શું તમને ઑફિસથી રજા લેવાનો ડર લાગે છે?

24 February, 2020 03:04 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

શું તમને ઑફિસથી રજા લેવાનો ડર લાગે છે?

પ્રતીકાત્મક તસવીર

જો આ સવાલનો જવાબ હા હોય તો સમજી લો કે એમાં વાંક તમારી ઑફિસનો નહીં, તમારી માનસિકતાનો છે. પોતાના વિના દુનિયા આખી અટકી જશે એવી ભૂલભરેલી માન્યતામાં રાચતા આવા લોકોએ સમજી જવાની જરૂર છે કે તમારી આવશ્યકતા ત્યાં સુધી જ છે, જ્યાં સુધી તમે છો. અન્યથા આંગળી જળમાંથી નીકળ્યા બાદ જગ્યા પુરાતાં વાર કેટલી?

આજકાલ શાહરુખ ખાનની બજાર ઠંડી પડી ગઈ છે. આટલાં વર્ષો સુધી અત્ર, તત્ર, સર્વત્ર છવાયેલા રહ્યા બાદ એકાએક તેણે પોતાની કારકિર્દીની ગાડી ધીમી પાડી દીધી છે. આ વર્ષે એકાદ ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકા સિવાય તેની બીજી કોઈ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર રિલીઝ થવાની નથી. એક સમયે દિવસના ૨૪માંથી ૨૦ કલાક કામ કરવા માટે તે બૉલીવુડમાં પ્રખ્યાત હતો. તેની સાથે કામ કરતા સહકલાકારો થાકી જતા, પણ શાહરુખ થાકતો નહીં. અરે, વિદ્યા બાલને તો પોતાના એક ઇન્ટરવ્યુમાં કબૂલાત પણ કરી હતી કે એક સમયે શાહરુખ ખાનથી પ્રેરિત થઈ તેની જેમ દિવસના ૨૦-૨૦ કલાક કામ કરવાના તેના અખતરાએ તેને પથારી ભેગી કરી દીધી હતી. આવા શાહરુખે ધીમા પડવાનો નિર્ણય સ્વેચ્છાએ લીધો એ અત્યંત આશ્ચર્યની વાત છે.

છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચ મધ્યમ વર્ગમાં ઓવરહીટિંગ શબ્દ ખૂબ જાણીતો બન્યો છે. સામાન્ય રીતે બિઝનેસ જાર્ગન તરીકે વપરાતો આ શબ્દ કોઈ વસ્તુનો અતિરેક દર્શાવે છે અને આર્થિક વિકાસ કે કોઈ બાબતમાં અતિશય તેજી માટે વાપરવામાં આવે છે, પરંતુ કૉર્પોરેટ વર્લ્ડમાં આ શબ્દ આજકાલ પોતાની ક્ષમતા કરતાં વધુ કામ કરવા માટે પણ વપરાવા માંડ્યો છે.

બધા જ જાણે છે કે સતત ટાર્ગેટ્સ પૂરા કરવા દિવસ-રાત એક કરી દેતા પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓનો ઑફિસ પહોંચવાનો સમય તો નક્કી હોય છે, પરંતુ નીકળવાના સમયનાં કોઈ ઠેકાણાં હોતાં નથી. અરે, કેટલીક વાર તો આવશ્યકતા પડે તો તેઓ દિવસો સુધી ઑફિસમાં પડ્યા પાથર્યા રહે છે. ટેસ્લાના સ્થાપક એલન મસ્ક પોતાના વિચિત્ર સમયપત્રક માટે મશહૂર છે. તેઓ ઘણી વાર રાતે ઑફિસમાં સૂઈ જઈ સવારે બાકીના સ્ટાફ સાથે કૉફી પીતાં-પીતાં પોતાનું કામ પૂરું કરતા જોવા મળે છે. ઍપલ કંપનીના સ્થાપક સ્ટીવ જૉબ્સના પણ કંઈક આવા જ હાલ હતા. ખુદ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને થોડો આરામ કરી, થોડું આછું કામ કરવાની સલાહ બીજા કોઈએ નહીં સ્વયં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આપી હતી. આવા કૉર્પોરેટ અધિકારીઓ પોતાની આલીશાન કૅબિનમાં બેસી બહાર વરસતા વરસાદને જોઈ તો શકે છે, પરંતુ તેમની પાસે બે ઘડી પણ એમાં ભીંજાવા જવાનો સમય હોતો નથી.

આવી સતત ભાગતી જિંદગીને અંગ્રેજીમાં રેટ રેસ કહે છે. પરંતુ આવી રેટ રેસમાં આજીવન ટકી શકાય નહીં. આ રેટ રેસ વ્યક્તિને અકાળે જ થકવી બર્નઆઉટ કરી દે છે. આવા બર્નઆઉટથી બચવા હવે કૉર્પોરેટ જગતમાં લોકો સબાટિકલ તરીકે ઓળખાતો મધ્યાંતર લેવા માંડ્યા છે. આ મધ્યાંતર દરમિયાન તેઓ પોતાના નોકરીધંધા છોડી કાં તો લાંબા વેકેશન પર જતા રહે છે, કાં તો સાવ જ ઘરે બેસી પોતાની ખોવાયેલી જીવનઊર્જા પાછી ભેગી કરવાનો, પોતાના ઘર-પરિવારને સમય આપવાનો, પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો તથા પોતાના જીવનને નવેસરથી ઘડવાનો પ્રયત્ન કરે છે; કારણ કે જીવનના એક નહીં તો બીજા તબક્કે તેમને સમજાય છે કે ૨૦૦ મીટરની દોડમાં ચિત્તાની ઝડપે ઉસેન બોલ્ટની વયની વ્યક્તિથી જ ભાગી શકાય, મોટી ઉંમરના ઍથ્લીટ મૅરથૉનમાં જ ભાગ લઈ શકે, સ્પર્ધામાં નહીં. તેમને સમજાય છે કે હવે તેમનામાં ઉસેન બોલ્ટની જેમ દોડવાની તાકાત રહી નથી, તેથી શરીર સાથ આપવાનું બંધ કરી દે એ પહેલાં તેઓ પોતે જ પોતાની જાતને દુનિયાની આ સ્પર્ધામાંથી પાછળ ખેંચી લે છે અને જબરદસ્ત આર્થિક નુકસાનના ભોગે પણ જીવનની ગાડીને ટૉપ ગિયરમાંથી નીચલા ગિયરમાં લઈ આવે છે.  

માણસે પોતાની પૂરતી ક્ષમતાથી કામ કરવું જોઈએ. આપણાં શાસ્ત્રોમાં પણ ગૃહસ્થાશ્રમ દરમિયાન તનતોડ મહેનત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી વ્યક્તિ વાનપ્રસ્થાશ્રમ દરમિયાન શાંતિપૂર્ણ જીવન જીવી શકે. પરંતુ આજના આધુનિક યુગમાં આ આશ્રમ વ્યવસ્થાની ભેદરેખાઓ લગભગ ભૂંસાઈ ગઈ છે. પહેલાંના સમયમાં ૬૦ વર્ષની ઉંમરે વ્યક્તિ પોતાની ઍક્ટિવ લાઇફમાંથી બોરિયા બિસ્તરા બાંધી રિટાયર થઈ જ જતી, પરંતુ હવે ૪૦ વર્ષના પેટીએમના માલિક વિજય શેખર શર્મા હોય કે પછી ૬૯ વર્ષના એસ્સેલ ગ્રુપના માલિક સુભાષ ચંદ્રા, બન્ને દિવસના ૧૬ અને ૧૮ કલાક કામ કરતા જોવા મળે છે. આવામાં માણસ ક્યારે બર્નઆઉટ થઈ જાય એ કહેવાય નહીં, તેથી જ કૉર્પોરેટ વર્લ્ડમાં સબાટિકલ એક લક્ઝરી ટર્મ બની ગયો છે. જેઓ આવો મધ્યાંતર લઈ શકે છે તેમણે લઈ જ લેવો જોઈએની કૅટેગરીમાં આવી ગયો છે.

અલબત્ત, આવો મધ્યાંતર કે બ્રેક લેવાની બાદશાહી દરેક પાસે હોતી નથી. બલકે મોટા ભાગના લોકોને જોઈતો હોય તો પણ બ્રેક લેવાની અનુકૂળતા મળતી નથી. એક નહીં તો બીજાં આર્થિક કે સામાજિક કારણોને પગલે તેમને ક્યારેય જીવનમાં આવો અવસર પ્રાપ્ત થતો જ નથી. માથે ઈએમઆઇની લટકતી તલવાર હોય, છોકરાઓના ભવિષ્યની ચિંતા હોય, રિટાયરમેન્ટ માટે બચત કરવાની આવશ્યકતા હોય વગેરે જેવાં અઢળક કારણોને પગલે એક સામાન્ય વ્યક્તિ સતત ભાગતી રહે છે. ક્યારેક તો ભાગતાં-ભાગતાં જીવનનો અંત આવી જાય છે, પરંતુ ભાગવાનો અંત આવતો નથી.  

પરંતુ કેટલાક એવા હોય છે જેઓ ફક્ત શરમ, સંકોચ તથા સામાજિક ભયથી પોતાની જાતને આ લક્ઝરીમાંથી બાકાત રાખતા હોય છે. આવા લોકો સબાટિકલ લેવાની વાત તો દૂર, એક દિવસની રજા લેવામાં પણ અપાર ગ્લાનિનો અનુભવ કરતા હોય છે. જાણે રજા લીધી તો માલિક તેમને ફાંસી આપી દેશે કે પછી ઑફિસના સહકર્મચારીઓ તેમનો બહિષ્કાર કરી દેશે એ હદે તેમના પરસેવા છૂટી જતા હોય છે. જ્યારે વાસ્તવમાં આવું કંઈ હોતું નથી. સિવાય કે કોઈને તમારું કામ પડે, મોટા ભાગના લોકોને યાદ પણ નથી હોતું કે તેમના કયા-કયા સહકર્મચારીઓ આજે ઑફિસમાં આવ્યા છે અને કયા રજા પર છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે બૉસ, રજા લેવામાં કે બ્રેક લેવામાં કોઈ જ પ્રકારનો ડર રાખવાની કે દબાવમાં આવવાની આવશ્યકતા નથી; કારણ કે તમારી જરૂરિયાત, તમારી પ્રાથમિકતાઓ, તમારી મહત્ત્વાકાંક્ષાઓ બધું ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમે છો. તમારા ગયા બાદ લોકો તમને એટલી જ આસાનીથી ભુલાવી દેશે જેટલી આસાનીથી આંગળી જળમાંથી નીકળે અને જગ્યા પુરાઈ જાય. ઘણા લોકો આ વાત સ્વયં સમજી જતા હોય છે, જ્યારે ઘણાને સમય સમજાવી દેતો હોય છે. તેથી નેક્સ્ટ ટાઇમ તમને ઑફિસથી રજા લેવાનો વિચાર આવે કે પછી પોતાના રોજિંદા જીવનની દોડાભાગીમાંથી સબાટિકલ લેવાનો રતીભાર પણ ભાર અનુભવશો નહીં. યાદ રાખો, વર્ષો પહેલાં ભારતમાં કિટકૅટ નામની ચૉકલેટ લૉન્ચ થઈ હતી ત્યારે એની જાહેરખબરમાં જે ટૅગલાઇન વાપરવામાં આવી હતી એ આજે પણ એટલી જ તર્કસંગત છે. ટેક અ બ્રેક, ટેક અ કિટકૅટ...

falguni jadia bhatt columnists