કરાચીથી મુંબઈનો ટપાલવ્યવહાર કચ્છ માર્ગે કરાતો

11 February, 2020 02:24 PM IST  |  Mumbai | Naresh Antani

કરાચીથી મુંબઈનો ટપાલવ્યવહાર કચ્છ માર્ગે કરાતો

ટપાલવ્યવહાર

માનવસંબંધોમાં સંદેશવ્યવહારનું ખૂબ જ મહત્વ છે. માનવજાતિના ઉદયકાળથી જ સંદેશવ્યવહારની જરૂરિયાત લાગતી રહી છે અને એક યા બીજું માધ્યમ સંદેશવ્યવહાર માટે શોધાતું રહ્યું છે. દક્ષિણ ભારતની દ્રવિડ પ્રજા પ્રાચીનકાળમાં પથ્થર પર યા ઝાડનાં પાંદડાં પર ચોક્કસ ચિહ્નો અંકિત કરીને સંદેશાઓની આપ-લે કરતી. વર્તમાન ટપાલવ્યવહારનાં મૂળ કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ અઢી હજાર વર્ષથી વધુ સમય પહેલાં ભારતમાં નખાયાં હતાં. સમ્રાટ અશોક સંદેશાવાહક તરીકે કબૂતરોનો ઉપયોગ કરતો. ચોક્કસ સ્થળોએ પહોંચવાની તાલીમ પામેલાં કબૂતરોને એમના પગમાં પહેરાવેલી વીંટીમાં નાના કદનાં પત્રો લટકાવી દેવામાં આવતાં.

ડાક ચોકી (ટપાલસેવાનાં મથકો)ની સેવા અલ્લાઉદ્દીન ખીલજીના શાસનકાળમાં ઈસવી સન ૧ર૯૬માં અસ્તિત્વમાં હતી, જ્યારે ઘોડેસવારો અને પગપાળા કાસદો દ્વારા આ વહેવાર ચાલતો હતો જેથી ખીલજીને યુદ્ધમેદાનમાં લડતા પોતાના લશ્કરની માહિતી નિયમિતપણે મળતી રહેતી. એ સમયમાં  પગપાળા કાસદ દ્વારા પાઠવાતા સંદેશાને સિંધથી દિલ્હી પહોંચતા ૫૦ દિવસ લાગતા હતા, પણ રાજ્યના સંદેશા પહોંચાડવા ઘોડાઓ અને પગપાળા કાસદોનો ઉપયોગ કરાતાં માત્ર પાંચ દિવસ લાગવા માંડ્યા. ઘોડાઓ પર લઈ જવાતી ટપાલ માટે દર ચાર માઇલે ઘોડો બદલી નાખવામાં આવતો અને ગ્રામ્ય વિસ્તારમાં પગપાળા કાસદો ટપાલ લઈ જતા.

આ કાસદો એક લાકડીમાં ટપાલનો થેલો ભરાવીને ખભે લટકાવતા, બીજા હાથમાં ઘૂઘરા બાંધેલો ભાલો લેતા અને દોડતા જતા. ઘૂઘરાનો અવાજ જંગલી પશુઓને દૂર રાખવામાં અને જોખમભરી પરિસ્થિતિમાં સ્વરક્ષણ કરવામાં ભાલો ઉપયોગમાં આવી શકતો. પગપાળા ટપાલ પહોંચાડતા કાસદને ‘હલકારા’ તરીકે ઓળખવામાં આવતા.

મોગલોના શાસન દરમ્યાન બાબરના સમયમાં ઘોડા પર લઈ જવાતી ટપાલસેવા આગરાથી કાબૂલ સુધીની હતી. બાદશાહ શેરશાહ દ્વારા (ઈસવી સન ૧પ૪૧થી ૧પ૪પ) બંગાળ અને સિંધ વચ્ચે ટપાલવ્યવહાર માટે ૧૭૦૦ જેટલી સરાઈઓ (મથકો) ઊભી કરવામાં આવી હતી અને દર બે માઇલે દરેક સરાઈ પર બબ્બે ઘોડા રાખવામાં આવતા જે ટપાલને આગળ લઈ જવામાં સાંકળ જેવા બની રહ્યા હતા. વળી શહેનશાહ અકબરે દર ૧૦ માઇલે ટપાલ માટે ઘોડા ઊભા રાખવાની વ્યવસ્થા કરી હતી અને ટપાલવ્યવહારને ઝડપી બનાવવા તુર્કસ્તાનથી ખાસ ઘોડા મગાવ્યા હતા. હૈદરઅલીએ આવા ટપાલવહેવારનો ઉપયોગ ઈસ્ટ ઇન્ડિયાના શાસન સામે લડવા જાસૂસી માટે કર્યો હતો. ઈસવી સન ૧પપ૬થી  ૧૬૦પ દરમ્યાન રણ અને રેતાળ પ્રદેશોમાં ટપાલવ્યવહાર ચાલુ રાખવા ઊંટોનો ઉપયોગ કરાતો હતો.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હિન્દુસ્તાનમાંનાં પોતાનાં થાણાંઓ વચ્ચે ટપાલવ્યવહાર ચાલુ કર્યો હતો. કંપનીએ પહેલું થાણું મદ્રાસમાં ઈસવી સન   ૧૬૩૯માં ઊભું કર્યું હતું. બાદમાં મુંબઈમાં ઈસવી સન ૧૬૬૦માં અને કલકત્તામાં ૧૬૮૬માં થાણાં નાખ્યાં. આ થાણાંઓ વચ્ચેના સંદેશવ્યવહાર માટે કાસદો રાખેલા, પણ એ ઘણો ધીમો વ્યવહાર હતો. ઈસવી સન ૧૭૬૬માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનાં લશ્કરી અને મુલકી થાણાંઓ વચ્ચેના વ્યવહાર માટે નિયમિત ટપાલ પદ્ધતિ શરૂ કરી જેનો ઉપયોગ સામાન્ય જનતાને કરવા દેવા ઈસવી સન ૧૭૭૪માં છૂટ મળી હતી. બાદમાં ઇંગ્લૅન્ડ અને હિન્દુસ્તાન વચ્ચે ટપાલવહેવાર માટે જહાજોનો ઉપયોગ શરૂ થયો જેને માટે ૪૦૦ જહાજો કામે લગાવાયાં હતાં જે માલ ઉપરાંત ટપાલ લઈ જતાં.

ઈસવી સન ૧૮૭૭માં બ્રિટનની મહારાણી વિકટોરિયાએ હિન્દુસ્તાનની સમ્રાજ્ઞી તરીકેનું પદ ગ્રહણ કર્યું અને ત્યાર પછી બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટો પર ‘ઈસ્ટ ઇન્ડિયા પોસ્ટેજ’ની જગ્યાએ ‘ઇન્ડિયા પોસ્ટેજ’ છપાવું શરૂ થયું. હિન્દુસ્તાનમાં ‘કન્વેનશનલ સ્ટેટ તરીકે ઓળખાતાં રાજ્યો હતાં અને બીજા ફ્યુડેટરી સ્ટેટ રાજ્યો હતાં. પ્રથમ પ્રકારનાં રાજ્યો બ્રિટિશ સરકાર દ્વારા છપાતી ટપાલ ટિકિટો પર પોતાનાં રાજ્યોનાં નામો છપાવતાં. બીજા પ્રકારનાંરાજ્યોમાં ૩પ એવાં હતાં જેઓ પોતાના રાજાની તસવીરો ટપાલ ટિકિટો પર છાપતા, પણ એનો ઉપયોગ તે-તે રાજ્યની હદ સુધી સીમિત હતો. ઈસવી સન ૧૮૬૪માં ‘સોરઠ’ રાજ્યે પ્રથમ ટપાલ ટિકિટ બહાર પાડી જેના પર ‘સૌરાષ્ટ્ર ડાક સંવત ‘૧૯રપ’ હિન્દીમાં છપાવેલું.

ઈસવી સન ૧૭ર૦માં મદ્રાસ અને કલકત્તા વચ્ચે જળમાર્ગે ટપાલ મોકલવાનું શરૂ થયું અને આ ટપાલ લઈ જનારી ચાર સઢવાળી લાંબી નૌકા હોવાથી એને ‘નદી ટ્રેન’ નામ અપાયું હતું. આવા જળમાર્ગે ટપાલવહેવાર શરૂ થતાં લાભ એ થયો કે સામાન્ય રીતે એ સમયમાં મદ્રાસથી કલકત્તા ટપાલ પહોંચતા બે-ત્રણ મહિના લાગતા એની જગ્યાએ ‘નદી ટ્રેન’ દ્વારા એક જ મહિનો લાગતો. ઈસવી સન ૧૭૭પમાં જળમાર્ગે ટપાલવ્યવહાર શરૂ કરાયો.

અહીં એની નોંધ લેવાનું રસપ્રદ બની રહેશે કે સઢવાળાં વહાણો દ્વારા અગાઉ ટપાલ ઇંગ્લૅન્ડ લઈ જવાતી અને એનો જવાબ મળતાં એકાદ વર્ષ જેટલો સમય લાગી જતો.

ઇંગ્લૅન્ડમાં ટપાલ ટિકિટોનું ચલણ ઈસવી સન ૧૮૪૦માં શરૂ થયું અને ૧ર વર્ષ પછી ઈસવી સન ૧૮પરમાં સિંધ જિલ્લાના બ્રિટિશ કમિશનર સર બાર્ટલ ફેરે પોતાના પ્રદેશ (સિંધ)માં ટપાલ ટિકિટોનો વ્યવહાર શરૂ કરવાનો નિર્ણય લીધો અને પોતાના મિત્ર એવા કરાચીના પોસ્ટમાસ્તર એડવર્ડ એલ. કોફાની મદદથી આ વ્યવસ્થાનો અમલ કરાવ્યો. સિંધ માટે પહેલી ટપાલ ટિકિટ ઈસવી સન ૧૮પરમાં છાપવામાં આવી જે ‘સિંધ ડાક’ના નામથી ઓળખાતી. ઈસવી સન ૧૮પ૪માં આખા હિન્દમાં ટપાલ ટિકિટનો વ્યવહાર દાખલ કરવામાં આવ્યો. આ ટપાલવ્યવસ્થાને ‘ઇમ્પિરિયલ પોસ્ટ’ નામ અપાયું હતું, પણ એ વેળા થોડાં રાજ્યોમાં પોતાનો ટપાલવહેવાર હતો એમાં માલવા અને રાજસ્થાનનો વ્યવહાર ઘણો વ્યવસ્થિત અને નિયમિતપણે ચાલતો હતો. આ વ્યવહાર બ્રાહ્મણો ચલાવતા હોવાથી એને ‘બ્રાહ્મણી ડાક’ નામ અપાયું હતું. ઇમ્પિરિયલ પોસ્ટ માટે આ બ્રાહ્મણી ડાક એક મક્કમ પડકાર સમાન હતી. બ્રાહ્મણો પૂજનીય ગણાતા હોવાથી બ્રાહ્મણી ડાકને સુંટારા કે પિંઢારા પણ કોઈ હરકત પહોચાડતા નહીં. આ ટપાલવહેવાર એટલો વ્યવસ્થિત હતો કે એની સ્પર્ધા કરવાનું મુશ્કેલ હતું. એટલે આ ડાકના પ્રદેશોનાં રાજ્યોમાં ઇમ્પિરિયલ પોસ્ટ દાખલ કરતી વેળા રજવાડાં સાથે થતા કરારમાં એવી શરત રખાતી કે ‘બ્રાહ્મણી ડાક’ વ્યવહાર બંધ થવો    જોઈએ.

‘સિંધ ડાક’ના વ્યવહાર દરમ્યાન તત્કાલીન મુંબઈ સરકારને થયું કે કરાચીથી મુંબઈ સુધીની ટપાલસેવા ભારે ખોટમાં જાય છે એટલે મુંબઈ સરકારે સિંધના કમિશનરને ‘સિંધ ડાક’ સિંધની પ્રજામાં લોકપ્રિય બનાવવા યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. પરિણામે સિંધ ડાકની ટિકિટોનો ઉત્તરમાં કરાચીથી શિકારપુર, દક્ષિણમાં કરાચીથી મુંબઈ અને પૂર્વમાં હૈદરાબાદ અને ઉમરકોટ વિસ્તારોમાં  બહોળો પ્રચાર કરાયો.

 અહીં નોંધનીય બાબત એ છે કે કરાચીથી મુંબઈના ટપાલવ્યવહારમાં કચ્છનું મહત્વ હતું. કરાચીથી મુંબઈ જતી ટપાલને છ સ્થળોએ બદલી કરવી પડતી. કરાચીથી પહેલા ઠઠા (નગર ઠઠા), ત્યાંથી કચ્છનું લખપત, ત્યાંથી કચ્છનું પાટનગર ભુજ, ત્યાંથી અમદાવાદ અને પછી મુંબઈ ટપાલ જઈ શકતી. મોટા ભાગનાં આ ટપાલમથકો ‘હલકારા’ઓનો ઉપયોગ કરતા. દર છ–સાત માઇલે હલકારા બદલાતા જતા હતા.

પણ કરાચીનો આ હવાલો ઈસવી સન ૧૮૮પમાં મુંબઈની પોસ્ટ ઑફિસને સોંપાયો. ભુજ ખાતેની પોસ્ટલ સુપરિન્ટેન્ડેન્ટની કચેરીમાં રખાયેલા દફતરમાં નોંધ છે કે જ્યાં સુધી કચ્છ રાજ્યમાં બ્રિટિશ રેસિડન્ટનું મથક હતું ત્યાં સુધી કચ્છને માટે અલગ પોસ્ટલ ડિવિઝન હતું. ઈસવી સન ૧૯ર૭માં રેસિડન્સી નાબૂદ થવાની સાથે કચ્છનું રાજકીય મહત્વ ઘટી ગયું અને કચ્છને રાજકોટ ડિવિઝન નીચે મૂકી દેવાયું હતું. આઝાદી બાદ ૧૯૬૧ની ૧ નવેમ્બરથી કચ્છનું અલગ ટપાલ ડિવિઝન શરૂ થયું.

kutch naresh antani columnists