મેરી કશ્તી વહાં ડૂબી... કચ્છના ભૂતળમાં પાણી ખતમ!

25 February, 2020 02:21 PM IST  |  Kutch | Kishor Vyas

મેરી કશ્તી વહાં ડૂબી... કચ્છના ભૂતળમાં પાણી ખતમ!

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૦ ઑક્ટોબર ૨૦૧૯ની આસપાસ એવું જાહેર થયું હતું કે રાજ્યમાં મોસમનો કુલ વરસાદ ૧૨૯.૪૩ ટકા પર પહોંચ્યો છે અને કચ્છમાં તો એનું પ્રમાણ ૧૪૮ ટકા જેટલું સત્તાવાર રીતે નોંધાયું હતું. એ સાથે એવું પણ જાહેર કરવામાં આવ્યું હતું કે કચ્છના ૨૦ ટકા જળાશયોમાં ૭૫.૫૭  ટકા જેટલો જળસંગ્રહ થયો છે. હરખની વાત હતી, કારણ કે બીજી મોસમ બેસવાને હજી ઓછામાં ઓછા આઠ મહિના બાકી હતા અને ત્યાં સુધી ભૂતળમાં પાણી ચાલશે એવો અંદાજ બાંધી શકાય એમ હતું, પણ એમ ન થયું. ફેબ્રુઆરી મહિનો પૂરો થાય એ પહેલાં કચ્છનાં જળાશયોનાં તળિયાં દેખાવાં લાગ્યાં છે.

સરકારનો બફાટ ચૈત્ર અને વૈશાખ મહિનાના અસહ્ય બફારાથી પણ વધારે હોય છે. એ એટલા માટે કહેવું પડે છે કે ૨૦૧૯ના ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોટા ઉપાડે કચ્છની બે દિવસની મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે કચ્છમાં પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બની ગયો છે અને કચ્છમાં નર્મદા કૅનાલનાં કામો પણ અંતિમ તબક્કામાં હોઈ સિંચાઈની સમસ્યા પણ દૂર થઈ જશે! એમણે તો પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે ડિસેલીનેશન પ્લાન્ટ્સ મંજૂર કરાયા હોવાનું પણ જણાવ્યું હતું જેના દ્વારા દરરોજ દસ કરોડ લીટર દરિયાનાં પાણીને મીઠાં કરવાના સમગ્ર આયોજનની વિગતો આપી હતી!

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીના ૯૫મા જન્મદિવસે ‘અટલ ભૂજળ યોજના’ તરતી મૂકી છે. આ જાહેરાત તો જાન્યુઆરી,૨૦૨૦માં કરવામાં આવી છે, છ હજાર કરોડની આ યોજનાનો ઉદ્દેશ ભૂજળનાં સ્તરને ઊંચું લાવવાનો છે અને તેમ કરીને જળસંકટ નિવારવાનો પ્રયાસ છે. ખરેખર તો એ માટે વડા પ્રધાને વાજપેયીના જન્મદિવસની રાહ જોવી નહોતી જોઈતી, એ કામ ખરેખર તો મોસમ પૂરી થતાં શરૂ થવું જોઈતું હતું. ઉપર જે આંકડો આપ્યો એ કંઈ માત્ર કચ્છ માટેનો નથી, એ તો સમગ્ર દેશ માટેનો છે. આ યોજના દેશનાં સાત રાજ્યો પર કેન્દ્રિત છે.

ભૂગર્ભ જળને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધું જ નથી તેનાં આ પરિણામ છે. મોટાં શહેરોમાં ગગનચુંબી ઇમારતો કે હજારો ટાઉનશિપને મંજૂરી આપવામાં આવે છે, પરંતુ પાણી ક્યાંથી આવશે કે પછી ભૂગર્ભ જળની ગુણવત્તા કેવી હશે તેની કોઈ જ પરવા કરતું નથી. અનિયમિત વરસાદ અને અપૂરતી કે અણઘડ વહીવટ ધરાવતી સિંચાઈ યોજનાઓને કારણે ન માત્ર કચ્છના પરંતુ દેશના લાખો ખેડૂતો ભૂગર્ભ જળ પર આધારિત ખેતી કરે છે, તેઓની નિરાશા અકથ્ય બની જાય છે.

કચ્છને સંબંધ છે ત્યાં સુધી વાગડ વિસ્તારમાં ખેડૂતોને પાણીની સમસ્યા નડી નથી. ચોમાસું અતિવૃષ્ટિમાં પરિણમ્યું હોવાથી ત્યાં પણ ૭૦ ટકા પાક નિષ્ફળ ગયો હતો, પરંતુ તે ખોટ ખેડૂતોએ  રવી પાકમાં પૂરી કરી લીધી હોવાનું કહેવાય છે. વાગડમાં એક લાખ હેક્ટર જેટલી જમીનમાં રવી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, એ પણ એટલે શક્ય બન્યું છે કે વાગડની સૂકી ખેતીને ન્યાલ કરી દેનાર નર્મદા નહેરનો ભરપૂર લાભ ત્યાં મળે છે. હાલમાં નર્મદા નહેરમાંથી પાણી ખેંચવા દસેક હજારથી વધારે એન્જિનોના ધમધમાટ સંભળાઈ રહ્યા છે. જોકે તેના કારણે નહેરની દીવાલો તૂટવાની ભીતિ તો ઊભી જ છે, ત્યાં નહેર રાપર તાલુકાનાં ૩૯ ગામો પાસેથી પસાર થાય છે.

મોડું શરૂ થયેલું ચોમાસું, પૂરું થયું ત્યાં સુધીમાં કચ્છની ખેતપેદાશોને પણ અતિવૃષ્ટિ દ્વારા પોતાની સાથે જ તાણી ગયું! ઑગસ્ટ, ૨૦૧૯માં એવો માહોલ હતો કે અખબારોની હેડલાઈનો પણ ‘કચ્છ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવતાં જ સર્વત્ર ખુશીનો માહોલ’ તેવું હેત દર્શાવતી હતી અને ખેડૂતોએ પણ ૧૧ હજાર હેકટરમાં વાવેતર કરી દીધું હતું! જો પરિસ્થિતિ યથાવત્ રહેત તો એ આંક ત્રણ લાખ હેક્ટર સુધી પહોંચી જાત. કચ્છનો વાવેતર વિસ્તાર ૮ લાખ હેક્ટર જમીનનો ગણી શકાય. કચ્છમાં ઑગસ્ટ મહિનો જળાશયો છલકવાનો મહિનો હતો. તેમ સતત વરસતા ભારે વરસાદના કારણે તળાવો તૂટવાના પણ બનાવો ત્યારે જ બન્યા હતા. એક રાતમાં ભચાઉ તેમ જ અબડાસા તાલુકાઓમાં ૧૫ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

હવે તેને સારો વરસાદ ગણીએ તો ઑગસ્ટ મહિનાના અંતે કચ્છનાં જળાશયોમાં તો માત્ર ૫૭.૨૬ ટકા પાણી આવ્યું હતું! એટલે કે કુલ ૧૯,૦૨૭ કરોડ લીટર જળરાશી કહી શકાય! જેમાં ૨૦ મોટા ડૅમમાંથી ૯ ડૅમ ઓગની ગયા હતા, ત્યારે ભુજ, મુંદ્રા, માંડવી અને અંજારના ડૅમ ખાલી જ રહ્યા હતા. ભુજના રુદ્રમાતા અને મુન્દ્રાના ગજોડ ડૅમમાં તો ખૂબ જ ઓછું પાણી આવ્યું હતું. આનાં કારણો પણ હાલમાં સિંચાઈના પાણી અંગે ચાલી રહેલી કામગીરી દરમ્યાન નજર હેઠળ આવવાં જરૂરી બની રહેશે, નહીં તો ડૅમમાં પાણી જ નહીં આવે તો તેને ઊંડા બનાવવાના પ્રયાસ વ્યર્થ જશે. જરૂર છે પાણીની આવકના માર્ગો વચ્ચે આવતા અંતરાયો દૂર કરવાની.

સિંચાઈ વિભાગના આંકડાઓ મુજબ કચ્છના મોટા ૨૦ ડૅમની હાલમાં જળસંગ્રહની ક્ષમતા ૩૩૨.૨૭ મિલ્યન ક્યુબિક મીટરની છે. જેમાં લાઈવ અને ગ્રોસ બન્ને પ્રકારના જથ્થાનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં કચ્છમાં મેઘ લાડુનો પ્રસંગ ઊજવવા હરખઘેલા લોકો વિજય રૂપાણીને આમંત્રણ આપી આવ્યા અને મુખ્ય પ્રધાન પધાર્યા પણ ખરા...આવે એટલે વળી લોકો સમક્ષ મીઠી મીઠી વાતો તો કરવી જ પડે!

૩૦ ઑગસ્ટ, ૨૦૧૯નો એ દિવસ હતો. ભુજમાં મેઘલાડુનો કાર્યક્રમ યોજાયો, મુખ્ય પ્રધાન રૂપાણી બોલ્યા હતા કે ‘કચ્છમાં નર્મદાના સિંચાઈ કેનાલના બાકી રહેલાં કામ અગ્રતાક્રમે પૂર્ણ કરાવી નહેર વાટે સિંચાઈનું પાણી છેવાડાનાં ગામો સુધી પહોંચાડાય તો એકલા કચ્છ જિલ્લામાં દુનિયા આખીની ભૂખ ભાંગવાની તાકાત છે. નર્મદા ડૅમ ઐતિહાસિક સપાટીએ છલકાઈ રહ્યો છે ત્યારે કચ્છના તમામ ડૅમને લિન્ક કરીને નર્મદાનાં નીરથી ભરવામાં આવશે અને એ પછી કચ્છમાં દુષ્કાળ હંમેશ માટે ભૂંસાઈ જશે.’ અરે, તેમણે તો ભુજના હમીરસર તળાવને પણ નર્મદાનાં પાણીથી ભરી દેવાની જાહેરાત કરી હતી! ‘કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના’ જેવો તાલ થયો! ત્યાર પછી કોઈ નક્કર પગલાં યુદ્ધના ધોરણે લેવામાં આવ્યાં નથી!

શ્રાવણ ગયો અને ભાદરવો મહિનો બેઠો. સપ્ટેમ્બર, ૨૦૧૯ના પહેલા અઠવાડિયામાં કચ્છમાં ફરી વરસાદે લશ્કરી આક્રમણ કર્યું. જિલ્લામથક ભુજ અને પટેલ ચોવીસી પણ એ આક્રમણમાં ભીંજાયાં, પરંતુ હમીરસર તળાવ ન ઓગન્યું! બબ્બે દુષ્કાળ, એક અર્ધ-દુષ્કાળના વસમા દિવસો પસાર કર્યા પછી મેઘરાજા જાણે સાટું વાળી દેતા હોય એમ પશ્ચિમ કચ્છમાં વરસી રહ્યા હતા. ધરતીપુત્રો, માગ્યા મેહ મળ્યા હોય તેવા ખુશખુશાલ હતા. ચોમાસુ પાકના સારા ઉતારા મળવાની આશા પાકી બંધાતાં ચિંતામુક્ત થયા હતા. મેઘમહેર ફળતી હોય તેવાં દૃશ્ય ઊભાં થયાં! સપ્ટેમ્બર મહિનામાં વરસેલા એ વરસાદમાં કચ્છના ડૅમોમાં ૧૧,૭૦૯ મિલ્યન ઘનફુટ નવાં પાણી આવ્યાં! એક અઠવાડિયામાં તો ૧.૪૦ લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર વધ્યું!

નવરાત્રી આવી, ઑક્ટોબર મહિનામાં પણ ચાલુ રહેલા વરસાદના કારણે ‘કચ્છમાં રાસ નહીં પણ વરસાદની રમઝટ જામી’ અને શરૂ થયો લીલા દુષ્કાળનો ભય! બીજી તરફ ચોમાસા પહેલાં સમગ્ર દેશમાં જળશક્તિ અભિયાનની થયેલી શરૂઆત પછી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાના એ અભિયાનમાં થયેલી દરેક જિલ્લામાં કામગીરીના ભાગરૂપે કચ્છ જિલ્લો સમગ્ર ભારતમાં ૧૩મા ક્રમે આવ્યો હોવાનું જાહેર થયું! કચ્છના કલેકટરે એ જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘કચ્છનો વિસ્તાર મોટો છે અને ખુલ્લો પ્રદેશ હોવાથી જમીનમાં પાણીનો સંગ્રહ મોટા પ્રમાણમાં થઈ શકે છે એટલે કચ્છમાં મોટી સફળતા મળી છે!’ આજે આશ્ચર્ય એ વાતનું થાય છે કે એ પાણી ગયું ક્યાં? આંકડાની માયાજાળમાં કચ્છ અટવાયેલું રહ્યું હોય તેવું સ્પષ્ટપણે ફલિત થાય છે. કારણ કે, ભૂતળમાં પાણી નથી રહ્યાં!

નર્મદા કેનાલનાં કામોને પ્રગતિમાં લાવવા જમીન સંપાદનના માત્ર ૧૭ કેસ હલ કરવાના હતા અને એ જવાબદારી માંડવીના વિધાનસભ્ય વિરેન્દ્રસિંહ અને રાજ્ય કક્ષાના કચ્છી પ્રધાન વાસણભાઈ આહિરને એ કામ સોંપવામાં આવ્યું હતું! હજી સુધી એ અંગે બેઠકો જ થઈ રહી હોવાનું જાણવા મળે છે! આ અગાઉ હું લખી ચૂક્યો છું કે કચ્છની નેતાગીરી ક્યાંક નબળી પડે છે. એક એવા નેતા, પ્રેમજીભાઈ ઠક્કર જ્યારે મહેસૂલ પ્રધાન હતા ત્યારની તેમની કામગીરીની પદ્ધતિને કચ્છના હિતમાં અનુસરવાની જરૂર છે.

kutch kishor vyas columnists