લવ યુ ગૉડ થૅન્ક યુ ગૉડ

09 February, 2020 02:52 PM IST  |  Mumbai | Bhavya Gandhi

લવ યુ ગૉડ થૅન્ક યુ ગૉડ

પ્રતીકાત્મક તસવીર

ઍડ્વેન્ચર.

મને હંમેશાં ઍડ્વેન્ચર ગમ્યું છે. કહોને કે હું પહેલેથી જ ઍડ્વેન્ચરમાં માનું છું અને એને માટે જેકાંઈ કરવું પડે એ કરવા પણ હું તૈયાર હોઉં છું. અમેરિકા ગયો અને ત્યાં બે મહિના રહ્યો ત્યારે જ મેં જોયું કે અમેરિકામાં ઍડ્વેન્ચર-લવર પુષ્કળ છે. ૧૦માંથી ૮ અમેરિકન રિસ્ક લઈ શકે છે અને ઍડ્વેન્ચર કરી શકે છે. રજા આવતી હોય, માત્ર બે જ દિવસની રજા આવતી હોય અને આગલી રાતે ૧૨ વાગ્યે પણ તે ઘરે આવ્યો હોય તો એક કલાકમાં જરૂરી સામાન પૅક કરીને પોતાની ક્રૂઝર-બાઇક પર અમેરિકન ફરવા નીકળી જાય. સામાન ઓછામાં ઓછો લેવાનો અને કોઈ પણ જાતના ધ્યેય વિના જવાનું. બસ, પોતે અને નેચર. કોઈનું ટેન્શન નહીં અને કોઈની ચિંતા નહીં. અમેરિકન ટીનેજ પણ આવી રીતે ક્યાંય ફરવા જાય તો તેમના પેરન્ટ્સને બહુ ચિંતા નથી હોતી, એટલું જ નહીં, પેરન્ટ્સ બાળકો પર બહુ પ્રેશર પણ નથી કરતાં કે આ રીતે ક્યાંય બહાર નહીં જવાનું. આપણે ત્યાં જો કોઈ આવું કરે તો પેરન્ટ્સ તેનો વારો કાઢી નાખે, ખૂબ વઢે અને જો બચ્ચુ નાનું હોય તો તો તેને એકાદ લાફો પણ ઝીંકી દે.

હું અમેરિકામાં રાતે એકલો ફર્યો છું. અમેરિકાનું ગન-કલ્ચર તો બહુ ખરાબ રીતે દુનિયાઆખીમાં જાણીતું છે જ, પરંતુ એ પછી પણ મને અમેરિકામાં એકલા ફરવા જવાનું ગમતું હતું. અમેરિકામાં એકલો ફર્યો છું અને રાતે મોડે સુધી સિટી જોવાનો લાભ પણ લીધો છે. અમેરિકાની જેમ આફ્રિકામાં પણ હું ખૂબ ફર્યો, એકલો અને કોઈને પણ સાથે લીધા વિના. મને હંમેશાં જીપ્સી જેવી લાઇફ ગમી છે અને હું મારી એજના તમામ ફ્રેન્ડ્સને કહીશ કે લાઇફમાં આ રીતે ફરવાનું રાખજો. ઓછામાં ઓછો સામાન લેવાનો અને કોઈ ટૂર પ્લાન નહીં બનાવવાનો. તમે, નેચર અને તમારી આસપાસના લોકો. બસ, આટલું જ.

અમેરિકામાં લોકો એકધારા પાંચ દિવસ કામ કરે, ગળાડૂબ કામમાં રહે અને વીક-એન્ડમાં પોતાને ગમતું કરે. ફાઇવ ડેઝનું કલ્ચર આ રીતે મળતું હોય તો એમાં કશું ખોટું નથી. સોમથી શુક્ર તેમની પાસે દુનિયા માટે ટાઇમ ન હોય અને શનિ-રવિ દુનિયા તરફ જોવાનું નહીં. સરસ ફન્ડા છે આ. પાંચ દિવસ કામ કરો અને બે દિવસ લાઇફ જીવો. બધો થાક ઊતરી જાય અને મનગમતું કરી લીધા પછી અઢળક થાકીને ફરીથી પૈસા કમાવાના કામે લાગી જવાનું. ઇન્ડિયામાં આપણે આવું કંઈ કરતા નથી. ૬ દિવસ કામ કરીએ અને સાતમા દિવસે આખો દિવસ ઘોંટાઈ જવાનું કામ કરીએ. આંખ ખૂલે એટલે ખાવાનું, ટીવી જોવાનું અને પછી ફરી ઘોંટાઈ જવાનું. મને એક બીજી પણ વાત કહેવી છે કે બધાને ખુશ રાખવાની મેન્ટાલિટી આપણી એટલી સ્ટ્રૉન્ગ બની ગઈ છે કે આપણે ભૂલી ગયા છીએ કે જાતને ખુશ રાખવાની જવાબદારી પણ આપણી જ છે, એ કામ બીજું કોઈ કરવાનું નથી.

અમેરિકા જ નહીં, પછાત અને ગરીબ કહેવાય એવા આફ્રિકાના લોકો પણ પોતાને ઠીક લાગશે એ કામ એક વાર તો કરી જ લેશે, પછી ભલે તે ફૅમિલી કે દુનિયાની નજરમાં ખોટું હોય.

આ ખોટું છે, પેલું ખોટું છે, આ થાય જ નહીં, આમ કરાય જ નહીં.

આવું જે આપણા મનમાં નાનપણથી ઠસાવી દેવામાં આવ્યું છે એ વાત જ આપણે માટે નડતર બની ગઈ છે. આવી શીખવવામાં આવેલી આ વાતોનો ડર આપણામાં કાયમ માટે રહી જાય છે, જે સમય જતાં આપણી અંદર વધારે મોટો થતો જાય અને એક સમય એવો આવે છે કે આપણે સતત દુનિયાનો, આસપાસના લોકોનો અને વડીલોનો ડર ૨૪ કલાક લાગવા માંડે. ડર હોવો જોઈએ, ખોટું નથી. જો તમે કોઈનું અહિત કરવાના હો તો એ ખોટું છે અને એ વાતનો ડર હોવો જ જોઈએ, પણ જો ફ્રીડમ ભોગવવાની બાબતમાં ડર હોય તો એ ગેરવાજબી છે. ગમે એવું કરવાની તૈયારી રાખશો તો જ તમારામાં એક પ્રકારની હિંમત પણ આવશે. જવાબ આપવાની અને જવાબદારી સ્વીકારવાની. હિંમત આવવાનું કારણ એ જ છે કે એ તમારું પોતાનું ડિસિઝન છે.

હમણાં હું સવારે ૪ વાગ્યે એકલો નરીમાન પૉઇન્ટ ગયો.

જસ્ટ ફૉર ઍડ્વેન્ચર.

નરીમાન પૉઇન્ટ ફર્યો, ખૂબ મજા આવી. હું, દરિયો અને એકાંત. મને તો એ સમયે ખૂબ સરસ કન્સેપ્ટ પણ સૂઝ્‍યા અને યુટ્યુબ માટે સરસમજાની શૉર્ટ ફિલ્મના આઇડિયા પણ આવ્યા, જે મેં નોટ પણ કરી લીધા. દરિયા સામેથી નીકળવાની તો ઇચ્છા નહોતી, પણ ઘરમાં કોઈને ખબર નહોતી એટલે એ રીતે વહેલું આવવું જરૂરી હતું અને ઘરે પાછો આવ્યો. ઘરે તો બધાને એમ જ હતું કે હું જૉગિંગમાં ગયો હોઈશ, પણ વાર લાગી એટલે એ બધાને પણ ડર લાગવા માંડ્યો હતો. મેં તમને બે વીક પહેલાં કહ્યું હતું એમ, મિનિમમ મેન્ટાલિટી વાપરવાની તૈયારી કરતો હોવાથી મેં મોબાઇલ પણ સાથે નહોતો લીધો.

મમ્મી-પપ્પા ખૂબ ખિજાયાં. આ જે ગુસ્સો હતો એ ખોટો નહોતો. તેમને ચિંતા હતી પણ મેં જો તેમની આ ચિંતાને જ યાદ રાખી હોત ને હું ગયો જ ન હોત તો? તો રાત જ કહેવાય એવા સમયે નરીમાન પૉઇન્ટ કેવું લાગે છે એ મને ક્યારેય જોવા ન મળ્યું હોત. શાંત પડી ગયેલા રસ્તા વચ્ચે પથ્થરો સાથે અથડાતા દરિયાનો અવાજ કેવો હોય એ પણ મને ક્યારેય સાંભળવા મળ્યો ન હોત અને વરસાદનું પાણી દરિયાના પાણી પર પડ્યા પછી ઊભા થનારા તરંગો પણ મને ક્યારેય દેખાયા ન હોત. સૌથી મોટી વાત, જો હું ન ગયો હોત તો મને બે પ્રકારનો એક્સ્પીરિયન્સ પણ ક્યારેય કરવા ન મળ્યો હોત.

રાતે ૩ વાગ્યે ઘરેથી નીકળવાનો આનંદ ન મળ્યો હોત અને બીજું, મોટા દીકરાને મમ્મી-પપ્પા ખિજાય ત્યારે તેમના ચહેરાનાં એક્સપ્રેશન કેવાં હોય. મારે માટે આ મારી મેમરી છે, જે મને ભવિષ્યમાં પણ યાદ રહેશે અને જ્યારે-જ્યારે મને એ યાદ આવશે ત્યારે-ત્યારે હું ખુશ થઈશ કે દુનિયાની સામે હું સ્ટાર ભલે હોઉં, પણ ઘરમાં તો મને ભીગી બિલ્લી બનાવી દેવામાં આવે છે.

હમણાં હું હિન્દીના જાણીતા પોએટ રાજેશ જોશીની એક બુક વાંચું છું. એક પોએટ્રીમાં તેમણે આકાશમાં ઊડતાં પંખીઓને કહ્યું છે કે ઊડવાનું આટલું અભિમાન નહીં કર, કારણ કે જ્યારે તને પીંજરાની અંદર બંધ કરી દેવામાં આવશે ત્યારે તારાથી કંઈ નહીં થાય. એ સમયે તારે કાયમ બેસવાનું જ રહેશે અને જે આકાશને તું તારું માને છે એ આકાશ અમારી બારી જેવડું નાનું થઈ જશે.

કેટલી સરસ વાત છે કે આપણે લોકો પણ પૈસાની પાછળ ઊડવા લાગીએ છીએ અને પછી એક્સપેક્ટેશનના પીંજરામાં પુરાઈ જઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે ભાગવાની જે રીત હતી એ કેટલી ઉપાધિ દેનારી હતી. એ સમયે સમજાય છે કે પૈસાના આકાશમાં ઊડ્યા ન હોત તો આજે એક્સપેક્ટેશનના પીંજરામાં પુરાયા ન હોત.

હમણાં અમે બધા ઍક્ટર-ફ્રેન્ડ્સ ભેગા થયા ત્યારે વાત થતી હતી કે બધા કેટલું કમાય છે અને કોની ઇન્કમ કેટલી છે. કોણે ફૂડ ચેઇન કરીને કરોડોની ઇન્કમ કરી અને કોણે સ્ટૉક માર્કેટમાં અબજો રૂપિયા બનાવ્યા. કોઈકે પોતાની બ્રૅન્ડ શરૂ કરી તો કોઈકે ચૅરિટીના નામે પણ બિઝનેસ એસ્ટૅબ્લિશ કરી દીધો. એ સમયે મને ખરેખર ખુશી એ વાતની થઈ કે આપણે ભગવાનને પણ આપણી લાગણી પહોંચાડવી જોઈએ. જો કામ મળે તો આપણે ભગવાનને ખરા દિલથી થૅન્કસ કહેવું જોઈએ અને ધારો કે મનગમતું કામ કરવા મળતું હોય તો આપણે ભગવાનનો વધારે આભાર માનીને તેમને આઇ લવ યુ કહેવું જોઈએ. જરા વિચાર તો કરો કે ગમતું કામ કરવા મળે અને એ રીતે શોખ પૂરો થાય એનાથી ઉત્તમ બીજું શું હોય. આવી તક લકી હોય તેને જ મળે. એ રીતે હું ખરેખર લકી છું. જે કામમાં મજા આવે છે, મારું મનગમતું કામ પણ છે અને એ જ કામમાંથી મારી ઇન્કમ પણ થાય છે. બીજા લોકો આખો દિવસ સતત પ્રેશરમાં રહે છે તો કેટલાક એવા પણ છે જેમને મનગમતું કામ કરવા મળે છે. તમે જે કૅટેગરીમાં આવતા હો એ રીતે પણ ભગવાન પાસે લાગણી વ્યક્ત કરો. જો તમે મારા જેવા લકી તમે હો, જો તમને મનગમતું કામ કરવા મળતું હોય તો દિવસમાં એક વખત ભગવાનને કહેવાનું ચૂકતા નહીંઃ લવ યુ ગૉડ.

Bhavya Gandhi columnists