ઓમ દરબદર પછી બીજી ફિલ્મ તેરા નામ મેરા નામ પણ રિલીઝ ન થઈ

18 February, 2020 11:59 AM IST  |  Mumbai | Sanjay Goradia

ઓમ દરબદર પછી બીજી ફિલ્મ તેરા નામ મેરા નામ પણ રિલીઝ ન થઈ

ખેલ હેરાફેરીનો : શૈલેશ દવેએ જે નાટક કર્યું હતું એ ‘ખેલ’ નાટકનું ડીવીડી વર્ઝન યુટ્યુબ પર છે. એ જોશો તો ખબર પડશે કે ‘હેરાફેરી’ આ જ નાટક પરથી બન્યું હતું.

એક બાજુએ ‘દેવકી’ના શો અને બીજી બાજુ ‘તેરા નામ મેરા નામ’નું શૂટિંગ. બન્ને કામ એકધારાં ચાલે અને એકધારાં ચાલતાં એ કામ વચ્ચે હું અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં દોડધામ કરું. વચ્ચે જ્યાં સમય મળે ત્યાં આરામ કરી લઉં. ‘દેવકી’ના સેટ પર સૂવાવાળી વાત તો તમને ગયા અઠવાડિયે કરી અને બાકી પણ, જ્યાં ટાઇમ મળે ત્યાં આરામ કરી લેવાનો. મિત્રો, એક વાત કહું તમને કે ભાગતા રહેજો. ભાગતા રહેવું એ જ સફળતાની નિશાની છે. સ્માર્ટવર્ક અને હાર્ડવર્કમાં એક વાત યાદ રાખવી કે સ્માર્ટવર્ક સફળતાનાં પાંચ પગલાં ચડી લીધા પછી જ કામ લાગે, શરૂઆતમાં તો તમારે હાર્ડવર્ક જ કરવું પડે.

‘દેવકી’ નાટકના લગભગ ૬૮ શો અમે કર્યા હતા. નાટકના શો માટે બહારગામ પણ જવાનું બન્યું હતું. નાટક અને ફિલ્મને કારણે ખિસ્સાખર્ચી નીકળતી રહી. હું એક વાત કહું છું, અગેઇન ઍન્ડ અગેઇન કહેતો પણ રહીશ કે મને સૌથી મોટો ઍડ્વાન્ટેજ એ હતો કે મારા પપ્પાનું ઘર મુંબઈમાં હતું. માથે છત હોય તો ઘણી રાહત થઈ જાય છે. આજે ગુજરાતથી જે કલાકાર કરીઅર બનાવવા મુંબઈ આવે અને ભાડે કે પેઇંગ-ગેસ્ટ તરીકે મુંબઈમાં રહે તેમની મનોદશા કેવી હોય છે એ હું સારી રીતે સમજી શકું છું. આવા કલાકારો સાથે હું કામ કરવાનું વધારે પસંદ કરું એની પાછળ ક્યાંક ને ક્યાંક મારી પોતાની સ્ટ્રગલ પણ નિમિત્ત છે.

ઘરે પૈસા આપવાની બબાલ નહોતી, મારો ખર્ચો કાઢવાનો હતો એટલે મારું પહેલું ફોકસ એ જ રહેતું કે મને ખર્ચ નીકળી જાય એટલું કામ મળી જાય એટલે બસ, બાકી બધું હું મફતમાં પણ કામ કરીને શીખવા તૈયાર હતો. મિત્રો, મેં ક્યારેય કામ વિના બેસવાનું પસંદ નથી કર્યું. ચાર્લી ચૅપ્લિનનું એક વાક્ય છે કે ‘જે દિવસે તમે હસ્યા નથી એ દિવસ તમે જીવ્યા જ નથી.’ હું એમ કહીશ જે દિવસ તમે શીખ્યા નથી એ દિવસે તમે જીવ્યા નથી અને મિત્રો, યાદ રાખજો કે જગતથી મોટી કોઈ યુનિવર્સિટી નથી, જે તમને સતત નવું શીખવ્યા કરે. પગ લાંબા કરીને પથારીમાં પડ્યા રહેવું મને ગમ્યું નથી અને મેં મારી જાતને એવી જ રીતે ટ્રેઇન કરી છે. હું તમને પણ કહીશ કે કામ કરતા રહેવાનું. આરામ-બારામ જેવું કશું હોતું નથી અને સંતોષ જેવું પણ કંઈ હોવું ન જોઈએ. સંતોષ સંન્યાસીને હોય, સંસારીને શું લાગેવળગે સંતોષ સાથે. આ જ નિયમ રાખજો તમે પણ અને જ્યાં સુધી કામ મળતું રહે ત્યાં સુધી કામ કરતા રહેજો. કામ કરો તો જ તમારું નામ થાય, અનુભવ મળે અને કામ કરતા રહો તો ને તો જ કંઈક શીખવા મળે.

યૌવનકાળના મારા આ દિવસો હતા. યૌવનકાળમાં તમારા વિચારો હંમેશાં વામપંથી એટલે કે કૉમ્યુનિસ્ટ હોય. યુવાની પછી જ્યારે ત્રીસીનો સમય આવે ત્યારે એ જ વામપંથી મૂડીવાદી થઈ જાય અને પ્રૌઢાવસ્થા પછીની વૃદ્ધાવસ્થામાં માણસ સનાતની બની જાય છે. આ મારું ઑબ્ઝર્વેશન છે.

મારી આજુબાજુના સૌ લોકોમાં હું એક એવો હતો જે રોજ બે પાળીમાં જીવતો. એનો મને કોઈ અફસોસ નહોતો, ઊલટું મને ગર્વ હતો. જરૂરિયાત પણ હતી, મજબૂરી પણ હતી, ઇચ્છા પણ હતી અને સૌથી મહત્વની વાત, મારે મારો ખર્ચો જાતે કાઢવાનો હતો. એવું નહીં માનતા કે મારો ખર્ચો બહુ હતો. ના, જરાય નહીં. જરૂરિયાતને મેં ક્યારેય વધવા નહોતી દીધી અને આજે પણ હું એનું ધ્યાન રાખું છું. એકધારું કામ કરતા રહીને પૈસા કમાવાનાં મૂળ બે કારણો હતાં. એક એ કે ઘરેથી તો પૈસા મળે એમ નહોતા અને બીજું એ કે મારી આજુબાજુમાં જે હતા તેઓ બધા સાધનસંપન્ન હતા. મારે તેમની બાજુમાં ઊભું રહેવું હતું, તેમના આર્થિક સ્તર પર પહોંચવું હતું. સ્તર ઊંચું લાવવા માટે ઝનૂનથી તમારે જ કામ કરવું પડે. કોઈ પ્લૅટફૉર્મ આપી શકે, પણ એ પ્લૅટફૉર્મ પર ચડવાની અને એના પર ટકેલા રહેવાની જવાબદારી તો તમારી જ હોય.

‘દેવકી’ સાથે કરેલી ફિલ્મ ‘તેરા નામ મેરા નામ’ બની ખરી, પણ એ ક્યારેય રિલીઝ ન થઈ. આમ મારી બીજી ફિલ્મ લોકોની સામે આવી નહીં. પહેલી, મેં તમને કહ્યું હતું એ ‘ઓમ દરબદર’ અને બીજી ‘તેરા નામ મેરા નામ.’

‘તેરા નામ મેરા નામ’ પછી વિજય તલવારને દૂરદર્શનનો એક કૉન્ટ્રૅક્ટ મળ્યો, જેને બ્રેકફાસ્ટ સિરિયલ તરીકે ઓળખવામાં આવતી. નાના બજેટની પંદર-પંદર મિનિટની સિરિયલ બનવાનો આ કૉન્ટ્રૅક્ટ હતો અને કહ્યું એમ, બજેટ ખૂબ નાનું હતું. આ સિરિયલના પૈસા દૂરદર્શન આપતું હતું. ફરી એક વાર વિજયસા’બે બોલાવ્યો અને આ સિરિયલના પ્રોડક્શનનું કામ સોંપ્યું અને આમ મારા કામની યાદીમાં એક નવું કામ ઉમેરાયું. આજે આટલાં વર્ષે પાછળ ફરીને જોઉં છું તો ગર્વ થાય છે કે એ સમયે નાટકની લાઇનમાંથી હું પહેલો એવો માણસ હતો જેણે ફિલ્મ અને ટેલિવિઝન એમ બન્નેના પ્રોડક્શનમાં કામ કર્યું હોય. મારા પછી કોઈ આવ્યું તો એ હતા આસિત મોદી. આપણી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત મોદી. આસિત પહેલાં પ્રોડક્શન-મૅનેજર તરીકે સિરિયલમાં કામ કરતા અને પછી ધીમે-ધીમે તેઓ પોતે સિરિયલના પ્રોડ્યુસર બની ગયા અને મારાં નાટકો સતત સફળ થતાં ગયાં એટલે પછી હું નાટકનો નિર્માતા બની ગયો.

આ અરસામાં બીજાં ઘણાં નાટકો આવ્યાં પણ એ નાટકોમાંથી અત્યારે આપણે શૈલશ દવેનું ‘ખેલ’ યાદ કરવું પડે. ‘ખેલ’ના લેખક-દિગ્દર્શક શૈલશ દવે હતા. આ નાટક પરથી એક સુપરહિટ ફિલ્મ પણ બની, નામ એનું ‘હેરાફેરી’. ‘કાચિંડો’ પણ આ જ સમયગાળામાં આવ્યું, જે આલ્ફ્રેડ હિચકૉકની ફેમસ ફિલ્મ ‘સાયકો’ પર આધારિત હતું. આ નાટક પહેલાં મરાઠીમાં થયું હતું, ટાઇટલ હતું ‘પીંજરા’. મરાઠીમાં આ જ ટાઇટલ સાથે ફિલ્મ પણ બની, જેમાં લીડ કૅરૅક્ટર ડૉક્ટર શ્રીરામ લાગુએ કર્યું હતું, પણ નાટક ‘પીંજરા’ અને ફિલ્મ ‘પીંજરા’ વચ્ચે કોઈ સંબંધ નથી. બન્ને બિલકુલ અલગ સબ્જેક્ટ હતા અને બન્નેમાં વાત જુદી હતી.

(વધુ નાટકોની વાત કરીશું આવતા મંગળવારે)

દબંગ ભડંગ : હા, સાંગલીના ભડંગ અને એની ભેળ એ બન્ને ભેળની દુનિયાના દબંગ ખેલાડી છે.

ફૂડ ટિપ્સ

મિત્રો, પનવેલમાં મિશ્રા ભેળપૂરી ખાઈને શો પતાવી અમે પાછા મુંબઈ આવ્યા અને મુંબઈમાં એક દિવસ રહી, બીજા દિવસે ‘બૈરાંઓનો બાહુબલી’ નાટકના શો માટે બીજા દિવસે રાતે અમારે સાંગલી જવાનું હતું. તમને એક ખાસ વાત કહું. ‘બૈરાંઓનો બાહુબલી’ ઓપન થયા પછી તરત જ અમારે સાંગલી અને જળગાંવ શો કરવા જવાનું હતું. વાત છે જુલાઈ મહિનાની, પણ શોના સમયગાળા દરમ્યાન જ જળગાંવ અને સાંગલીમાં ભારે પૂર આવ્યાં. વરસાદને કારણે દસ-દસ ફુટ જેટલાં પાણી ભરાઈ જતાં શો પોસ્ટપોન થયો અને પછી તો ‘બૈરાંઓનો બાહુબલી’ની ડિમાન્ડ એવી તો નીકળી કે છેક હવે વારો આવ્યો.

સવારે અમે સાંગલી પહોંચ્યા અને હોટેલ પર જઈને સૂઈ ગયા. બપોરે ફ્રેશ થઈ અમે જમવા બહાર ગયા એટલે ઑર્ગેનાઇઝરને ફૂડ-ટિપ્સ માટે પૂછ્યું. મનમાં તો એમ જ હતું કે મહારાષ્ટ્રિયન વિસ્તાર છે એટલે જવાબ મળશે કે કાંદાનાં ભજિયાં, ઉસળ કે મિસળ કે પછી વડાપાઉં જેવી વાનગી અહીં પૉપ્યુલર છે પણ એનાથી વિરુદ્ધ પનવેલની જેમ ભેળનું નામ આવ્યું. આપણને મજા પડી ગઈ. હું અમારા ઑર્ગેનાઇઝર હાર્દિકભાઈ સાથે ત્યાંની એ ફેમસ ભેળ ખાવા માટે નીકળ્યો. રસ્તામાં મેં તેમને પૂછ્યું કે ક્યાં જઈએ છીએ તો તેમણે કહ્યું કે સંભાની ભેળ, એ અહીં ખૂબ જ ફેમસ છે.

સંભાની ભેળની વાત કહું તમને. એમાં અડધા સફેદ મમરા નાખે અને બીજા મમરા લાલ રંગના નાખે. આ જે લાલ મમરા છે એને એ લોકો ભડંગ કહે છે. આ ભડંગ ખૂબ ફેમસ છે એ તમને કહી દઉં. સાંગલી બે વસ્તુ માટે ખૂબ જાણીતું. એક હળદર અને બીજું આ ભડંગ. સાંગલીની આજુબાજુના ગામમાં ખૂબ જ સારી ગુણવત્તાવાળી હળદર પાકે છે. દેશની જાણીતી હળદર માર્કેટમાં સાંગલી ટોચનું નામ ધરાવે છે. મેં ઘર માટે બે કિલો હળદર લીધી એ સહેજ તમારી જાણ ખાતર. હવે આવી જઈએ આપણે ભડંગની વાત પર. સાંગલીના મમરા મોટા અને જાડા હોય છે. મુંબઈમાં અલગ પ્રકારના મમરા હોય તો કલકત્તામાં પણ મમરા અલગ પ્રકારના હોય. ભડંગમાં આ મમરામાં લાલ મસાલો અને થોડું ગળપણ હોય અને એમાં થોડી શિંગ નાખેલી હોય. આ ભડંગ લુખ્ખા ખાવામાં પણ ભાવે એવા છે. મેં તો બે પૅકેટ ભડંગ પણ લીધા અને મુંબઈ આવીને ત્રણ દિવસમાં પૂરા પણ કરી નાખ્યા. ભડંગ ભેળમાં મુંબઈમાં જે ભેળ બને એમ જ ભેળ બને, ખજૂર-આમલીની ચટણી, એ સિવાય તીખી અને લસણની ચટણી પણ હતી. અદ્ભુત સ્વાદ હતો અને એ સ્વાદ ભડંગને કારણે સાવ જ બદલાઈ જતો હતો. હું તમને કહીશ કે સાંગલી જાઓ ત્યારે ભડંગ ભેળ તો ખાજો જ ખાજો, પણ સાંગલીથી નીકળતાં પહેલાં હળદર લાવવાનું અને આ ભડંગનાં પડીકાં લેવાનું ચૂકતા નહીં. બાકી, અફસોસ થશે.

જોકસમ્રાટ

વકીલઃ તમારા પતિનું મોત કેવી રીતે થયું?

વાઇફઃ ઝેર ખાવાથી.

વકીલઃ તો પછી આ તેના શરીર પર મારનાં નિશાન શેનાં છે?

વાઇફઃ ખાવાની ના પાડતા હતા...

Sanjay Goradia columnists