સંજોગો માનવીને કરારી થપ્પડ મારીને શીખવે છે

02 June, 2020 07:02 PM IST  |  Mumbai | Taru Kajaria

સંજોગો માનવીને કરારી થપ્પડ મારીને શીખવે છે

પ્રતીકાત્મક તસવીર

‘મમ્મા, આઇ મિસ માય સ્કૂલ, માય સ્કૂલ બસ ઍન્ડ ફ્રેન્ડ્સ. કેટલું લાંબું વેકેશન! આટલું તો ક્યારેય નહોતું પડ્યું. હવે મારે સ્કૂલ જવું છે.’ નાનકડી દીકરી મમ્મીને કહી રહી છે. મમ્મી પણ છેલ્લા ત્રણ મહિનાથી ઘરમાં બંધ છે. તેય પોતાની ઑફિસ, લંચ ટેબલ પરની મિત્રો સાથેની ગરમાગરમ ગૉસિપ્સને બહુ મિસ કરે છે. અને પપ્પા? એ તો તરસે છે ૯.૨૫ની ચર્ચગેટ લોકલમાં જામતી દોસ્તો સાથેની મહેફિલ અને ઑફિસના માહોલમાં ટાર્ગેટ અચીવ કરવાની ચડસાચડસીને. ચાયની ચુસકી લેતાં-લેતાં કલીગ્સ સાથે કોડ લૅન્ગ્વેજમાં થતી સીક્રેટ્સની આપલે ખૂબ જ મિસ કરે છે. તો ઘરના વડીલોને પોતાના રોજના મંદિર કે ગાર્ડનનાં ગ્રુપ્સની યાદ સતાવે છે. ટૂંકમાં સૌ હવે ઘરની બહાર નીકળવા તલપાપડ થઈ ગયા છે.

હમણાં જ એક ફની વિડિયો જોયો. યુવાન ઘરમાં ઝાડુ કાઢી રહ્યો છે અને બૅકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે : ‘ક્યા સે ક્યા હો ગયા?’ ત્યાં દરવાજે ઘંટી વાગે છે. તે દરવાજો ખોલવા જાય છે અને ખુશીથી ચિલ્લાતો મમ્મીને બોલાવે છે. કહે છે કે અરે, મમ્મી જો તો ખરી કોણ આવ્યું છે! મમ્મી આવે છે અને દરવાજા તરફ જોઈને ખુશીથી લગભગ ઊછળી પડે છે અને કંકુ-ચોખાથી સજાવેલી સ્વાગતની થાળી લઈ દરવાજે જાય છે. બૅકગ્રાઉન્ડમાં ગીત ગુંજે છે: ‘બડે દિનોં કે બાદ ગલી મેં આજ ચાંદ નિકલા’. મા-દીકરો આવનાર વ્યક્તિને કંકુ-ચોખાથી વધાવે છે અને માસ્ક પહેરેલી પેલી વ્યક્તિ ઘરમાં દાખલ થાય છે. આટલું વાંચીને તમે બધા જ સમજી ગયા હશો કે એ વ્યક્તિ કોણ હશે. હા, એ બાઈ હતી! ઘરે રહીને ઘરનાં અને ઑફિસનાં કામો કરતા લોકો તો ક્યારે લૉકડાઉન ખૂલે અને ક્યારે ઘરનાં બાઈ-નોકરો આવે એની કાગડોળે રાહ જોઈ જ રહ્યા છે, પરંતુ ચોવીસ કલાક ઘરમાં રહેતા લોકો પણ ઘરનોકરોની ગેરહાજરીમાં પોતાની રોજિંદી જિંદગીને ખૂબ મિસ કરી રહ્યા છે. એટલે આ વિડિયો જેવાં દૃશ્યો સાથે મોટા ભાગના લોકો પોતાને રિલેટ કરી શકશે.

એક બાજુ મનની આ સ્થિતિ છે તો બીજી બાજુ લૉકડાઉન ખૂલવાની વાતથી ડર પણ ભારોભાર છે. ઘરના ફુલપ્રૂફ સલામતી ઝોનમાંથી બહાર નીકળવાનું અને અગાઉની જેમ જીવન શરૂ કરવાનું જોખમ ઓછું નથી. એમાંય રોજના હજારોની સંખ્યામાં આવતા નવા દરદીઓના આંકડા કેટલા ડરામણા છે! કેટકેટલું અને ક્યાં-ક્યાં ધ્યાન રાખીશું? અને આ કોવિડ-19 જાણે પૂરતું ન હોય એમ આપણા દેશ પર તો એક પછી એક નવી-નવી ચૅલેન્જ આવતી જ રહે છે. આ કપરા સમયગાળામાં ભારતમાં કોમી વિસંવાદ, પરપ્રાંતીય મજદૂરોની ઘરવાપસી કે આ મહામારીના નામે દરદીઓને લૂંટતી કેટલીક મેડિકલ સર્વિસિસ જેવી માનવસર્જિત મુશ્કેલીઓ જોઈએ ત્યારે એમ થાય કે આટલી ભયંકર થપ્પડ ખાધા બાદ પણ માણસ પોતાની હલકી વૃત્તિઓને હવાલે થયા વગર રહી શકતો નથી?

આ માનવસર્જિત મુશ્કેલીઓ ઉપરાંત કુદરતે પણ કોઈક ને કોઈક નવા-નોખા પડકારો ફેંકવાનું ચાલુ જ રાખ્યું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અમ્ફાન વાવાઝોડું આવીને વિનાશનું તાંડવ ખેલી ગયું. તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત પછી હમણાં મહારાષ્ટ્રમાં તીડોનાં ટોળાં ને ટોળાં ઊમટી આવ્યાં. અલબત્ત, કુદરત આવાં કરતબ દેખાડવામાં કોઈ પક્ષપાત નથી કરતી. આપણે ત્યાં તીડાક્રમણ થયું એ જ અરસામાં અમેરિકાના ટેક્સસ રાજ્યના એક શહેરમાં એક મોટા સ્ટોરના પાર્કિંગ લૉટમાં અચાનક હજારો કાગડાઓ આવી પહોંચ્યા. એકસાથે કાગડાઓના અનેક કાફલા એ વિસ્તારના માથેથી કા-કા-કાનો શોરબકોર કરતાં ઊડતા દેખાયા હતા. હેરત પામી જવાય એવું જ છેને? પ્રાચીન સમયમાં કેટલાક સાધકો અને ઋષિમુનિઓ પશુ-પંખીની ભાષા સમજી શકતા હતા. એ જ્ઞાન અનુસાર પશુ-પંખીઓ અમુક પ્રકારના અવાજો કરે કે અસામાન્ય વર્તણૂક કરે ત્યારે તેમનું એ વર્તન સૃષ્ટિમાં થઈ રહેલા સૂક્ષ્મ ફેરફારોના પ્રતિસાદરૂપ હોય છે. એ એંધાણી સમજી શકાય તો ઘણી ઉપયોગી માહિતી માનવીને હાથ લાગી શકે. પરંતુ આપસની તકરારો અને આક્ષેપબાજીના શોરબકોરમાં વ્યસ્ત માનવી એ સૂક્ષ્મ સંદેશ ઉકેલી શકતો નથી.

બે-અઢી મહિનાથી ઘરમાં બંધ રહેલા લોકો હવે ઘરની બહાર ખુલ્લામાં જઈને પગલું માંડવા તત્પર છે, પરંતુ કોવિડગ્રસ્ત દરદીઓનો રોજ મોટો  અને મોટો થતો જતો આંકડો આ તત્પરતામાં બ્રેક લગાવી રહ્યો છે. ભારતનો આકરો ઉનાળો અને એની ગરમી કોવિડ-19ના કોપને નાથી શકશે એવી આશા પણ ઠગારી નીવડી છે. અને હવે ચોમાસું દરવાજે દસ્તક દઈ રહ્યું છે. તાજેતરમાં એક સંશોધન અહેવાલ આવ્યો છે. એના અનુસાર ‘ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં દેશની વસ્તીના પચાસ ટકા લોકો કોવિડ-૧૯થી અસરગ્રસ્ત થઈ ચૂક્યા હશે અને પોતે આ બીમારીના શિકાર થઈ ચૂક્યા છે એની તેમને ખબર પણ નહીં હોય!’ ત્યારે આગળની પરિસ્થિતિની કલ્પના કરવાની પણ હિમ્મત નથી થતી. ‘જબ રાત હો ઐસી મતવાલી ફિર સુબહ કા આલમ ક્યા હોગા?’ ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મનું આ ગીત અતિ પ્રિય છે. પરંતુ આજના સંજોગોના સંદર્ભે એ શબ્દો ઉચ્ચારતાં ધ્રૂજી જવાય એવું છે.

હવે નાછુટકે શાસ્ત્રો અને સ્પિરિચ્યુઅલ ગુરુઓ ગળું ફાડી-ફાડીને સદીઓથી સમજાવતા રહ્યા છે કે વર્તમાનમાં જીવો. કવિઓ અને શાયરોએ પણ અવાર-નવાર ગાયું છે:

આનેવાલા પલ, જાનેવાલા હૈ

હો સકે તો ઇસ મેં જિન્દગી બિતા દો

પલ જો યે જાનેવાલા હૈ

છતાં માનવી ભવિષ્યની ચિંતાની ચુંગલમાંથી મુક્ત નથી થઈ શકતો, પરંતુ સંજોગો માનવીને એ જ વાત કરારી થપ્પડ મારીને શીખવી દેતા હોય છે.

છેલ્લે એક લાઇટ મોમેન્ટ.

કેટલીયે ગુજરાતી ગૃહિણીઓએ આ લૉકડાઉનની હાલતમાંય બાર મહિનાનાં અથાણાં બનાવી લીધાં છે. એ જોઈને કોઈએ કમેન્ટ કરી કે દુનિયાભરમાં લોકો આ કોવિડ-૧૯થી આપણે બચી શકીશું કે કેમ એની ચિંતામાં છે ત્યારે આપણી ગુજરાતી ગુજરાતીઓનો આત્મવિશ્વાસ જુઓ. છેને બડકમદાર?

coronavirus covid19 lockdown columnists taru kajaria