સાહજિક સમજદારી

12 February, 2020 12:47 PM IST  |  Mumbai | Sejal Ponda

સાહજિક સમજદારી

ફાઈલ ફોટો

મૅચ્યોરિટીનો સીધોસાદો અર્થ છે પરિપક્વતા. પરિપક્વ થવું એટલે સમજદાર થવું. સમજદાર થવું એટલે શું? સામેની વ્યક્તિની મુશ્કેલી, મજબૂરી સમજી અપેક્ષા રાખ્યા વગર બસ આપતા રહેવું. સમજદારીને સમજવા માટેની આ વન લાઇન છે. મોટા ભાગનાં પુસ્તકો, વડીલોના અનુભવો સમજાવે છે કે સંબંધમાં અપેક્ષા બને એટલી ઓછી અને સમજણ બને એટલી વધારે રાખવી. જતું કરવું. આપવાની ભાવના રાખવી. જેને પ્રેમ કરીએ તે વ્યક્તિને બને એટલા અનુકૂળ થઈને રહેવું. વાંચવામાં, સાંભળવામાં પ્રેરણાત્મક લાગતાં આ વાક્યો ખરેખર જીવનમાં ઉતારવાં કેટલાં સહેલાં છે?

સંબંધ કોઈ પણ હોય, એમાં આપ-લે હોય જ છે. આપવાની ભાવના વધારે હોય એ સંબંધ વધારે ટકે. આ વાત અમુક અંશે સાચી હોઈ શકે, પણ પ્રૅક્ટિકલી આ વાતને પૂરેપૂરી રીતે જીવનમાં ઉતારવી શક્ય નથી. એક જ વ્યક્તિ અપેક્ષા વગર સતત આપતી રહે કે જતું કરતી રહે તો એક સમય પછી એ વ્યક્તિના મનમાં વસવસો રહેશે જ કે હું આટલું કરું છું પણ મારી કદર જ નથી કે બધું જ આપ્યા પછી મને શું મળ્યું? મા‍ના સંબંધને બાદ કરતાં મોટા ભાગના સંબંધમાં અપેક્ષા હોય જ છે. હું પ્રેમ આપું તો મને હૂંફ મળે એવી અપેક્ષા સહજ થાય. એમાં ખોટું કંઈ નથી. જતું કરવામાં સમજદારી હોય તો સામેવાળાની અપેક્ષા શું છે અને અને પોતે એને કેટલી હદ સુધી પૂરી કરી શકે છે એની ખુલ્લી ચર્ચા કરવી એ પણ સમજદારી છે.

સંબંધ બંધાય એની સાથે સપનાં અને અપેક્ષા પણ જોડાય. મને કોઈ જ અપેક્ષા નથી એવી વાતો કરતા લોકો દંભમાં જીવતા હોય છે. સતત કામમાં રહેતો પુરુષ એવી અપેક્ષા કરતો હોય કે તેની પત્ની કે પ્રેમિકા કામના સમયે તેને ડિસ્ટર્બ ન કરે, તેની સ્થિતિને સમજે. આવી અપેક્ષા રાખતા પુરુષે પોતાની પત્નીની અપેક્ષા પણ સમજી લેવી જોઈએ. જો પત્ની કે પ્રેમિકા આવી સમજણ કેળવી સહકાર કરી શકતી હોય તો સામે પક્ષે પતિનો સાથ ઝંખતી પત્નીને સમય આપવાની સમજણ પતિએ કેળવવી જોઈએ. પોતાનો સમય સાચવતી પ્રિય વ્યક્તિને સમય આપવાની સમજણ મૅચ્યોરિટી કહેવાય. સમજણ મગજમાં અને સંબંધો દિલમાં હોવા જોઈએ.

એક વ્યક્તિની સમજદારી બીજી વ્યક્તિને આઝાદી આપે. ત્યારે સમજદારી કેળવનાર વ્યક્તિ ગૂંગળાઈ ન જાય એ જોવાની જવાદારી ઉઠાવી લઈએ તો સંબંધમાં મીઠાશ જળવાઈ રહે. જેમ-જેમ સાથે રહીએ એમ એકબીજાથી કંટાળી જવું પણ સ્વાભાવિક છે. સાથે રહીએ એમ અધિકારભાવ વધતો જાય. એકબીજાને બદલવાની ભાવના આકાર લે. કોઈ પણ વ્યક્તિ ક્યારેય જોરજબરદસ્તીથી બદલાતી નથી. સામેની વ્યક્તિની ન ગમતી બાબતોની તેની સામે ખુલ્લા મને ચર્ચા કરવી અને એ બાબતના તર્ક બતાવી એ વ્યક્તિએ બદલાવું કે નહીં એ વિચાર તેના પર છોડી દેવો. અમુક બાબતે બદલાવું કે નહીં એની સ્વતંત્રતા વ્યક્તિને મળતાં તે પોતાના પ્રિય પાત્ર માટે દિલથી અમુક બાબતે બદલાવા લાગશે. આ ખરેખરી મૅચ્યોરિટી છે.

મનોજ ખંડેરિયાનો એક જાણીતો શેર છે : 

મારી મરજી મુજબના શ્વાસ લઉં એક પણ એવી જગ્યા ક્યાં આપી?

કોઈ પણ સંબંધના પાયામાં લાગણી હોય. પછી એમાં પ્રેમ, હૂંફ અને અપેક્ષા, અધિકારભાવ, સમજણ ભળે. મરજી મુજબ બંધાયેલા સંબંધમાં મરજી મુજબના શ્વાસની બાદબાકી થવા લાગે એટલે ગૂંગળામણ થવી સ્વાભાવિક છે. એક નૉર્મલ સંબંધ લાગણી-હૂંફની સાથે અપેક્ષા અને અધિકારભાવ તરફ પહોંચે જ પહોંચે. જો પ્રિય વ્યક્તિની લાગણી, પ્રેમનો સહજ સ્વીકાર કરી શકતા હોઈએ તો તેની અપેક્ષાનો પણ સ્વીકાર કરવો. એકબીજાને ન ગમતું કરવાની સમજણની સાથે ગમતું કરવાની સમજણ મૅચ્યોરિટી છે. સંબંધમાં દરેક વખતે સહજતા કે સરળતા ન હોય, ક્યારેક સહજતા અને કમ્ફર્ટનેસ ઊભી કરવી પડે.

Sejal Ponda columnists