ઉદારતા અને આતિથ્ય કચ્છની પ્રજાના લોહીમાં છે

18 February, 2020 11:59 AM IST  |  Kutch | Mavji Maheshwari

ઉદારતા અને આતિથ્ય કચ્છની પ્રજાના લોહીમાં છે

ડાન્સ

કચ્છ સદીઓથી અભાવો અને અગવડોનો પ્રદેશ રહ્યો છે. રાજાશાહીમાં પણ આખાય કચ્છ પર એક કેન્દ્રવર્તી સત્તાનો પ્રભાવ રહ્યો નથી. સુખાકારી અને સગવડો બાબતે સત્તાધીશોની મીઠી નજરનો અભાવ રહ્યો છે. રોજગારીને નામે અહીંની પ્રજા વર્ષો સુધી પશુપાલન અને ખેતી સાથે જોડાયેલી રહી. ઉદ્યોગો અને વિવિધ વ્યવસાયો માટેના માર્ગો છેક એકવીસમી સદીમાં ખુલ્યા છે. એક તરફ રણ અને બીજી તરફ દરિયો. કુદરતના બે જુદા પરિમાણો વચ્ચે જીવનારી અહીંની પ્રજામાં ઉદારતા અને માણસ જોઈને ઊમટતો સહજ રાજીપો પ્રજાનો સ્વભાવ બની ગયો. એટલે જ આજે પણ મહેમાન કે અતિથિને જોઈને રાજી થવાનું લક્ષણ જળવાઈ રહ્યું છે. જોકે હવેનું કચ્છ આર્થિક રીતે સધ્ધર બનતું જાય છે તેમ છતાં સહજ સરળતા અને અજાણ્યાને મદદ કરવી કે સત્કાર કરવાની ભાવનામાં ઓટ આવી નથી.

બે દાયકા પહેલાંની વાત છે. ભૂકંપને ચારેક દિવસ થયા હતા. આખું કચ્છ ભયગ્રસ્ત હવામાં શ્વાસ લેતું હતું. વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી. લોકો બહારથી આવેલી રાહતસામગ્રી પર જીવતા હતા. હું અને ટીવી ચૅનલના બે પત્રકાર મિત્રો ભૂકંપગ્રસ્ત વિસ્તારોના કવરેજ માટે નીકળ્યા હતા. અમે ચાર જણ એક નાના-શા ગામમાં આવ્યા. વાગડ વિસ્તારનું એકેય ગામ પૂર્ણ સલામત બચ્યું નહોતું. અમે જે ગામમાં ગયા એ ગામ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું હતું. લોકો પોતાના મકાનો આસપાસની ખુલ્લી જગ્યામાં આડસો બાંધી રહેવા લાગ્યા હતા. પત્રકાર મિત્રોને મૂંઝવણ થતી હતી કે ચોમેર આવી સ્થિતિ છે તો  શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી? કોને શું પૂછવું? મારે લખવાની સાથે સાથે  દુભાષિયાનું કામ કરવાનું હતું. અમે પ્લાસ્ટિક અને સાંઠીની આડશમાં બેઠેલા એક પરિવાર પાસે આવ્યા. મેં ગુજરાતીમાં એ પરિવારની મહિલાને બધું સમજાવ્યું. ટેક્નિશિયન્સ એના કૅમેરા સ્ટાર્ટ કરે તે પહેલાં આધેડ વયની મહિલાના મોં ઉપર એક મીઠું સ્મિત આવ્યું. તેણે મને કહ્યું – ભાઈ ઈ બધું પછી કરજો, પેલા બેસો અને ચા પીઓ. મેં જોયું કે ઘરવખરીને નામે થોડાંક વાસણો મને દેખાતા હતા. હિન્દીભાષી પત્રકારો પણ સમજ્યા કે ચાની વાત થઈ રહી છે. એ પરિવારની સ્થિતિ જોઈ મારા મિત્રોએ આનાકાની કરી, પણ પેલી મહિલા અને એકઠા થઈ ગયેલા આસપાસના લોકો જીદ ઉપર જ આવી ગયા કે પહેલા ચા પીઓ પછી જ વાત કરો. બે મહિલાએ તો કહ્યું  - ચા તો પીવી જ પડશે. તમે અમારે ઘરે ક્યાંથી? ઘર ભાંગી પડ્યું છે, અમે જીવતા છીએ. હિન્દીભાષી પત્રકાર મિત્રોને જ્યારે મેં ભાષાંતર કરીને સમજાવ્યું કે આ મહિલા શું કહી રહી છે ત્યારે એમાંના એક જણે જે પ્રતિભાવ આપ્યો હતો એના ઉપર આજે પણ ગર્વ થાય છે – મહેશ્વરીજી અદભુત હૈ આપકા કચ્છ. ઇસ પ્રદેશ કો કોઈ ઝુકા નહીં શકતા, ન ભૂકંપ, ના તો અકાલ. એવો જ એક પ્રસંગ યાદ આવે છે. એ વાતની નોંધ રાજ્યના અધિકારીઓએ પણ લીધી હતી. ભૂકંપના ખુલ્લા ઘાવ તાજા હતા. વંદનીય મોરારિબાપુ કચ્છના ભૂકંપગ્રસ્ત એક ગામમાં ગયા. મોરારિબાપુને જોઈ પોતાનું સર્વસ્વ ખોઈ બેઠેલા એક વૃદ્ધ માજી ભૂલી ગયા કે તેમણે શું ખોયું છે. તેમણે પોતાની ઓઢણીના છેડામાં બાંધેલી દસ રૂપિયાની નોટ મોરારિબાપુના ચરણે ધરતા કહ્યું, તમારા પગલાં મારા ગામમાં થયાં એ અમારાં ધનભાગ. તમે મારા ગામમાં ફરી ક્યારે આવો? મારે તમને કંઈક ધરવું જ પડે. કરોડો કમાયા પછી લાખોના દાન કરનારા તો મળી આવે એ સ્વાભાવિક છે, પણ  જીવન-મરણનો જંગ ચાલતો હોય ત્યારે આદર્શ ન છોડવો એ તો લોહીમાં વહેતું હોય તો બને. એ વૃદ્ધ માજીની દસ રૂપિયાની નોટ કરોડો રૂપિયા કરતાં મોટી હતી. એ નોટ કચ્છની ખુમારીનું અને દાતારીનું પ્રતિક હતી. આજે એ વાતો યાદ આવે છે તો મને મારા પ્રદેશના સ્વભાવ અને તાસીરનો મીઠો આનંદ થાય છે.

સામાન્ય રીતે આતિથ્યનો અર્થ પોતાને ઘેર આવેલા સગાંસંબંધી કે ઓળખીતાનો સત્કાર એવો કરવામાં આવે છે, પરંતુ આતિથ્યનો અર્થ જરા જુદો થાય છે. વાસ્તવમાં મહેમાનગતિ અને આતિથ્ય બને જુદા ભાવ-અર્થ ધરાવે છે. મહેમાનગતિ સ્વાભાવિક છે, કેમ કે એમાં સંબંધનું ખેંચાણ છે. જ્યારે આતિથ્ય એ માત્ર અને માત્ર મનુષ્યની ઉદ્દાત ભાવનાનો પરિચાયક શબ્દ છે. અનેક વિવિધતાઓ અને વિટંબણાઓ વચ્ચે આડેસરથી કોટેશ્વર સુધી ફેલાયેલા કચ્છની ધરતી પર જીવતી પ્રજાની એક ચોક્કસ ખાસિયત એ છે કે તેઓ અજાણ્યા માણસ પર તરત વિશ્વાસ મૂકી દે છે. તેનું કારણ તેની આતિથ્યભાવના અને માણસને જોઈને રાજી થવાનો સ્વભાવ. જે આ પ્રદેશની પ્રજાના લોહીમાં વહે છે. પૂર્વ છેડાનું વાગડ હોય કે પશ્ચિમ છેડાનું ગરડો પંથક હોય, અહીં કોઈને ઘેર જાઓ અને ચા ન પીઓ તો સામેવાળાને ખોટું લાગી જાય. સદીઓથી કુદરતની અવકૃપાનો ભોગ બનતા રહેલા આ કચ્છના માનવીએ પોતાના દુખના ઓસડ તરીકે માનવીય આનંદ બીજાને આપીને જીવનનો આનંદ મેળવવાનો કદાચ રસ્તો શોધ્યો છે. વર્તમાન કચ્છ ભલે ઉદ્યોગો અને યાંત્રિકીના પ્રભાવ તળે ઝળહળતું લાગે છે. કદાચ એ એની જરૂરત પણ હતી, પરંતુ એવું કહેવાય છે કે સદીઓથી અભાવો વચ્ચે જીવતી પ્રજા સ્વભાવે ઉદાર બની જાય છે. મોટાભાગના રણ પ્રદેશોની પ્રજાનો આ સ્વભાવ હોય છે. સામાન્ય રીતે વિષમ પરિસ્થિતિઓ મનુષ્યને સ્વાર્થી બનાવી દે અથવા ક્રૂર બનાવી દે એ શક્ય છે, પરંતુ કચ્છમાં ઊલટું બન્યું છે. અહીંની વિષમ પરિસ્થિતિઓએ અહીંના માણસની લેવા કરતાં આપવાની વૃત્તિને પોષી છે. જો ભૂતકાળ તપાસવામાં આવે તો ભયંકર ભૂખમરાના દિવસો આ પ્રદેશની વિતેલી પેઢીઓએ જોયા છે. એવા દોહ્યલા દિવસોમાં કચ્છી માડૂએ કદાચ હાથ લંબાવ્યો હશે, પણ ક્યાંય હાથ માર્યો નથી.

અહીં આતિથ્યની વાત થઈ રહી છે ત્યારે કચ્છના ગામડામાં ગવાતા એક લોકગીતનું સ્મરણ થાય છે. ‘હેલ ભરીને હું તો હાલું રે ઉતાવળી, મારે હૈયે હરખ ન માય રે. મારા ઘેર મહેમાન આવ્યા’ લોકગીત એક એવું કાવ્ય છે જેમાં વ્યક્તિગત કરતાં વધુ સમૂહની લાગણી પડઘાતી હોય છે. આજે પણ કચ્છનાં ગામડાઓમાં કોઈના ઘેર સગાંસંબંધી કે કોઈ ઓળખીતા આવે ત્યારે એ માત્ર એ ઘર પૂરતાં નથી રહેતા. સવારે જેમના ઘેર મહેમાન આવ્યા હોય એમના માટે આસપાસના પરિવારોના દરેક ઘેરથી ચા આવે, ભોજનના નિમંત્રણ અપાય છે. 

અજાણ્યાને આશરો આપવો, અજાણ્યાને પણ ભાવથી ભેટવું એ આ પ્રદેશનો એક સ્વભાવ છે. એવો એક પ્રસંગ યાદ આવે છે. વાત ભૂકંપ પહેલાંની છે જ્યારે માર્ગો આધુનિક નહોતા. સ્થળસૂચક નિશાનીઓ પણ આધુનિક નહોતી. ગાંધીનગરથી કચ્છ આવેલા મારા અધિકારી મિત્રો બન્ની બાજુ કોઈ કારણસર રસ્તો ભૂલ્યા. તેમણે રસ્તે મળેલા કચ્છીમાડૂને પૂછ્યું, તો તેણે કહ્યું, સાહેબ તમને નહીં જડે, ચાલો હું સાથે આવું છું. એ અજાણ્યો માણસ પંદરેક કિલોમીટર સાથે ગયો. અચાનક પેલા અધિકારીઓને ખ્યાલ આવ્યો કે આ માણસ તો જુદી દિશામાં જતો હતો. તેમણે પૂછ્યું ભાઈ તમે હવે કેવી રીતે જશો? એ કચ્છી માણસે કહેલા શબ્દો જવાબ ભોમકાનું પ્રતિનિધિત્વ કરતા હોય એવું લાગે છે. 

સાહેબ હું તો પગે ચાલ્યો જઈશ. અમારે તો રોજનું છે. તમે મહેમાન કહેવાઓ, મહેમાન હેરાન થાય તે ન પોષાય!

mavji maheshwari kutch columnists