કોરોના વાઇરસ: ચીનમાં ફેલાયેલા વાઇરસની મોટી મજબૂરી કઈ એની જાણ છે તમને?

01 February, 2020 12:06 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના વાઇરસ: ચીનમાં ફેલાયેલા વાઇરસની મોટી મજબૂરી કઈ એની જાણ છે તમને?

કોરોના વાઇરસ

સૌથી મોટી મજબૂરી એ છે કે આ વાઇરસ એ જ દેશોમાં પ્રસર્યો છે જે દેશો અત્યારે આર્થિક સંકડામણ અને નબળો સ્વાસ્થ્ય-રેશિયો ધરાવે છે. આને દુકાળમાં અધિક માસ ગણી શકાય. કોરોનાએ સૌકોઈનું ધ્યાન એની તરફ ખેંચી લીધું છે, પણ એની સૌથી મોટી વાત તો એ છે કે એ વાઇરસને કારણે જબરદસ્ત ફફડાટ પણ સૌકોઈના મનમાં પ્રસરી ગયો છે. કોરોનાને લીધે ચીન અને રશિયાને જોડતી સરહદ બંધ કરી દેવાનો નિર્ણય રશિયાએ લઈ લીધો છે, તો હમણાં ટીવી પર ન્યુઝ આવી રહ્યા છે કે આખા વર્લ્ડમાં કોરોના ઇમર્જન્સી જાહેર કરવા માટે નિર્ણય લેવામાં શું કામ મોડું કરવું જોઈએ? ભારત સરકારે બે પ્લેન રવાના કરીને ચીનમાં રહેલા ભારતીયોને પાછા લાવવાનું કામ આરંભી દીધું છે અને અલગ-અલગ રાજ્ય સરકાર પણ ચાર્ટર્ડ પ્લેનમાં પોતાના સ્ટુડન્ટ્સને પાછા લાવવાનું કાર્ય આરંભી રહી છે. ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે બે પ્લેન રવાના થશે અને ચીનમાં ભણતા સ્ટુડન્ટ્સને ગુજરાત પાછા લાવવામાં આવશે.

મજબૂરી જુઓ તમે સાહેબ, ચીન છેલ્લા એક દસકાથી એકધારું એવો દાવો કરતું હતું કે મેડિકલનું શ્રેષ્ઠ એજ્યુકેશન ચીનમાં આપવામાં આવે છે. આ જાહેરાતોને પગલે જ ભારતથી સ્ટુડન્ટ્સ મેડિકલ એજ્યુકેશન લેવા માટે ચીન ગયા અને હવે એ જ સ્ટુડન્ટ્સ કુદરતના આ કેરને લીધે પાછા આવી રહ્યા છે. મેડિકલ ભણવા જઈ રહેલા સ્ટુડન્ટ્સ મેડિકલ ગ્રાઉન્ડ પર જ પાછા આવે એ જ દેખાડે છે કે ઈશ્વરના સંકેત સામે કોઈનું કશું ક્યારેય ચાલ્યું નથી કે ચાલવાનું નથી. બીજી વાત, અત્યારે ભારતમાં માસ્કનું ઉત્પાદન લગભગ દરેક કંપનીએ ડબલ કરી નાખ્યું છે. આ એ કંપનીની વાત છે જે કંપનીના માસ્ક ખરીદવાને બદલે ચીનમાં બનતા માસ્ક ખરીદવામાં આવતા હતા. ભાવની દૃષ્ટિએ પણ એ માસ્ક વધારે પોસાતા અને ક્વૉલિટીના નામે પણ એ માસ્કની ડિમાન્ડ રહેતી, પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે. હવે ઇન્ડિયન માસ્ક વધારે માગવામાં આવી રહ્યા છે. આ માગ કોણે કરી છે એની ખબર છે તમને, ચીને.

ચીન ઑલમોસ્ટ અત્યારે એ માસ્કના ઉત્પાદન સુધી પહોંચી શકે એમ રહી નથી. મોટા ભાગની ફૅક્ટરીઓએ રજા જાહેર કરી દીધી છે તો સાથોસાથ વર્કર્સ પણ રહ્યા નથી. ચીન સરકારે પણ જાહેરાત કરી દીધી છે કે બહાર જ નહીં, ઘરમાં પણ માસ્ક પહેરીને રાખવો. હવે એ ઑર્ડર ભારતને સબમિટ કરવામાં આવ્યો છે અને ભારતથી ચીન માસ્ક મોકલવા માટે ઉત્પાદન ડબલ કરી નાખવામાં આવ્યું છે.

એક સમય હતો જ્યારે ચીનનું નામ પડતાંવેંત જ ટ્રેડર અને ઇમ્પોર્ટરના મોઢામાં લાળ ટપકવા માંડતી હતી. મેડ ઇન ચાઇના ટૅગ પર દુનિયા આફરીન હતી. ચીનના દાખલા આપવામાં આવતા અને ચીની લોકો જેવા થવાનું સતત કહેવામાં આવતું. તેમની કાર્યદક્ષતાનાં ઉદાહરણ આપતાં લોકો થાકતા નહીં, પણ અત્યારે બધું બદલાઈ ગયું છે. આજે ચીનના નામથી લોકો ફફડી રહ્યા છે.

coronavirus manoj joshi columnists