કચ્છીભાષા ક્યારે અસ્ત થવા નહીં દઉં : પદ્મશ્રી નારાયણ જોષી

02 February, 2020 12:41 PM IST  |  Mumbai | Vasant Maru

કચ્છીભાષા ક્યારે અસ્ત થવા નહીં દઉં : પદ્મશ્રી નારાયણ જોષી

પદ્મશ્રી નારાયણ જોષી

શ્રી નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટરીએ બહુ જાણમાં ન આવેલું પણ નક્કર કાર્ય કર્યું છે. દેશના છેવાડાનાં પ્રદેશોમાં કે ગામડાંઓમાં વસતા પણ દેશ અને સમાજ માટે નોંધનીય પ્રદાન કરનાર નાગરિકોને શોધી (કોઈ પણ વગદારની ભલામણ વગર) પદ્મ પુરસ્કાર આપવાની ખુલ્લી પ્રથા શરૂ કરી છે. પરિણામે દેશના છેવાડાના કચ્છ પ્રદેશના નખત્રાણા તાલુકાના સર્જક નારાયણભાઈને પદ્મ પુરસ્કાર મળ્યો છે. કોઈ કચ્છીભાષાના સાહિત્યકારને પદ્મશ્રી મળ્યો હોય એ પ્રથમ ઘટના છે! એટલે જ કચ્છ અને મુંબઈનાં કચ્છીઘરોમાં ખુશીની લહેર આવી છે, કારણ કે કચ્છીલિપિ અસ્ત થઈ ગઈ છે, પણ કચ્છીબોલી હજી વ્યવહારમાં  છે.

દેશની આઝાદીનાં આગમનનાં એંધાણ વર્તાતાં હતાં. ભારત છોડો આંદોલનના પડઘા કચ્છ સુધી પહોંચ્યા હતા એ વાતાવરણમાં કચ્છના નખત્રાણા તાલુકાના વિગોડી ગામમાં જેઠમલજી નામના શિક્ષક પિતાને ત્યાં નારાયણભાઈનો જન્મ થયો. એ જમાનામાં શિક્ષક હોવું એ બહુ મોભાદાર વાત મનાતી. ગામડાંના લોકો ટપાલ વંચાવવા કે ટપાલ લખાવવા કે અન્ય કાયદાકીય લખાણો માટે ગામના માસ્તર પાસે આવે. નાનાં-મોટાં ટંટા-ફિસાદ માટે માસ્તરને વચ્ચે રખાય. ટૂંકમાં માસ્તર કે શિક્ષક ગામડિયાઓ માટે પરમ શ્રદ્ધેય હતા. નારાયણભાઈના શિક્ષક પિતા પણ એવા આદરને પાત્ર હતા. નાનકડા નારાયણ પર શિક્ષક પિતાના સંસ્કારો અંકિત થયા. એ સમયે ગામડાંમાં ટેલિફોન તો હતા નહીં અને ટીવીનું તો આગમન જ નહોતું થયું એટલે ગામનાં બાળકો નદી, પધ્ધર (પાદર) કે વગડામાં કુદરતના ખોળામાં અવનવી રમતો રમતાં. બાળક નારાયણના ભાવજગતમાં પિતા અને એ ગ્રામ્ય સંસ્કૃતિનો પ્રભાવ વર્તાવા લાગ્યો અને તેમના બે અદ્ભુત વાર્તાસંગ્રહ ‘વતન જયું ગાલિયું’ તથા ‘ધિલ જયું ગાલિયું’માં આ ગ્રામ્ય સંસ્કૃતિ ઝીલાયા છે. ૧૯૪૩માં જન્મેલા નારાયણભાઈના પિતા જેઠમલજી જેમ શિક્ષક હતા એમ તેમના પગલે નારાયણભાઈ પણ શિક્ષક બન્યા અને શિક્ષિકા રુક્મિણીબહેન સાથે પ્રભુતાનાં પગલાં પાડ્યાં. આ શિક્ષક દંપતી કચ્છની વિવિધ સ્કૂલોમાં શિક્ષણ આપવાનું કાર્ય કરતાં-કરતાં લોકોનાં જીવન, તેમની રહેણીકરણી, ગ્રામ્યજીવનની મીઠાશ, કચ્છી કહેવતો, તળપદી ભાષા તેમની વાર્તાઓમાં વણાઈ ગઈ. પરિણામે ઉચ્ચ સ્તરની આ વાર્તાઓ અખબારોમાં છપાઈ અને ખૂબ લોકપ્રિય થઈ. વાર્તાઓ પુસ્તકરૂપે છપાઈ અને સાહિત્યરસિકોનાં મનમસ્તક પર છવાઈ ગઈ. જેમ નારાયણભાઈને ૧૯૯૧માં શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ અવૉર્ડ એનાયત થયો એમ કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક અવૉર્ડ, ઉપરાંત ‘ઉત્તમ શિક્ષક’ તરીકેનો રાજ્યપાલના હસ્તે રાજ્ય પારિતોષિક મળ્યા છે જે શિક્ષક તરીકે તેમની તેજસ્વી કારકિર્દી દર્શાવે છે.

એક શિક્ષક જ્યારે સર્જક બને ત્યારે કેટલી ઊંચાઈએ પહોંચે એનો શ્રેષ્ઠ દાખલો નારાયણભાઈ છે. પોતાના ગુરુ સમા ‘દુલેરાય કારાણી સ્મૃતિ ચંદ્રક’ મેળવનાર કેટલાક સદ્ભાગી કહેવાય! ઉપરાંત તેમની કલમના સન્માનરૂપે વનુ પાંધી અવૉર્ડ, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-અમદાવાદ દ્વારા સાહિત્યસર્જક સન્માન, શ્રીમતી તારામતી વસનજી ગાલા સાહિત્ય પુરસ્કાર, ગુરુ ગરિમા અવૉર્ડ મળ્યા છે. તો તેમના વાર્તાસંગ્રહ ‘ધિલ જયું ગાલિયું’ને ગુજરાતી સાહિત્ય ઍકૅડેમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો છે તેમ જ ગુજરાતી સાહિત્ય ઍકૅડેમી દ્વારા ગૌરવ પુરસ્કાર પણ એનાયત થયો છે. કચ્છી પાઠાવલી ભાગ-૧ અને ભાગ-૨ને પણ ગુજરાતી સાહિત્ય ઍકૅડેમી અને કચ્છી સાહિત્ય ઍકૅડેમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યાં છે.

નારાયણભાઈના એક બીજા મોટા કાર્યની નોંધ લેવી રહી. તેમણે ગુજરાત સરકાર દ્વારા કચ્છી સાહિત્ય ઍકૅડેમીની સ્થાપના માટે બહુમૂલ્ય ફાળો આપ્યો છે. કચ્છનાં ૯૯૨ ગામડાંઓમાં વસતાં કચ્છી બાળકો વ્યવહારમાં કચ્છીભાષા બોલતાં હોય છે, પણ સ્કૂલમાં ગુજરાતી ભાષામાં ભણવાનું હોય. બહારના પ્રદેશથી આવેલા શિક્ષકોને કચ્છી ન આવડતું હોય અને કચ્છનાં બાળકોને શુદ્ધ ગુજરાતીમાં ભણવામાં મુશ્કેલી પડતી હોય, પરિણામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સંવાદ (કમ્યુનિકેશન) ભેદ રહેતો. એના ઉપાયરૂપે બહારના પ્રદેશથી આવેલા શિક્ષકો કચ્છી સમજી શકે એ માટે તેમને પ્રાથમિક કચ્છીભાષાનું જ્ઞાન આપવું અનિવાર્ય હતું. નારાયણભાઈએ શિક્ષક અધિકારી પંડિત સાહેબની મદદથી એ સમયના ગુજરાતના શિક્ષણપ્રધાન (પાછળથી મુખ્ય પ્રધાન) આનંદીબહેન પટેલ પાસે રજૂઆત કરી અને કચ્છમાં ભણાવતા શિક્ષકોને કચ્છીભાષાના પ્રાથમિક જ્ઞાનની તાલીમ સરકારી રાહે આપવાની શરૂઆત થઈ. ધીરે-ધીરે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે કમ્યુનિકેશન ગૅપ ઘટ્યો અને કચ્છની સૂકી ધરા પર તેજસ્વી વિદ્યાર્થીઓ ભણી વિવિધ ક્ષેત્રે આગળ વધવા લાગ્યા, વિદ્યાર્થીઓમાં શિક્ષણસ્તર વધ્યું. આ કાર્યમાં નારાયણભાઈએ પાયાની ભૂમિકા ભજવી છે.

આજે ૭૫ વર્ષની વયે પણ નારાયણભાઈ ઉત્સાહથી કચ્છીભાષા માટે કાર્ય કરે છે એની પાછળનું પરિબળ છે ‘હકારાત્મક જીવન’, મોજથી જીવતા આ કચ્છી માડુનું હકારાત્મક જીવન, નિજાનંદ સ્વભાવ આ બધા સદ્ગુણોને કારણે તેમનામાં આશાવાદ જન્મ્યો અને આશાવાદને કારણે તેમનામાં ‘કચ્છીભાષા ક્યારે અસ્ત થવા નહીં દઉં’નું ઝનૂન જાગ્યું.

કચ્છીલિપિ શીખવા માટેનું પુસ્તક.

નારાયણભાઈએ કચ્છી સાહિત્ય કલા સંઘની સ્થાપનામાં ચાવીરૂપે ભાગ ભજવ્યો. આજથી ૨૦ વર્ષ પહેલાં કચ્છની કુળદેવી આશાપુરામાના સાંનિધ્યમાં માતાના મઢ ખાતે ‘કચ્છી સાહિત્ય કલા સંઘ’ની સ્થાપના થઈ. કચ્છી સાહિત્યના ચાહક અને એ સમયના ગુજરાત વિધાનસભાના સ્પીકર ધીરુભાઈ શાહ પ્રથમ પ્રમુખ બન્યા. ‘કચ્છી સાહિત્ય કલા સંઘ’ કચ્છીભાષાના પ્રસાર-પ્રચાર અને સંવર્ધન અર્થે કચ્છીમાં પરીક્ષા લેવાનું શરૂ કર્યું. આ પરીક્ષાના ઉદ્ઘાટનમાં પૂજ્ય મોરારીબાપુ ભુજની સ્વામિનારાયણ સ્કૂલમાં પધાર્યા અને પોતાના હસ્તે પરીક્ષાર્થીઓને પ્રશ્ન પેપરનું પ્રદાન કર્યું! ૨૦ વર્ષમાં વયભેદ વગર, અંદાજે ૮૦,૦૦૦ લોકોએ કચ્છીભાષાની પરીક્ષા આપીને કચ્છીભાષા સાથે જોડાયા. આ કાર્યમાં વીજેટીઆઇ સંસ્થા જોડાઈ. આ ઝુંબેશને કારણે આજે અંદાજે ૧૫૦થી ૨૦૦ સાહિત્યકારોએ કચ્છીભાષામાં લખવાનું શરૂ કર્યું છે. કચ્છી સાહિત્ય ક્ષેત્રે આવા અદ્ભુત કાર્ય માટે નારાયણભાઈને પદ્મશ્રી પુરસ્કાર આપી કેન્દ્ર સરકારે કચ્છીભાષાને જાણે માન્યતા આપી છે.

કે. કા. શાસ્ત્રી માત્ર ગુજરાતીના જ નહીં, સમગ્ર રાષ્ટ્રના પ્રથમ હરોળના વિદ્વાન કહેવાય છે.  કે. કા. શાસ્ત્રી કચ્છીભાષાનું ઊંડાણ અને એની સ્ટ્રેન્થ બરોબર સમજતા હતા એટલે નારાયણભાઈને કચ્છીભાષાની સેવા કરવાની આજ્ઞા આપી. તો દુલેરાય કારાણીએ નારાયણભાઈની પ્રતિભા પારખી કચ્છીમાં વાર્તાઓ લખવા વારંવાર આગ્રહ કર્યો. તો ભુજ આકાશવાણીના નિયામક અને સાહિત્યકાર જયંતી જોષી ‘સબાબ’ આધુનિક મૌલિક વાર્તાઓ લખી અખબારોમાં લખવા પ્રેરતા રહ્યા. પરિણામરૂપે વિવિધતાસભર સત્ત્વશીલ વાર્તાઓનો ફાલ નારાયણભાઈએ આપ્યો.

કચ્છીભાષાની લિપિ ભલે વિસરાઈ ગઈ છે, પણ બોલી તરીકે વધુ બળવાન બની છે. એને જોઈએ એટલો રાજ્યાશ્રય નથી મળ્યો, પણ હવે સમાજની સંસ્થાઓ, શ્રેષ્ઠીઓએ આર્થિક પીઠબળ પૂરું પાડી કચ્છીભાષાના ઝગમગતા દીવાને વધુ ઝળહળતો બનાવી દીધો છે. મનોરંજન જગતના મહારથી બુદ્ધિચંદભાઈ મારુ નારાયણભાઈને જબરું પ્રોત્સાહન આપે છે, તો ઉદ્યોગપતિ વસનજી હરસી ગાલા, મુકેશભાઈ ઝવેરી, બાબુભાઈ મેઘજી શાહ જેવા કલાપ્રેમીઓ નારાયણભાઈને પીઠબળ પૂરું પાડી કચ્છી સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓને પ્રવૃત્ત રાખી છે. નારાયણભાઈની વિવિધ સાહિત્ય પ્રવૃત્તિઓની યાદી એટલી લાંબી છે કે ‘મિડ-ડે’નાં પાનાં ઓછાં પડે.

કચ્છીભાષા બોલીરૂપે વધુ બળવાન બની છે, કારણ કે કચ્છ પાસે ઝવેરચંદ મેઘાણી જેવા પ્રભાવશાળી દુલેરાય કારાણી છે જેમણે કચ્છનાં ગામડાંઓ ખૂંદી, પાદર અને ગામોના ઇતિહાસમાંથી વાર્તાઓ, કાવ્યો સરર્જ્યાં છે. તો કલમને ટેકે જીવન ગુજારવાનું સાહસ કરનાર વીર નર્મદ જેવા માધવ જોષી અશ્ક માધુબાપા છે. ૯૨ વર્ષના આ માધુબાપાનો જન્મ કરાચીમાં થયો હતો અને જીવનભર કચ્છીભાષા માટે ખભે થેલો નાખી ઝઝૂમ્યા છે. ડૉક્ટર ગુલાબ દેઢિયા જેવા વિવેચક છે, તો સ્વ. આદમ સુમરા જેવા પાકિસ્તાનના પત્રકારસર્જક છે. શાક વેચીને અદ્ભુત કાવ્યો સર્જનાર ભુજપુરના સ્વ. ઓસમાન સાટી છે, તો ૮૨ વર્ષની ઉંમરે કટાક્ષ કાવ્યો અને કચ્છિયતથી છલકાતા કલમના ધણી કવિ તેજ છે. રવિ પેથાણી જેવા વિદ્વાન વિવેચક અને જયુ ભાનુશાલી (વલસાડ) જેવા મુગ્ધ કવિ છે. જયંતી જોષી ‘સબાબ’ એ કચ્છ સાહિત્યની કિસ્મત છે. આ બધામાં શિરમોર સમા તબીબ, કવિ, નાટ્યલેખક, સંશોધક ડૉક્ટર વિશન નાગડા છે.

કચ્છીભાષાના વિકાસમાં કચ્છીનાટકો અને કચ્છીસંગીતનો અન્યોન્ય ફાળો છે. ડાયરા, લગ્નો, દાંડિયારાસ કે પહેડી કે પ્રાર્થનાઓમાં રોજ ક્યાંક ને ક્યાંક કચ્છી ગીતો ગવાય છે અને સતત લોકો ભાષાભાવનો આનંદ માણે છે. સ્વ. શિવકુમાર પુંજાણીએ ૧૨૫ જેટલાં કચ્છીગીતો કમ્પોઝ કર્યાં છે, તો મૂળ કોકણના કોકણી સંગીતકાર મંગેશ ગોકણે કચ્છીભાષાનાં ગીતો તૈયાર કર્યાં છે. એ જ રીતે સૌરાષ્ટ્રના સંગીતકાર બળવંત વ્યાસે કચ્છીભાષાને રમતિયાળ બનાવી છે. ડૉક્ટર વિશન નાગડાના ડાયરાએ સવાસોથી વધુ પ્રયોગ કર્યા છે, તો સંગીતકાર જયેશ આશરે ડૉક્ટર વિશન નાગડાનાં પચીસેક નાટ્યગીતોને અંકિતા રાંભિયા, જિગિસા રાંભિયા અને ગીતા ધરોળના સ્વરમાં સ્વરબદ્ધ કરી કચ્છીભાષાને ઊંચાઈ આપી છે. લાલ રાંભિયા મરજીવા બનીને કચ્છનાં ગામડાંઓમાં વિચરી કચ્છીડાયરાઓ કરે છે. કચ્છનાં સ્વ. ધનબાઈ કારા, સ્વ. ધનબાઈ ગઢવી, ઇસ્માઇલ મીર, હમીદા મીર ઉચ્ચ સ્તરનાં કચ્છીગીતોથી ભાષાને ભાવક સુધી પહોંચાડવા સફળ બન્યાં છે. કચ્છ યુવક સંઘ કચ્છીભાષાને નાટકો દ્વારા છેલ્લાં ૨૭ વર્ષથી વર્ષેદહાડે ૭૦,૦૦૦ જેટલા પ્રેક્ષકો સુધી પહોંચાડે છે અને ભાષાનો આનંદ કરાવે છે. કચ્છ મુંબઈના જાણીતા કોમલ છેડા કહે છે, કચ્છીભાષાના ગોવર્ધન પર્વતને ઊંચકવા પોતાની ટચલી આંગળીથી અનેક સર્જક કલાકારો કૃષ્ણ બની મહેનત કરે છે એટલે જ નારાયણ જોષી ‘કારાયલ’ જેવા સર્જકને પદ્મશ્રી આપી કચ્છીભાષાને કેન્દ્ર સરકારે વધાવી છે. નારાયણ જોષીને ઘણી ખમ્મા.

 

vasant maru weekend guide columnists