સંગીતના એ જૂના દિવસોને હું મિસ કરું છું....

15 February, 2020 01:25 PM IST  |  Mumbai | Rashmin Shah

સંગીતના એ જૂના દિવસોને હું મિસ કરું છું....

પંકજ ઉધાસ

ગાયકી ક્ષેત્રે ૪૦ વર્ષની યાત્રા પૂરી કરનાર ગઝલગાયક પદ્‍મશ્રી પંકજ ઉધાસ કરીઅરનાં ૪૦ વર્ષના માઇલસ્ટોન પર ઊભા રહી એક નજર પાછળ કરીને એ દિવસો, એ કલાકારો અને એ ઇન્ડસ્ટ્રીને દિલથી કહે છે, આઇ મિસ યુ ઑલ :  લાંબી મજાની સંગીતસફર વિશેની વાતો તેમણે રશ્મિન શાહ સાથે વાગોળી એ તેમના જ શબ્દોમાં વાંચો...

ચાલીસ વર્ષ. ખરું કહું તો બોલવામાં બહુ મોટાં લાગે, પણ કેવી રીતે એ પસાર થયાં એની વાત કહેવાની હોય તો હું કહીશ કે પલકારામાં એ પસાર થઈ ગયાં હોય એવું લાગે છે. હજી ગઈ કાલની વાત હોય એ રીતે મારી આંખો સામે આ પહેલું આલબમ અને એનો આખો સંઘર્ષ આવી જાય. આ ૪૦ વર્ષ દરમ્યાન ઘણું જોયું, અઢળક મેળવ્યું અને ખૂબ ખ્યાતિ મેળવી, પ્રસિદ્ધિ મળી. આ ખ્યાતિ, આ પ્રસિદ્ધિ વચ્ચે હરણફાળ ભરતા સમયની સાથે આગળ પણ વધતા જવાનું છે, એ પણ બહુ જરૂરી છે, પણ એમ છતાં આજે જો કોઈને યાદ કરતો હોઉં તો એમાં સૌપ્રથમ ક્રમ પર મારાં માતાપિતા આવે.

સવારે જાગતાંની સાથે સૌથી પહેલાં તેમની યાદ આવે અને પછી દિવસ દરમ્યાન, જો કોઈને સૌથી વધારે યાદ કરતો હોઉં કે મિસ કરતો હોઉં તો એ મારાં માતાપિતા. આ ૪૦ વર્ષમાં એક પણ દિવસ એવો નથી જેમાં મેં તેમને મિસ ન કર્યાં હોય. બધા પોતાનાં માબાપને યાદ કરતા જ હોય, પણ મારે માટે આ વાત ઘણી રીતે જુદી છે. નાનપણથી આજ સુધી હું જેકંઈ પામ્યો છું, મેળવી શક્યો છું એમાં તેમનો બહુ મોટો ફાળો છે. એ બન્નેએ મને એટલો પ્રેમ આપ્યો છે કે એ પ્રેમનો જો હિસાબ કરવા જાઉં તો મને નથી લાગતું કે હું તેમને પાંચ ટકા પણ પાછું આપી શક્યો હોઉં. બહુ વહેલાં તેઓ ચાલ્યાં ગયાં. સેવા કરવાનો મોકો ન મળ્યો. હું સ્કૂલમાં ભણતો એ સમય જ એવો હતો કે દીકરો ડૉક્ટર કે એન્જિનિયર બને એવું દરેક માતાપિતા ઇચ્છતાં પણ એમ છતાં તેમણે કોઈ દિવસ મને ડિસ્કરેજ નહોતો કર્યો, ક્યારેય નહીં. સાયન્સમાં ભણતો એટલે તેમને આશા હતી, પણ એ પછી હું ગાવાની દિશામાં વળ્યો તો પણ ક્યારેય તેમણે મને ટોક્યો નથી, કહ્યું નથી કે તું આ ગાવાનું છોડ, ડૉક્ટર બન. બધાની સામે કહે કે તું સરસ ગાય છે, મહેનત કર અને એ ક્ષેત્રમાં આગળ વધ. આવું પ્રોત્સાહન માબાપ તરફથી મળે તો જરા વિચારો કે બાળકમાં કેટલો કૉન્ફિડન્સ આવે. મારા જીવનમાં આ તેમનું કૉન્ટ્રિબ્યુશન અને તેમના આ કૉન્ટ્રિબ્યુશનને કારણે જ હું આજે આ સ્થાને પહોંચ્યો છું. સંગીતની કરીઅરનાં આજે ૪૦ વર્ષ પૂરાં થાય છે ત્યારે નૅચરલી હું તેમને બહુ મિસ કરું છું.

હું મિસ કરું છું મારા સ્કૂલના બચપણના કૉલેજના એ દિવસોને જે અમે બધા મિત્રોએ ખૂબ માણ્યા હતા. રાજકોટની ગલીઓ અને ઝેવિયર્સ કૉલેજની કૅન્ટીનના કલાકો. હું નસીબદાર છું કે એ ફ્રેન્ડ્સમાંથી ઘણાના સંપર્કમાં છું, પણ એ દિવસો આજે મિસ કરું છું.

હું મિસ કરું એ સૌ મહાનુભાવોને, જેમની સાથે સુંદર સમય જોયો, જેમની પાસેથી અઢળક શીખવા મળ્યું. સંગીતકાર નૌશાદ, ખૈયામસાહેબ, ગીતકાર અને શાયર મજરૂહ સુલતાનપુરી, હસરત જયપુરી, નિદા ફાઝલી, ઝફર ગોરખપુરી, કૈશર ઉલ ઝાફરી, મારા પરમમિત્ર એવા શેખાદમ આબુવાલા અને બીજા એવા મહાનુભાવો જેમની સાથે મને કામ કરવા મળ્યું. આજે હું તેમને પણ મિસ કરું છું અને સાથોસાથ કામની એ યાદગાર પળોને પણ મિસ કરું છું. મને યાદ છે ‘ચિઠ્ઠી આઇ હૈ...’નું રેકૉર્ડિંગ.

આજે પણ મારી આંખ સામે મેહબૂબ સ્ટુડિયોનો એ ખાસ્સો મોટો એવો રેકૉર્ડિંગ સ્ટુડિયો આવી જાય છે, હૉલ જ કહેવાય. બહુ મોટો હતો એ, ૧૦૦ માણસો સાથે બેસતા. એ સ્ટુડિયોમાં ૭૦-૮૦ સાજિંદાઓ સાથે હું ગીત રેકૉર્ડ કરતો હતો અને મારી સામે સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ હતા. આમાં કોઈ ડબિંગ નહોતું, મ્યુઝિક લાઇવ હતું અને રેકૉર્ડિંગ ચાલતું હતું. લાઇવ રેકૉર્ડિંગનો આનંદ અદ્ભુત હોય છે. એ સમય હવે નથી રહ્યો. મેં આગળ કહ્યું એમ, નવા સમય સાથે ચાલતા રહેવું પડે. આજના સમયની આ જ આવશ્યકતા છે અને એને સ્વીકારવાની જ હોય, પણ એ સ્વીકારવાની સાથોસાથ આજની વાસ્તવિકતાને પણ નજરઅંદાઝ ન કરી શકાય. હવેના સમયમાં સ્ટુડિયોની સાઇઝ તમારા બેડરૂમ જેવડી થઈ ગઈ છે. એક સાજિંદો આવીને વગાડી જાય. એ જાય પછી બીજો આવે અને એ પછી ત્રીજો આવે. આમ એક પછી એકનું ડબિંગ થાય. પહેલાંનો સમય જ સાવ જુદો હતો. મ્યુઝિક વગાડવા માટે જે સામે બેઠા હોય એમાં એકેકથી ચડિયાતા કલાકાર હોય. હરિપ્રસાદ ચૌરસિયા, શિવકુમાર શર્મા અને એવા અન્ય દિગ્ગજો બેઠા હોય અને એ બધા સાથે કામ કરવાનું. એ કલાકારો સાથે મ્યુઝિક-ડિરેક્ટર પણ સામે જ ઊભા હોય. કોઈ એકની ભૂલ થાય અને બધું કામ અટકી જાય, નવેસરથી આખું ગીત શરૂ થાય. હું એ સમયને મિસ કરું છું. એ જે અનુભવો હતા એ હવે નથી રહ્યા. સમય નવો છે, બધું બદલાયું છે. આધુનિકતા આવી છે અને કામ ઝડપથી થયાં છે પણ એક હકીકત એ પણ છે કે એ અનુભવોને અવકાશ નથી રહ્યો.

સંગીતના બિઝનેસમાં જે એક મોટો બદલાવ આવ્યો એ બદલાવને જોઈને કહું કે હું મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના એ જૂના દિવસોને મિસ કરું છું. ખટકે છે એવું બિલકુલ નહીં કહું, પણ આ નવા દોરે એક એવો બદલાવ આપ્યો જેને લીધે મ્યુઝિકના બિઝનેસની જે મજા હતી એ હવે નથી રહી. મારું એક આલબમ હતું, ટાઇટલ એનું ‘આફરીન’. એના લૉન્ચિંગ સમયે જ ૬ લાખ કૅસેટ એની વેચાઈ હતી અને પછી તો ‘આફરીન’ની એક કરોડ કૅસેટ-સીડી વેચાઈ, જે આજે પણ એક રેકૉર્ડ છે. એ જે બિઝેનસ હતો, એ આંકડાઓની જે મજા હતી, એનો જે એક નશો હતો એ હવે નથી રહ્યાં. તમે જુઓ કે રિધમ હાઉસ જેવા સ્ટોરની મજા પણ મરી ગઈ છે. પહેલાં તો રિધમ હાઉસમાં જવું એટલે જાણે મ્યુઝિકના કાશીમાં જઈને પગ મૂક્યો. તમે ત્યાં જાઓ તો તમને એમ લાગે કે તમે જાણે સંગીતના સામ્રાજ્યમાં આવી ગયા. એમાં ચાર્ટ લાગે અને ટૉપ ટેન આલબમમાં તમારું નામ પહેલા નંબરે હોય એ જોઈને આપણને થાય કે કામ કર્યું, કામ લેખે લાગ્યું. એ જે સંતોષ હતો, એ જે સૅટિસ્ફૅક્શન હતું એને હું આજે મિસ કરું છું.

આજે બધું ઑનલાઇન ચાલે છે અને કેટલી હિટ્સ અને કેટલા વ્યુ આવ્યા એ જોઈને હિટ અને ફ્લૉપના હિસાબે મળે છે. પાંચ મિલ્યન અને દસ મિલ્યન જેવા મોટા આંકડાઓ સાંભળી-વાંચીને લોકો ખુશ થાય છે, પણ એનાથી કલાકારને ફાયદો થાય છે એ કેમ એ જોવું જોઈએ. બિઝનેસ-મૉડલ ચેન્જ થયું અને ચેન્જ થયેલા આ મૉડલે અજબ સ્થિતિ બનાવી દીધી છે. ‘આફરીન’ના રેકૉર્ડબ્રેક સેલ પછી મને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના હાથે ટ્રિપલ પ્લૅટિનમ ડિસ્ક મળી હતી. એક ઇન્ટરનૅશનલ આલબમ જેટલું જ એસ્ટૅબ્લિશમેન્ટ ગઝલનું થવા બદલ ચારે તરફ વાહવાહી ચાલુ થઈ હતી. વાત એ વાહવાહીની નહીં, પણ વાત એ નરી આંખે જોઈ શકાય એવી સફળતાની હતી, જે નાના કલાકારને ઉપર લઈ જવાનું કામ કરતી હતી. એ જે તક હતી, એ જે અપ્રિસિયેશન હતું એ આજના સમયમાં નવા કલાકારોને મળી નથી રહ્યું, હું એને મિસ કરું છું અને હું મિસ કરું છું એ સૌ કલાકારોને જેના કામ પર જગતઆખું ગર્વ અનુભવતું હતું. જેની પાસેથી અમારા જેવા કલાકારોને ખૂબ બધું શીખવા મળ્યું હતું.

મિસ કરું છું હું એ સમજ જેની અત્યંત આવશ્યકતા છે. હિન્દી અને ઉર્દૂની સમજ, એનો ઉપયોગ, એનું ચલણ અને એ ભાષા પ્રત્યેનો ઓસરી ચૂકેલો ઉમળકો. આજના યંગસ્ટર્સમાં એ જોવા મળતું નથી. હવે આ જનરેશન રેપ અને અંગ્રેજી ગીતો તરફ વધારે ધ્યાન આપે છે, પણ તેમને એ વાતનો અહેસાસ નથી કે મિર્ઝા ગાલિબ અને દુષ્યંતકુમારના શબ્દોની શું તાકાત હતી. શેખાદમ આબુવાલા અને મરીઝના શબ્દોમાં જે જાદુ છે એ રેપમાં કે બીજે ક્યાં મળવાનો? અશક્ય, અસંભવ. આજે પણ મને આપણા ગુજરાતી મુશાયરાઓ યાદ છે.

દર વર્ષે ૨પ જાન્યુઆરીએ બિરલા માતુશ્રી સભાગૃહમાં થતા મુશાયરામાં હું અનેક વખત જઈને બેઠો છું અને મેં એ કવિઓને સાંભળ્યા છે. કેવા મહાન શાયર, કેવી અદ્ભુત શબ્દયાત્રા. શૈફ પાલનપુરી, શૂન્ય પાલનપુરી, બરકત વીરાણી બેફામ, મરીઝ, શેખાદમ આબુવાલા જેવા દિગ્ગજ કવિઓનું સર્જન સાંભળો તો તમને પણ થાય કે શબ્દો પાસેથી કેવું સુંદર કામ લેવામાં આવે છે. ગઝલ અને કવિતા એક પછી એક આવ્યા જ કરતી હોય અને મધરાત થઈ ગઈ હોય તો પણ તમને થાક ન લાગતો હોય. હું એ દિવસોને મિસ કરું છું. કારણ કે એ દિવસોએ જ મારા સંગીતની આ ૪૦ વર્ષની યાત્રાને આજના મુકામ પર પહોંચાડવાનું કામ કર્યું છે.

weekend guide pankaj udhas columnists Rashmin Shah