લખવાનું રોકી નથી શકતો. અબ્દુલ સત્તાર ઈદી નામના સેવાભાવી મેમણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં સૌથી વધુ અઢારસો ફ્રી ઍમ્બ્યુલન્સ નેટવર્ક ધરાવતું ઈદી ફાઉન્ડેશન પાકિસ્તાનમાં નિરાધાર ગરીબો અને બાળકોને આશ્રય આપવાનું પ્રચંડ કાર્ય કરે છે. ‘સૌથી શ્રીમંત ગરીબ’ તરીકે પ્રખ્યાત અબ્દુલ સત્તાર ઈદીનું અવસાન ૨૦૧૬માં થયું ત્યારે મૅગ્સેસે અવૉર્ડ, લેનિન પીપલ પ્રાઇઝ તેમના નામે અંકિત થઈ ચૂક્યા હતા. એજ રીતે કચ્છના મોટીખાખર નામના નાનકડા ગામમાં કુંભારના ઘરે જન્મેલા રમજાનભાઈ હસણિયા નામના મુસ્લિમ બિરાદર જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કરી પંડિતાઈ મેળવી છે. આ યુવાન રમજાનભાઈના જૈન વ્યાખ્યાન સાંભળી લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.

મહેશ્વરી જ્ઞાતિના આરાધ્યદેવ માતંગદેવ, લુણંગદેવના, માતઈદેવ, મામઈદેવ મૂળ સ્થાનો પાકિસ્તાનમાં છે. તેમના પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાને કારણે ઘણાં મહેશ્વરી કુટુંબો પાકિસ્તાનમાં ટકી રહ્યાં છે.

શિવજીના દસમા અવતાર મનાતા, મહેશધર્મની સ્થાપના કરનાર માતંગદેવનો જન્મ આઠમા સૈકામાં પાટલીપુત્ર (પટણા) પાસે ગંગા નદીના કિનારે થયો હતો. એ યુગમાં વર્ણભેદ ચરમસીમા પર હતો. ઊંચ-નીચના ભેદ મટાવવા માતંગદેવે જબરા પ્રયત્નો કર્યા હતા. ઋષિપુત્ર માતંગદેવે વંચિત મેઘવાળોને ન્યાય અપાવવા, જીવનધોરણ સુધારવા કાર્યો કર્યાં હતાં. તેમના પુત્ર લુણંગદેવ ગણેશના અવતાર મનાય છે. લુણંગદેવના પૌત્ર મામઈદેવે અદ્ભુત આગમવાણી (ભવિષ્યવાણી) કરી છે.

મામઈદેવે કચ્છીમાં કરેલી આગમવાણી સચોટ અને અક્ષરેઅક્ષર સાચી પડી છે. કચ્છી ભાષામાં રચાયેલી તેમની રચનાઓમાં આજથી સૈકાઓ પહેલાં તેમણે ભવિષ્યના સંકેતો આપ્યા હતા. એ વૈજ્ઞાનિક યુગ નહોતો, છતાં જાણે વિજ્ઞાનની જબરી જાણકારી હોય એમ તેમણે લખ્યું છે કે અગનગોળો ફાટશે ત્યારે લાખો લોકો મૃત્યુ પામશે, જીવતા રહેલા રીબાશે (અણુબૉમ્બ અંગેનો આ ઇશારો હતો), આકાશમાં ઊડતાં ધાતુનાં વાહન (વિમાન), વીજળી, અગ્નિરથ (રેલવે)ની પણ આગમવાણીમાં સંકેત આપ્યા હતા.

અંદાજે ૧૫મી સદીમાં યુરોપના માઇકલ નાૅસ્ત્રેદમેસ નામના ભવિષ્યવેતાએ કરેલી ઘણી આગાહીઓ સાચી પડી હતી, પરંતુ નૉસ્ત્રેદમેસથી પણ પહેલાં થઈ ગયેલા મામઈદેવે નૉસ્ત્રેદમેસથી પણ સચોટ આગાહીઓ કરી છે. હિન્દ પર યવનો (મુસ્લિમો) આક્રમણ કરશે અને યવનોના રાજ્યની શરૂઆત થશે. યવનો ઘણાં મંદિરોનો નાશ કરશે. ધર્મપરિવર્તનો કરાવશે, પરંતુ ૧૭મી સદીમાં ફિરંગીઓ દરિયાઈ માર્ગે વેપાર કરવા આવશે અને પાછળથી હિન્દુસ્તાનને ગુલામ બનાવશે. વખત જતાં એક સંત (ગાંધીજી) આવશે અને આર્યાવતને મુક્તિ અપાવશે, પણ આર્યાવતના બે ટુકડા થશે (ભારત-પાકિસ્તાન). એકવીસમી સદીમાં સૂર્યનો તાપ વધી જશે, રોગો વધશે. કલયુગમાં એક જ રાજ્યમાં બે સત્તા હશે (કેન્દ્ર અને રાજ્ય સરકાર). આવી તો કેટલીયે આગાહીઓ સાચી પડતી જોઈ. મામઈદેવના પ્રતાપનો પરચો જગતે અનુભવ્યો છે. મામઈદેવની ભવિષ્યવાણી મુજબ ૨૦૬૩ આર્યાવત (ભારત) મહાસત્તા બનશે. મામઈદેવની આ વાણી કાવ્યરૂપે પેઢીઓની પેઢીઓથી બોલાય છે, એ સચવાઈ રહી એ પણ એક ચમત્કાર છેને? મહેશ્વરી સમાજના આ પરમશ્રદ્ધેય ચારે દેવોનું મુખ્ય મથક આજના પાકિસ્તાનમાં છે.

આઝાદી પહેલાં કચ્છના માંડવી બંદરથી કરાચી સુધીના દરિયાઈ માર્ગથી પ્રવાસીઓની છૂટથી આવ-જા થતી. વહાણમાં ભરીને માલ, ક્યારેક જાનૈયાઓ જાન લઈને કરાચી જતા, ક્યારેક મૃત્યુ પ્રસંગો કે ધાર્મિક પ્રસંગો માટે પણ વહાણમાં બેસી કરાચી જતા. માલસામાનની સાથે સંસ્કૃતિ અને સાહિત્યનું સહજતાથી આદાન-પ્રદાન થતું, પણ કાળની થપાટ લાગી અને બન્ને વિસ્તારો અલગ-અલગ દેશમાં ગયા. પહેલાં અસંખ્ય દેરાસરો પંજાબ અને સિંધ પ્રાંતમાં હતાં, પણ હવે માત્ર છ જ દેરાસર બચ્યાં છે. બાકી બધાં દેરાસરોની મૂર્તિઓ ખંડિત કરી દેવાઈ છે. દેરાસરની અંદર લોકો ક્યાંક ઘર બનાવીને રહે છે, ક્યાંક મદ્રેસા બનાવી દેવાઈ છે. આઝાદી વખતે પાકિસ્તાનમાં હજારો હિન્દુ મંદિર હતાં, પણ હવે માત્ર વીસેક મંદિરો સલામત છે. એમાં કરાચી મ્યુનિસિપલ કૉર્પોરેશનની પાછળ આવેલું સ્વામિનારાયણ મંદિર હજી પણ ઠાઠપૂર્વક ઊભું છે.

ભાનુશાલી અટકધારી પ્રખ્યાત કચ્છીઓમાં કૉમન ફૅક્ટર છે તેમનાં કુળદેવીમા હિંગળાજમાતા.

આ મા હિંગળાજમાતાનું શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છે. મા હિંગળાજમાતાને માનતા કચ્છીઓ લગ્નની પહેલી કંકોતરી હિંગળાજમાતાને લખે છે. મુલુંડના દર્શન હેમાણી હિંગળાજમાને શ્રદ્ધાપૂર્વક પૂજે છે. દર્શન હેમાણી આક્રોશ વ્યક્ત કરતાં કહે છે કે ‘હિંગળાજમાતા અમારી મા છે અને દીકરાને માથી અલગ કરી દેનાર પાકિસ્તાનને મા ચોક્કસ પરચો બતાવશે અને બલુચિસ્તાન ચોક્કસ સ્વતંત્રતા મેળવશે (પાકિસ્તાનથી અલગ થશે) ત્યારે મા-દીકરાને મળતાં કોઈ નહીં રોકી શકે.’ દર્શનભાઈની વેદના નીતરતી વાત અસંખ્ય ભક્તોને લાગુ પડે છે, કારણ કે શ્રદ્ધાને કોઈ સરહદો નથી નડતી! હિંગળાજમાતાને કેન્દ્રમાં રાખી તેલુગુમાં તાપસી પન્નુ અને ગોપીચંદ અભિનિત ફિલ્મ બની છે, તો બંગાળીમાં ‘મારુતીરથી હિંગળાજ’ નામની ફિલ્મ દિગ્દર્શક બિકાસ રૉયે બનાવી છે. સંત મેકણદાદા મા હિંગળાજ માતાના પરમ ભક્ત હતા. મેકણદાદા ફિલ્મમાં (ગુજરાતીમાં) મા આશાપુરા અને મા હિંગળાજ માતાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. ગંગર, ભાનુશાલી, કાપડી, ક્ષત્રિય, ભાવસાર, કાપડિયા, મેર, ચારણ ઇત્યાદિ માતાના ભક્તો બલુચિસ્તાન જઈ માના શક્તિપીઠ દરબારમાં હાજરી પુરાવવા તરસે છે.

બંગલાદેશ, નેપાલ, પાકિસ્તાન અને ભારતમાં મળીને કુલ ૫૧ શક્તિપીઠ છે. બલુચિસ્તાનની મા હિંગળાજમાતાના શક્તિપીઠમાં ભાગલા પહેલાં લાખો લોકો દર્શને જતાં હતાં. ભગવાન શિવે ભૈરવનું રૂપ ધારણ કરી મૃત્યુને વરેલાં મહાસતીને દુઃખ સાથે અવકાશમાં ફંગોળ્યા. વિષ્ણુદેવે સુદર્શન ચક્રથી સતીના શરીરને છેદી એકાવન ભાગ કર્યા. એ ભાગ જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠ સ્થપાયું. મહાસતીનું મસ્તક જ્યાં પડ્યું હતું એ જગ્યા એટલે મા હિંગળાજમાતાનું શક્તિપીઠ એવી પૌરાણિક માન્યતા છે. ‘મિડ-ડે’ના આબાલ-વૃદ્ધ વાચકોને કચ્છ કરાચી અને મા હિંગળાજમાતા અને માતંગદેવનો આછેરો પરિચય આપી વિરમું છું.

અસ્તુ.

kutch vasant maru columnists