ન્યાયના નામે આ ભવાઈ ક્યાં સુધી ચાલશે?

09 February, 2020 02:52 PM IST  |  Mumbai | Dr Dinkar Joshi

ન્યાયના નામે આ ભવાઈ ક્યાં સુધી ચાલશે?

પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ અદાલતી ખટલામાં બે પક્ષો હોય છે - વાદી અને પ્રતિવાદી. આ બન્ને પક્ષો સતત એક વાત કહેતા હોય છે કે તેઓ ન્યાય મેળવવા માટે અદાલત પાસે ગયા છે. વાસ્તવમાં એમને ન્યાય જોઈતો હોતો નથી, બન્ને પક્ષોને પોતાના પક્ષમાં અદાલતનો ચુકાદો જોઈતો હોય છે. જો આ ચુકાદો એમના પક્ષમાં હોય તો એ ન્યાય છે અને જો વિપક્ષે હોય તો એ ન્યાય ગણાતો નથી. પરાજિત પક્ષ પોતાને થયેલા અન્યાય સબબ હવે ઉપલી અદાલતમાં જવાની તૈયારી કરે છે અને વિજેતા પક્ષ એને અદાલતનો ન્યાય કહે છે.

ગઈ કાલ સુધી લાંબા સમયથી અનિર્ણિત રહેલા આ કેસના બન્ને પક્ષકારો એવું કહેતા હતા કે અદાલતી કાર્યવાહી અકારણ લંબાતી જાય છે; પણ જેવો ચુકાદો આવી ગયો કે તરત જ વિજેતા પક્ષ હવે આ લંબાણ સામે ફરિયાદ નથી કરતો, એ કહેવા માંડે છે કે ચુકાદો ભલે લંબાયો હોય પણ અંતે સત્યનો જય થયો છે; ધર્મનો વિજય થયો છે. પરાજિત પક્ષ આથી ઊલટી વાત કરે છે – ‘ન્યાય અમારા પક્ષે છે, પણ સામેવાળાએ લાગવગ અને લાંચરુશવતથી કેસનો ચુકાદો હાંસલ કર્યો છે. હવે ન્યાય મેળવવા અમે ઉપલી અદાલતમાં જઈશું.’

અદાલતી ચુકાદો એ હકીકતે ન્યાય હોતો જ નથી. એ તો વર્તમાન કાયદાના જે શબ્દો વપરાયા હોય એના ચબરાક અર્થઘટન પર આધારિત નર્યો ચુકાદો હોય છે. કાયદાના શબ્દો બદલાઈ જાય એટલે અદાલતી ચુકાદા દ્વારા અપાયેલો ન્યાય પણ બદલાઈ જાય છે. ઇન્દિરા ગાંધી અલાહાબાદ હાઈ કોર્ટમાં પ્રવર્તમાન ચુકાદા પ્રમાણે કેસ હારી ગયાં અને સંસદનું સભ્યપદ તેમણે ખોયું, પણ તેમણે તરત જ કાયદાના શબ્દો કાયદેસર બદલાવી નાખ્યા અને આ બદલાયેલા કાયદાનો અમલ પાછલી તારીખથી થાય એવી કાયદેસરની વ્યવસ્થા પાર્લમેન્ટ પાસે કરાવી લીધી. આ નવી વ્યવસ્થા હેઠળ તેમણે ઉપલી કોર્ટમાં અપીલ કરી અને પછી કેસ જીતી ગયાં. ગઈ કાલે જે અન્યાય હતો એ હવે આજે ન્યાય બની ગયો. સંખ્યાબંધ હત્યાઓ કરનારી ફૂલનદેવીને આ હત્યાઓ માટે ફાંસીની સજા થવી જોઈતી હતી, પણ તે સંસદસભ્ય બની ગઈ. સલમાન ખાન હરણનો શિકાર કરે કે પછી ફુટપાથ પર સૂતેલા ઘરબારવિહોણા માણસોને કચડી નાખે તોય તેને કાયદેસર કશું થાય નહીં અને ન્યાયની અદાલત કાયદેસર રીતે જ તેને અડધી રાતે મુક્ત કરે એને પણ ન્યાય જ કહેવાય. હરણને કોણે માર્યું કે પછી ફુટપાથ પર સૂતેલા માણસોને કોણે કચડી નાખ્યા એવું કોઈએ પૂછ્યું નહીં. આ બધાએ આત્મહત્યા કરી હોય એવુંય કદાચ બને!

૨૦૧૨માં દેશના પાટનગર દિલ્હીમાં એક છોકરી પર સામૂહિક બળાત્કાર થાય અને પછી એ છોકરીની હત્યા પણ થઈ જાય એ તો જઘન્ય અપરાધ હતો જ. અપરાધીઓ પકડાયા – એક નહીં પણ પૂરા છ દુરાચારીઓ આ માટે જવાબદાર હતા. આ કેસના કાગળિયા થયા, સામસામે દલીલો થઈ અને વિચાર કરવા જેવી વાત તો એ છે કે આવો અપરાધ કરનારાઓને પણ પોતાનો બચાવ કરવા માટે વકીલસાહેબોની સહાય પણ મળી ગઈ. જે ભયાનક અપરાધ માટે કોઈ પણ સજ્જન આ અપરાધીઓના પડછાયે પણ ઊભા ન રહે એ અપરાધીઓ પૂરા સાત વરસ સુધી અદાલતી હુતુતુતુ રમતા રહ્યા. આ છ અપરાધીઓ પૈકી એકે જેલમાં જ આત્મહત્યા કરી લીધી. બીજો એક સગીર હોવાને કારણે માત્ર ત્રણ વરસમાં મુક્ત થઈને સામાન્ય જીવન જીવવા માંડ્યો. બાકીના ચારને ફાંસીની સજા થઈ. આ ફાંસીની સજા સુપ્રીમ કોર્ટ સુધી માન્ય થઈ. આ પછી રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજીનો કાયદેસરનો અધિકાર પણ આ ગુનેગારોએ ભોગવ્યો. રાષ્ટ્રપતિએ પણ દયાની અરજી સ્વીકારી નહીં. ફાંસીની સજા માટે દિવસ નક્કી થયો. જલ્લાદને કામ આપવામાં આવ્યું, ખાસ દોરડું વણવામાં આવ્યું, તમામ વિધિઓ પૂરી કર્યા પછી કાયદાની કોઈક બારીકાઈ કોઈક ચબરાકિયાની નજરે પડી ગઈ. ક્યુરેટિવ પિટિશનથી માંડીને રાષ્ટ્રપતિ સમક્ષ પુનઃ દયાની અરજી ઇત્યાદિ ખાંખાંખોળાં શરૂ થયાં અને ફાંસીનો તૈયાર ગાળિયો અપરાધીને સજા કર્યા વિના લટકતો રહ્યો.

સવાલ એ થાય છે કે આ કયા પ્રકારના કાયદા છે જે નરી આંખે જોઈ શકાતા અપરાધીનો પણ અપરાધ સિદ્ધ થયા પછી પણ વાળ વાંકો કરી શકતા નથી. આવા અપરાધીને મુક્ત કરવા માટે વપરાતા શબ્દો કોઈ પણ વિવેકશીલ માણસને કમકમા ઉપજાવે એવા છે. બળાત્કારીઓને ફાંસીની તારીખ નિશ્ચિત થઈ ત્યારે પીડિતાની માતાએ પોતાને ન્યાય મળ્યો છે એવું કહ્યું હતું. આ પછી આ ફાંસીની સજાનો અમલ હાસ્યાસ્પદ રીતે લંબાતો રહ્યો ત્યારે આ માતાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે ન્યાયની આ હાંસી થઈ રહી છે અને પોતે એક માતા તરીકે હતાશા અનુભવી રહી છે. પીડિતાની માતાની આ લાગણી સામે અપરાધીઓના વકીલે એવું કહ્યું કે જેમ પીડિતાની માતાને પોતાની લાગણી છે એમ આ ચાર અપરાધીઓની માતાઓને પણ પોતાની લાગણી છે જ. હવે એક માતાની લાગણી સામે ચાર માતાઓની લાગણી એવો બારીક પ્રશ્ન ઊભો થાય છે.

આ ચાર માતાઓના કુપુત્રો બળાત્કારી છે. માતાઓ પ્રત્યે આપણને સહાનુભૂતિ હોય જ. આ માતાઓ પણ એક સ્ત્રી જ છે એટલે સ્ત્રી તરીકે બળાત્કારની વ્યથા અને પછી એ જ અવસ્થામાં હત્યા આ ક્ષણોની મનોદશા સમજી શકે એમ છે. તેમની મનોદશાને પીડિતાની માતાની મનોદશા સાથે સરખાવી શકાય નહીં. આ બળાત્કારીઓના વકીલસાહેબ તેમની મનોદશાને એક જ સ્તરે મૂકીને જ્યારે વાત કરે છે ત્યારે કાં તો તેઓ અજ્ઞાની છે અથવા ભારે ઊંડા ગણતરીબાજ છે.

એક રીતે જોઈએ તો આ ચાર બળાત્કારીઓની ફાંસીની સજાનો અમલ જે રીતે કાયદેસર ઠેલાતો જાય છે એ જોતાં એવું લાગે છે કે ન્યાયની કહેવાતી અદાલતોની ધજ્જીયાં ઊડી રહી છે. સમયસર ન્યાય અપાય નહીં અને ન્યાયના નામે જે ચુકાદો અપાય એનો અમલ પણ થાય નહીં એ અદાલતો અને એ ન્યાયતંત્ર સામે સામાન્ય સમજદાર અને વિવેકશીલ માણસોનો રોષ ભભૂકી ન ઊઠે તો બીજું થાય પણ શું? હૈદરાબાદ પોલીસે બીજા ચાર બળાત્કારીઓને એન્કાઉન્ટર કરીને ન્યાયના નામે થતી ભવાઈને રોકી એ જોઈને આખો દેશ રાજી થઈ ગયો એ શું સૂચવે છે?

અદાલતોએ વહેલાસર જાગવાની જરૂર છે અને વહીવટી તંત્રે પણ આંખ ફાડીને પ્રજાનો રોષ હૈદરાબાદની જેમ અન્યત્ર પણ ભભૂકી ઊઠે એ પહેલાં ન્યાયતંત્રને ન્યાયી બનાવવાની જરૂર છે. કોઈ પણ કેસની સુનવાઈ દિવસો નહીં, મહિનાઓ નહીં, વરસો નહીં પણ દશકાઓ સુધી ચાલતી રહે, મુદતો પડ્યા કરે અને બળુકા પક્ષો પેટાપ્રશ્નો પેદા કરીને જુદી-જુદી સુનાવણીઓ માગતા રહે એને રોકવી જ જોઈએ. કોઈ પણ કેસ અદાલતમાં દાખલ થયા પછી ચોક્કસ સમયમર્યાદામાં એનો નિકાલ થવો જ જોઈએ. ત્રણ-ત્રણ પેઢી સુધી સુનાવણીઓ જ થતી રહે અને એ કેસના બન્ને પક્ષના વકીલો તેમના અસીલો પાસેથી ગાંસડો ભરીને ફી મેળવીને પોતાનાં સંતાનોને પણ વકીલ બનાવે ત્યાં સુધી ન્યાયની ડુગડુગી વાગતી રહેવી ન જોઈએ. સરકારનું કાયદા ખાતું અને ન્યાય તંત્ર બન્ને સાથે મળીને આ વિષયમાં કશું ન કરી શકે?

dinkar joshi columnists weekend guide