સંબંધ અને ટફનઃ પરસ્પર શો સંબંધ છે આ બન્નેને?

20 March, 2020 03:05 PM IST  |  Mumbai | Rashmin Shah

સંબંધ અને ટફનઃ પરસ્પર શો સંબંધ છે આ બન્નેને?

પ્રતીકાત્મક તસવીર

સંબંધોમાં ઉતારચડાવ આવે એ સમજી શકાય પણ સંબંધોમાં જો એકધારો ઉતારનો ઢાળ આવવાનો શરૂ થઈ જાય તો ચોક્કસપણે એક ઓટલા પર જઈને નિરાંતે, શાંત ચિત્તે બેસીને એના વિશે વિચારવું જોઈએ અને જો સંબંધો વહાલા હોય, સંબંધો સાથે જોડાયેલી વ્યક્તિ વહાલી હોય તો આવી રહેલા ઉતારને કેવી રીતે પાછો વાળવો એના માટે આત્મમંથન કરવું જોઈએ. સંબંધો જ્યારે તૂટે ત્યારે એ સંબંધો માટેના દોષોનું પ્રત્યર્પણ થયા કરે પણ ક્યારેય એવું નથી હોતું કે એક પક્ષ સંપૂર્ણ દોષિત હોય. ક્યારેય નહીં. બને કે એક પક્ષે ઓછો વાંક હોય અને બીજા પક્ષે વાંકનું પ્રમાણ વધારે હોય, પણ જો આ વાતને સમજવામાં મોડું કરી બેસવામાં આવે તો સમય એવો પણ આવે કે વ્યક્તિ નહીં, સંબંધો વ્યક્તિથી થાકવા માંડે છે. નર અને નારીના બેઝિક સ્વભાવના દૃષ્ટિકોણથી જો આ વાતને જોવામાં આવે તો સૌથી પહેલાં તો યાદ કરાવવાનું રહે કે સૃષ્ટિમાં સ્ત્રીનું કામ નર્ચર એટલે કે પોષણ કરવાનું છે તો પુરુષો હંમેશા પ્રોટેક્ટરની ભૂમિકામાં રહ્યા છે. પ્રોટેક્ટર. રક્ષક.

આ જ દૃષ્ટિકોણને જો આગળ વધારવામાં આવે તો કહી શકાય કે સંબંધોને મોટા કરવાનું કામ સ્ત્રીઓના પક્ષે રહ્યું છે જ્યારે એ જ સંબંધોને તમામ પ્રકારનાં તોફાનોથી બચાવવાનું કામ પુરુષોનું છે. પુરુષો પોતાની ફરજ અદા કરવાનું ચૂકે તો સ્વાભાવિક રીતે ગુલાબનું કૂંડું કોઈ પણ આવીને પોતાના ઘરમાં મૂકી દેશે અને જો સ્ત્રી પેલા છોડને જતનપૂર્વક ઉગાડવાનું છોડી દેશે તો પુરુષના પ્રોટેક્શનની, તેની રક્ષણાત્મક નીતિનો કોઈ અર્થ સરવાનો નથી. સંબંધોને કાળજી અને કદરની જરૂરિયાત છે અને જો એ કાળજી અને કદર મળતાં રહેશે તો અને તો જ એ સંબંધોને રક્ષણની આડશ વાજબી રીતે મળી રહેશે. અલબત્ત, આ વાઇસેવર્સા છે અને એ જ રીતે આ વ્યવહાર જળવાયેલો રહેવાનો. જો તમે ઇચ્છતા હો કે તમારા સંબંધોની ખુશ્બૂ તમારા પૂરતી જ સીમિત રહે તો એ સંબંધોની સાથે ફુટબૉલગીરી કરવાની જરૂર નથી. જો તમે ઇચ્છતા હો કે જે મહત્ત્વ તમને મળ્યું છે એ અકબંધ રહે તો ખબરદાર, પામેલું મહત્ત્વનું સ્થાન ગુમાવો નહીં. જો તમે ઇચ્છતા હો કે પેટમાં ઊડી રહેલાં પતંગિયાં સદાય માટે અકબંધ રહે અને જો તમે ઇચ્છતા હો કે આંખોમાં અંકાયેલા મેઘધનુષના તમામ રંગો અકબંધ રહે તો પ્રેમ, લાગણી અને પરસ્પરની સંવેદનાને સહેજ પણ ઓછી થવા ન દો.

સંબંધોમાં જ્યારે પણ વાણિયાગીરી આવે છે, હિસાબકિતાબ થાય છે અને અકાઉન્ટન્સી નામનો સબ્જેક્ટ વ્યવહારમાં મુકાઈ જાય છે ત્યારે-ત્યારે દાખલારૂપ બની ગયેલા સંબંધો પર સીઝન બૉલ ફેંકાતો રહેતો હોય છે. યાદ રહે, સંબંધો ગોરિલા ગ્લાસથી સજ્જ છે. પણ સાહેબ, ફેંકવામાં આવેલા તમામ સીઝન બૉલ એ ગોરિલા ગ્લાસ પર ખરોંચ ઊભી કરવાનું કામ તો સહજપણે કરી જાય છે. ભલે સંબંધો કોઈ પણ હોય, ભાઈબંધીનો વ્યવહાર હોય કે પછી પતિ-પત્નીના લાગણીભર્યા સંબંધો હોય. ભાઈબહેનના પ્રેમભર્યા સંબંધો હોય કે પછી માદીકરીના વાત્સલ્યનો સંબંધ હોય. ફેંકાયેલો સીઝન બૉલ પોતાનું કામ કરવાનો છે અને ગોરિલા ગ્લાસ પણ પોતાની ખરોંચ ઊભી કરવાની મર્યાદાને વળગી રહેવાનો છે.

નારીનું નર્ચર રૂપ અને નરનું પ્રોટેક્ટર સ્વરૂપ. પ્રક્રિયા પણ આ જ પ્રકારની અને સ્વભાવ પણ આ જ મુજબનો. આ પ્રક્રિયા અને આ સ્વભાવ જ્યારે-જ્યારે બદલાય છે, આ કાર્યપદ્ધતિ જ્યારે-જ્યારે ચેન્જ થઈ છે ત્યારે-ત્યારે સંબંધોની નજાકતને અસર થઈ છે અને અસરગ્રસ્ત નજાકતને જો જાળવવાનો પ્રયાસ નથી થતો તો એ મરવી પણ શરૂ થઈ જાય છે. જે સમયે એવા સંજોગો ઊભા થાય છે એ સમયે કાં તો સંબંધો મરે છે અને કાં તો સંબંધો પૅરેલાઇઝ્ડ થાય છે. એક વાત યાદ રાખજો, મરતા સંબંધોને સ્વીકારજો પણ લકવાગ્રસ્ત સંબંધોને ક્યારેય કોઈ હિસાબે પાસે આવવા નહીં દેતા. લકવાગ્રસ્ત સંબંધો જિંદગીની મીઠાશ છીનવી લેવાનું કામ કરે છે અને સાહેબ, જે સમયે જીવનની મીઠાશ છીનવાઈ જાય છે એ સમયે ખરેખર બદથી પણ બદતર હાલત થઈ જાય છે. સુધારી શકાય તો સંબંધોને સુધારવાના પ્રયાસ કરજો. એ તમારાથી થાકી જાય એ પહેલાં.

જો સંબંધો વ્હાલા હોય તો, જો સંબંધો માટે પરવા હોય તો; કારણ કે સંબંધોનું વહાલપ ક્યારેય તમને કોઈ જગ્યાએથી મળવાનું નથી અને એના વિના તમે રહી પણ નથી શકવાના. એવું જ અન્ય દિશામાં છે. નાસૂર બનેલા સંબંધો પણ ક્યારેય પોતાની ધાર માર્યા વિના રહેવાના નથી અને એ ધાર વાગ્યા વિના રહેવાની પણ નથી. જો નાસુર બનેલા સંબંધોની ધારથી સલામત રહેવું હોય તો સંબંધોને સાચવી રાખવાની ક્ષમતા અને જરૂર પડ્યે સંબંધોને સાચવી લેવાની માનસિકતા કેળવવી પડશે. નરી વાસ્તવિકતા છે કે આ જવાબદારી બન્ને પક્ષ પર આવે છે અને બન્ને પક્ષે પોતપોતાની જવાબદારી નિભાવવી પડશે. જો કોઈ એક પક્ષ, કોઈ એક વ્યક્તિ એવું ધારીને ઊભી રહી જશે કે મને શું લેવાદેવા તો બીજી જ ક્ષણે સંબંધથી જોડાયેલી બીજી વ્યક્તિ પણ તમારા એ વિચારો સાથે ચાલવાનું આરંભી દેશે. આ આરંભ કરવામાં નિમિત્ત બનવાને બદલે બહેતર છે કે આરંભની દિશા એક જ રહે અને સુખાકારીનો અનુભવ કરે એ પ્રકારનો વ્યવહાર જળવાયેલો રહે. માનવું અઘરું છે, સહેજ તકલીફદાયી પણ છે; પણ હકીકત છે એટલે કહેવાનું મન થાય છે કે સંબંધોનો તનાવ તમામ પ્રકારની હકારાત્મક ક્ષમતા છીનવી લેવા સક્ષમ છે અને જે સમયે એ હકારાત્મકતા છીનવાઈ જાય છે એ સમયે સંબંધો તમારાથી થાકવાનું કામ શરૂ કરી દે છે. સંબંધોથી તમે થાકશો તો ચાલશે, ચલાવી લેવાશે; પણ જો સંબંધો તમારાથી થાક્યા તો માર્યા ઠાર ભાઈ. કોઈ માઈનો લાલ એ સંબંધોને બચાવી નહીં શકે. બહેતર છે કે સંબંધો એ દિશામાં પહોંચીને ઊભા રહી જાય એ પહેલાં ઍટ લીસ્ટ એક વખત રિવાઇન્ડ થઈને ફરી પાછળ જઈ જરા જોઈ લો કે તમે થાક્યા છો કે પછી તમારા સંબંધો તમારાથી તંગ આવી ગયા છે. જો તમે થાક્યા હો તો સંબંધોમાં થયેલી ભૂલો સુધારી એમાં નવેસરથી ઉષ્મા ભરવાનું કામ કરો, પણ જો દેખાય કે સંબંધો થાક્યા છે તો-તો અત્યારે જ ઑફિસમાં રજા મૂકીને કે કિચનના ડબ્બાઓ બંધ કરીને સીધા ભાગો તમારા પ્રિયજન પાસે.

બદબૂ ઓકતા મૃતદેહ સાથે જીવવા કરતાં બહેતર છે કે ખોડકાયેલા પગવાળી લાગણીઓ સાથે આખી જિંદગી રહેવું. સંબંધોનું પણ એવું જ તો હોય છે.

Rashmin Shah columnists