તું, તમે અને આપ: અભરાઈથી ઓટલા સુધી

16 February, 2020 02:52 PM IST  |  Mumbai | Dr Dinkar Joshi

તું, તમે અને આપ: અભરાઈથી ઓટલા સુધી

‘વિદ્યા વિનયેન શોભતે’ આ ઉક્તિ આપણા પૈકી મોટા ભાગના માધ્યમિક શાળામાં શીખી ગયા છીએ. ઘણીખરી શિક્ષણ સંસ્થાઓમાં આ ઉક્તિ દીવાલો પર પણ લટકતી હોય છે. આનો સીધોસાદો અર્થ એટલો જ થાય છે કે માણસ જેમ-જેમ વિદ્યાવાન થતો જાય એમ-એમ તેના વ્યવહારમાં તેણે વધુ ને વધુ વિવેકશીલ અને વિનમ્ર બનતા રહેવું જોઈએ.

જે વાત વિદ્યાને લાગુ પડે છે એ જ વાત વિત્ત એટલે કે ધનસંપત્તિને પણ લાગુ પડવી જોઈએ. વિદ્યાના ઘમંડથી પણ અધિક ઘમંડ વિત્ત–ધનસંપત્તિથી પેદા થાય છે. પુત્રને વિદ્યાવાન બનાવવામાં નિષ્ફળ ગયેલા એક પિતાને એવું કહેતા તમે અવશ્ય સાંભળ્યા હશે કે મારો દીકરો ધંધામાં નિપુણ થઈ જશે એટલે તે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, બાહોશ વકીલ કે કોઈ પણ ભણેલાગણેલાને પોતાની પેઢીમાં નોકરીએ રાખી શકશે. તેની વાત દેખીતી રીતે સાચી પણ છે. વરસો સુધી સ્કૂલ, કૉલેજ કે યુનિવર્સિટીના ભણતર પછી આ રીતે ડિગ્રી હાંસલ કરનારાએ નોકરી માટે શિક્ષણમાં નિષ્ફળ પણ ધંધામાં ભારે સફળ એવા સંપત્તિવાન પાસે જ જવું પડે છે. ભણેલોગણેલો શિક્ષિત માણસ સ્કૂલ-કૉલેજનો પ્રિન્સિપાલ બને છે અને તેનો જે સહાધ્યાયી પરીક્ષાઓમાં નિષ્ફળ જવાથી સ્કૂલ છોડીને પિતા સાથેના ધંધામાં જોડાઈ ગયો છે તે પેલા કૉલેજના પ્રિન્સિપાલને નોકરીના ઇન્ટરવ્યુ માટે એ જ શિક્ષણ સંસ્થાના વહીવટી મંડળના પ્રમુખ તરીકે પોતાની પાસે બોલાવે છે!

પચીસેક વરસની વયનો એક શિક્ષિત માણસ પોતાના પિતા કે દાદાની ઉંમરના ઘરકામ કરતા માણસને અથવા તો સ્ટેશન પર ઊભેલા મજૂરને બોલાવશે ત્યારે તેને તે તુંકારો જ કરશે. તું અને તમે આ બન્ને શબ્દો તેની પાસે હોવા છતાં.

મજૂરને કે છૂટક કામવાળાને તું કહીને જ બોલાવાય એવી પરંપરા આપણે સ્વીકારી લીધી છે. વાસ્તવમાં જો વિદ્યાએ કે સંપત્તિએ તેને જો વિવેક શીખવ્યો હોત તો તેણે આ તું ક્યારે વપરાય અને તમે ક્યારે વપરાય એ સમજી લીધું હોત.

આ વિનય અને વિવેક એટલે શું? વ્યવહારમાં આ જોડકું ક્યાં અને કેવી રીતે દેખાય છે? રોજિંદા જીવનમાં આને આપણે રોજ જોઈએ છીએ, પણ એના પર ધ્યાન આપતા નથી. એક ૭૫ વરસનો વૃદ્ધ પણ કડેધડે માણસ ૨૫ કે ૩૦ વરસના ડૉક્ટર, વકીલ કે સરકારી ઑફિસર સાથે વાતચીત કરતાં તેને ‘તમે’ અને ક્યારેક તો ભારેખમ ‘આપ’ શબ્દથી સંબોધિત કરે છે. આ આપ શબ્દ પણ સમજવા જેવો છે. હિન્દી ભાષામાં કોઈ પણ વ્યક્તિ માટે વાતચીતમાં આપ શબ્દ સહજ છે. ગુજરાતીમાં એમ નથી. ગુજરાતીમાં આ આપ શબ્દ માનાર્થે પ્રયોજાય છે તો ખરો, પણ એ પ્રયોગ હિન્દીની જેમ સહજ નથી. કોઈને વિશિષ્ટ માનાર્થે વાતચીતમાં આપણે આપ કહીને બોલીએ છીએ તો ખરા પણ આ આપ કોઈક વિશેષ વ્યક્તિ માટે અથવા તો જેને આપણે ચોક્કસ અંતરથી બોલાવતા હોઈએ તેમના માટે જ વપરાય છે. હિન્દીમાં જે આપ સર્વસામાન્ય છે એ જ આપ ગુજરાતીની સહજ વાતચીતમાં કૃત્રિમ બની જાય છે. જ્યારે આ આપ શબ્દ ગુજરાતીમાં પ્રયોજીએ છીએ ત્યારે એ કૃત્રિમ છે એની જાણ બન્ને પક્ષોને થતી જ હોય છે.

દેવ-દેવીઓ માટે પણ આપણે તું અને તમે બન્ને શબ્દો પ્રયોજીએ છીએ. શ્રીકૃષ્ણને તેના ગમે તે સ્વરૂપે આપણે તું કહીને બોલાવીએ છીએ. શ્રીરામને આપણે ક્યારેય તું નથી કહેતા. ગણપતિ પૂજા કરતી વખતે આપણે તેમને બાપા કહીએ છીએ પણ આ બાપાને તું કહેતાં આપણને સંકોચ થતો નથી. હનુમાનજીના મંદિરે તેમનાં દર્શન કરતી વખતે કોઈ તેમને તું કહેવાની હિંમત કરશે ખરા? દુર્ગા કોઈ પણ સ્વરૂપે તમે જ કહેવાય છે અને આમ છતાં ક્યારેક લાડ કરતા હોઈએ એમ તું પણ કહી દઈએ છીએ.

રોજિંદા વ્યવહારમાં બાળક માતાને સહજતાથી તું કહે છે, પણ પિતાને તે તું નથી કહેતો. પિતા માટે તો તમે જ વપરાય. જોકે આમ છતાં આદિવાસી વિસ્તારોમાં માતાપિતા બન્ને માટે તું શબ્દ પ્રયોજાતો આપણે જોઈએ છીએ. ઘરમાં બાળક પિતાને ‘બાપા, તું ક્યાં ગયો હતો?’ આ રીતે વાત કરતો આદિવાસી વિસ્તારમાં જોઈ શકાય છે.

અહીં એક વિશેષ નોંધ આપણે કરવા જેવી છે. ભગવાનને આપણે ગમે તે સ્વરૂપે ભજીએ કે જોઈએ પણ ક્યાંય આપણે તેમને આપ નથી કહેતા. જે આપ શબ્દપ્રયોગ ભગવાન માટે પણ નથી કરતા એ આપ શબ્દ આપણે સરકારી ઑફિસરો અથવા ધર્મધુરંધરો અને પરમપૂજ્યો માટે વાપરીએ છીએ. આમ આપ શબ્દને આપણે અંદરના કમરાની અભેરાઈ ઉપરથી ઉતારીને બહાર ઓટલા ઉપર મૂકી દીધો હોય એમ લાગે છે.

સરકારી કચેરીના સાહેબ આપ છે, પણ પટાવાળો તો હંમેશાં તું જ હોય છે. આ પટાવાળાને આપણે હંમેશાં નગણ્ય માનીએ છીએ પણ આ પટાવાળો કચેરીઓમાં ભારે ઉપયોગી હોય છે. કમ્પ્યુટર યુગમાં જોકે ફાઇલિંગની પદ્ધતિઓ બદલાઈ ગઈ છે અન્યથા પટાવાળો એક કાગળ એના વિષયને લગતી ફાઇલમાં મૂકવાને બદલે બીજી ફાઇલમાં મૂકી દે ત્યારે જે શોધાશોધ થાય છે એનો અનુભવ તો જેમણે સરકારી કચેરીઓ સાથે કામ કર્યું હોય તેને જ થાય છે. આ કચેરીઓમાં પટાવાળા ઉપરાંત ચાવાળો પણ સૌથી વધુ ઉપયોગી માણસ છે. જે કચેરી સવારે ૧૧ વાગ્યે શરૂ થાય છે એ કચેરીમાં સવાઅગિયાર કે સાડાઅગિયાર વાગ્યે જ આગમન કરતા સાહેબ પોતાના સિંહાસન ઉપર આસનસ્થ થાય ત્યારે પહેલું કામ ચાનો કપ મંગાવવાનું કરે છે. આ વખતે જો ચાવાળો હાજર ન હોય તો કામ શરૂ થતું નથી.

અંગ્રેજી ભાષામાં આપણા તું, તમે અને આપ આ ત્રણેય શબ્દોને એક જ શબ્દમાં સમાવી લેવામાં આવ્યા છે. You આ એક એવો શબ્દ છે કે જેમાં આ બધું આવરી લેવાયું છે. આ You શબ્દનો સમાનાર્થી પણ ઈશ્વર સિવાય કોઈ પણ માટે નહીં વપરાતો શબ્દ Thou છે. આ Thou શબ્દ તું, તમે અને આપ આ ત્રણેયને આવરી લેતો હોવા છતાં ઈશ્વર સિવાય બીજા કોઈ માટે વપરાશમાં લેવાતો નથી.

મૂળ વાત વિવેક અને વિનયની છે. વિત્ત કરતાંય વિશેષ વિદ્યા પાસેથી એની અપેક્ષા રહે છે. સામાન્ય વાતચીતમાં પણ આ વિવેક કઈ રીતે પ્રગટ થાય છે એનો એક સામાન્ય દાખલો હમણાં નજરે પડ્યો. પ્રાથમિક શાળામાં ભણતો દસ-બાર વરસનો બાળક સુધ્ધાં આજે કમ્પ્યુટર વિજ્ઞાન સારી રીતે જાણે છે. તેના પિતામહ તો ઠીક પણ પિતા સુધ્ધાં કદાચ આ બાળક જેટલું કમ્પ્યુટર જ્ઞાન ધરાવતા ન હોય એવું બને. વીસેક વરસનો એક કૉલેજિયન આ કમ્પ્યુટર વિશે તેના સાઠેક વરસના પિતાને જ્યારે એમ કહે છે કે ‘તમે કંઈ સમજતા નથી’ કે ‘તમને નહીં સમજાય’ ત્યારે આ વિનય અને વિવેક બન્ને શબ્દો આપણી આંખ સામે ઊભા થાય છે. આ જ કૉલેજિયનને જો તેની પ્રાથમિક શાળાની કક્ષાએ વિવેક અને વિનય કોને કહેવાય એ સમજાવ્યું હોત તો કદાચ તે આમ કહેત – ‘મને લાગે છે હું તમને સમજાવી શકતો નથી.’ વાત એકની એક જ છે, પણ બે વચ્ચેનો તફાવત બા અને બાપની બૈરી આ બે શબ્દો વચ્ચે રહેલો છે. વાસ્તવમાં બા બાપની બૈરી જ છે, એમાં કોઈ અસત્ય નથી; પણ સત્ય સુધ્ધાં સારી રીતે વ્યક્ત કરી શકાય છે.

વિવેક અને વિનય માત્ર શિક્ષણ સંસ્થામાં શીખવી શકાય છે એવું નથી, શિક્ષણ સંસ્થા એના ઉપર રંગરોગાન કરે છે પણ એનો પાયો તો પરિવાર જ કરે છે.

weekend guide columnists dinkar joshi