ચિત્કારનો નવો હીરો તો મળી ગયો, પણ...

23 January, 2020 04:14 PM IST  |  Mumbai | Latesh Shah

ચિત્કારનો નવો હીરો તો મળી ગયો, પણ...

ચિત્કાર

‘જો સુજાતા વધુ શો કરશે તો પાગલ થઈ જશે’ આવી ધમકી અમને માનસશાસ્ત્રીઓએ આપી હતી અને એમાં અધૂરામાં પૂરું હોય એમ  ‘ચિત્કાર’ જેવા સુપરડુપર હિટ નાટકમાં એના હીરો દીપક ઘીવાલાએ ૧૨૦મા શોએ ના પાડી કે તે આગળ શો નહીં કરી શકે, કારણ કે એ જ સમયે તેના બીજા ચાલતા નાટક ‘પેઇંગ ગેસ્ટ’ સાથે ‘ચિત્કાર’ની ડેટ-ક્લૅશ થતી હતી. ‘ચિત્કાર’ નાટક ડિમાન્ડમાં એટલે મુંબઈ, ગુજરાત, કલકત્તા, બૅન્ગલોરમાંથી શોઝની ઑફર આવતી હતી એટલે ક્યાંક ને ક્યાંક ‘પેઇંગ ગેસ્ટ’ નાટકની ડેટ સાથે ટકરાતી હતી. ગુજરાતી રંગભૂમિ પર એ વખતે હીરો ઓછા હતા. પુષ્કળ મૂંઝવણ થઈ કે દીપક ઘીવાલા ‘ચિત્કાર’ છોડી દે તો નાટક બંધ કરવું પડે. ઓએમજી! હવે શું કરવું? નાટક બંધ કરવું?  ‘પેઇંગ ગેસ્ટ’ નાટકના નિર્માતાને સમજાવવા કે નવો હીરો શોધવો?

એ જ વખતે ‘પેઇંગ ગેસ્ટ’માં દીપક ઘીવાલા સાથે સાઇડ રોલમાં એક ઍક્ટર હતો, તેનું નામ મુકેશ રાવલ. મેં તેને હીરો બનાવવાની લાલચ આપી. ‘ચિત્કાર’ સુપરડુપર હિટ હતું અને બીજા ૨૦૦ પ્રયોગ તો સહેજે થાય એમ હતા અને મુકેશ રાવલ જો એમાં રોલ કરે તો ગુજરાતી રંગભૂમિ પર સહેજે હીરો તરીકે પ્રસ્થાપિત થઈ જાય. મુકેશે હા પાડી. દીપક ઘીવાલાએ ના પાડી અને મુકેશે હા પાડી. છ દિવસમાં તેણે રોલ કરવાનો હતો. મેં તેને દિવસ અને રાત રિહર્સલ કરાવ્યાં. બધા કલાકારો ટેન્શનમાં હતા, કારણ કે શોની જાહેરાત થઈ ગઈ હતી. હીરોનું નામ જાહેરાતમાં આપ્યું નહોતું, મેં નક્કી કરેલું કે શો તો થશે જ. જો મુકેશ મુખ્ય ભૂમિકા નહીં કરી શકે તો હું કરીશ, કારણ કે મને ખબર હતી નાટક સુજાતાથી અને તેની વાર્તાથી જ ચાલે છે. શો અનાઉન્સ થયો અને હાઉસફુલ એટલે શો તો કરવો જ પડે. મને યાદ છે કે હું અને મુકેશ પાંચ રાત ઊંઘ્યા નહોતા.  તેણે મારી સાથે દિવસ અને રાત ઉજાગરા કરીને રિહર્સલ કર્યાં અને શો કર્યો અને જે અમને ડર હતો કે દીપકભાઈ નથી તો પ્રેક્ષકો વાંધો ઉઠાવશે એ ભય ખોટો ઠર્યો. દર્શકોએ મુકેશને વધાવી લીધો. એ રાત્રે મને યાદ છે અમે સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ પર આવેલી સુદામા હોટેલમાં પાર્ટી કરી હતી કે શો સાંગોપાંગ પાર ઊતરી ગયો. પછી તો નાટક જબદસ્ત ચાલ્યું. અમારા નિર્માતા બિપિનભાઈ અને કનુભાઈને શાંતિ થઈ અને તેમણે મને‍ અભિનંદન આપ્યાં. તેમણે મને ઑફર આપી કે જો આ નાટક બસો શોથી વધુ ચાલશે તો તમારું. તેમને એમ હતું કે બસોથી વધુ શો કરવા અઘરા છે, કારણ કે એ જમાનામાં જૈન સોશ્યલ ગ્રુપ કે જૈન જાગૃતિ સેન્ટર નહોતાં કે વેચાતા શો લે. ઉપરથી સાઇકિયાટ્રિસ્ટ અને ડૉક્ટરોની ચીમકી હતી.

સાઇકિયાટ્રિસ્ટ્સ અને સાઇકોલૉજિસ્ટ્સ તેમ જ ડૉક્ટરોએ જે નાટકના  પાંચ શોથી વધુ શો કરવાની ના પાડી  હતી એ નાટકના  આઠસોથી વધુ શો  થયા.  પણ ‘ચિત્કાર’નાં ખેડાણ ભારે અઘરાં હતાં. એ વખતે નાટકોની જાહેરાત, લગભગ બધાં નાટકોની વ્રજલાલભાઈ વસાણી કરતા હતા. તે કહે એ જ નાટકને થિયેટરોની સારી ડેટ મળતી. બધા જાહેરાત તેમની પાસે જ કરાવે. થિયેટરના મૅનેજરો અને માલિકો તેમના મિત્રો એટલે તે કહે તેને જ ડેટ મળે અને બધા તેમને જ સલામ-દુઆ કરે. નવા નિર્માતાને તો એ વખતે ઑડિટોરિયમ મળવું જ મુશ્કેલ હતું. મને કોઈ પણ એજન્ટ પાસેથી ડેટ લેવી ગમતી નહીં. મને થતું કે કલાકારો અને જે સર્જનાત્મક, રચનાત્મક હોય તેમને વચેટિયાઓ પાસે જવાની શું જરૂર છે? આ તો શોષણ કહેવાય. હું આમ પણ એસ્ટાબ્લિશમેન્ટનો વિરોધી હતો. હું ઇન્ડિયન નૅશનલ થિયેટરમાં હતો અને એની સામે પણ મેં બળવો પોકાર્યો હતો. આપણાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ઇમર્જન્સી  વિરુદ્ધ પણ મેં શેરીનાટક કર્યું હતું, જેનું નામ હતું ‘ભારત હમારી માતા તો ક્યા બાપ હમારા હીજડા હૈ?’ આ શેરીનાટક મુંબઈ અને ગુજરાતમાં ખૂબ ચાલ્યું હતું, જેમાં આજની રંગભૂમિના ઘણા સમર્થ કલાકારોએ કામ કર્યું હતું. આ જલદી નાટક જોઈને પોલીસે અમને જેલમાં નાખ્યા હતા અને પછી અમે તેમની સામે એનો શો પોલીસ-સ્ટેશનમાં કર્યો ત્યારે ત્યાં હાજર બધા પોલીસો રડી પડ્યા હતા.  આ વિશેની વિસ્તારપૂર્વક વાત પછી ક્યારેક.

વ્રજલાલભાઈ એ સમયે મૉનોપોલી ધરાવે. બધાએ જાહેરાત તેમની પાસે જ કરાવવાની તો જ યોગ્ય થિયેટર નિર્માતાને મળે. એ વખતે પ્રચારમાં મનહર ગઢિયા (જેઓ હમણાં જ સ્વર્ગસ્થ થયા) અને દીપક સોમૈયા નહોતા. તેઓ કોઈ સમાચારપત્રમાં નોકરી કરતા હતા. ‘આપણું તો ભાઈ એવું’ નાટક વખતે પણ અમે વસાણીસાહેબની મદદ લીધી નહોતી. હું જાતે જાહેરાત બનાવું અને રોકડા ભરીને સમાચારપત્રોમાં જાહેરાત આપી આવું. અમને એ વખતે થિયેટર અપાવવામાં,  આઇએનટીના નિર્માતા લેખાતા બચુભાઈ સંપતે મદદ કરી હતી. તેઓ સ્વરૂપ સંપતના પપ્પા અને પરેશ રાવલના સસરા હતા. મેં બાળનાટકો કર્યાં ત્યારે કોઈની જરૂર નહોતી પડી. બાળનાટક છેલ અને છબો અને તોફાની ટપુડોના શો સવારે થતા અને ત્યારે રડ્યાંખડ્યાં બાળનાટકો થતાં એટલે કૉમ્પિટિશન નહોતી એટલે સપોર્ટ વગર ઑડિટોરિયમની તારીખ મળી જતી હતી. ‘ચિત્કાર’ નાટકને રજૂ કરવામાં ખરેખર તકલીફ પડી હતી. ત્યારે સંજય ગોરડિયા નાટકમાં રોલ કરે,  પ્રોડક્શન સંભાળે, મૅનેજરોને મળવા જાય; પણ મૅનેજરો દાદ ન આપે. ઘણા નાટ્યજગતના જૂના અને જાણીતા જોગીઓએ સલાહ આપી કે વસાણીના કૅમ્પમાં જોડાઈ જાઓ, એમાં જ ભલાઈ છે. પણ મારું મન માનતું નહોતું. મેં કલાકારોને કહી દીધું હતું કે જો થિયેટર નહીં મળે તો રસ્તા પર કરવું પડશે અને આશ્ચર્ય એ થયું કે બધાએ હા પાડી હતી. થિયેટર ન મળે ત્યાં સુધી રિહર્સલ કર્યા કરતો હતો. હું થિયેટરના મૅનેજરોને મળવા જતો, તેમને સમજાવતો અને ન સમજે તો ઝઘડતો; પણ કેમે કરીને ડેટ નહોતી મળતી. સમજાતું નહોતું કે અમારા નિર્માતાને શું કહેવું, કારણ કે તે પૈસા લગાવી ચૂક્યા હતા અને થિયેટરની ડેટ મળતી નહોતી. હું ભારે ભીંસમાં ભીંસાયો હતો. શું થશે? નાટક રજૂ થશે કે નહીં? નિર્માતાને શું જવાબ આપીશ? કલાકારોને શું કહીશ? સુજાતાનું આ નાટક રજૂ થશે કે નહીં? રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. અમે ભાંગવાડી થિયેટરમાં (ત્યારે થિયેટર બંધ થઈ ગયું હતું અને ત્યાં શૉપિંગ સેન્ટર બનતું હતું) ત્રણ મહિનાથી વધુ રિહર્સલ કર્યાં હતાં. રોજ હું સંજયને પૂછું કે ભઈ થિયેટરમાં રવિવારની તારીખ મળી? તે જવાબ ન આપે પણ ઉદાસ ચહેરો બનાવતો. એ જોઈ મને ખરેખર હસવું આવતું, પણ વાત રડવાની હતી એટલે હું મારો ચહેરો ગંભીર રાખતો. શું થશે? નાટક રિલીઝ થશે કે નહીં? આવતા અંકે તો જવાબ મળશે જ.

મોટિવેશનને માણો અને મોજ કરો

સૂરજ ઊગેથી લઈને આથમે ત્યાં સુધી કંઈ કેટલાંય સ્વરૂપ ધારણ કરતો હોય છે. રંગો બદલતો નજરે ચડે. ક્યારેક વાદળો એને ઢાંકી દે ક્યારેક કૉન્ક્રીટ જંગલનાં સ્કાયસ્ક્રેપરો એને છુપાવી દે.   ક્યારેક પૂર્વ દિશાની બારી વગરની છત એને આપણી દૃષ્ટિથી દૂર ધકેલી દે, પણ એનો અર્થ એ નથી કે એ નષ્ટ થઈ ગયો. આપણી  સૃષ્ટિમાંથી અદૃશ્ય થઈ ગયો. એ તો સતત છે. તમે  અલોપ થઈ જશો પણ એ યુગોના યુગો સુધી પ્રકાશ ફેલાવ્યા જ કરશે. એને ગ્રહણ લાગી શકે, પણ કોઈ ગ્રસી નહીં શકે. સતત રહેવાની એ જ મજા છે. લોકો તો કંઈ પણ બોલે; તમે એનાથી ડઘાતા નહીં, ઘવાતા નહીં. તમારા ધ્યેય તરફ પ્રકાશ ફેલાવતાં આગળ વધજો સતત. જીવન જીવવાનો એ જ જલસો છે. જીવનને જાણો, માણો ને મોજ કરો સતત.

latesh shah columnists