દિન ગુઝરતા હૈ તો અચ્છા લગતા હૈ, પર શુરુ હોaતા હૈ તો સરકનેકા નામ નહીં

27 April, 2020 04:57 PM IST  |  Mumbai | Pravin Solanki

દિન ગુઝરતા હૈ તો અચ્છા લગતા હૈ, પર શુરુ હોaતા હૈ તો સરકનેકા નામ નહીં

- રવીન્દ્ર પારેખ

રાત માંડ પૂરી થાય ને સવાર પડે તો પાછી એ જ ચિંતા, દિવસ કેમ પસાર થશે? રવીન્દ્ર પારેખે સુંદર રીતે આ અવસ્થાનું વર્ણન કરતાં કહ્યું છે કે ‘કભી કભી લગતા હૈ કિ કલ કી ઝેરોક્સ કા નામ આજ હૈ.’ જેવો કાલે દિવસ વિતાવ્યો હતો એવો જ આજે વીતવાનો છે ને આજે જેવો પસાર થયો છે એવો જ કાલે પસાર થવાનો છે. વહી રફ્તાર બેઢંગી જો આગે સે ચલી આયી હૈ. ફોટો પડાવતી વખતે જેમ બનાવટી સ્માઇલ કરીએ છીએ એમ સ્માઇલ કરવાનું, ચા પીવાની, નાસ્તો કરવાનો, છાપાં વાંચવાનાં, જમવાનું અને કંઈ ન સૂઝે તો ફરી સૂઈ જવાનું. બધું યંત્રવત્, યથાવત્.

આવી હાલતમાં વૉટ્સઍપ પર એક આશાભર્યો શૅર વાંચ્યો,

જિસકે સાથ હો શ્યામ સલોના,

ક્યા બિગાડેગા ઉસકા કોરોના?

આ શેરમાં નરી શ્રદ્ધા છે. ડૂબતો માણસ તરણું શોધે એવી શ્રદ્ધા. આ શ્રદ્ધા માનવીને કદાચ ન ગમે, પણ વાંચવી ગમે. હૈયાને સ્પર્શી જાય, પણ બુદ્ધિ સ્વીકારે નહીં. કોરોનાને કારણે આ અને આવી અનેક રચના, ટુચકા, વાતો વાંચવા-સાંભળવા મળી.

મને યાદ છે ત્યાં સુધી લગભગ ૭૦ના દાયકામાં ગુજરાતી ભાષામાં ‘મહેંદી’ નામનું માસિક ચાલતું હતું.

સ્વ. અસગર ભાવનગરી એનું સંપાદન કરતા. મડિયા-કાંતિ મડિયાના મિત્રો હોવાને કારણે મારા પણ નિકટના સંપર્કમાં હતા. એ સમયે મારા બે એકાંકી નાટ્યસંગ્રહો ‘વિજેતા’ અને ‘દીવાલ વગરનું ઘર’ પ્રકાશિત થયા. એ બન્ને પુસ્તકોનો રિવ્યુ દિગંત ઓઝા (કાજલ ઓઝા વૈદ્યના પિતાશ્રી)એ ‘મહેંદી’માં કર્યો. એનાથી પ્રભાવિત થઈને અસગરભાઈએ મને કહ્યું, ‘પ્રવીણ, તારામાં સેન્સ ઑફ

હ્યુમર જબરી છે, મારે એક લેખની જરૂર છે. ‘ખટારા પાછળનું  સાહિત્ય એ વિશે તું

કંઈક લખ.’

ખટારા પાછળ લખાતી પંક્તિઓ સૌએ વાંચી જ હશે. એમાં ક્યારેક રમૂજ હોય, ક્યારેક રોમૅન્સ, ક્યારેક રહસ્ય, ક્યારેક ઉપદેશ, તો ક્યારેક આધ્યાત્મિક વાત પણ. ‘બૂરી નજરવાલે તેરા મૂંહ કાલા’ તો ખટારા પાછળની અતિપ્રખ્યાત પંક્તિ છે. કોરોનાને કારણે પણ આવા સાહિત્યનો જન્મ થયો.

આજે આપણે એ માણીએ. રચયિતાના નામઠામ મુકામ વગર, તેમને  સલામ

કરીને.

‘જિંદગી ખૂબસૂરત હૈ ઇસે બચાઇયે,

ફિલહાલ દૂરીયોં સે હી ઇસે સજાઈયે.’

 સરળ શબ્દોમાં મુદ્દાની વાત કરી દીધી.

‘કમાલ હૈ, જિસ ઘર કો બનાને મેં જિંદગી લગા દી,

આજ ઉસી ઘર મેં રહને સે બેચેન હૈ ઇન્સાન.’

આ પંક્તિમાં કટાક્ષ તો છે જ, પણ સાથોસાથ મજબૂરીનો એહસાસ પણ છે. હલબલાવી નાખે એવી એક ટૂંકી બેતનો શેર જુઓ...

‘આટલી ટૂંકી સફર હોતી હશે?

ઉંબરે ઘરના કબર હોતી હશે?’

આ પંક્તિ મને સંભળાવનાર દિનેશે મને જ્યારે એમ કહ્યું કે બેફામના શેર જેવી તમને આ પંક્તિ નથી લાગતી? ‘તોય કેટલું થાકી જવું પડ્યું બેફામ, નહીં તો જીવનનો રસ્તો હતો ઘરથી કબર સુધી.’ મેં તેને કહ્યું

કે દોસ્ત, આ બન્ને શેરના ભાવાર્થમાં

જમીન-આસમાનનો ફરક છે. બેફામના આ શેરમાં જીવનના ઢસરડા, એકવિધતા પર કટાક્ષ છે, જ્યારે પ્રસ્તુત શેરમાં જીવનની મજબૂરી અને લાચારી છે.  ખેર હવે પછીનો શેર જુઓ...

‘શહેરોં કા યું વિરાન હોના કુછ યું ગઝબ કર ગયા,

બરસોં સે પડે ગુમસુમ ઘરોં કો આબાદ કર ગયા.’

હવે પછીની પંક્તિ મને એટલી ગમી ગઈ કે મેં મારા અંગત મિત્રોને પણ મોકલી,

‘નીંદ ભી ઇતની જ્યાદા હો ગઈ હૈ,

 ખ્વાબ ભી રિપીટ હો રહે હૈં.’

આનાથી વિપરીત અનુભૂતિ જુઓ...

‘ઘરનો માણસ એકવીસ દિવસ માટે ઘરનો થઈ જશે,

 આ સાંભળી ઘરની દીવાલો કેટલી ખુશ થઈ હશે.’

બે રચના મોતના ઓથારની ઃ

‘મોતનો વાયરો આજે એવો આવ્યો છે

જાણે શ્વાસનો વેપારી ઉઘરાણીએ આવ્યો છે.’

‘ઘર, ગુલઝાર, સુને શહેર, બસ્તી બસ્તી મેં હર હસ્તી કેદ હો ગઈ,

આજ ફિર ઝીંદગી મહેંગી ઔર મોત સસ્તી હો ગઈ.’

 એક આશિકની ફરિયાદ :

‘બંદી મેં બંધ હૈ શહર કે મયખાનેં

 નજર સે પિલાનેવાલે, અબ નજર નહીં આતે.’

હવે એક વ્યંગ અને હાસ્યરચના :

‘માધવ ક્યાંય નથી મધુવનમાં

સલવાયો છે રુક્મિણી સાથે કિચનમાં.

રાધા કરે છે વિલાપ, ગોકુલના ટાઉનમાં

પરંતુ કેમ કરીને જવું લૉકડાઉનમાં.

પહોંચવું છે ગોપીઓનાં મન સુધી

પરંતુ રાસલીલા બંધ છે હમણાં જૂન સુધી

માસ્ક બાંધીને પણ જતો રહેત રાધાના ગામમાં

પણ રુક્મિણીએ બાંધી રાખ્યો છે ઘરના કામમાં

અને સખાઓ નીકળતા નહીં આવી ધુલાઈમાં

માધવ મળશે તમને હવે છેક જુલાઈમાં.

આજની પરિસ્થિતિ પર ગુલઝારસાહેબની રચના ઃ

‘બેવજહ ઘરસે નિકલને કી જરૂરત ક્યા હૈ,

મૌત સે આંખેં મિલાને કી જરૂરત ક્યા હૈ?

સબકો માલૂમ હૈ બહાર કી હવા હૈ કાતિલ

યું હી કાતિલ સે ઉલઝને કી જરૂરત ક્યા હૈ?

ઝિંદગી એક નેમત હૈ, ઉસે સંભાલ કે રખો

કબ્રગાહોં કો સજાને કી જરૂરત ક્યા હૈ?

દિલ બહલાને કે લિએ વજહ ઘર મેં હૈ કાફી

યું હી ગલિયોં મેં ભટકને કી જરૂરત ક્યા હૈ?’

હવે આ ધારદાર શેર ઃ

‘સારે મુલ્કો કો નાઝ થા અપને અપને પરમાણુ પર,

અબ કાયનાત બેબસ હો ગઈ હૈ છોટે સે કીટાણુ પર.’

 માણસજાત એક બૉમ્બ બનાવીને લાખો માણસના જીવ લઈ લેવાની ક્ષમતા ધરાવે છે, પણ એક સૂક્ષ્મ જીવાણુ સામે ઝૂકી ગઈ છે...

‘બૈઠે રહો અપની અપની ખાટ પર, વરના

કોઈ છોડને ભી નહીં આયેગા સ્મશાનઘાટ પર.’

વળી બીજી શિખામણનો શેર વાંચો ઃ

‘રાવણ મરા રામ કે વનવાસ સે

કંસ મરા કૃષ્ણ કે કારાવાસ સે

કોરોના મરેગા હમસબ કા ગૃહવાસ સે!’

 કૃષ્ણ દવેની રચના જુઓ :

- અક્કલના ઇસ્કોતરા! -

‘આખી દુનિયા ઘરમાં બેઠી ને તું

રખડે બહાર?

કોરોનાથી મરવા માટે થઈ જાજે તૈયાર,

પંદરનો તું માવો ખા ને પંદરસોનું થૂંકે

તારા જેવા મળી જાય તો વાઇરસ એને મૂકે?

તરત જ ચાલુ કામ કરી દે એમાં શેની વાર?

આખી દુનિયા ઘરમાં બેઠી ને તું રખડે બહાર?

તુંય મરીશ ને આખ્ખા ઘરને પણ તું મારીશ

આજુબાજુની સોસાયટીની તું વાટ લગાડીશ

અક્કલના ઇસ્કોતરા‍, શું હજી ન

સમજ્યો સાર?’

  ચેતવણીરૂપે એક શેર જુઓ ઃ

‘વક્ત કભી ગવાહ યા સબૂત નહી માંગતા

વો સીધા ફૈસલા સુનાતા હૈ.’

  વળી દોસ્તો માટે પ્રેમ જુઓ ઃ

‘ખ્યાલ રખો અપના, મેરે પાસ આપ જૈસા ઔર દોસ્ત નહીં હૈં.’

તો મજબૂરીની પરાકાષ્ઠા નિહાળો ઃ

‘થકના લાજમી થા કુછ કામ કરતે કરતે

કુછ ઔર થક ગયા હૂં આરામ કરતે કરતે.’

 ગુજરાતીમાં જુઓ ઃ

‘ઘરમાં ભરાઈ બેઠો છું એવી નિરાંતથી

જાણે કે મારો પૂરો થયેલો પ્રવાસ છે’

  અને આ જ મતલબ નો...

‘ખૌફ ને સડકોં કો વિરાન કર દિયા,

વક્ત ને જિંદગી કો હૈરાન કર દિયા,

કામ કે બોજસે અબ હર ઇન્સાન કો,

આરામ કે એહસાસને પરેશાન કર દિયા.’

 અને છેલ્લે, કેટલાક ઇશ્કે-મિજાજી શેર અને રસપ્રદ અવતરણો માણીએ...

‘ઇક્કીસ દિન બસ ઇતની સી રિયાયત હો જાએ,

હમ તુમ મિલે, ફિર સે લૉકડાઉન હો જાએ!’

(ટૂંકમાં, ‘હમ તુમ એક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાએ.’)

‘કાશ! આ પ્રેમ પણ કોરોના જેવો હોત તો?

 હું તમને અડું ને તમનેય થઈ જાય.’

 એક બીજો પ્રેમ માટેનો પાણીદાર શેર જુઓ :

‘ના ઇલાજ હૈ ના દવાઇ હૈ

અય ઇશ્ક! તેરે ટક્કર કી બીમારી આયી હૈ!’

વિરહની વેદના માણીએ ઃ

‘એક મુદ્દત સે આરઝૂ થી ફુરસત કી

 મિલી તો ઇસ શર્ત પે કી કિસી સે ના મિલે!’

 બીજો ગુજરાતી શેર  ઃ

‘બે પળની છે જિંદગી તોય જીવાતી નથી,

એક પળ ખોવાઈ ગઈ છે, બીજી સચવાતી નથી.’

  કેટલાંક સુંદર વાક્યો...

કુદરતની બલિહારી તો જુઓ, આજે જ્યારે હવા શુદ્ધ મળે છે ત્યારે મોઢા પર માસ્ક છે.

ભારી તો સંસાર છે, ખેલી શકે તો ખેલ, બાજી તો ઈશ્વરના હાથમાં, બાકી આખું વિજ્ઞાન ફેલ!

કોઈ ગુજરી જાય ને આખું શહેર બંધ થાય એ ઘણી વાર જોયું છે, પણ કોઈ ગુજરી ન જાય એ માટે શહેર બંધ થતું પહેલી વાર જોયું છે.

હવે કેટલીક રમૂજ : લૉકડાઉનમાં પત્નીઓ અકળાઈ ગઈ છે, હવે પતિને ધમકી પણ નથી આપી શકતી કે ‘હું મારે પિયર ચાલી જઈશ.’ લૉકડાઉનની મુદત એટલા માટે વધારાઈ છે કે પતિને હજી દાળ-ભાત બનાવતાં આવડ્યું નથી. પડોશન ખુશ હોકર બોલી, ‘જનાબ, કોરોના હાથ મિલાને સે ફેલતા, હૈ નજર મિલાને સે નહીં.’

ફરી પાછી લૉકડાઉનની મુદત વધી ને હજામની દુકાન ખૂલી નહીં તો દરેક ઘરમાંથી ગુરુ વશિષ્ઠ, દ્રોણાચાર્ય, કુલગુરુ કૃપાચાર્ય ને ક્યાંકથી જાંબુવંત પણ મળશે.

સમાપનની સુવર્ણ રજો ઃ

જીવનમાં બે વાતોથી બચીને રહેવાની શીખ કોરોનાએ આપી છે, ‘મારે કોઈની જરૂર નથી એવો અહમ્ ને બધાને મારી જરૂર છે એવો વહેમ!’

સબ્ર કરો બૂરે દિન કા ભી એક દિન બૂરા વક્ત આનેવાલા હૈ.

છેલ્લે, સલામ કરવાનું મન થાય એવો શેર :

‘પંખી આવીને પૂછે છે આંગણે

 કેવું લાગે છે પુરાઈને  પાંજરે.’

- ભાર્ગવ જોશી.   

સમાપનના સમાપનમાં એક મારી કોરોનાગ્રસ્ત રચના :

અમે અમારે ઘેર, તમે તમારે ઘેર

કોરોના તારો કાળો કેર

સાથે રાખ્યા પણ કર્યા વેરવિખેર

ચા પણ લાગે ધીમું ઝેર.

રાત શું અને દિવસ શું, અહીં એકજ ધારો છે,

ઘડીક જાગો, ઘડીક ઊંઘો, હૈયે થડકારો છે.

ઘર પણ લાગે હવે ખંડેર

કોરોના તારો કાળો કેર.

હાથે મોજાં, મોઢે બુકાની, ના માલમ, ના સુકાની

છે નૈયા મજધારે, ના દીવાદાંડી, ના કોઈ નિશાની

અરે ભાઈ, આ કયા જનમનું વેર 

કોરોના તારો કાળો કેર.

હતો ઇન્દ્રજિત પણ અદૃશ્ય તોય કર્યો તો નાશ

અમે મહારથી, અમે જ સારથિ, કરીશું તારો વિનાશ

દેર થઈ છે, પણ નથી અંધેર

કોરોના તારી હવે નથી ખેર

એકદિન થઈ જાશે તું ઢેર

ડંકો વાગશે ભારતનો ઠેર ઠેર...

Pravin Solanki columnists