ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે

22 February, 2020 02:16 PM IST  |  Mumbai | Sanjay Raval

ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફણડવીસ

આ નવા જમાનાનો પ્રેમ છે અને નવા જમાનાનો પ્રેમ હંમેશાં એક શરત સાથે આવે છે. પેલી ફુદડીવાળી શરત સાથે જેમાં લખ્યું હોય છે.

Love is always coming with expiry date.

- અને આ સાચું જ છે. મનમાં પ્રેમ જન્મે ત્યાં જ એની એક્સપાયરી ડેટ લખાઈ જાય છે. એક વર્ષ, બે વર્ષ, કોઈક-કોઈક વાર તો ત્રણચાર કે પાંચ મહિના જેવી ટૂંકી એક્સપાયરી ડેટ પણ હોય છે. આ સમયગાળામાં ‘મારો બકો’ ને ‘મારી બકી’ ને બકાબકી બધુંય ચાલે, પણ પછી બધુંય ધબાય નમ:

જ્યારે યુવાનીમાં ભવિષ્યનું નિર્માણ કરવાનું હોય છે ત્યારે યુવાનો પઝેસિવ પ્રેમમાં પડે છે. તું કહે એમ, તું કહે એમ. શરૂઆતમાં આવું બધું ચાલે અને પછી વાત બદલાઈ જાય. હું કહું એમ, હું કહું એમ. પ્રેમ અને સંબંધ બધું ઝેર જેવું લાગે છે અને પછી કરીઅર અને કૅરૅક્ટર બધાનું સત્યાનાશ. મેં છેલ્લા એક વર્ષમાં સુસાઇડના ૨૦૦થી વધુ કેસ સૉલ્વ કર્યા છે, લોકોને બચાવ્યા છે. એમાંથી ૭૫ ટકા કેસ કથિત પ્રેમમાં નિષ્ફળ ગયેલા લોકોના હોય છે. સાહેબ, હું કેવો ગાંડો હતો. મને એના સિવાય બીજું કોઈ દેખાતું નહોતું. અરે, દેખાતું તને નહોતું, બાકી તો બધા જોતા જ હતા કે તું ખોટી દિશામાં છો અને તારી જ તું પત્તર ખાંડતો હતો. હું કહું છું યુવાનો, કરીઅર બનાવો, બૉડી બનાવો, માબાપની સેવા કરો પણ ભ્રમિત, ડુપ્લિકેટ અને ચાઇનીઝ પ્રેમમાં આવશો નહીં. ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. દુશ્મની ત્યારે જ થાય જ્યારે શરૂઆત દોસ્તીની થઈ હોય અને ઘૃણા કરવાની શરૂઆત પણ પ્રેમથી જ થાય છે.

છેતરાઈ જવાના છો દોસ્તો તમે સૌ. બી કૅરફુલ. પ્રેમ ખૂબ જ સરસ અનુભૂતિ છે. કરજો પણ એકને નહીં, બધાને કરો. પ્રેમ કાયમી હોય એનો રંગ ક્યારેય બદલાય નહીં કે પછી ઊતરે નહીં. આજે તો પ્રેમનો રંગ સવારે ગુલાબી હોય છે અને રાત પડતાં ટમેટા જેવો ઘેરો લાલ થઈ જાય અને બીજા દિવસે ભમરા જેવો કાળો. આને પ્રેમ થોડો કહેવાય. ખેર, આજે મૂળ વાત એ છે કે પ્રેમ જેવો પવિત્ર શબ્દ નિષ્ફળતાનો પર્યાય બની ગયો છે અને એને બનાવી નાખવાનું કામ યુવા મિત્રોએ કર્યું છે. જે છોકરી સાથે કૉલેજમાં મારે સૌથી મોટી બબાલ થયેલી એ જ છોકરી સાથે મારાં લગ્ન થયાં ને આજે એ લગ્નને ત્રણ દસકા પૂરા થવામાં છે. એ જ મારી વાઇફ છે. ત્રણ વર્ષ સગાઈ રહી, પણ અમે કંઈ ગળે નહોતાં મળ્યાં. જરૂર પણ નહોતી પડી. અત્યારે તો રોજ હસ્તમેળાપ સવાર-સાંજ થાય, પછી લગ્નના હસ્તમેળાપ વખતે બ્રાહ્મણ છોકરીનો હાથ છોકરાના હાથમાં આપે ત્યારે કોઈ ફીલ જ હોતી નથી. આવાં લગ્નમાં પણ ભલીવાર ન આવે. અરે, આવી અવાજબી માગણીઓનો પ્રતિકાર કરવો, સામનો કરવો એ પણ બાળકોને શીખવવું પડશે. બન્ને પાત્રમાં એ લેવલની મૅચ્યોરિટી જોઈશે કે આપણે આખી જિંદગી મજા કરવાની છે, સાથે જીવવાનું છે, પણ લગ્ન પહેલાં કોઈ વાત નહીં. જો આવી મર્યાદાઓ આંકવામાં આવશે તો આવા પ્રેમસંબંધો સરસ ચાલશે.

પ્રેમ, સેક્સ, લગ્ન. આ ત્રિવેણી સંગમ પર સૌથી વધુ દુઃખ, અહમ્ અને ગ્લાનિ જન્માવે છે. એ જ દેખાડે છે કે આપણે સાચું નથી સમજ્યા. તું જેવી હતી, જેવી છો અને જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છો અને જેવો હોઈશ. આપણે એકબીજાનાં સદાય છીએ. આ નીતિ અને આ નિયમને જ લગ્ન કહેવાય, સંગાથ કહેવાય. એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું એને લગ્ન અને એનું નામ સંબંધ. ખૂબ બધાં પુસ્તકો વાંચ્યાં, લોકોને નજીકથી મળ્યો, વાતો કરી, સવાલ કર્યા ત્યારે એક વાત એવી કૉમન મળી કે પુરુષ હંમેશાં સેક્સ માટે પ્રેમ કરે છે અને સ્ત્રી સેક્સ કરે છે પ્રેમ માટે, પણ પછી બન્ને પસ્તાય છે. કારણ પણ ક્લિયર છે. મતલબથી કંઈ પણ કરો એને વેપાર જ કહેવાય.

માણસ હવે પઝેસિવ થઈ ગયો છે, બધી બાબતમાં. માલિકી ભાવ સારો છે, પણ અમુક હદ સુધી બરાબર કહેવાય, પણ જો એ હદને તમે વટાવી જાઓ તો પછી એ ગુલામીનો અનુભવ થવા માંડે અને પ્રેમમાં ગુલામી ક્યારેય ન ચલાવાય. તાળી બે હાથે જ પડે. ગુલામી સ્વીકારો તો જ ગુલામ બનવા સામેની વ્યક્તિ તૈયારી દેખાડે, પણ હું તો કહીશ કે એવું પણ કરવું ન જોઈએ. અત્યારે તો છોકરો-છોકરી સામસામે ઊભાં રહે છે અને એકબીજાને કહે છે, તારે મને પ્રેમ કરવાનો અને હું તને પ્રેમ કરીશ. વાત અહીં સુધી સીમિત હોય તો સમજાય પણ વાત આગળ વધે છે અને બેઉ એકબીજાને કહે છે કે તારે બીજા કોઈને પ્રેમ નહીં કરવાનો ને હુંયે કોઈને પ્રેમ નહીં કરું. આવી વાત વેપારધંધામાં થાય અને ત્યાં થાય તો સારી પણ લાગે. આને એક્સક્લુઝિવ ડીલરશિપ કહેવાય. હું કોઈ બીજાને માલ નહીં આપું અને તારે મારા સિવાય બીજા કોઈનો માલ નહીં વેચવાનો. હું તને એકને જ માલ આપીશ, તું મારા એકનો જ માલ વેચજે. પ્રેમમાં એક્સક્લુઝિવ ડીલરશિપ માગવાવાળાથી દૂર રહેવું હિતાવહ છે. પ્રેમ કરો, કોઈ જાતની શરત વિના, કોઈ જાતની પૂર્વભૂમિકા વિના અને કોઈ જાતના પથારીવેડા કર્યા વિના. જોજો તમને એ પ્રેમમાં ભાર ઓછો લાગશે. બીજું કોઈ સારું પાત્ર મળશે તો એ પાત્ર તરફ આગળ વધતી વખતે ગુનાહિત માનસિકતા પણ મનમાં નહીં આવે.

એક નાની વાર્તા છે. એક રાજા રાતે ગામમાં ફરવા નીકળ્યા. તેમણે જોયું કે આખા ગામની દીવાલો પર ગોળ કૂંડાળાં ચીતરેલાં હતાં અને બરાબર મધ્યમાં તીર મારેલું હતું. રાજાએ પ્રધાનને પૂછ્યું કે આવું જોરદાર નિશાનબાજ કોણ છે. પ્રધાને તપાસ કરી અને પછી એક ગાંડાને રાજાની સામે હાજર કર્યો. એ ગાંડાએ આ બધાં તીર માર્યાં હતાં. રાજાને વિશ્વાસ આવ્યો નહીં એટલે તેમણે પેલા ગાંડાને પોતાની આંખ સામે આવું નિશાન લેવાનું કહ્યું. ગાંડાએ હા પાડી એટલે રાજાએ સામેથી કહ્યું કે જો તું આવું નિશાન લઈને દેખાડીશ તો તને મારો સેનાપતિ બનાવી દઈશ અને જો તું હાર્યો તો તારું માથું ધડથી અલગ કરી નાખીશ. ગાંડો તૈયાર થઈ ગયો. રાજાએ તેના હાથમાં બાણ અને તીર મૂકી દીધાં.

ગાંડાએ નિશાન લીધું. એક આંખ બંધ કરીને પછી બરાબર નિશાન લઈને તેણે તીર છોડ્યું. ધાડ કરીને તીર દીવાલમાં ખૂંપી ગયું. રાજા ગાંડાને કંઈ પૂછે એ પહેલાં ગાંડો દીવાલ પાસે ગયો અને તેણે તીરને બરાબર વચ્ચે રાખીને એક કૂંડાળું દીવાલ પર ચીતરી નાખ્યું. તીર થઈ ગયું મધ્યમાં. આજના આ સમયમાં, આજના બુદ્ધિ અને ચતુરાઈના સમયમાં પ્રેમ શક્ય જ નથી એટલે હું તો કહીશ કે માણસે પેલા ગાંડાની જેમ વર્તવું જોઈએ. પહેલાં લગ્ન કરી લેવાં અને પછી જઈને ગાંડાએ જે રીતે કૂંડાળુ દોર્યું એમ લગ્નને કેન્દ્રમાં રાખીને પ્રેમ શરૂ કરી દેવાનો.

ટૂંકમાં હું એટલું કહીશ કે સેક્સના આવેગને ક્યારેય પ્રેમ માનવો નહીં, કારણ કે પ્રેમ ક્યારેય મારતો નથી. તારે એનું નામ પ્રેમ અને જે પ્રેમ તારે એ પ્રેમમાં ક્યારેય કોઈ જાતનો માલિકી ભાવ હોતો નથી.

Sanjay Raval columnists