શું તમે ક્યારેય ફેસબુક-ગ્રુપ્સ પર મેડિકલ ઍડ્વાઇસ માગી છે? તો સાવધાન!

12 February, 2020 12:47 PM IST  |  Mumbai | Arpana Shirish

શું તમે ક્યારેય ફેસબુક-ગ્રુપ્સ પર મેડિકલ ઍડ્વાઇસ માગી છે? તો સાવધાન!

તાજેતરમાં અમેરિકાના કોલોરાડોની એક મમ્મીએ ફેસબુક-ગ્રુપ મેમ્બર્સની વાત માનીને ચાર વર્ષના બાળકને ફ્લુની વૅક્સિન આપવાનું ટાળ્યું અને ફ્લુને કારણે જ બાળકે જાન ગુમાવ્યો. સોશ્યલ મીડિયા પર ફરતી હેલ્થની ક્વિક-ટિપ્સ અને ડૉક્ટર પાસે જવાને બદલે ગૂગલ કરીને શૉર્ટકટ ઇલાજ શોધવાની આવી આદત સ્વાસ્થ્ય અને જીવ બન્ને માટે જોખમી છે.

એક ફેસબુકના મધર્સ ગ્રુપ પર એક મમ્મીએ પોતાના અમુક મહિનાના બાળકના ફોટો શૅર કર્યા અને લખ્યું કે છેલ્લા કેટલાક દિવસથી મારા બાળકના પ્રાઇવેટ પાર્ટમાં આટલી હદે ડાયપરના રૅશ પડી ગયા છે, પ્લીઝ મને કોઈ હોમ રેમિડી સૂચવો. જવાબમાં કેટલીક મમ્મીઓએ એ પોસ્ટ નાખનારની અત્યાર સુધી શું તમે સૂતાં હતાં એવું કહીને ખબર લઈ નાખી, તો કેટલીક મમ્મીઓએ આ રીતે સોશ્યલ મીડિયા પર ઇલાજ શોધવાને બદલે બાળકને ડૉક્ટર પાસે લઈ જવાની સલાહ આપી. તો કેટલીક મમ્મીઓએ પોતાને જે પણ કોઈ ઇલાજની કે નુસખાઓની જાણ હતી એ લખી નાખ્યા. અહીં એ પોસ્ટ કરનાર મમ્મી પણ

ચિંતામાં હતી કે તેના બાળકની તકલીફનો અંત આવે અને ઇલાજ સૂચવનાર મમ્મીઓ પણ પોતાને માટે ઉપયોગી નીવડેલા અનુભવો શૅર કરી રહી હતી, પણ આ બધામાં તેઓ એક વાત ભૂલી જાય છે કે એક ચીજ જો એક વ્યક્તિ માટે સારી સાબિત થાય તો એનો અર્થ એ નથી કે એ બધા માટે સારી હોય.

તાજેતરમાં કોલોરાડોમાં ઘડેલા કિસ્સામાં પણ આવું જ કંઈક થયું. નવા-નવા રોગ માટે સરકાર દ્વારા બનાવવામાં આવતી વૅક્સિન કઈ રીતે મોતનું કારણ બને છે એ વિશે લોકોને ખોટા માર્ગે દોરતા કેટલાક લોકોએ બનાવેલા ગ્રુપના મેમ્બર્સે ફ્લુ માટેની વૅક્સિન લેવી જ ન જોઈએ એવું તે મમ્મીને ઠસાવ્યુ હતું. જોકે એ જ ફ્લુને લીધે બાળકનું મૃત્યુ થયું હતું અને ફરી પાછો એક વાર સોશ્યલ મી‌ડિયા પર મેડિકલ ઍડ્વાઇસ લેવાથી થતાં જોખમો ચર્ચાનો વિષય બની ગયાં છે. જાણી લો એક્સપર્ટ આ બાબતે શું કહે છે.

જીસકા કામ ઉસીકો સાજે

જે રીતે બંધ પડી ગયેલી ગાડી એક મેકૅનિક જ રિપેર કરી શકે એ રીતે મેડિકલ ઍડ્વાઇઝ એક મેડિકલ-એક્સપર્ટ જ આપી શકે. આવું જણાવતાં જનરલ ફિઝિશિયન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘કોઈ પણ ઑનલાઇન ફોરમ પર મેડિકલ ઍડ્વાઇસ લેવી જોઈએ જ નહીં, કારણ કે આજે સોશ્યલ મીડિયા પર મોટા ભાગની ચીજો ફેક હોય છે ત્યારે પોતાને ડૉક્ટર કે મેડિકલ પ્રૅક્ટિશનર ઓળખાવતી વ્યક્તિ હકીકતમાં એ છે કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી અને માટે જ જ્યારે તબિયત બગડે ત્યારે એનો ઇલાજ પર્સનલી ડૉક્ટર પાસે જઈને જ કરાવવો જોઈએ. ઑનલાઇન કન્સલ્ટેશન પણ બને ત્યાં સુધી લેવાનું ટાળવું જોઈએ. આ સિવાય ઘણી વાર લોકો હોમ રેમિડી અને જનરલાઇઝ મેડિકલ ઍડ્વાઇઝ પર પણ ખૂબ વિશ્વાસ મૂકી દેતા હોય છે અને વાત હોય બાળકોની ત્યારે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આવાં ફેસબુક-ગ્રુપ પર આપેલી સલાહ વ્યક્તિના પોતાના અનુભવો હોય છે. તેણે તમારું ડાયગ્નોસિસ નથી કર્યું અને ન તો એ તમારી તાસીર જાણે છે. તમારું શરીર, તમારી દવાઓને પચાવવાની ક્ષમતા અને તમારી ઍલર્જીઓ વિશેની સમજ ફક્ત તમારા ડૉક્ટરને હોય છે માટે તબિયત જો સુધારવી હોય તો એ માટેની સલાહ ડૉક્ટર પાસેથી જ લેવી.’

એકની દવા બધાને ન ચાલે

માથાના દુખાવા કે સ્કિન-ઇન્ફેક્શનની દવા જો કોઈ એક વ્યક્તિને અસર કરી ગઈ હોય તો એનો અર્થ એ નથી કે એ સેમ લક્ષણો ધરાવતી બીજી વ્યક્તિને પણ અસર કરે. એક વ્યક્તિનું સ્કિન ઇન્ફેક્શન ઍલર્જિક જ્યારે બીજી વ્યક્તિનું ઇન્ફેક્શન બૅક્ટેરિયલ કે ફંગલ હોઈ શકે. આ વિશે ડૉ. સુશીલ કહે છે, ‘ઘણા લોકો દવાનું પ્રિસ્ક્રિપ્શન આજીવન સંભાળતા હોય છે. કેટલાક સમય પહેલાં પેટમાં દુખ્યું હતું એની દવા આજે પેટના દુખાવા પર કદાચ સેમ વ્યક્તિને અસર ન પણ કરે.’

 અર્થાત્ બધી જ દવા બધા માટે નથી હોતી. ડૉક્ટર જ્યારે દવા કે એનો ડોઝ નક્કી કરે એ પહેલાં તમારું વજન માપે છે અને વજન પરથી કેટલા મિલીગ્રામની દવા માફક આવશે એ નક્કી કરે છે. બાળકોમાં આ માપદંડ ફૉલો કરવા ખૂબ આવશ્યક છે ત્યારે વ્યક્તિએ કોઈ બીજાની દવા પોતાને માટે સારી રહેશે એવી ભ્રમણામાં ન

રહેવું જોઈએ. એ સિવાય દવાઓની

ઍલર્જી પણ થાય છે. સોશ્યલ મીડિયા ફોરમ પર જો મેડિકલ ઍડ્વાઇઝ માગવામાં પણ આવે તો સામેવાળી વ્યક્તિ તમારા સિમ્પ્ટમ જાણીને ફક્ત જનરલાઇઝ મેડિસિન સૂચવશે, પણ એ સમસ્યાનો ચોખ ઇલાજ તો નહીં જ હોય. આ જ વાત ઘરગથ્થુ ઉપાયો અને આયુર્વેદિક ઍડ્વાઇસ માનતાં પહેલાં પણ ધ્યાનમાં રાખવી જોઈએ. શરદી માટે એક બાળકને સૂટ થયેલો આદુનો રસ અને મધનું ચાટણ બીજા બાળક માટે ઍલર્જિક બની શકે.

એક જણનો અનુભવ પૂરતો નથી

આજના સમયમાં જ્યાં લોકો અને ખાસ કરીને પેરન્ટ્સ એટલા બધા વ્યસ્ત હોય છે કે ડૉક્ટર પાસે જવા કરતાં તેમને ઘરે જ ઉપચાર કરી લેવાની ઝંખના હોય છે અને એવામાં આવા પેરન્ટ્સ સપોર્ટ ગ્રુપ પર પોતાના જેવા જ બીજા પેરન્ટ્સની વાતો અને અનુભવો પર વિશ્વાસ રાખે એ સ્વાભાવિક છે, પણ અહીં દરેક વ્યક્તિનું શરીર, તેઓ જ્યાં રહે છે ત્યાંનું હવામાન આપણા કરતાં તદન જુદું હોઈ શકે. એવું પણ બને કે તેમણે જે ઉપાય કરેલો એ જોખમી હતો, પણ તેમને માટે કામ કરી ગયો, કારણ કે કદાચ તેઓ લકી હતા. અહીં, તમે અને તમારું બાળક પણ એટલાં જ લકી હો એ જરૂરી નથી.

સોશ્યલ મીડિયાનો ઉપયોગ

સોશ્યલ મીડિયાની મૂળભૂત શોધ લોકોને નજીક લાવવા માટે, નેટવર્કિંગ માટે થઈ હતી. જેનો પછીથી વપરાશ અનેક રીતે થવા લાગ્યો. અહીં ફેસબુક જેવા પ્લૅટફૉર્મને મેડિકલ ઍડ્વાઇસ માટે વાપરવા કરતાં ફન અને મનોરંજનનું સાધન જ રહેવા દેવામાં આવે તો જોખમમાં ઘટાડો થશે.

આ મમ્મી-ગ્રુપે મેડિકલ ક્વેરી કરી છે બૅન

ફેસબુક તેમ જ બીજા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આશરે બે લાખ જેટલી મમ્મીઓને કનેક્ટેડ રાખતા ગ્રુપ એફએમસી (ફર્સ્ટ મૉમ્સ

ક્લબ)ની શોધક રુચિતા ધાર શાહે પોતાના ગ્રુપમાં કોઈ પણ મેમ્બરને મેડિકલ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછવાની મનાઈ ફરમાવી છે. આ ગ્રુપનો રૂલ જ છે કે મેડિકલ ઍડ્વાઇઝ ફક્ત ડૉક્ટર પાસેથી લેવી. રુચિતા કહે છે, ‘કેટલીક વાર આવી પોસ્ટ મારે ડિલીટ કરવી પડે અને આ માટે મેમ્બર્સની નારાજગીનો સામનો પણ કરવો પડે છે, પરંતુ મારી મમ્મી પોતે ડૉક્ટર હોવાને લીધે મને બાળપણથી જ તેમણે વાત શીખવી છે કે દરેક દવા દરેક માટે નથી હોતી અને માટે જ ભલે નારાજગી સહન કરવી પડે તોયે મારા ગ્રુપમાં મેડિકલ ઍડ્વાઇસ અને હોમ રેમિડી માગતી પોસ્ટ નહીં એટલે નહીં જ.’

સોશ્યલ મીડિયા પર મોટા ભાગની ચીજો ફેક હોય છે ત્યારે પોતાને ડૉક્ટર કે મેડિકલ એક્સપર્ટ જણાવતી વ્યક્તિ પણ ફેક છે કે રિયલએ જાણવું મુશ્કેલ છે એટલે તબીબી સલાહ લેવી હોય તો પ્રત્યક્ષ ડૉક્ટરને મળીને જ!

- ડૉ. સુશીલ શાહ

arpana shirish columnists