વૉટ્સઍપ અધ્યાય:અચાનક શરૂ થયેલા વૉટ્સઍપના વિરોધ વિશે તમે કેટલું જાણો છો?

13 January, 2021 06:18 AM IST  |  Mumbai | Manoj Joshi

વૉટ્સઍપ અધ્યાય:અચાનક શરૂ થયેલા વૉટ્સઍપના વિરોધ વિશે તમે કેટલું જાણો છો?

પ્રતીકાત્મક તસવીર

અચાનક જ વૉટ્સઍપનો વિરોધ શરૂ થયો છે. લોકો ચેટ બોક્સ છોડવા માંડ્યા છે અને જે છોડી નથી શકતાં કે પછી ત્યાં પોતાની ગેરહાજરી દેખાડવા રાજી નથી એણે એ ચેટ બોક્સમાં પર્સનલ વાત કરવાની ના પાડતાં મેસેજ મોકલવાના શરૂ કરી દીધા છે. એક ચોક્કસ વર્ગ તો વૉટ્સઍપના વિરોધમાં આવી ગયું છે પણ એ વિરોધની વચ્ચે પણ બહુ જરૂરી છે એ જાણવું કે આ વૉટ્સઍપનો વિરોધ અચાનક શરૂ શું કામ થયો અને એ વિરોધ પાછળનું કારણ શું છે?

જાણવું બહુ જરૂરી છે, કારણ કે આપણે ત્યાંના એંસી ટકા સામાન્ય લોકોને વૉટ્સઍપ દ્વારા એની પૉલિસીમાં લાવવામાં આવેલા ચેન્જની ખબર નથી. આ એંસી ટકા લોકોમાં એવા-એવા લોકોનો પણ સમાવેશ થાય જે ભારોભાર એજ્યુકેટેડ છે, પણ એણે ક્યારેય આવી બાબતમાં વધારે રસ લેવાની કે પછી વધારે ઇન્ટરેસ્ટ સાથે એ વાંચવાની તસદી નથી લીધી.

વૉટ્સઍપે ઑફિશિયલ એની પૉલિસી જાહેર કરવી પડી એનું કારણ એપલ છે. હા, સ્ટીવ જોબ્સવાળું એપલ. બન્યું એમાં એવું કે એપલે એવી જાહેરાત કરી કે એના ઍપસ્ટોર પર રહેલી તમામ ઍપ્સ તમારા મોબાઇલની કઈ-કઈ ઇન્ફર્મેશન વાપરશે એ અમે સ્પષ્ટતા સાથે કહીશું. નેચરલી, એમાં સૌથી વધુ વપરાશમાં આવનારી વૉટ્સઍપ પણ હતી અને એટલે એપલે દર્શાવ્યું કે વૉટ્સઍપ તમારી આ તમામ માહિતીઓ વાપરી રહી છે. આ તમામ માહિતી એટલે, તમે મોબાઇલમાં જે કંઈ કરો એ પણ અને તમારા મોબાઇલમાં જે કંઈ સ્ટોર થાય એ પણ. બસ, માત્ર તમારા વિચારો સિવાયની તમામ ઇન્ફર્મેશન એ વાપરે છે. એ પછી તો વૉટ્સઍપે પણ જાહેર કર્યું, ઑફિશ્યલ અનાઉન્સ કર્યું કે વૉટ્સઍપ અને એની સાથી કંપનીઓ એકબીજાની સાથે આ માહિતી શૅર પણ કરશે. ફ્રીમિયમ. માર્કેટિંગનો આ જે નવો ફન્ડા છે એ ફન્ડાનો જ અહીંયા ઉપયોગ થયો છે. તમને બધું ફ્રીમાં વાપરવા દેતી આ કંપનીઓ જલારામબાપાની ભોજનાલય જેવા તો નથી જ નથી કે કોઈ જાતના સ્વાર્થ વિના સેવા કરે.

આ કંપની તમારો બધો ડેટા એકિત્રત કરે છે અને એકત્રિત થયેલા એ ડેટાના આધારે તમારી માહિતીનું માર્કેટિંગ કરે છે. તમને ઉદાહરણ સાથે સમજાવું. તમે ટી-શર્ટની ખરીદી કરવાનું વિચારીને એની તપાસ કરશો એટલે તમને તમારા તમામ સોશ્યલ મીડિયા પર ટી-શર્ટ દેખાવાનું શરૂ થઈ જશે. આ જે ટી-શર્ટ દેખાય છે એ તમારા ડેટાને આધારિત છે. વૉટ્સઍપે પોતાની નવી પૉલિસીમાં અનાઉન્સ કર્યું કે હવે એ પોતાને મળેલો ડેટા પોતાની ગ્રુપ કંપની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ આપશે. જેનો સીધો અર્થ એવો થાય કે તમારી દરેક વાત હવે એ કંપનીઓને પણ જશે અને એ કંપનીઓની તમામ વાતો વૉટ્સઍપ પાસે પણ આવશે. આ માહિતી તમારી છે, તમારી અંગત છે, એને કોઈ આ રીતે શૅર કરે એ કઈ રીતે ચલાવી શકાય? બસ, પત્યું, પહેલાં સૅલિબ્રિટી અને પછી સામાન્ય લોકોએ વૉટ્સઍપનો બહિષ્કાર શરૂ કર્યો. આ બહિષ્કારનું એક કારણ એ પણ છે કે હવે તમે વૉટ્સઍપ પરથી તમારા ફૅમિલીના ફોટો પણ મોકલશો તો એ પણ વૉટ્સઍપ પોતાની પાસે રાખી શકે અને ભવિષ્યમાં એ ઈચ્છે તો એ ફોટો પણ જોઈતાં હોય એને આપી શકે. સમજાયું?

હવે તમારી લાઇફ પર, તમારી દિનચર્યા પર પણ આ સોશ્યલ મીડિયાનું અનુસંધાન આવી ગયું છે. ધ્યાન રાખજો અને ભાવનાઓ સાથે તણાવાને બદલે સોશ્યલ મીડિયા પર કેટલું એક્સપોઝર લેવું એની લક્ષ્મણરેખા બાંધી લેજો.

whatsapp manoj joshi columnists